ધ લાસ્ટ ઓવ્ ધ જસ્ટ

આપણા આ જમાનાની સંવેદનાને મૂર્ત કરી આપનારા સર્જકોની કૃતિ સાથે આપણો ઘનિષ્ઠ સમ્પર્ક હોવો જોઈએ. માનવીને જોડનારી કડી આજે તો એ જ છે; નહિ તો રાજકારણ માનવીને જુદા જુદા પક્ષોમાં વિભક્ત કરે છે. ઉગ્ર રાષ્ટ્રવાદ માનવીને માનવી સામે જ આક્રમક બનવા પ્રેરે છે. ધર્મની સામ્પ્રદાયિકતા પણ ભારે ઝનૂની હોય છે. આથિર્ક અસમાનતાથી ઊભો થતો વર્ગભેદ ઘણીબધી સમસ્યાઓને સર્જે છે. માનવીને માનવીથી નોખો પાડનારાં બળો ઘણાં છે. એ બળોની સામે ઝૂઝવાને આપણી સંસ્કૃતિ પાસે કશાં સમર્થ સાધનો છે ખરાં?

આન્દ્રે શ્વાર્ત્ઝ-બાર્ટની નવલકથા ‘ધ લાસ્ટ ઓવ્ ધ જસ્ટ’ હમણાં વાંચી ત્યારે આ પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા. યહૂદીઓના લેબી કુટુમ્બમાં પ્રજાનાં દુ:ખ માથે લઈને ભગવાનની કરુણતાને પૃથ્વી પર વહાવવામાં નિમિત્તરૂપ આવા સન્તપુરુષ દર પેઢીએ થાય છે એવી માન્યતા આ કથાનકના કેન્દ્રમાં છે. બારમી સદીના આવા પ્રથમ ‘જસ્ટમેન’ રબાઈ ઓમ ટોવ લેવીથી માંડીને તે આપણી સદીમાં હિટલરે યોજેલા યહૂદીઓના અભૂતપૂર્વ હત્યાકાંડ સુધી કથાનો પટ વિસ્તરેલો છે. એમાં નોંધવા જેવી વાત એ છે કે કશો અનુચિત અભિનિવેશ કે ચિત્કાર તેમાં નથી. તિતિક્ષા છે, રોષ નથી. વળી યાતનાની વાતને ઘેરી ઘૂંટવાનો પણ પ્રયત્ન નથી. બધું અત્યન્ત સંયત અને ગૌરવપૂર્ણ છે. ઘણી વાર દુ:ખ ભોગવવાથી માનવીને આગવી ગરિમા પ્રાપ્ત થાય છે તો ઘણી વાર માનવી દુ:ખથી દોદળો, દયાજનક જ નહિ પણ જુગુપ્સાજનક પણ બની જતો હોય છે. કથા સમથળ વહ્યા કરે છે. યાતનાના પ્રસંગો ઘણા છે, પણ આક્રોશ નથી. ભાષામાં બાઇબલની ભાષાની પ્રાંજલતા છે, અનાયાસ વહી આવતી કવિતા છે.

વતનની માયા બંધાય ના બંધાય ત્યાં આફત ઊતરી આવે, ઉચાળા ભરવા પડે; મૃત્યુનો પડછાયો ખસે નહિ. નિશાળનાં બાળકો ઇસુને શૂળીએ ચઢાવવાનું નાટક ભજવે છે ને પછી એને મરણતોલ માર મારે છે. આ પછી અર્ની કાતરિયામાંથી કૂદીને મરણ દ્વારા આ બધી યાતનામાંથી છૂટવા ઇચ્છે છે. કાંડા પર કાપ મૂકીને લોહી વહાવે છે અને પછી કૂદકો મારે છે. આ કિશોરના આત્મહત્યાના વર્ણનમાં ખૂબ જ ઊંચા સ્તરની કાવ્યમયતા ઊપસી આવી છે. નાનાં બાળકો જે રીતે મરણની નિકટતાને અનુભવે છે તેનું વર્ણન પણ ભારે સંયત અને પ્રભાવશાળી છે. એવે વખતે અર્ની હિટલરના પાશવી સૈનિકોના અત્યાચારનો સાક્ષી જ નહિ પણ ભોગ બને છે. એને પણ ‘જસ્ટમેન’ની વાત સાંભળી છે. એ એના દાદાને પૂછે છે, ‘આ જસ્ટમેન’ જીવનમાં શું કરતા હોય છે?’ એના જવાબમાં દાદા કહે છે, ‘દીકરા, આ સૂરજને જ આપણે એને આપણે માટે કશું કરવાનું કહીએ છીએ? એ એની મેળે ઊગે છે ને આથમે છે, એ આપણા આત્માને આનન્દથી ભરી દે છે.’ પણ બાળકને એટલાથી સન્તોષ નથી. ‘સૂર્યનું તો ઠીક, પણ આ સન્તો શું કરે છે?’ દાદા મૃદુ અવાજે કહે છે, ‘આ સન્તોનું પણ સૂર્યના જેવું જ. એ લોકો પણ ઊગે અને આથમે, બસ બધું એથી રૂડું લાગે. તું જો એવો થશે તો તને સમજાશે કે તારામાં એક જ્યોતિ પ્રકાશી રહ્યો છે.’

