આંબો ટહુક્યો કે કેરી?

મુખવાસની એક દુકાને પાટિયા પર નજર ગઈ. દ્રાક્ષાદિવટી, ખારેકાદિવટી, દાડમાદિવટી, ગોટલી… ગોટલી ખરીદી… પૅકેટ તોડી ત્યાં ને ત્યાં જ કટકી ગોટલી મોંમાં મૂકી… ગોટલીના સ્વાદની ખબર પડે એ પહેલાં તો સમજણા થયા પછી પહેલી વાર ખાધેલી ગોટલીનો સ્વાદ મોંમાં ઊભરાયો…

કાચી કેરીનો મુરબ્બો બનાવતાં છીણ નિચોવી એનું ખાટું પાણી ગોટલી પલાળવા વાપર્યું હોય… એટલે ગોટલી મોંમાં મૂકતાં જ કાચી કેરીની ભાવતી ખટાશ તથા ગોટલી ઉપર ચડાવેલા મસાલાના સ્વાદથી મોં મઘમઘે… ઉપરના પડનો સ્વાદ પૂરો થતાં જ જરીક તૂરો સ્વાદ આવે ને એ પછી થોડો કડવો… મા કહેતી, ‘ગોટલી ખાઈને ઉપર ઘૂંટડો પાણી પીએ તો પાણી ગળ્યું લાગે.’ બીજો ઘૂંટડો પાણી પીતાં… તો સાચે જ પાણી ગળ્યું! બીજો ઘૂંટડો તો ખાસ્સી વાર મોંમાં જ રાખી મૂકીએ અને ગળપણ બરાબર માણીએ… આમ, પાણી ગળ્યું લાગે એના લોભે ગોટલી ખાતાં અંતે અનુભવાતી કડવાશથી જીભ ટેવાઈ ગયેલી. ને અંતે જરી કડવાશ છતાં ગોટલી ખૂબ ભાવતી થયેલી. પણ કડવાશની ટેવ ગોટલીમાંથી આગળ ન જ વધી. ગૂડી પડવાના દિવસે લીમડાની તાજી તાજી મંજરીનો રસ એક ઘૂંટડોય પી શકાતો નહીં. જરીક ઘૂંટડી ચાખતાં જ એવું તો કડવું લાગતું કે એ પછી ગૉળની કાંકરી મમળાવવા છતાં જીભ પરથી એ કડવાશ ભૂંસાતી નહીં. ને થતું, લીમડાની મંજરીનો રસ નથી જ પીવો, ભલે ઉનાળામાં ગૂમડાં થાય, ભલે અળાઈઓ થાય… લીમડાની મંજરી જીભને ભલે કડવી લાગે, પણ નાકને તો એ એવી મીઠી મધુરી લાગે કે લીમડા નીચે ઊભા રહીને મંજરીની સુગંધને નાકેથી બસ પીધા જ કરીએ, ઘટક… ઘટક…

ક્યારેક કેટલીક ગોટલી ખૂબ કડવીય હોય. મોટીબા કહેતાં, ‘કેરી ખાટી નીકળે તો એની ગોટલી કડવી ન હોય ને કેરી જો મધમીઠી હોય તો એની ગોટલી કડવી.’ ત્યારે દેશી કેરીઓ ખૂબ આવતી. ક્યારેક કેસર કે આફૂસનેય ટક્કર મારે એવો અમૃત જેવો રસ દેશી કેરીનો નીકળતો. રસ કરતાંય દેશી કેરી ચૂસવાની જે મજા આવતી એની તો વાત જ ન થઈ શકે. સ્કૂલેથી આવતાં જ, જાળી ખોલતાં જ ખબર પડી જાય કે ઘરમાં દેશી કેરી છે… ભલે ને એ કેરીઓ થેલીમાં પડી હોય કે શીંકે. મોટીબાના મનમાં હોય કે હું દાળ-ભાત ખાઉં એ પછી જ મને કેરી બતાવવાની. પણ કેરી ગમે ત્યાં હોય એની સુગંધ થોડી મારાથી છાની રહે?

