હારાકીરી

“બે મિત્રો પોતાના કુટુંબીજનો સાથે આનંદપ્રમોદ કરવા કોઈ એક નયનરમ્ય વનપ્રદેશમાં જઈ આવ્યા. સ્ત્રીવર્ગ વિશ્રંભકથાએ વળગ્યો અને વધુ પ્રગલ્ભ બનીને ખાણીપીણી, મારપીટમાં તરબોળ થઈ ગયો. પેલા બે મિત્રો પાસે જ આવેલા કોઈ એકાન્ત સ્થળમાં જઈને જાતજાતની કથાઓ માંડી બેઠા. ત્યાં એક ઊંચો દેહ ધરાવતી, તપાવેલા કાંચન વર્ણની, પિંગળકેશી, સૂર્ય સમાન તેજસ્વી, કાળાં વસ્ત્ર પહેરેલી વ્યક્તિ આવી ચઢી. ‘હું છું ખાઉધરો બ્રાહ્મણ. મને ભોજનની ભિક્ષા આપો. પણ રખે અનાજપાણી આપતા. આ વન એનાં પશુપંખી, માનવી, દૈત્ય — બધાં જ જીવ મારું ભોજન બને એવી મારી લાંબા સમયની અભિલાષા પૂર્ણ કરો.’ બંને મિત્રો પાસે કોઈ અસ્ત્રશસ્ત્ર નથી. એટલે એ બ્રાહ્મણ પાસે અસ્ત્રશસ્ત્ર યાચે છે. પેલો ભૂખ્યો બ્રાહ્મણ પોતાના મિત્રની મદદથી દિવ્ય અસ્ત્ર લાવી આપે છે અને પછી શરૂ થાય છે ખાઉધરાનું ભોજન. એના સદાય બળબળતા, ભડભડતા જઠરાગ્નિમાં હોમાવા લાગ્યા દાનવ, રાક્ષસ, સાપ, રીંછ, વરુ, હાથી, વાઘ, સિંહ, હરણ, ભેંસ, પંખી. ન જાણે કેટલુંય કીટજગત પણ અગ્નિના વિશાળ ઉદરમાં હોમાયું હશે. વનને સળગતું અટકાવવા દેવતાઓ આવ્યા તોપણ આ બે મિત્રોએ બધા દેવતાઓને પરાજિત કર્યા. કોઈ પશુપંખી આગમાંથી બચી જાય તો આ બંને મિત્રો વીણીવીણીને, શોધીશોધીને તેમને અગ્નિની જ્વાળાઓમાં હોમતા હતા. બધું જ અગ્નિમય બની ઊઠ્યું.”

