જ્યોર્જ સિમેનોનની સૃષ્ટિમાં

આ દિવસોમાં કશાક અપાથિર્વ વજનથી હૃદય ભારે ભારે થઈ જતું લાગે છે. એવી ગમ્ભીરતા વ્યાપી જાય છે કે જાણે એમાં ઊંડે ને ઊંડે ખૂંપી જવા સિવાય કશું કરવાનું રહેતું નથી. આથી અકર્મણ્યતાના થર પર થર જામતા જાય છે. એને ભેદીને ક્યારેય કર્મનો અંકુર ફૂટશે કે કેમ તે કહી શકાતું નથી. તો શું કરવું? મૅક્સિકન નવલકથાકાર અને ચિંતક કાર્લોસ ફ્યુએન્ટીસની ‘ટેરાનોસ્ટ્રા’ નામની પોણાઆઠસો પાનાંની નવલકથા લઈને બેસું? સ્પેનનો રાજા ફિલિપ બીજો આ સંસારથી જુગુપ્સા પામીને એનાથી અળગો સરી ગયો છે. એ મઠ અને અન્તિમ વિરામસ્થાન બંધાવી રહ્યો છે. એ દ્વારા એ સમ્પૂર્ણતાનો ખ્યાલ રજૂ કરવા ઇચ્છે છે. એ ભગવાનનાં મહિમાનું અકલુષિત પ્રત્યક્ષીકરણ બની રહેશે એવી મહેચ્છા સાથે. એની આવી ભાવના લેખકને અભિમત તો નથી જ. એને એ એક પ્રકારની આત્મવિનાશક વિકૃતિ જ લાગે છે. એની ગ્રેનાઇટની દીવાલો પાછળ ગાઢા અન્ધકાર સિવાય બીજું કાંઈ નહીં હોય, લેખક કહે છે, ‘સમ્પૂર્ણ વ્યવસ્થા જ સમ્પૂર્ણ આતંકનું પ્રારમ્ભબિન્દુ બની રહે છે.’ આવા કબર જેવા, બંધ મહાલયને બદલે અમને તો ખુલ્લાં ઉદ્યાનો જ ગમે. ચાબૂક ફટકારવાને બદલે બીજારોપણ કરવું ઘટે, એકવિધતાને સ્થાને વૈવિધ્ય લાવવું જોઈએ. અપરિવર્તનશીલ અવિકારી અનન્તને બદલે આપણને તો અજસ્ર વહ્યો જતો માનવીય સમય જ વધુ ગમે. એમાં બધી જ સમ્ભવિતતાને સ્થાન છે. સદા નવીન બનતી જતી આ પરિચિત પૃથ્વી જ આપણને તો પ્રિય લાગે. હા, એમાં સરમુખત્યારોનો દમનનો કોરડો વીંઝાતો નહિ હોવો જોઈએ. એમાં સ્ત્રીપુરુષોના સમ્બન્ધો, વિધિનિષેધ વિનાના, મુક્ત હોવા જોઈએ. એમાં પ્લેગનો કે દેવોનો ઝાઝો ઉપદ્રવ નહિ હોવો જોઈએ. એમાં સ્મારકો અને પૂતળાંઓ નહિ હોવાં જોઈએ.

