કેટલીક વાર હું મારાથી જ છળી મરું છું. હું મને પોતાને વિરાટ અવકાશમાંના કોઈ મૃત ગ્રહ જેવો લાગું છું. ત્યારે છેક બાળપણથી બોલવા માંડેલી અને ત્યાર પછી જીવનને જુદે જુદે તબક્કે સ્વત્વ સીંચીને પોષેલી ભાષાને શોધું છું તો એનું ચિહ્ન સરખું દેખાતું નથી. મારી સાથેનો મારો સંવાદ પણ ભાષા વિના તો સંભવે નહીં. હું તો ભાષાનાં નિબિડ અરણ્યો વચ્ચે રહેવાને ટેવાયો હતો. હવે આ ભાષાહીનતાના મૃત વિસ્તારમાં મને શેનો આધાર? આથી જ તો કોઈ વાર ગુપચુપ મારી ભાષાને શોધવા ચાલી નીકળવાનું મન થાય છે. બાળપણમાં ઊંડા કૂવામાં ડોકિયું કરીને અર્થ વગરનો, કેવળ પડઘો સાંભળવા ખાતર, ઉચ્ચારેલો અવાજ કદાચ હજી એ જળની બખોલમાં જ રહ્યો હશે. કિલ્લાની તળેટીમાંના રાણીના મહેલની અવશેષ રૂપે રહેલી બે દીવાલો વચ્ચે કોઈ કલ્પિત રાજકુંવરીને જે સમ્બોધન કર્યું હતું તે પણ ત્યાંની ઝાડીમાં ક્યાંક ઝિલાઈ રહ્યું હશે. સમૂહપ્રાર્થનામાં મારો સ્વર ઊંચો બનીને નોખો વરતાઈ આવે એવી રીતે ઉચ્ચારેલો તે પણ કદાચ એ જૂની નિશાળના ઓરડામાંથી મળી આવે.
પ્રેમ આપણને આપણામાંથી છેક ઊંડે ઊંડેથી ઉલેચી કાઢે છે. પછી એ શૂન્ય અવકાશમાં કોઈ વ્યાપી નથી જતું તો આપણે સાવ ઠાલા બની જઈએ છીએ. પ્રેમને નિમિત્તે આપણામાંથી ભાષાનાં ઘોડાપૂર વહી જાય છે. જેને આ બધું સંભળાવતા હોઈએ છીએ તે તો જાણે અન્યમનસ્ક હોય તેમ એ શબ્દપ્રપાતને કેવળ સહી લે છે, એનાથી જાણે સહેજ પણ ભીંજાયા વિના નિલિર્પ્ત બની રહે છે. હૃદયને પીડતી કસક, કશુંક છાતીને રૂંધતું વજન જાણે દૂર થાય છે. આપણે હળવાશ અનુભવીએ છીએ. મને લાગે છે કે પ્રેમ આખરે આપણને નરી નિ:શબ્દતામાં મૂકી જાય છે! પછી તો વાતમાં પૂરવામાં આવતા હોંકારાની પણ આપણે આશા રાખતા નથી. કોઈ વાર અર્ધસ્ફુટ ઉદ્ગાર માત્રથી સન્તોષ માની લઈએ છીએ.
જીવનનો એક કાળ એવો આવે છે જ્યારે આપણે શબ્દારણ્યમાં ભૂલા પડી જઈએ છીએ. કાંઈ કેટલાંયે શાસ્ત્ર-વિજ્ઞાનના શબ્દો, ફિલસૂફીના અબરખના પડ જેવા શબ્દો, વહેવારના લીસા-લપટા શબ્દો, ફુલાવેલા રંગબેરંગી ફુગ્ગા જેવા માનપત્રના શબ્દો, રાજકારણના ઘડીએ ઘડીએ મહોરાં બદલનારા ધૂર્ત શબ્દો, ચન્દનની અને વાસી ફૂલોની ઉબાઈ ઊઠેલી વાસવાળા ધર્મના શબ્દો, અને આ બધાને અન્તે કોઈ વાર કાન પાસે આવીને પોતાના ઉચ્છ્વાસનો જ જાણે સ્પર્શ કરાવવા બોલાયા હોય એવા આપણા પોતાના મરણના પ્રથમ ઉચ્ચારણો – આ શબ્દારણ્યમાંથી દેશવટો પામીને મૃત ગ્રહની નિ:શબ્દતામાં ક્યારે આવી પડ્યા તેનું ભાન પણ રહેતું નથી!
કબીરે તો ચાલતી કીડીનાં નૂપુર વાગતાં સાંભળેલાં. મેં ખૂબ ઉત્કટ શ્રવણેચ્છાથી આ જગતને કાન માંડીને સાંભળ્યું છે. વૈશાખની સૂની સાંજ વેળાએ પશ્ચિમ દિગન્તમાં જે નિ:શ્વાસ છવાઈ જાય છે તેની ગૈરિક આભા મને હંમેશાં સ્પર્શી જાય છે. શિશિરના પ્રભાતના પ્રથમ પ્રહરે પૂર્વમાંથી ચોરપગલે ચાલ્યાં આવતાં ધુમ્મસનાં પગલાં મારી નિદ્રાને ભેદીને પણ મને સંભળાય છે. વાંસના ફૂટતા અંકુરને સાંભળવો ખરી પડતી જૂઈના નિ:શ્વાસને સાંભળવો, ગ્રીષ્મના મધ્યાહ્નનો સાંઈ સાંઈ ધ્વનિ સાંભળવો, રુક્ષ ધરતીમાં પચી જતાં પાણીના અવાજને સાંભળવો, કોઈની ઢળતી પાંપણના અવાજને વરતી લેવો – આ બધા અશ્રુત ધ્વનિઓની કેવી તો માયા હોય છે!
