રૂદાદે ગમ – સૌદાદે પોર્ટુગલ

યુરોપખંડને પશ્ચિમ સીમાડે, ઍટલાન્ટિક સમુદ્રમાં લંબાતી ભૂમિરેખાના અંતિમ બિંદુ પર, એક સ્થળ છે: કેપ સેન્ટ વિન્સેન્ટ (સંત વિન્સેન્ટની ભૂશિર). આ બિંદુથી આગળના દરિયામાં કોઈથી જઈ શકાતું નથી. ત્યાંથી આગળનો દરિયો તો અનેક બિહામણાં પિશાચ, રૌદ્ર રાક્ષસો અને વર્ણવી ન શકાય તેવાં બેશુમાર જોખમોથી ભરેલો આતંકલોક જાણે! અહીંથી દરિયો ખેડવા ગયેલા ક્યારેય પાછા ફરતા નથી, કારણ કે, દુઃસાહસ કરીને એમાં સફર કરનાર અબુધ નાવિકો સપાટ ધરતીના છેડા સુધી પહોંચીને શૂન્યની સરહદમાં વિલીન થઈ જાય છે… સદીઓથી ચાલી આવતી આ દંતકથાનું વિસ્મય અમને પોર્ટુગલ તરફ આકર્ષતું હતું.

એક જમાનામાં ધરતીને છેડે શૂન્યની સરહદ સુધી લંબાતા મનાતા આ દેશના નકશાને આજે જોઈએ તો, એ યુરોપખંડે સ્પેનરૂપી જડબામાં પકડેલું કોઈ નાનકડું ભક્ષ્ય પ્રાણી લાગે! પણ દેખાય છે તેવો નગણ્ય આ દેશ નથી. એની પાસે અજોડ જાહોજલાલીનો અતિભવ્ય ભૂતકાળ છે. પ્રલંબ દરિયાકિનારાથી વીંટળાયેલા આ દેશે દરિયાને જેટલો ખેડ્યો, તેટલો જ દરિયો એને ફળ્યો પણ છે. અહીં એવા નાવિકો થઈ ગયા, જે દરિયાઈ માર્ગે ભારત, ચીન અને છેક જાપાન સુધી પહોંચનાર સૌથી પહેલા યુરોપિયન હતા, જે છેક ઈ. સ. ૧૫૦૦માં દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ સુધી પહોંચ્યા અને ત્યાં તેમણે ૩રર વર્ષ રાજ કર્યું! પંદરમી સદીમાં પોર્ટુગલમાં એક રાજા થઈ ગયો, જેનું નામ હતું પ્રિન્સ હેન્રી. દુનિયા આજે પણ એને પ્રિન્સ હેન્રી – ‘ધ નેવિગેટર’ના નામથી ઓળખે છે. એણે પોતાના દેશની પ્રજાની દરિયો ખેડવાની નિસર્ગદત્ત કાબેલિયતને પારખી જઈને છેક એ જમાનામાં વૈજ્ઞાનિક માહિતી સાથે અનુભવનું જ્ઞાન વ્યાપક બનાવવાના આશયથી સાગર ખેડવાની તાલીમ આપતી નેવિગેશન સ્કૂલ શરૂ કરી. એ શાળાએ બે ઝળકતા તારલા, બે અમર પ્રવાસીઓ આપ્યા. તેમાંથી એક તે ભારતના કોચી બંદરે વહાણ નાંગરનાર વાસ્કો ડિ ગામા અને બીજા કેપ ઑફ ગુડ હોપ સહિત આફ્રિકાખંડના દક્ષિણ છેડે ચકરાવો લેનાર પ્રથમ વ્યક્તિ, અને પછી ભારતની ને દક્ષિણ-પૂર્વ એશિયાની સફરમાં બારકો ડિ ગામાને સાથ આપનાર પ્રવાસી – બાર્ટોલોમ્યુ ડિયાઝ, આફ્રિકા ખંડની દક્ષિણે દરિયો એટલો ખડકાળ અને તોફાની હતો કે, એ ‘કેપ ઓફ સ્ટોર્સ તરીકે ઓળખાતો. પોર્ટુગીઝ સાહસવીરોએ એ દુર્ગમ ખડકાળ સમુદ્રમાંથી પણ સલામત રસ્તો તારવી લીધો ને પોતાનાં વહાણ ત્યાં નાંગર્યા, ત્યારથી ‘કેપ ઑફ સ્ટોર્મ્સ’ નામ પડ્યું: ‘કેપ ઑફ ગુડ હોપ’ (શુભ આશાની ભૂશિર). એ રસ્તે તેમણે પ્રયાણ કર્યું, સોનાની મુરત જેવા આપણા દેશ હિંદુસ્તાન તરફ. તે સમયથી યુરોપ અને ચીન વચ્ચેના ‘સિલ્ક રૂટ’ની જેમ મરીમસાલા લાદીને પાછાં ફરતાં વહાણોનો આ માર્ગ ‘સ્પાઇસ રૂટ’ કહેવાયો.

