કવિનું મૃત્યુ અને તેય પરદેશના કવિનું! આપણને શું લાગેવળગે? ગણપતિપૂજા વિશે એક વિદ્વત્તાભર્યો લેખ લખીએ, દ્વિશતાબ્દી નિમિત્તે દયારામને સંભારીએ, બદલાતી ઋતુનાં ચિહ્નો પારખીને એને વિશે લખીએ કે પછી રાજકારણ વિશે થોડું ડહોળીએ, એકાદ પુસ્તક વાંચ્યું હોય (વાંચવાનીય શી જરૂર? એ વિશે વાંચ્યું હોય કે પછી કોઈ પાસે સાંભળ્યું હોય તોય બસ!) તેને વિશે થોડું ટાહ્યાલું કરીએ તો ચાલે.
અમેરિકી કવિ રોબર્ટ લોવેલનું તાજેતરમાં મૃત્યુ થયું. એમનો પરિચય તો મને મોડો મોડો થયેલો. જુવાનીના પ્રારમ્ભમાં તો દક્ષિણ અમેરિકાના, સ્પૅનના કવિઓ તરફ આકર્ષાયો હતો. પછી રિલ્કે અને વાલેરીએ મનને પ્રભાવિત કર્યું. વિલિયમ કાર્લોસ વિલિયમ્સનું ‘પેટર્સન’ મહિનાઓ સુધી વાંચ્યું. એ રસ્તે થઈને ફરી ‘વેઇસ્ટ લૅન્ડ’માં પ્રવેશ કર્યો. મારી કાવ્યસૃષ્ટિની યાત્રા મનસ્વીપણે ચાલતી રહી છે.
છન્દમાંથી મુક્તિ, આકારમાંથી મુક્તિ – કાવ્યનું આ મોક્ષપર્વ ચાલે છે. પણ કવિઓ આ મુક્તિને પરિણામે શું નિષ્પન્ન કરે છે એ પણ જોવું જોઈએ. મને લાગે છે કે આપણો કવિ આપણી સમસ્ત કાવ્યપરંપરાને આત્મસાત્ કરતો નથી. એ કર્યા વિના જ એ પ્રવર્તતી કોઈક ફેશન તરફ વળી જાય છે. પછી જાણે એને માથે એ નવી રીતિના પ્રવર્તકસંવર્ધકની જવાબદારી આવી પડે છે. પોતે જ પોતાનામાંના કવિને પદભ્રષ્ટ કરીને એ કાવ્યરીતિના પ્રચારકને ગાદીએ બેસાડી દે છે. કાવ્ય તો પશ્ચાદ્ભૂમાં સરી પડે છે!
રોબર્ટ લોવેલને વિદ્યાર્થીકાળમાં ફ્રેન્ક પાર્કર નામના ચિત્રકાર જોડે મૈત્રી હતી. ચિત્રની રચનારીતિમાં એમને રસ પડ્યો. એ કાવ્ય દ્વારા સિદ્ધ કરવા તરફ એઓ આકર્ષાયા. નવી કવિતા વિશેનું વિવેચન વાંચીને પણ એમને કાવ્યરચનાના પ્રયોગો કરી જોવાનો રસ પડ્યો. એમ તો ફૂટબોલના ખેલાડી થવાનોય એમને શોખ હતો. પહેલાં વાંચ્યું ઘણું, લખવા તરફ ત્યારે એટલો બધો ઝોક નહોતો. પછી રિચાર્ડ એબરહાર્ટ જેવા કવિ એમને ગુરુ તરીકે સાંપડ્યા એ એમનું સદ્ભાગ્ય. આ ઉપરાંત એલન ટેઇટ જેવા વિવેચક અને કવિનો મૈત્રીભર્યો સહચાર પણ એમને સાંપડ્યો. શરૂઆતમાં રેન્સમ ‘કેન્યોન રિવ્યૂ’ના તંત્રી હતા ત્યારે, એમને કાવ્યરચનામાં ઉત્તેજન આપ્યું ખરું પણ એમની કૃતિ પ્રસિદ્ધ કરી નહીં. એમની કૃતિઓમાં એમને વધારે પડતી દુર્બોધતા લાગતી હતી. વળી એમાં બધું ગંઠાઈ જઈને ભારે ભારે થઈ ગયું હોય એવું લાગતું હતું. આ દરમિયાન એમણે કવિતા લખવાનું લગભગ છોડી જ દીધું. બે કે ત્રણ કવિતા લખતાં વર્ષ નીકળી જતું. પ્રથમ તો ધર્મભાવની પ્રતીકાત્મક કવિતા લખવા તરફનું વલણ હતું. ધીમે ધીમે પ્રતીકાત્મક કવિતા લખવી છોડી દીધી. ઇતિહાસની અને સંસ્કૃતિની સંવેદના હોવી એ એમને મન કાવ્યરચના માટે મહત્ત્વનું છે. એઓ બહુશ્રુત પણ હતા. એમને જે કવિતા પોતાના કવિતાપણાને પ્રગટપણે ઉપસાવી આપે એવી કવિતા ગમતી નહોતી.