આ અર્નીનો સન્તપુરુષ હોવાનો દાવો છે, પણ એનો સન્ત તરીકેનો મહિમા આપણે અનેક રીતે અનુભવવા માંડીએ છીએ. સંત હુતાત્મા હોય છે એનો એને ખ્યાલ આવી ગયો છે. આ બાળક પોતાની હથેળીને દીવાસળી સળગાવીને બાળે છે, મોઢામાંથી અરેરાટી નીકળતી નથી. આ એની પ્રથમ દીક્ષા પછી તો એ હાથમાં જાણે ભઠ્ઠી ધખી ઊઠી. એથી એના મુખ પર સ્મિત ફરક્યું. એને લાગ્યું કે ભવિષ્યમાં શહાદતને વહોરી લેવાનો પ્રસંગ આવશે ત્યારે ઈશ્વર એને માટે એને યોગ્ય ગણશે. ઇલ્સે નામની કન્યા સાથેના એના પ્રથમ પ્રેમપ્રસંગ પર પણ આ જ કરુણતાની છાયા પ્રસરી રહે છે. ક્રેમેર નામના શિક્ષકની આ બે માટે સહાનુભૂતિ હોય છે, પણ નાઝીઓ એને નિશાળમાંથી હાંકી કાઢે છે. ગીક નામનો ક્રૂર નાઝી ક્રેમેરને સ્થાને આવે છે ને યહૂદી વિદ્યાર્થીઓને એ ક્રૂર બનીને શિક્ષા કરે છે. નદીમાં જઈને અર્ની ડૂબી મરવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યારે તો એ બની શકતું નથી. ભવિષ્યની વધુ ઉત્કટ યાતના સહેવા માટે જ જાણે એ બચી જાય છે. આ પછી એ ગામ છોડીને એ ભાગી જાય છે.

આમ સમય વીતતો જાય છે. ઓગણીસસો આડત્રીસની અગિયારમી નવેમ્બરે બુખેનવાલ્ડમાં દસ હજાર યહૂદીઓને રસમ મુજબ ‘આવકારવામાં’ આવ્યા. લાઉડસ્પીકર પરથી જાહેરાત થઈ : ‘જે યહૂદીને જાતે ફાંસો ખાઈને મરી જવું હોય તેણે કૃપા કરીને મરતાં પહેલાં પોતાના નામની કાપલી મોઢામાં મૂકવી જેથી એ કોણ હતો તે અમે કહી શકીએ.’ આ દરમિયાન લેબી કુટુમ્બ પેરિસ પહોંચ્યું. બીજું વિશ્વયુદ્ધ જાહેર થયું. જર્મન નાઝીની સામે લડવા માટે અર્ની ફ્રાન્સના સૈન્યમાં જોડાયો. કુટુમ્બથી વિખૂટો પડી ગયો. પછી એણે કોઈ કુટુમ્બીને જોયા નહિ. પણ આ દરમિયાન અર્ધું ફ્રાન્સ તો શરણે થઈ ચૂક્યું હતું.