રહસ્યમય સમુદ્રને પાર વસેલી અજાણી ભોમકાઓ શોધીશોધીને ત્યાં પોતાની હકૂમત સ્થાપનાર, ત્યાંથી લખલૂટ સંપત્તિ લઈ આવનાર, તથા મરીમસાલાના વેપારથી સમૃદ્ધ થનાર આ પ્રજાની જાહોજલાલી ૧૬મી સદીના ઉત્તરાર્ધમાં ચરમસીમા પર હતી. સાતેય સમુદ્રમાં સફર કરીને અજાણી ભૂમિને આંબવાના સિલસિલાનાં એ ત્રણસો વર્ષ પોર્ટુગીઝ ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે. સાવ નાનકડો એવો એ દેશ ત્યારે વિશ્વની સૌથી વિશાળ અને સૌથી સમૃદ્ધ રાજ્યસત્તા હોવાનું ગૌરવ ધરાવતો હતો. એ વરસોમાં પોર્ટુગલે ભોગવેલું ઐશ્વર્ય સમગ્ર વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના તરીકે અંકિત થયેલ છે. ત્રણસો વર્ષનો એ સુવર્ણકાળ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની રહ્યો. પ્રસ્તુત દેશમાં એવો તેજોમય યુગ ફરી ક્યારેય ન આવ્યો. પોર્ટુગીઝ પ્રજાનું એક સ્વપ્ન હતુંઃ સમગ્ર દુનિયાને આવરી લેતું વિશાળ સામ્રાજ્ય સ્થાપવાનું! આ સપનું અંશત: સાકાર થયું ન થયું ને સુવર્ણયુગ આથમી ગયો! એક સમયની સમૃદ્ધતમ પ્રજા ગરીબી, નાદારી ને નામોશીમાં લપેટાઈ ગઈ. સ્વપ્નભગ્ન થયેલી પોર્ટુગીઝ પ્રજાના હૃદયમાં આજે પણ એ સોનેરી સમયખંડને ગુમાવ્યાનો ભારોભાર રંજ છે. સહસ્રાબ્દીઓને સમયાન્તરે પણ પ્રજા આ વિષાદભાવને ભૂલી નથી શકી. પ્રજાના આત્માને કોરી ખાતી ઝૂરાપાભરી રિક્તતાની આ લાગણીને ‘સૌદાદે’ કહે છે: ઇતિહાસનો ભાર વેંઢારતી પ્રજાની સામૂહિક ગ્લાનિ. સમય-સંજોગોની છાપ પ્રજાનાં વાણી-વર્તનમાં હોય તે સ્વાભાવિક છે. પરંપરાઓ- સંચિત સંસ્કારો લોકજીવનમાં ધબકતા હોય, તેય ખરું, પણ પૃથ્વીને ખૂણે ખૂણે ફરી વળવાની ભ્રમણપિપાસામાંથી જન્મેલી સમગ્ર વિશ્વ પર આધિપત્ય સ્થાપવાની સામૂહિક મહત્ત્વાકાંક્ષા ચૂરચૂર થઈ જાય, તેનો નામોશીભર્યો વિષાદ આખીય પ્રજાના સ્વભાવમાં પેઢી દર પેઢી ઊતરી આવે, તે ઘટના વિશિષ્ટ અને વિસ્મયકારક લાગી. શું એનું કારણ પ્રજાની ઊંડી સંવેદનશીલતા હશે? મનુષ્યજાતિનો ઇતિહાસે તો ચડતીપડતીના કેટલાય તબક્કાઓમાંથી પસાર થયો છે; શા માટે માત્ર આ જ પ્રજાના હૃદય પર મહાકાળે આંસુના હસ્તાક્ષર કર્યા હશે? આ પ્રશ્ન પોર્ટુગલ પ્રત્યેના મારા આકર્ષણને તીવ્રતર બનાવી રહ્યો હતો.

