અગમ્ભીર એવું આપણું સર્જન

પંદર-સોળ વર્ષ પર એક એવો ગાળો આવ્યો જ્યારે આપણને સૅમ્યુઅલ બૅકૅટ, આયોનેસ્કો, એદેમોવ, આરાબાલ જેવા નાટ્યકારોમાં રસ પડ્યો. સ્વતન્ત્ર થયા પછીની આબોહવામાં કશીક નિર્ભ્રાન્તિ હતી. જે મૂલ્યનું રટણ કરતા હતા તે ઠાલા શબ્દો હોય એવું લાગવા માંડ્યું હતું.

આપણે આ દરમિયાન એક બાજુથી જૂની રંગભૂમિ, ભવાઈ, લોકનાટ્ય વગેરેના પુનરુદ્ધાર કરવાને ઉત્સાહી બન્યા હતા તો બીજી બાજુથી પોપ આર્ટ, હેપનિંગ્સ, શેરીનાટકો વગેરે પ્રવૃત્તિઓ કરવા તરફ ખેંચાયા હતા. થોડાક મિત્રો આ ગાળામાં યુરોપ-અમેરિકા ફરી આવ્યા હતા. તેમણે પણ ત્યાં જે જોયું તેની અહીં આવીને વાત કરી. ઘણા મુગ્ધ જન કંઈક ને કંઈક કરવાની વેતરણમાં પડ્યા. કશુંક નવું કરવાની આબોહવા તો હતી જ. જૂની રંગભૂમિની રૂઢિઓને વળગી રહેવાની જવાબદારી નહોતી. ‘અમે તો નવું બધું સમજીએ છીએ’ એવું કહેનારો શેખીખોર વર્ગ ભદ્ર લોકોમાં હતો જ. આમ ભૂમિકા રચાઈ ગઈ હતી. ત્યાં થોડાક અનુવાદો અને પ્રયોગો દ્વારા આપણું ધ્યાન ઉપર ગણાવેલા નાટ્યકારો તરફ ગયું.

ત્યાર પછી બે વસ્તુ બનવી જોઈતી હતી : જીવન સાથેના વધુ અપરોક્ષ અને સાચા સમ્બન્ધની સર્જકોને અનિવાર્યતા વર્તાવી જોઈતી હતી તથા સમકાલીન માનવસન્દર્ભને સમજવાનો સન્નિષ્ઠ પ્રયત્ન થવો જોઈતો હતો. પણ આને માટે ધીરજ કોનામાં હતી? જો એ બધું કરવા રહીએ તો નવું જૂનું થઈ જાય, આપણે પાછળ રહી જઈએ! સર્જનમાત્રમાં એક નવા પ્રકારની આસાની વર્તાવા લાગી. સર્જનપ્રવૃત્તિને ગમ્ભીરતાથી જોવી એ હાસ્યાસ્પદ લેખાવા લાગ્યું. કવિઓ જ પોતાની કવિતાને ચિરંજીવી બનતી અટકાવવા ભગીરથ પ્રયત્નો કરી રહ્યા હોય એવો આભાસ ઉત્પન્ન કરતા હતા. પરિસ્થિતિનું આવું તારણ કાઢવું તે આ પરિસ્થિતિ આટલી સાદીસીધી અને સરળ છે એવો ભ્રમ ઊભો કરે કદાચ. પણ મને લાગે છે કે હજી કશું મોડું થયું નથી. જેઓ સો ટકા સાચા સર્જક થવા સિવાય બીજી ખેવના રાખતા નથી તેઓ આ માટે હજી પ્રયત્નશીલ બની શકે તેમ છે. એમણે જે કરી જોયું છે તેથી એમને અમુક સૂઝ તો પ્રાપ્ત જ થઈ હશે એવી આપણે આશા રાખીએ.

બૅકૅટની આખી પ્રવૃત્તિ એક અર્થમાં આધ્યાત્મિક ખોજની છે, પણ આ આધ્યાત્મિકતા કોઈ ઈશ્વરનો મહિમા કરવા ઇચ્છતી નથી. એ અર્થમાં તો બૅકૅટ નિરીશ્વરવાદી છે તે સુવિદિત છે જ. બૅકૅટની પાત્રસૃષ્ટિમાંના દળદરી જેવા લાગતા ગંદા-ગોબરા, ગંદું કોઈ વાર બોલી પણ નાખનારા, વૃદ્ધોમાં એક પ્રકારનો રોષ છે : અકળામણ છે. એ લોકો જે ઝનૂનથી સૂત્રો રચે છે તેવા જ ઝનૂનથી એનો નાશ કરે છે. એ લોકો ઇહપરાયણ છે, અનન્ત કે શાશ્વત તરફ એમણે મીટ માંડી નથી. એ લોકો આ જગતનાં ચીંથરાં ઉડાડવા તત્પર છે, એટલું જ નહિ, પોતાને પણ છિન્નવિચ્છિન્ન કરવા તૈયાર છે. આ બધું શા માટે? આ કશાક ઠાલા વિદ્રોહનું કરુણ પ્રહસન છે? ના, મરતાં પહેલાં એમને એક વાત સમજી લેવાની પ્રબળ એષણા છે : માનવી હોવું એટલે શું?