આપણા જમાનાનાં આદર્શ સાહિત્યસ્વરૂપો એમને મતે નવલકથા અને અમુક પ્રકારની ટૂંકી વાર્તાઓ છે. ટોલ્સ્ટોયના જેવું વિશાળ અનુભવનું ફલક હોય તે એમને મતે ઇચ્છનીય છે. માનવઅનુભવની સમૃદ્ધિ સરળ, નિરાડમ્બર ભાષામાં પ્રગટ થવી જોઈએ. પણ કાવ્યરચનાનો એક બીજો પ્રકાર પણ છે. એમાં સઘનતા હોય, જે લયપૂર્ણ હોય અને જેને બળપૂર્વક અલ્પમાત્ર અવકાશમાં ખેંચી આણ્યું હોય. ગદ્યમાં આ શક્ય ન બને.
છન્દ સ્વીકારવા છતાં મુક્તિ માણવી – દરેક કવિની આ એક મૂળભૂત સમસ્યા હોય છે. લોવેલે કહ્યું છે કે એમની પેઢીના નવા કવિઓ રૂપરચનામાં ભારે દક્ષતા કેળવી શક્યા છે. એઓ સંગીતમય પણ દુર્બોધ કવિતા ભારે દક્ષતાથી લખી શકે છે. આટલી દક્ષતા કદાચ પહેલાં નહોતી. પણ આ બધી રચનાઓનો સંસ્કૃતિ સાથેનો સમ્બન્ધ છૂટી ગયો છે. એમણે એક વિશિષ્ટ અંશ પૂરતી જ પ્રવીણતા કેળવી છે. આથી આપણા જમાનાના અનુભવની વ્યાપકતા અને સંકુલતાને એઓે આવરી લઈ શકતા નથી. એમણે કસબ વિકસાવ્યો છે, પણ જીવન સાથે કામ પાડવાનું હજી બાકી છે. આ જમાનાનું ગદ્ય એમને પદ્ય કરતાં વધુ ઉત્તમ લાગે છે. કવિઓમાં કોઈ સેલિન્જર કે સોલ બેલોની કક્ષાનું નથી. ગદ્યમાં વિક્ષિપ્તતા છે. લાંબી રચનામાં સઘનતા જાળવી રાખવી એ એક અઘરું કામ છે. આથી વાસ્તવમાં નવલકથા એ સાહિત્યનું એક દુ:સાધ્ય સ્વરૂપ છે.
લોવેલ પોતાના વિદ્યાર્થી અને પોતાનાથી વયમાં નાના એવા કવિ સ્નોડ ગ્રાસ પાસેથી પણ શીખ્યા હોવાનું નમ્રતાપૂર્વક સ્વીકારે છે. આપણે ત્યાં આવી નમ્રતા કોનામાં છે? કેટલીક વાર સભાનપણે કવિ લાગણીવશ થવાનું ટાળે છે, ત્યારે કવિતાને વણસાડી મૂકે છે. જો લાર્ફોગમાં પૂરતી માત્રામાં લાગણી ન હોત તો એ કવિ તરીકે નિષ્ફળ ગયો હોત. કૃતક લાગણીવશતા અને સાચી લાગણી વચ્ચે વિવેક કરવાની કોઈ રીત તો હોવી જ જોઈએ. વિષયને લાગણીઘેરો બનાવી મૂકવો અને પોતાને જે લાગણી થઈ ન હોય તેનું મલાવી-મલાવીને આલેખન કરવું તે કાવ્યવિઘાતક નીવડે. લાફોર્ગ કંઈક તરંગ જેવી હળવી, નાનકડી નાજુક ઊમિર્ઓને નજાકતથી આલેખે છે, ભલે ને લોકોને એવી લાગણી નહીં થતી હોય. આમ ભંગુર લાગે, પણ એ ભંગુરમાં થઈને જ કાવ્યને પોષણ આપતી ધોરી નસ જતી હોય.