આજે પણ પોર્ટુગલને સ્મરું છું, ત્યારે એના નૈસર્ગિક સૌંદર્ય કરતાં પહેલાં લોકહૃદયનો વિષાદભાવ યાદ આવે છે. એ નીલકંઠ દરિયો, એ સૌમ્ય-શાંત શહેર સ્મૃતિપટ પર ઊપસે એ પહેલાં હૃદયને વલોવી નાખતો અજંપો મનમાં તરફડી ઊઠે છે. અકાળે વૃદ્ધત્વ પામ્યા હોય, તેવા કરચલીવાળા ચહેરાઓ તથા અનવરત પ્રતીક્ષામાં ક્ષિતિજને તાકતી હોય, તેવી ઝાંખી ઝાંખી આંખો મન:ચક્ષુ સમક્ષ તરવરવા લાગે છે. પોર્ટુગલનાં રૂદાદે ગમની પ્રતીતિ કરાવતું વિષાદમાં લોકસંગીત હૈયામાં પડઘાવા લાગે છે, જેનું નામ છે: ‘ફાડો’. પોર્ટુગલના પ્રવાસ દરમિયાન હૃદયદ્રાવક ફાડો લોકગીતો સાંભળેલાં. હજીય ક્યારેક મનમાં અકારણ ગ્લાનિ ઊભરાઈ આવે, ત્યારે એ દર્દભર્યાં ગીતોમાં અસ્તિત્વને ઓગળવા દેવાનું ગમે છે.

ફાડોનો અર્થ થાય છે – પ્રારબ્ધ. પોર્ટુગીઝ પ્રજાની વ્યથાઓને અને ઝંખનાઓને વ્યક્ત કરતું આ સંગીત છે. એનાં ગીતોમાં ભૂતકાળની દર્દમય સ્મૃતિઓને ને વીતેલા સમયને પુનર્જીવિત કરવાની ઝંખનાને ગાવા-સાંભળવાની પરંપરા છે. ગીટાર સાથે ગવાતાં આ ગીતોની જનનીનું નામ છે: સ્વર્ગસ્થ અમાલિયા રોડરિગ્ઝ. આજે આ ગીતો લખનાર ને ગાનાર લોકપ્રિય કવયિત્રી-ગાયિકાનું નામ છે: મારિઝા. મારિઝાનો રેડિયો ઇન્ટરવ્યૂ સાંભળેલો: મારિઝા કહે છે, ‘ખબર નહીં, ક્યારથી, હું બાળક હતી ત્યારથી, કદાચ હું બોલતાંયે શીખી નહોતી ત્યારથી, જ્યારે જ્યારે હું ફાડો સાંભળતી, એને હું મારા અસ્તિત્વમાં ઊતરી જતું અનુભવતી. લોકો કહેતા, એ તો ઘરડા લોકોનું સંગીત છે. હું જુવાન છું, મારે રૉક ને એવું નવા જમાનાનું સંગીત ગાવું જોઈએ. મેં એય ગાઈ જોયું, પણ મારું મન ન માન્યું. અંતે ફરી ફાડો ગાતી થઈ, ત્યારે જ જાણે મારા અસ્તિત્વને પાછું પામી…’

મારિઝા એનાં ફાડો ગીતમાં એક વારતા અવશ્ય ગાય છે: બુલ ફાઇટિંગમાં માર્યા ગયેલા ‘કાઉન્ટ ડિ આર્કોસ’ની વારતા. એવા મૃત્યુની વાત, જેણે પોર્ટુગલમાં બુલ ફાઇટિંગની તાસીર બદલી નાખી. આજનું પોર્ટુગીઝ બુલફાઇટિંગ ‘ટોરેડાસ’ તરીકે ઓળખાય છે, જે સ્પેનના બુલફાઇટિંગ જેવું રક્તરંજિત નથી. આખલાયુદ્ધ દરમિયાન ઘવાઈને મૃત્યુ પામેલ કાઉન્ટના મોતથી રાજા એટલો વ્યથિત થઈ ગયો કે, એના હુકમથી આજે પણ બળદને શિંગડે મખમલ વીંટીને લડનાર માણસની સલામતીનો ખ્યાલ રાખવામાં આવે છે અને રમતમાં ઘવાયેલા બળદની પણ પૂરતી સારવાર તથા માવજત કરવામાં આવે છે. ફાઇટિંગને અંતે સ્પેઇનની જેમ અહીં ઉજાણી અર્થે બળદની કતલ કરવામાં આવતી નથી; અહીં એનો બલી ચડાવવાને બદલે એને ફૂલોની તલવારથી મારવાનો પ્રતીક વિધિ કરવામાં આવે છે! ખરેખર પોર્ટુગલની પ્રજા જાંબાઝ હોવા છતાં અત્યંત સંવેદનશીલ છે. લોકો અસાધારણ રચનાત્મક અભિગમ ધરાવે છે. વિવિધ વ્યવસાયોમાં પડેલાં લોકો ફાજલ સમયમાં મન બહેલાવવા કલાકારીગરીપૂર્ણ રચનાઓ સર્જે છે. આ રીતે કુટિર ઉદ્યોગના રૂપમાં વિકસેલી ‘અઝુલેજોઝ’ નામે ઓળખાતી બ્લૂ અને સફેદ રંગની કલાત્મક સિરામિક ટાઇલ્સ બનાવવાની એમની કારીગરી વિશ્વવિખ્યાત છે. પોર્ટુગીઝ લોકોની હોડીઓ પણ રૂ પાળી હોય છે. તેનો આગલો છેડો ઊંચો ને અણીદાર હોય છે, અને તેના પર ઊડીને આંખે વળગે તેવા આકર્ષક રંગોથી સુંદર સ્ત્રીઓની, કે દરિયાને લગતા વિષયની આકૃતિઓ ચીતરેલી હોય છે.