ડોલના પાણીમાં કેરી પહેલાં બરાબર ધોવાની… પછી નાની નાની બે હથેળીઓ વચ્ચે કેરી ઘોળવાની… જરીક પોચી થાય એ પછી આંગળીઓ વડે કેરી ઘોળવાની… કેરી વધારે દબાઈ ન જાય એનુંય ધ્યાન રાખવું પડે. નહીંતર, પાતળી છાલ હોય તો, ડીંટડી તોડો એ પહેલાં, ઘોળતાં જ, કેરી નીચેથી જરી ફાટે ને ઊડે કેસરી પિચકારી સ્કૂલના સફેદ શર્ટ પર. પણ આવું ભાગ્યે જ બને. ડીંટડીય જાળવીને તોડવાની. પછી જરી જરી દબાવી રસ ચૂસવાનો… પછી રસ આવતો બંધ થાય પછી ગોટલો કાઢી છેલ્લે ચૂસવા રાખવાનો. ગોટલો કાઢી લીધેલી કેરીનો તળિયેથી ચૂંટલી જેટલો ભાગ તોડવાનો. પછી દબાવી દબાવીને રસકસ કાઢવાનો. છોતરુંય ઊંધું કરીને ચાટવાનું. પછી આવે ગોટલાનો વારો. ગોટલો ચુસાઈ જાય પછી દાંતમાં ભરાઈ રહેલા રેસા કાઢવામાં ખાસ્સો સમય જાય. જો કેરી ખૂબ ગળી હોય તો એ ગોટલો ક્યાંક વાવવા માટે અલગ રાખવાનો. ને જો કેરી ખાટી હોય તો એનો ગોટલો અગાસીમાં સૂકવી દેવાનો. સુકાયેલા આવા ગોટલાઓ પથ્થર લઈને તોડવાના ને એમાંથી ગોટલીઓ કાઢવાની. પછી મીઠું-હળદર નાખેલા ખાટા પાણીમાં એ ગોટલીઓ પલાળવાની.

પહેલી વાર જ્યારે ખબર પડેલી કે ગોટલો વાવવાથી આંબો થાય ત્યારે તો કેરી ખાઈને તરત ઓટલા પાસે જ નાનો ખાડો કરીને ગોટલો દાટેલો. ને સવારે ઊઠતાંવેંત દોડેલો જોવા – કૂંપળ ફૂટી છે? મોટા થયા પછી સ્કૂલમાં ખબર આવે – ફલાણા આંબાને મૉર આવ્યો છે. રિસેસ પડતાં જ ટણકટોળકી દોડે મૉર જોવા. મૉર જોતાં જ અમારી આંખમાં જાણે અસંખ્ય કેરીઓ ફૂટતી. મનમાં થતું, શાખ ઉપર કેરીઓ પાકે નહીં ત્યાં સુધી વાવાઝોડું ન આવે તો સારું. પછી તો રોજ રોજ આંબાની ખબર કાઢી આવીએ… ઝીણી ઝીણી કેરીઓ ફૂટેલી નજરે પડે ત્યારે તો જાણે ધન્ય થઈ જઈએ. કેરીઓ જરી મોટી થાય પછી ચોકીદાર નીચે પડેલી કેરીઓ ક્યારેક વેચાતી આપે. પણ અમે એ કેરીઓના બદલે ઢેખાળો ફેંકીને કેરી પાડવાનો આગ્રહ રાખીએ. અર્જુનને યાદ કરીને ઢેખાળો લઈ જોરથી ફેંકીએ. તાકી હોય એ કેરી તો ન પડે પણ બીજી એકાદ કેરી પડે કે જાણે આખેઆખો આંબો મળ્યો હોય તેવા રાજી રાજી થઈ જઈએ!