આ ગાળામાં પેરિસની એક વેશ્યા એને મળે છે ને પૂછે છે ‘કેમ પ્રેમ નથી કરવો?’ અર્ની કહે છે, ‘ના, મારું મન ફરી ગયું છે. મહેરબાની કરીને આ પૈસા લઈ લે ને મને જવા દે.’ વેશ્યાને અનુકમ્પા થાય છે. એ પૂછે છે : ‘શું કાંઈ માંદો થયો છે? કાંઈ આફત ઊતરી છે? હું તને નથી ગમતી? તારી આંખોમાં કેટલું દુ:ખ છે! તું અહીં આવી ચઢેલો અજનબી લાગે છે.’ અર્ની કહે છે : ‘દુ:ખ મારે માટે છે જ નહિ.’ યાતના ભોગવવી પણ બીજાની જેમ એનું નામ પાડવું એનો પણ એને ક્યાં અધિકાર છે? અર્ની અહીંથી એનો બીજો ભવ શરૂ થયેલો ગણે છે. કોઈ રાષ્ટ્ર પોતાના પનોતા પુત્રને ખોઈ નાખે એ તો આજ સુધી બનતું હતું, પણ હવે તો માનવીઓ પોતાના રાષ્ટ્રને ખોઈ બેસે છે! પહેલાં ક્યારેય આવું સાંભળ્યું હતું?

આ પછી એ ગોલ્ડા નામની પગે લંગડાતી યહૂદી કન્યાને મળે છે. આસન્ન મરણની છાયામાં એમનો પ્રેમ પાંગરે છે. ગોલ્ડા પૂછે છે, ‘તું કાલે આવીશ ને?’ અર્ની શાન્તિથી જવાબ આપે છે. ‘હા, આવીશ સ્તો. હું કાંઈ મારા પડછાયાને થોડો જ મોકલી શકવાનો હતો!’ ગોલ્ડાનો પગ નાસભાગમાં જ કચડાઈ ગયો હતો. ગોલ્ડા અર્નીને કહે છે, ‘હું તો આદમની પહેલાં પણ હતી. મેં મારા વસ્ત્રના બે રંગો વારાફરતી બદલ્યા કર્યા છે. હજારો વર્ષ વીતી ગયાં છે, પણ હું બદલાઈ નથી. હું કોણ છું?’ પછી પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે : ‘હું છું કાળ. મારા બે રંગ તે રાત અને દિવસ.’ ખ્રિસ્તીઓ યહૂદીને આટલા બધા શા માટે ધિક્કારે છે તેનું એને અચરજ થાય છે. પછી ગોલ્ડા કહે છે, ‘ચાલો, આપણે પરણી જઈએ.’ અર્ની કહે છે, ‘વારુ, આવતી કાલે.’ ગોલ્ડા પૂરી સ્વસ્થતાથી કહે છે, ‘આવતી કાલે? કદાચ બહુ મોડું થઈ જશે!’ અને બન્યું પણ એવું જ. બીજે દિવસે અર્ની ગોલ્ડાને મળવા ગયો ત્યારે તો નાઝીઓ એ કુટુંબને યાતનાછાવણીમાં ધકેલી ચૂક્યા હતા! એ ઘરની દેખરેખ રાખનાર બાઈ એને માઉથઓર્ગન આપે છે. ગોલ્ડા એ વગાડતી. જર્મનોએ એને પગ નીચે કચડી નાખ્યું હતું. એમાંથી હવે કર્કશ સૂર નીકળતો હતો. ગોલ્ડા અર્ની માટે આટલું સંભારણું મૂકી ગઈ હતી.

આ પ્રેમનો મહિમા એવો હતો કે અર્ની ખબર કાઢીને દ્રાન્સીની યાતનાછાવણીમાં સ્વેચ્છાએ પહોંચી જાય છે. ત્યાં ગોલ્ડાને એ ખોળી કાઢે છે. જુએ છે તો ગોલ્ડાનું મોઢું ધોળું ફક છે, સૂઝી ગયેલું છે. આંખની આજુબાજુ કાળાં ચકામાં છે. છેલ્લે એની મરણ તરફની એમની સહયાત્રાનું વર્ણન એની સ્વસ્થતાને કારણે હૃદયવિદારક નીવડે છે. નાનાં બાળકો ગાડીના ડબ્બામાં જ મરતાં જાય છે. અર્ની એમને વેદના ભુલાવવા પગ પર ઝુલાવે છે. છેલ્લે લેખક માત્ર એક જ વાર કહે છે, ‘હું એવો થાકી ગયો છું કે મારી કલમ હવે અક્ષર પાડી શકતી નથી. વેદનાથી હૃદય ભાંગી જાય એ ખરું પણ મને લાગે છે કે અર્ની લેવી સાઠ લાખ વાર મરી ગયો છતાં હજી જીવે છે.’

12-10-79

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.