દેશની દક્ષિણે વિસ્તરેલો આલગાર્વનો સમુદ્રતટ મનોહર છે. આ દરિયાકિનારો સ્પેઇનના સમુદ્રતટની જેમ સળંગ રેતાળ નથી. ઘડીક એ રેતાળ હોય, ને પછી તરત જ દરિયાને અડીને હરિયાળીથી આવૃત્ત ઊંચી ઊંચી ભેખડો ઊપસી આવેલી દેખાય; જાણે કોઈએ સળંગ સાળુ પર નકશીદાર બુટ્ટાનું ભરતકામ ન કર્યું હોય! નિરંતર સૂર્યપ્રકાશમાં સરાબોર રહેતો આ દરિયો એના કાંઠાની હરિયાળીને કારણે હરિત ઝાંયવાળો લાગે છે. અહીંના દરિયામાં જાણે જીવ છે. સફરની દાસ્તાન સંભળાવવા એ તમને સતત બોલાવતો હોય તેવું લાગે.

મનુષ્યની સાહસપ્રિયતા, એની પ્રવાસપિપાસા, દૃષ્ટિના દાયરાને તોડીને ક્ષિતિજોને પાર વિસ્તરી જવાની ઝંખનાને આત્મસાત્ કરવાની આશા સાથે અમે વાસ્કો ડિ ગામાના વતન પોર્ટુગલની ધરતી તરફ ડગલાં માંડ્યાં. પોર્ટુગલમાં પ્રવાસ કરતાં સતત અનુભવાયું કે, પોર્ટુગીઝ લોકો આજે પણ દર્દીને ને દરિયાને ખૂબ ચાહે છે. નવી ક્ષિતિજો આંબવા નીકળી પડતા નાવિકોનો ઘરઝુરાપો અને પ્રિયજન સાથેના એના વિરહની દુઃખભરી દાસ્તાન – રદાદે ગમ આજે પણ જાણે પ્રજાના લોહીમાં વહે છે!

એક એવી કહેવત પણ સાંભળેલી કે, ‘જેણે લિસ્બન નથી જોયું, તેણે ક્યારેય સૌંદર્યને જોયું જ નથી! સૌંદર્યમૂર્તિ સમાં એ શહેરની બહુમુખી પ્રતિભાને ને એની બહુવિધ સુંદરતાને પામવાની આતુરતા સાથે અમે લિસ્બન તરફ આગળ વધી રહ્યાં હતાં. હોટેલ સમકક્ષ સગવડતાભરી ટ્રેનોટેલમાં મેડ્રિડથી લિસ્બનની આખી રાતની મુસાફરી દરમ્યાન અંધકારના પડદા પાછળ ધરતીએ કેટકેટલાં રૂપ બદલ્યાં હશે, કોને ખબર? પણ સ્પેનનું છેલ્લું સ્ટેશન બાડાજોઝ આવ્યું ત્યારે અજવાળું થવા લાગ્યું હતું. સરહદ પરનાં શહેરોમાં બને છે, તેમ એ શહેર પર સ્પેનિશ કરતાં પોર્ટુગીઝ લક્ષણો વધુ દેખાતાં હતાં. તિરાડો પડેલી ટેકરાળ જમીન હવે દેખાવા લાગી હતી. આ કરાડોની વચ્ચે ઊભેલા ટેકરા પર ઘર વસેલાં જોઈને ખ્યાલ આવ્યો કે, ધરતીનું ધોવાણ તાજેતરમાં થયું હોવું જોઈએ. આ તો હતો સ્પેનની સરહદ પરનો વેરાન પ્રદેશ, પણ લિસ્બન સુધી પહોંચતાં તો ટેકરીઓએ ઓલિવ, નારંગી, લીંબુ, ચેસ્ટનટ વગેરે વૃક્ષોના હરિત અલંકારો સજી લીધા, દરિયો હજી દેખાતો નહોતો. પોર્ટુગીઝ પ્રજા પર અસીમ વહાલ વરસાવતા દરિયાનું વત્સલ રૂપ જોવાનું ખાસ મન હતું, પણ એને માટે થોડી રાહ જોવી પડી.