બપોરે તડકામાં ક્રિકેટ રમીને ઘેર આવીએ ત્યારે કેરીનું શરબત હાજર હોય. તૈયાર બાટલાનું શરબત નહીં પણ સગડીના બાકોરામાં કાચી કેરીઓ શેકી હોય. એને મસળીને રસ કાઢ્યો હોય ને એમાં ગૉળ-જીરું ઉમેરીને એનું શરબત બનાવ્યું હોય. એ પીવાથી લૂ ન લાગે. રોજ જમતી વખતે કાચી કેરી-ડુંગળીનું કચુંબર તો હોય જ. કાચી કેરીઓ ખાઈ ખાઈને ક્યારેક દાંત અંબાઈ જાય તો ભાખરીય ન ચવાય. છૂંદો-અથાણું-મુરબ્બો બનવાનાં હોય ત્યારે તો કાચી કેરીની ઉજાણી જ થાય. જૂનો સાલ્લો પાથરીને અગાસીમાં અથાણાં માટેના ટુકડા તડકે સૂકવ્યા હોય, મીઠા-હળદરવાળા, એમાંથીયે ટુકડા ઓછા થતા જાય. એક વાર તો કાચી કેરી અતિશય ખાવાના કારણે એટલી નાની ઉંમરે ઢીંચણ એવા જકડાઈ ગયેલા કે ઝટ વળે નહીં ને વળે તો ઝટ સીધા ન થાય… વૈદે આપેલો પીળો લેપ લગાવતા. પાંચસાત દિવસ પછી ઢીંચણ દુખતા બંધ થયેલા ત્યારે વૈદને સવાલ કરેલો – ‘કાચી કેરી દાંત વડે ખાઈએ તો દાંત અંબાઈ જાય પણ ઢીંચણ શું કામ અંબાઈ જાય?’

દુકાળ પછીના વર્ષે જેમ બધા વરસાદની રાહ જુએ એમ અમે કાચી કેરી પાકવાની રાહ જોતા. રિસેસમાં કે સ્કૂલ છૂટ્યા પછી જોવા નીકલીએ — કોઈ આંબાની કોઈ શાખ પર એકાદ કેરીય પાકે તેવી દેખાય છે? પણ બધી જ કેરીઓ લીલીકચ — બધીયે શાખ પર કેરીઓ કાચીકચ હોય છતાંય બજારમાં પાકી કેરીઓ આવવા લાગે! ત્યારે મિક્સર નહોતાં. રસ કાઢવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની રહેતી. તપેલી પર ચોખ્ખું કંતાન બાંધવાનું. કેરીઓ ધોઈ ઘોળીને તૈયાર રાખી હોય. કેરીઓ કંતાનમાં નિચોવવાની. કંતાનમાં ચળાઈ-ગળાઈને રસ તપેલીમાં પડતો રહે. એક પણ રેસો અંદર ઊતરે નહીં. છોતરાંય ઊંધા કરીને કંતાનમાં ઘસવાનાં અને ગોટલાય. ત્યાર બાદ એ ગોટલા છાશમાં ધોવાના. એનો ફજેતો બને. લવિંગના વઘારની સુગંધ હોય. ઘરની છાશની સોડમ ઊભરાતી હોય. કઢીના સ્વાદમાં કેરીનો સ્વાદ ભળેલો હોય. કઢી કરતાંય વધારે મજા પડતી ફજેતો ખાવાની. ફજેતો ખાતાં ખાતાં થતું, આવી સરસ ચીજનું નામ ‘ફજેતો’ શું કામ રાખ્યું હશે?

રસ હોય ત્યારે રોટલી વણનારનો દમ નીકળી જાય. બે-પડી રોટલી કરવાની. ફટ ફટ રોટલી વણાય, પછી શેકાય, ગોળમટોળ ફૂલે… પછી મોટીબા કે માની હથેળીઓમાં બે પડ છૂટાં થાય. રોટલીઓની થપ્પીમાં બે ઉમેરાય. એ રોટલીઓ પર ચમચીથી નહીં, ચારે આંગળીઓ ઘીમાં બોળીને ઘી ચોપડવાનું. રસ જો વધારે ખાટો હોય તો જ થોડીક ખાંડ ઉમેરવાની. નહીંતર જરીકે સેળભેળ નહીં. જમતી વેળાએ રસમાં ખાસ્સુંબધું ચોખ્ખું ઘી, જરીક મીઠું ને સૂંઠ ઉમેરાય.