એમને પોતાને વિશે ઘણો અસન્તોષ છે. એમને લાગે છે કે એમની સમગ્ર અનુભૂતિને એઓ નિરૂપી શક્યા નથી. એટલું જ નહિ, એના મહત્ત્વના અંશોને નિરૂપવાનું પણ એમનાથી બની શક્યું નહિ, પણ કવિએ ઝાઝો લોભ રાખવો નહીં. જેટલી શક્તિ હોય તેથી વિશેષ જો કોઈ કરવા જાય તો એ ફિસ્સું પડી જાય. આપણી ઊમિર્ને કોઈ પાત્ર દ્વારા, પ્રતિરૂપ દ્વારા વ્યક્ત કરીએ તે જ ઠીક. એમ કરવામાં જ કવિ સૌથી વિશેષ સ્વતન્ત્રતા માણી શકે છે. કવિ હકીકતનો દાસ નથી. એ હકીકત જોડે લીલા કરી શકે છે. હકીકત તો નિમિત્ત છે. તમે એના અમુક અંશો સાવ બાદ કરી નાંખો, કોઈકને મહત્ત્વ આપો. કાવ્યનાં ઘટકોને સન્તુલિત કરવા માટે તમે હકીકતમાં જરૂરી ફેરફાર કરી શકો. આ બધાંને અન્તે એક શરત તો છે જ : વાચકને એ પ્રતીતિકર લાગે એવું કાવ્યમાં બની આવ્યું હોવું જોઈએ.
પહેલાંની રચનાઓમાંથી માત્ર અમુક નીવડી આવેલી પંક્તિઓનું ઉદ્ધરણ કરીને એની આજુબાજુ નવી રચનાઓ કરવાના પ્રયોગો પણ લોવેલે કર્યા છે. આ અર્થમાં કવિ જીવનભર એક જ કાવ્ય લખવાને મથી રહ્યો હોય છે. આથી એકાદ કવિતા સમગ્રતયાપૂર્ણ છે એવું માનવાની બાલિશતા સાચો કવિ કરતો નથી. કોઈક વાર કવિ પોતે મૂળભૂત પ્રેરક બળને અનુસરવામાં ભૂલ કરીને ખોટી દિશા લઈ લેતો હોય છે. કેટલીક વાર પોતાની જાત સાથેની આવી અપારદર્શક ગેરસમજ કાવ્યોમાં એક પ્રકારની દુર્બોધતા લાવે છે જે ક્ષમ્ય નહીં લેખાવી જોઈએ.
કાવ્યમાં એવી વિગતો પણ હોય અથવા હોવી જોઈએ, જેને કવિ પોતે સમજાવી નહીં શકે. કાવ્ય આખું જ એવાં અંશોનું બનેલું ન હોઈ શકે. લોવેલ પોતાની રચનાઓ હંમેશાં ધીરજપૂર્વક મઠાર્યા કરતા. કૃતિઓ પ્રસિદ્ધ કરતાં પહેલાં મિત્રોને મોકલતા, એમનો અભિપ્રાય મેળવતા ને જ્યાં એનો લાભ લેવાનું યોગ્ય લાગે ત્યાં એ પ્રમાણે કરતા.
અનુવાદપ્રવૃત્તિને કવિના વિકાસ માટે લોવેલ મહત્ત્વની લેખે છે. અમુક કવિ જોડેની સગોત્રતા, ઘનિષ્ઠતા આપણને અનુવાદ દ્વારા એમનો સહચાર કેળવવા પ્રેરે છે. આપણે એ કવિની કવિતાનો માત્ર અનુવાદ નથી કરતા, એ કવિની સાથે બેસીને એ કૃતિની પુનર્રચના કરીએ છીએ. લોવેલને રિલ્કે અને રાંબો સાથે આવી ઘનિષ્ટતાનો અનુભવ થયેલો.
રોબર્ટ લોવેલને વખતોવખત હું વાંચું છું. આથી જ તો એક સ્વજનને ગુમાવ્યાનો શોક થયો.
17-9-77