અમે પહોંચ્યાં ત્યારે લિસ્બનના રેલવેસ્ટેશન પર ઝાંખી પાંખી વસ્તી હતી. કૅન્ટીનમાં પણ ગણ્યાંગાંઠ્યાં લોકો જ હતાં. આખા દિવસનો લિસ્બનપાસ લઈને અમે સિટી-બસ તો પકડી, પણ તરત જ ઊતરવાનું થયું. સામે જ દરિયો બોલાવતો હતો, ને ટેગસ નદી દરિયામાં ધસમસતી વહી આવે છે તે સ્થળે પોર્ટુગલના સાગરખેડુ સપૂતોની સ્મૃતિમાં મુકેલું વિશ્વવિખ્યાત સ્મારક – ‘મૉન્યુમેન્ટ ઑફ ડિસ્કવરીઝ’ પણ દેખાઈ રહ્યું હતું. અમે બસમાંથી ઊતર્યાં તે ‘પ્રાકા રોસિયો’ (પ્રાકા એટલે ચોક, અર્થાત્ રોસિયોનો ચોક) પણ જાજરમાન હતો. ચોક મોટા મેદાન જેટલો વિશાળ હતો. એની વચ્ચોવચ એક ઊંચા સ્તંભ આકારનું સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયાઓનું સ્મારક હતું. ચોકની એક તરફ શહેર હતું, ને બીજી તરફ દરિયો — ‘પ્રાકા રોસિયો’ શહેરનો દબદબાભર્યો સ્વાગતકક્ષ હોય તેવો લાગતો હતો! ઊતરી તો ગયાં, પણ પછી થયું કે, સોનલવરણી ટેગસ નદીને, અજ્ઞાતની સફરનું આહ્વાન દેતા સાગરને ને એનો અનાહત સાદ સાંભળીને અજાણી ભોમકાની ખોજમાં નીકળી પડનાર સાગરપુત્રોને મળવા તો છેલ્લે નિરાંતે જવું જોઈએ; એટલે અમે દરિયા તરફ નહીં, પરંતુ શહેર તરફ ચાલવા લાગ્યાં.

યુરોપખંડની આ અતિ પ્રાચીન નગરીને અનેક હુલામણાં નામ છે. ટેગસ નદીના મુખ પર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી એ સાત ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે. કોઈ એને એકમાં વસેલાં અનેક શહેરોનું શહેર કહે છે, તો કોઈ એને હજાર ચહેરાઓવાળું શહેર કહે છે. વીસમી સદીના સૌથી ધ્યાનાકર્ષક પોર્ટુગીઝ કવિ પેસોઆ કહે છે:

મારે માત્ર એક જ નહીં અનેક આત્મા છે,
હું પોતે છું એના કરતાં કેટલાયે અધિક ‘હું’ મારામાં વસે છે;
છતાંય એ સૌથી અનોખું મારું એક અસ્તિત્વ છે :
હું એ સો ‘હું’ને શાંત કરી દઉં છું, અને પછી હું બોલું છું.

શહેરમાં ફરતાં ફરતાં સમજાયું કે, આ શબ્દો માત્ર કવિ પેસોઆના જ નહીં, લિસ્બનના અને એમ પોર્ટુગલના આંતરિક તત્ત્વને પણ વ્યક્ત કરે છે. તે દિવસે અમે ચાલતાં ચાલતાં જ શહેરનો પરિચય મેળવ્યો. શહેરના મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ની ફરતે શોભતાં વીતેલા ભર્યાભાદર્યા સમયનાં કલાસમૃધ્ધ સ્થાપત્યો જોયાં. શહેરનો આ ચોક પોર્ટુગલના જ નહીં, સમગ્ર યુરોપખંડના શ્રેષ્ઠ ચોકમાંનો એક ગણાય છે. એની ત્રણ તરફ કમાનોથી શોભતી ભવ્ય ઇમારતો છે, ને ચોથો ભાગ નદી તરફ ખૂલે છે. શાનદાર ફૂલેમઢ્યા બગીચાઓ, બાઈક્ષાનો વૈભવી મહોલ્લો અને પુષ્પવાટિકાઓથી વીંટળાયેલો રાજમહેલ જોયા; પેલો સાન્ટા જસ્ટા નામનો ઊંચો નિરીક્ષણ-ટાવર, એના પરથી દેખાતું આખું શહેર તથા દૂર દેખાતો દરિયો પણ અમે નિહાળ્યાં. જૂના મહોલ્લાઓ— બાઈરો આલ્ટો ને અલફામાની સાંકડી ગલીઓમાં, સદીઓ પહેલાં અહીં વસી ગયેલી આરબ — મુસ્લિમ — મૂર પ્રજાનાં પગલાંની છાપ અમે જોઈ.