ફિલિપ બીજાના જેવી જ કશીક મહેચ્છાને વશ થઈને લેખકે આ નવલકથા લખી છે. એમાં વીસ શતાબ્દી જેટલો સમય આવરી લેવાયો છે. આપણને તો આ કૃતિ એક અશક્યવત્ સાહસ જ લાગે. અત્યાર સુધી લખાતી આવતી વાસ્તવવાદી અને જીવનના એકાદ ખણ્ડનું પ્રતિબિમ્બ આપી છૂટનારી નવલકથા ફ્યુએન્ટીસને રુચતી નથી. જીવનના ખણ્ડને બદલે કલ્પનાનો ખણ્ડ એમને વધારે રુચે છે. આજથી અગિયારેક વર્ષ પહેલાં એઓ સ્પૅન ગયા ત્યારે ફિલિપ બીજાએ બંધાવેલું એ મહાલય ‘એસ્કોરિયલ’ એણે જોયું. સ્પૅનિશ પ્રજાના મિજાજના વિરોધી એવા પ્રતીકરૂપ એને એ લાગ્યું. મૂર શૈલીનો મહેલ એની સરખામણીમાં ખુલ્લો હતો, પુષ્પખચિત હતો અને એમાં પ્રકાશ મુક્તપણે વિહરતો હતો. પણ આવા દિવસોમાં મનેય ‘એસ્કોરિયલ’ જેવા મહેલમાં પુરાઈ રહેવાનું ગમે નહિ. આથી એ સાતસો-આઠસો પાનાંનો વિસ્તાર ખૂંદવાનું હાલ તો માંડી વાળું છું. તો શું કરું? જ્યોર્જ સિમેનોન વાંચું? અમને કેટલાક મિત્રોને સિમેનોન માટે આગવો આદર છે. અમે તો એનો એક સમ્પ્રદાય જ સ્થાપવા ઇચ્છીએ છીએ. અત્યારે અમે એની જે કૃતિ મળે તે ખરીદતા રહીએ છીએ. ભવિષ્યમાં એ વિશે જ્ઞાનસત્રો સંવિવાદો યોજીશું. આલ્બેર કેમ્યૂએ અને સાર્ત્રે પણ એનો પ્રભાવ સ્વીકાર્યો છે. કેટલાકે એની સરખામણી બાલ્ઝાક જોડે કરી છે. એઓ કથાવસ્તુ અને પાત્રોના વૈવિધ્યમાં કોઈને પણ હંફાવે એવા છે. પ્રખ્યાત ફ્રેન્ચ લેખિકા કોલેતે એમને કહેલું, ‘તમારામાં સાહિત્યિકતા અતિમાત્રામાં છે, એને દબાવી દો એટલે સફળ થશો.’ સિમેનોને આ સલાહ સ્વીકારી લીધી. ગ્રેહામ ગ્રીનમાં કે હેમિંગ્વેમાં છે તેવી સાહિત્યિકતા એમણે સભાનતાપૂર્વક ટાળી છે. એમના વર્ણનમાં કશું બહેલાવ્યા વિના કહેવાતું હોય છે. એ ‘ફલેટનેસ’ ભારે અસરકારક નીવડે છે. એમાં માનવમાનસનું આલેખન એવી રીતે થાય છે કે આપણે પરવશ બનીને એ સ્વીકારી લઈએ છીએ. સિમેનોનનું પાત્ર એક જાળમાં ફસાયું હોય છે. એ જાળ હોય છે રોજ-બ-રોજના રેઢિયાળ જીવનની – એની આથિર્ક આંટીઘૂંટી, કામાવેગનું કૃત્રિમ નિયન્ત્રણ. એક બિન્દુ એવું આવે છે જ્યારે એકાએક આ સાવ સામાન્ય લાગતો આદમી એ જાળને ભેદીને એની બહાર નીકળી જવાનું દુસ્સાહસ કરી બેસે છે. એ એવાં કાર્યો અને સમ્બન્ધો સ્થાપતો દેખાય છે જે આપણને બુદ્ધિહીન લાગે, પણ સિમેનોનની નિરૂપણરીતિનો પ્રભાવ એવો હોય છે કે એ વિશે આપણે સાશંક બનતા નથી. લેખકનું તાટસ્થ્ય લગભગ અમાનુષી, એક ટેઇપરેકોર્ડર જેવું લાગે છે. સિમેનોનને કોઈ રાજકીય કે ધામિર્ક, સામાજિક, આધ્યાત્મિક અભિગમની હિમાયત કરવાની નથી. આ તાટસ્થ્યથી જ એની વાર્તાઓ ભપકેદાર બને છે અને આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે. ઘણી વાર આપણે નવલકથાને બદલે ફિલ્મસ્ક્રીપ્ટ વાંચી રહ્યા હોઈએ એવું લાગે છે. ઇન્સ્પેક્ટર માઇગ્રેની વાર્તાઓમાં ઇન્સ્પેક્ટરનું પાત્ર કંઈક વધુ સજીવ બને છે. એનો દરેક કૃતિમાં ક્રમશ: વિકાસ થતો દેખાય છે. છેલ્લી નવલકથાઓમાં માઇગ્રે એક ક્લાન્ત ફિલસૂફ જેવો લાગે છે.

15-8-78

License

પશ્યન્તી Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.