આને કોઈ દેવદેવલાં સાથે કે ધામિર્ક સમ્પ્રદાય સાથે કે રાજકારણના કોઈ ડાબેરી-જમણેરી વાદ સાથે સમ્બન્ધ નથી. દેવ કે દૈવ બૅકૅટનાં નાટકોમાં અમાનુષી ક્રૂર ઠેકડી ઉડાવવા પૂરતા પ્રવેશે છે. કશીક ભક્તિભાવપૂર્વકની નિ:શબ્દ સ્તબ્ધતાથી દેવ કે દૈવ આગળ નતમસ્તકે ઊભા રહેવાનો અભિગમ બૅકૅટે સ્વીકાર્યો નથી; એમાં તણાઈખેંચાઈને આધ્યાત્મિક થવાના કશા અભરખા નથી. બૅકૅટના સન્તો કોઈ ઈશ્વર કે ધર્મની મદદ વિનાના જાતમહેનતથી બનનારા સન્તો છે. રૂઢિગત સન્તોના આચાર પ્રત્યે એમને અણગમો છે. એ લોકો તિરસ્કારમાં થૂંકે છે, દાંતિયાં કરે છે, પોતાની જવાબદારીને ટાળે છે. એમના વિચારો સાથે એ લોકો સદા પ્રવૃત્ત રહે છે : અવિરત એના સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર ચાલ્યા જ કરતા હોય છે. આ વિચારો પણ ઝાઝા નથી – એમ કરતાં કરતાં એઓ સૂત્રબદ્ધ થઈ શકે નહીં એવા શુદ્ધ અણનમ જીવનસત્ત્વને આંબવાની અણી પર હોય છે. જીવનસત્ત્વની આ નિકટતા એમના મુખ પર એક આભા લાવી દે છે. રોબર્ટ માટિર્ન એડમ્સે, બૅકૅટની કૃતિઓ વિશેની એમની, સંક્ષિપ્ત પણ મૂલગામી, આલોચનામાં આ મુદ્દો સારી રીતે ઉપસાવી આપ્યો છે. કેમ્યૂની નવલકથા ‘ધ પ્લેગ’માંનું પાત્ર પણ ઈશ્વરહીન જગતમાં સન્ત થઈને જીવવાની પોતાની જવાબદારીને સ્વીકારે છે. સૌથી પ્રથમ સન્તોએ ઈશ્વરને ખભેથી ઊતરવું પડશે એમ લાગે છે!

એમના મુખ પરની આ આભા તે પૃથ્વીથી ઉપરના કશા ઊર્ધ્વલોકમાંથી આવતી નથી. આપણે પણ રોજિન્દા જીવનક્રમ દરમિયાન એકાદ વાર કશીક તુચ્છ લાગતી વાત વિશેની પણ પારદર્શક સૂઝ પામીએ છીએ ત્યારે એવી જ આભા આપણા મુખ પર પણ ચમકી જતી હોય છે. માણસને આવી પળે ઝડપી લેવો જોઈએ; એની આ આભામણ્ડિત છબિનો સાહિત્યે સંચય કરવો જોઈએ. આ કશું ગુહ્ય પરમ તત્ત્વ નથી. એની આગળ સરસ્વતીચન્દ્રના આધ્યાત્મિક ઉદ્ગારો, મુનશીના મુંજાલની અસ્મિતાનો ઘોંઘાટ કે દર્શકની નવલકથામાંનો એકતારો ઝાંખા પડેલા લાગે છે. એમનાં પાત્રો જીવનની મોઢામોઢ આ રીતે ઊભાં નથી. દિલચોરી કરીને પાછલે બારણેથી ભૂતકાળમાં સરી ગયાં છે. હવે ભૂતકાળના નેપથ્યમાંથી બહાર નીકળી આવવાનું મુહૂર્ત આવી લાગ્યું છે.

આનું પ્રત્યક્ષીકરણ કળામાં થાય છે ત્યારે એ નાટ્યપ્રકારને ટ્રેજેડી કહીને ઓળખાવવો કે કોમેડી કહીને તે પ્રશ્ન ઝાઝો મહત્ત્વનો નથી. એ બધા પરમ્પરાગત ખ્યાલો હવે, સબળ સર્જકો આવશે, તેમ તેમ છૂટતા જશે. બૅકૅટે પોતાનાં નાટકોમાં આ બધાંનો કેવો વિધ્વંસ કર્યો છે? એ ભંગારની ભવ્યતા આગળ પણ ઘડીક નમ્ર બનીને ઊભા રહેવા જેવું છે. આપણે ત્યાં તો થોડી વાર બૅકૅટને રવાડે ચઢીને અળવીતરાં કર્યા પછી વળી એ જ રૂઢિગત પાત્રાલેખનની અને સંઘર્ષની, કાર્યવેગ અને ભાગ્યની આસમાનીસુલતાનીની દેશી નાટકસમાજની રીતરસમ સ્વીકારીને નાટ્યકાર ફરી પાછો ભાંગવાડી ભેગો થઈ જાય છે; પછી રાજી થયેલા પુરાણમતવાદી વૃદ્ધો આને પરમ્પરા સાથેના સિદ્ધ થયેલા અનુસન્ધાનને નામે ચતુર્મુખે વખાણે છે.

હવે કાર્યવેગ, વસ્તુઉઘાડ, પાત્રાલેખન, ઘટસ્ફોટ વગેરેને સ્થાને માનવીઓ ધીમે ધીમે, કશા ઘટાટોપ વિના, એકબીજાની આગળ ઊઘડતા આવે છે; એમને માનવ-નિયતિનો આછો આભાસ થાય છે. આને કારણે એઓ માનવીમાનવી વચ્ચેની એકતા અનુભવે છે. મનની સમપરિમાણી રચનાઓ, એકસરખી મન:સ્થિતિઓ અને વિશ્વ – આ બધું જાણે એકબીજામાં અનાયાસ વિગલિત થતું જાય છે. આ અનુભૂતિ સુધી હજી આપણે પહોંચ્યા નથી.

22-6-79

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.