ટેગસ નદીને પાર એના દક્ષિણતટ પર લિસ્બન શહેરની સામે ઊંચી પીઠિકા પર હાથ ફેલાવીને ઊભેલું ‘ક્રાઇસ્ટ ધ કિંગ’ (ક્રિસ્ટો રેઈ) નામનું વિરાટ પૂતળું જોયું. એને જોઈને ઘડીભર તો થયું, અરે, પેલું રિયો ડિ જાનેરોની ટેકરી પર ઊભેલું ‘કાઇસ્ટ ધ રિડીમર’નું પૂતળું અહીં ક્યાંથી? પછી ખ્યાલ આવ્યો કે, પોર્ટુગલે બ્રાઝીલ પર ૩૨૨ વર્ષ રાજ કર્યું તેના સાંસ્કૃતિક આદાનપ્રદાનનું આ પરિણામ છે. ૧૧૦ મિટર ઊંચું આ પૂતળું, પોર્ટુગલની પ્રજાએ પોતાના રાષ્ટ્રને બીજા વિશ્વયુદ્ધથી વણસ્પર્શ્યું રાખવા બદલ ઈશ્વરનો આભાર માનવા માટે મૂક્યું છે! આવો જ અનુભવ પૅરિસમાં સીન નદીની વચ્ચે સ્વાતંત્ર્યની દેવીના પૂતળાની લઘુ પ્રતિકૃતિ જોતાં થયેલો, અને ત્યારે ગાઇડે સમજાવેલું કે, ન્યૂયૉર્કનું સ્ટૅચ્યૂ ઑફ લિબર્ટીનું અસલ પૂતળું ફ્રાન્સની પ્રજાએ અમેરિકાને ભેટ આપ્યું, તેની યાદમાં અહીં તેની આ નાની આવૃત્તિ મૂકેલી છે,

શહેર સાત ટેકરીઓ પર વસેલું હોવાથી, એના રસ્તાઓ પર ઢોળાવો ને ઉભારોની ભરમાર હતી. કયાંક તો ઊંચા મહોલ્લાઓ સુધી પહોંચવા જાહેર એલિવેટર મૂકેલાં હતાં, તો ક્યાંક કેબલકાર કૉગહીલવાળી સ્ટ્રીટકારનો ઉપયોગ કરવો પડતો હતો. શહેરની મધ્યમાં એક ટેકરી પર નાનો એવો કિલ્લો જોયો; એનું નામ હતું. સાઓ જૉર્જ. સદીઓ પહેલાં આ ધરતી પર ફિનલૅન્ડનાં લોકોએ પહેલી માનવવસાહત સ્થાપી, ત્યારના લિસ્બનની છબી, તે આ સાઓ જૉર્જ અહીંથી સાત ટેકરી પર છવાઈ ગયેલું આખું શહેર અને નીચે શહેરનો મુખ્ય ચોક ‘પ્રાકા ડિ કોમર્સિયો’ ખૂબ સુંદર લાગતાં હતાં. શહેરમાં ફરતાં ફરતાં અમે એક કૉફીહાઉસ જોયું, જેના પ્રાંગણમાં વિખ્યાત પોર્ટુગીઝ કવિ ફરનાન્ડો પેસોઆનું પૂતળું મૂકેલું હતું. જાણવા મળ્યું કે, આ કાફેમાં પેસોઆ સારો એવો સમય વિતાવતા અને અહીં બેસીને તેમણે અનેક અમર કૃતિઓ સર્જી હતી. પ્રવાસની તૈયારી કરતાં પેસોઆનાં કાવ્યો વાંચેલાં, પરંતુ સ્વપ્નેય કલ્પના નહોતી કે, કવિરાજ પેસીઆની આમ અચાનક મુલાકાત થઈ જશે! પૂતળું જાણે સ્વમુખે કવિતા સંભળાવી રહ્યું હતું.

‘આપણામાં અગણિત જિંદગીઓ વસે છે:
હું જાણતો નથી કે, જ્યારે હું વિચારું છું કે લાગણીઓને અનુભવું છું,
ત્યારે એ કોણ હોય છે, જે વિચારે છે ને અનુભવે છે?
હું તો માત્ર એક સ્થળ છું,
જ્યાં વસ્તુઓને વિચારવામાં કે અનુભવવામાં આવે છે…’