વૅકેશનમાં ઉનાળાની બળબળતી બપોરેય જરીકે નહીં જંપનારાં અમે (ત્રણ ભાઈઓ ને ફોઈની પાંચ દીકરીઓ) રસ ખાધો હોય તે બપોરે જંપી જતાં. જંપી જવાતું. પેટ ફાટ ફાટ થતું. મેણો ચઢતો. આંખો ઘેરાતી. જોકે, ઊંઘ આવતી નહીં, પણ અમારી ચંચળતા-તોફાન મેણાની અસર રહે ત્યાં સુધી અદૃશ્ય થઈ જતાં. મોટેરાંય આડાં પડતાં. ઘર જંપી જતું. ઘર આખાને જાણે મેણો ચડતો. માત્ર નળિયાં-વળીઓ વચ્ચેથી ઊતરી આવતાં ચાંદરણાં ઘરમાં કોઈ જ અડચણ વગર ફરતાં.

દેશી કેરીઓ ઉપરાંત બીજી કેરીઓય બજારમાં આવતી થયેલી — તોતા, બદામ, કેસર, પાયરી, આફૂસ, લંગડો… આ બધી કેરીઓને રંગરૂપ-આકાર પરથી જ નહીં, સ્વાદ પરથીય પારખી શકતા. અત્યારે તૈયાર રસના જમાનામાં કેરીનો અસલ સ્વાદ જ ન મળે. તૈયાર રસમાં વધુ પડતું એસેન્સ, કલર, સુગર… કેરીના અસલ સ્વાદને ખતમ જ કરી નાખે… શાખ પર જ પાકેલી કેરીઓના અસલ સ્વાદની તો હવે કલ્પના જ કરવી રહી. ઇન્સ્ટન્ટના કમર્શિયલ જમાનામાં દરેક ચીજ એનો મૂળ સ્વાદ ગુમાવતી જાય છે. ફળ પાકે એનીય ધીરજ નહીં ધરવાની. કાચાં ને કાચાં ફળ વાઢી દેવાનાં, ટ્રકોમાં ખડકી દેવાનાં, વખારોમાં પહોંચાડી દેવાનાં ને કેમિકલનો ઉપયોગ કરીને ફળ ઝટ પકવી દેવાનાં ને મૂળ સ્વાદનો છેદ ઉડાડી દેવાનો… તપ વગરના ફળનો સ્વાદ પણ નહીં ને અર્થ પણ નહીં…

ક્યારેક કોઈક ગામના આંબાવાડિયા પાસેથી પસાર થતો હોઉં ત્યાં કોયલના મધમીઠા ટહુકા વહી આવે, કોયલ ક્યાંથી ટહુકે છે એ જોવા નજર કરું તો દેખાય — ઘટાદાર આંબા ને લટકતી કાચી કેરીઓ… વળી, ટહુકો ફૂટે પણ ઘટામાં છુપાયેલી કોયલ નજરે ન પડે… વળી ટહુકો ફૂટે ને થાય, આંબો ટહુક્યો કે કેરી?! ટહુકે ટહુકે પક્વ થતી જતી હશે કાચી કેરીઓ? આંબાનાં મૂળ જમીનમાંથી શું-શું પહોંચાડતાં હશે કાચી કેરીઓને પાકવા માટે? ગ્રીષ્મનો તાપ-બાફ વરસે છે ઘટાદાર આંબાઓ ઉપર, કેરીઓને પકવવા માટે… પણ માણસમાં ક્યાં છે ધીરજ? એ તો વાઢી જ નાખે છે ડાળ પરથી કેરીઓને કાચી ને કાચી જ! મૂળિયાંને ધરતીમાંથી શોષી શોષીને કાચી કેરીઓ સુધી જે પહોંચાડવું હતું. કાચી કેરીઓને પકડવા માટે, એ તો રહી જ જાય છે અધવચ્ચે જ…! કાચી કેરીઓને પકવવા માટે ઉમળકાથી દોડી આવતા ગ્રીષ્મનાં સૂર્યકિરણોય જાણે ભોંઠાં પડે છે…! આમ છતાં, મારી અંદરના બાળકને મન થાય છે, લાવ, આ આંબાવાડિયામાં હુંય એકાદ ગોટલો વાવું… પણ, કલ્પનામાં આંબો વવાય એ પહેલાં તો આંખ સામે જાણે દેખાય છે – અદૃશ્ય ડાળ પર હજી નહીં પાકેલા મૃત્યુફળને તોડતો માણસ…

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.