જીવનની એક બીજી પણ વિષમતા હોય છે : સાચો શબ્દ રખે ને બોલાઈ જાય એ ભયથી ઉતાવળે ઉતાવળે બીજો જ કશો શબ્દ બોલી દઈને એને ઢાંકી દેવો પડતો હોય છે. આપણું અભિમાન આપણી વેદનાને છતી ન થવા દેવા માગતું હોય ત્યારે જલદી જલદી આનન્દની ધારા જ જાણે છલકાઈ ઊઠી હોય એવા શબ્દો બોલી નાખવા પડે છે. આપણી બોલ્યા કરવાની જૂની ટેવે ગોઠવી રાખેલી શબ્દોની તૈયાર થપ્પી કોઈ વાર એકાએક લુપ્ત થઈ જાય છે ત્યારે શબ્દ વગરની સ્થિતિમાં આપણે ઉઘાડા પડી જઈએ છીએ!
બીજી વિષમતા એ છે કે સંસાર શબ્દોની સાથે થોડા અભિનયની પણ અપેક્ષા રાખે છે. જે શબ્દો ગદ્ગદ થઈને બોલવા જોઈએ તે સાદાસીધા ઉચ્ચારી દેવાય છે. જેમાં આદેશ અને શિસ્તનું આકરાપણું હોવું જોઈએ તે શબ્દો અનુનય જેવા લાગે છે. પ્રેમ તો બહુ વરણાગિયો હોય છે. જો એકાદ શબ્દ બેધ્યાનપણે બોલાઈ ગયો તો એ તુરત જ લાંબું તહોમતનામું ઘડી નાખે છે.
અમુક શબ્દો અમુક વાતાવરણમાં જ ખીલે છે. રાત્રિના નિર્ભૃત અન્ધકારમાં બોલવાના શબ્દો જુદા અને બપોરની નિ:સ્તબ્ધતામાં બોલવાના શબ્દો જુદા. પણ સ્નેહસ્નિગ્ધ પક્ષ્મોની છાયા ઢળી હોય ત્યારે શબ્દોનો કોલાહલ સર્વથા વર્જ્ય, ત્યારે શ્વાસને પણ બને તેટલો શાન્ત રાખીએ તે જ ઠીક. પ્રવંચના કરનારને શબ્દોની વધુ જરૂર પડે. નિષ્ઠુરને મૌન ઝાઝું ખપ લાગે. જીવનમાં એવો પણ સમય આવે છે જ્યારે ફાટી ઊઠવા ઇચ્છતા જ્વાળામુખીના મુખને મરણિયા બનીને બંધ રાખવું પડે છે. ઝરણાંની જેમ કલસ્વરે વહી જતી વાણીને રૂંધી રાખવી પડે છે. કેટલીક વાર બેધ્યાનપણે ઉચ્ચારેલા શબ્દને એકાએક સળગી ઊઠેલી દીવાસળીની જેમ પગ તળે ચાંપીને બુઝાવી દેવો પડે છે. કેટલીક વાર અર્ધા ઉચ્ચારાયેલા શબ્દને પાછો ખેંચીને ગળી જવો પડે છે.
આપણા શ્વાસ જ એકબીજાને ઓળખી લે, સ્પર્શનો સંવાદ જ અર્થપૂર્ણ બની રહે, દૃષ્ટિવિનિમય જ હૃદયવિનિમય સાધી આપે તો નિ:શબ્દતા જ આપણને ચરિતાર્થ કરી દે. જળમાં જળ ભળે તેમ જો એકાકાર થઈ જવાતું હોય તો શબ્દને કોઈ શોધે જ શા માટે? પણ ગમે તેવી સમૃદ્ધ નિ:શબ્દતા આપણાથી ઝાઝી જીરવી શકાતી નથી. આથી જ તો સૌથી મોટો પ્રપંચ શબ્દનો.
શબ્દોની જુદી જુદી અવસ્થાઓ હોય છે. એથી જ તો ‘પ્રેમ’ ક્યારે ‘આજ્ઞાંકિતતા’માં સરી પડ્યો તેની ખબર પડતી નથી. પછી સફાળા ચોંકીને જોઈએ છીએ તો બીજા ઘણા શબ્દો બદલાઈ ગયેલ નજરે પડે છે. આ નવા જ શબ્દવિશ્વમાં આપણે કોઈ આગન્તુકની જેમ અટવાતા ફરીએ છીએ ને આખરી દેશવટાની રાહ જોઈએ છીએ. પછી મરણ આપણા બે હોઠને બંધ કરી જાય છે. પણ એ બને તે પહેલાં હું મને કોઈ મૃત ગ્રહની નિર્જીવ અશબ્દતાથી ઘેરાઈ વળેલો જોઈને છળી મરું છું.
21-4-77