પોર્ટુગીઝ સ્થાપત્યકલાના સૌથી ઉત્કૃષ્ટ નમૂનારૂપ તો હતું, ડોસ જિરોનિમોસ મોનેસ્ટ્રી નામનું સ્થાપત્ય. મૂળે તો એ ૧૬મી સદીમાં અહીં વસતા નાગરિકોની દરિયાઈ સિદ્ધિઓને બિરદાવવા માટે રચાયેલું દેવળ છે. પહેલાં આ સ્થળે એક નાની દેરી હતી, જ્યાં અજ્ઞાતની સફરે જતાં પહેલાં નાવિકો પ્રાર્થના કરવા આવતા. એ સુવર્ણયુગની સ્મૃતિમાં આજે ત્યાં ભવ્ય સંકુલ બનાવવામાં આવ્યું છે, જેને રાષ્ટ્રીય સ્થાનક અથવા પવિત્ર મઠનો દરજ્જો આપવામાં આવેલો છે. આ સ્થાપત્યની કલાને મેન્યુએલીન સ્થાપત્યકલા કહેવાય છે, જે પોર્ટુગીઝ લોકોની પોતાની વિકસાવેલી મૌલિક કલાપદ્ધતિ છે. અમે જોયું કે, ગોથિકકલાની જેમ આ ઇમારત પણ પથ્થર પરની કોતરણીથી અલંકૃત હતી, પણ એનાં પ્રતીકો જરા જુદા પ્રકારનાં હતાં. અહીં દરિયાઈ પ્રવાસની સામગ્રીઓ જેવી કે, દોરડાં, લંગર, હોકાયંત્ર, પૃથ્વીનો ગોળો, છીપલાં વગેરેની આકૃતિઓ કંડારેલી જોવા મળી. આ આકૃતિઓથી સુશોભિત નાજુક કમાનોને કારણે ઇમારતની ભવ્યતામાં પણ નમણી નજાકત છલકાતી દેખાઈ. આશ્ચર્ય તો એ જોઈને થયું કે, અહીં ઈશ્વરની સાથે રાષ્ટ્રના સપૂતોની પણ પૂજા થતી હતી. જિરોનિમોસમાં વાસ્કો ડિ ગામાની કબરને જોઈને અમે ધન્યતા અનુભવી. ગામાની મહાન દરિયાઈ સફરનું મહાકાવ્ય ‘લુસિયાડ્સ’ રચનાર મહાકવિ લુઈ ડિ કામિયોઝને પણ ત્યાં જ ચિરનિદ્રામાં સૂતેલા જોયા.

છેલ્લે અમે દરિયાકિનારે આવી પહોંચ્યાં. લિસ્બન પાસે ટેગસ નદી (લોકો એને પ્રેમથી તેજો પણ કહે છે.) જ્યાં ઍટલાન્ટિક મહાસાગરને મળે છે, ત્યાં એનો મુખપ્રદેશ જરાક નિરાળો છે. વિશાળ અને ઊપસેલા આ ભૂમિપૃષ્ઠ પર ઝળકતી પાતળી પાતળી સરવાણીઓની સોનેરી આભાથી રચાતી વિશિષ્ટ રચનાને કારણે દરિયાને અહીં ‘સી ઑફ સ્ટ્રો’ કહે છે. સી ઑફ સ્ટ્રોને કિનારે ઊભી રહી હું શીતળ પવનની દોર પર, સપ્તરંગી વસ્ત્રો ધારણ કરેલ કઠપૂતળીની જેમ નાચતાં મહાસાગરનાં જળને જોતી રહી. મનમાં પેસોઆનું કાવ્ય પડઘાઈ રહ્યું હતું:

‘જ્યાં સુધી હવાની લહેરખીઓનો સ્પર્શ મારા જુલ્ફોમાં સંપૂર્ણપણે અનુભવી શકું છું,
અને સૂર્યને પાંદડાંઓ પર પ્રખરતાથી ચમકતો જોઈ શકું છું,
ત્યાં સુધી હું વધુ કાંઈ નહીં માગું.
વિધાતા મને બેખબરીની આવી ક્ષણોમાંથી પસાર થતી
રોમાંચક જિંદગીથી બહેતર બીજું શું આપી શકત?…’

આજે પણ ક્યારેક અધૂરી રહી ગયેલી અપેક્ષાઓ અસ્વસ્થ કરી દે છે ત્યારે મનને અભિભૂત કરી દેતા પેસોઆના આ શબ્દો યાદ આવી જાય છે, ને મન શાંત થઈ જાય છે.

સામે જ ‘મૉન્યુમેન્ટ ઑફ ડિસ્કવરીઝ નામનું અદ્ભુત સ્મારક દરિયા તરફ મીટ માંડીને ઊભું હતું. પંદરમી અને સોળમી સદીમાં જ્યાંથી વહાણો અજ્ઞાતભૂમિની ખોજમાં નીકળવા વિદાય લેતાં તે સ્થળે જ એને મૂકવામાં આવેલું છે. પહેલાં એ એક કાચું શિલ્પ હતું, પણ વહાણવટાના સુવર્ણયુગના પ્રણેતા એવા રાજા – પ્રિન્સ ધ નેવિગેટરના મૃત્યુની પાંચસોમી જયંતી નિમિત્તે આજનું આ બાવન મિટર ઊંચું કૉંક્રિટનું બનેલું ભવ્ય સ્મારક મૂકવામાં આવ્યું છે. વહાણના અગ્રભાગ જેવા આકારના સ્મારક પર પહેલી પ્રતિમા પ્રિન્સ ધ નેવિગેટરની છે. સાથે છે ભારતની ધરતી પર વહાણ નાંગરનાર વાસ્કો ડિ ગામા, કેપ ઑફ ગુડ હોપનો માર્ગ શોધનાર બાર્ટલોમ્યુુ ડિયાસ, વાસ્કો ડિ ગામાની સફરનાં સંભારણાંનું મહાકાવ્ય ‘લુસિયાડ્સ’ રચનાર કવિ લુઈ ડિ કામિયોઝ, બ્રાઝિલને શોધનાર સાહસવીર પેડ્રો કાબ્રાલ સહિત પોર્ટુગલના ત્રીસ સપૂતોની મૂર્તિઓ અહીં કોતરેલી છે.

એ સ્મારકની નજીકમાં જ દરિયાનાં પાણી વચ્ચે ઊભેલું એક હૃદયને સ્પર્શી જાય તેવું સ્થાપત્ય જોયુંઃ ‘તૂર દે બેલેમ’ – અર્થાત્ બેલેમનો ટાવર. આજે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. સાગરખેડુઓ જ્યાંથી વણદીઠી દુનિયા તરફની એતિહાસિક સફર પર નીકળી પડતા તે જગ્યા. વાસ્કો ડિ ગામા ઈ. સ. ૧૪૯૭માં ભારતની મુસાફરી માટે જ્યાંથી વિદાય થયેલો તે સ્થાન. આ એ જ જગ્યા છે, જ્યાં દરિયો ખેડવા ગયેલા પ્રિયજનની પ્રતીક્ષામાં સ્ત્રીઓ આંસુ સારતી. એ જ જગ્યા જ્યાં પાછાં ફરેલાં સ્વજનોને ભેટતાં સૌની આંખો ભીની થતી. જરાક જ ઊંચો આ ટાવર આજે પણ વિદાયના ને વિયોગના દર્દમાં ઝબકોળાયેલો લાગે. હજીય એના મિનારા પરની અગાશી કોઈની રાહ જોતી હોય તેવું લાગે. એની સામે ઊભી રહીને હું તેજો નદીનાં પાણીને દરિયામાં વિલીન થતાં જોતી રહી. અતીતને પાર સર્જાયેલાં દૃશ્યો સજીવ થવા લાગ્યાં. પંદરમી સદીની એ સાંજો અને સફરની પૂર્વસંધ્યાએ પ્રાર્થના કરતા નાવિકો મન:ચક્ષુ સામે પ્રગટ થઈ ગયા. હજારો નાવિકો પોતાના સાહસની દિલધડક દાસ્તાન તારસપ્તકમાં કહેવા લાગ્યા. સફર માટે સુસજ્જ વહાણોના ફરફરતા સઢને પવનના હાથથી થપથપાવતો દરિયો જાણે કહી રહ્યો હતો કે, હા, અહીં જ યોજાયા હતા દબદબાભર્યા વિદાય-સમારંભો અને અહીં જ થયાં હતાં પ્રિયજનોનાં પુનર્મિલન! હું સાંજમાં ડૂબતી ક્ષિતિજરેખા તરફ જોતી વિચારતી રહી : કેવી હશે અજાણ્યા પ્રદેશ તરફ અજાણ્યા મહાસાગરને ખેડવા નીકળેલા સ્વજનની એ પ્રતીક્ષા? અજાણ્યા ભયનો ઓથાર લઈને ઊગતો દિવસ અને અજાણી આશંકાઓમાં આથમતો સૂરજ, ન તો પાછાં ફરવાનો કોઈ નિશ્ચિત સમય, ન તો ખબર કે સંદેશ મળવાનો કોઈ ઉપાય. બસ, ક્ષિતિજરેખા પર અખૂટ આશાભરી મીટ માંડીને બેઠેલી આંખો.. સાંજ ઢળી ચૂકી હતી, અંધકાર ફેલાવા લાગ્યો હતો. ‘હવે આપણે જવું જોઈએ’ રાજીવે મૃદુતાથી કહ્યું. આંખોમાં ઊભરાતા ઝંખવાયેલા ચહેરાઓને હળવેથી લૂછીને હું ઊભી થઈ ને અમે રેલવેસ્ટેશન તરફ ડગલાં માંડ્યાં.

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.