મોટાભાગના વાચકોને ખ્યાલ આવી જશે કે આ પ્રસંગ છે મહાભારતના પ્રખ્યાત ખાંડવદહનનો (આદિ પર્વ ૨૧૪-૨૧૯). આજે પણ આ પ્રસંગ યાદ આવતાં ઘડીભર તો સૂધબૂધ ખોઈ બેસીએ છીએ. કેવો દારુણ સંહાર હતો. અચાનક દાવાનળ ફાટી નીકળે અને એમાં વનચરો હોમાઈ જાય એને તો પ્રાકૃતિક ઘટના તરીકે ઓળખાવી શકાય. પ્રકૃતિ પોતાની મેળે જે સમતુલા સ્થાપવા મથે છે તેના નમૂના તરીકે એને બહુ નિર્દોષતાથી ઓળખાવી શકાય. પણ આ ઘટના તો માનવસર્જિત હતી, માનવીએ પોતાના વસવાટ માટે, નગરસ્થાપના માટે અદ્ભુત સૌંદર્ય ધરાવતું વન સળગાવી દીધું અને કોઈ કરતાં કોઈને એમાંથી જીવતો નાસી જવા ન દીધો. મહાભારત કહે છે તે પ્રમાણે માત્ર છ જ જીવ પોતાનો જીવ બચાવી શક્યા હતા. અસ્થાયી માનવી સ્થાયી બનવા માટે વનનો વિનાશ કરે એ ઘટનાને સંસ્કૃતિના આરંભકાળની સ્વાભાવિક ઘટના તરીકે લેખીને એની ક્રૂરતા થોડી ઘટાડી શકાય. અથવા બંગાળી કવિ બુદ્ધદેવ બસુ કહે છે તે પ્રમાણે જળ અને અગ્નિના સમાગમથી સર્જન શક્ય બને છે એ ભૂમિકાનું આવી ઘટના નિરૂપણ કરે છે એમ પણ કહી શકાય. ગમે તેમ પણ આ ઘટનાને રૂપકાત્મક ભૂમિકાએ જ સમજી શકાય, સમજાવી શકાય. બાકી તો આવો નિર્દય સંહાર નર અને નારાયણ તરીકે પૂજાતા અર્જુન અને શ્રીકૃષ્ણ કરે એ ઘટનાને સ્વીકારવાને માટે આપણું મન કેમેય તૈયાર થાય નહીં. નવાં નવાં નગરો સ્થાપવાની જરૂરિયાતો જ્યારે જ્યારે ઊભી થઈ ત્યારે ત્યારે આ જ રીતે વનનો વિનાશ કરીને જ નગરો વસાવવામાં આવ્યાં છે. અગત્સ્ય મુનિએ વિંધ્યાચલ પાર કરીને દક્ષિણ ભારતની, સૂર્ય જ્યાં પ્રકાશતો નથી એવી અંધારી બની ગયેલી, ભૂમિને વસવાટયોગ્ય બનાવ્યાનું કોને યાદ નથી? પરાપૂર્વથી ચાલી આવેલી આ ઘટના શું આજે અદૃશ્ય થઈ ગઈ છે?

લગભગ બધાં જ પ્રાચીન સાહિત્યોમાં અગ્નિ, જળ, સૂર્ય, વાયુ જેવાં પ્રાકૃતિક તત્ત્વોને દેવ કલ્પવામાં આવ્યાં છે. એ રીતે અગ્નિ પણ દેવ. અને અગ્નિનો સ્પર્શ જેને થાય તે બધું જ અગ્નિમય બની જાય. એનું આલિંગન એટલું બધું તો આક્રમક કે આપણું સ્વતંત્ર વ્યક્તિત્વ પછી રહી શકે જ નહીં. એક લાક્ષણિક વિગત તરી આવે છે કે મહાભારતના આ અગ્નિદેવ નિરામિષાહારી નથી. અન્ન તો એમને ખપતું જ નથી. એમના જઠરને જીવ-જગતની જ અદમ્ય ભૂખ હતી. શા માટે? આ દુર્દાન્ત, કાળસદૃશ દેવ આપણા મનુષ્યજીવનના કયા ખંડને સૂચવી જાય છે? આ ઘટના કોઈ દેવલોકની કે દેવલોકના કોઈ અપાર્થિવ રહસ્યની સંકેતલિપિ તો નથી જ ધરાવતી. એ પૂર્ણપણે માનવીય છે. એમાં ભૂતકાળના જ નહીં પણ ભવિષ્યના માનવીની ઝાંખી કરાવવાનું અદ્ભુત સામર્થ્ય છે. ખાંડવવન-દહન માનવીની નરી બુભુક્ષાવૃત્તિ પણ પ્રગટ કરી જાય છે. માનવીએ પોતાની હિંસક વૃત્તિઓને કચડી નાખવાના અનેક પ્રયત્નો કર્યા છે. નિષ્ફળતા મળે તોપણ એણે તો પ્રયત્નો બંધ કરી દીધા નથી. ભીતિ અને પ્રીતિ દ્વારા માનવને મૂઠી ઊંચેરા બનાવવાના પ્રયત્ન ઋષિમુનિઓએ કર્યે રાખ્યા હતા, પણ એ હતો માનવી. ત્રિગુણાતીત એવો પરમાત્મા તો તે હતો જ નહીં. એટલે ફરી ફરી ધરતીની ધૂળમાં, મલિનતાથી ભરેલા કાદવમાં રગદોળાતો રહ્યો. પણ પેલું તુચ્છ તણખલું સુધ્ધાં આકાશની દિશામાં ગતિ કરતું હોય તો પછી માનવી જેવો માનવી એ દિશામાં કેમ ન મથે? પણ એ દિશા નિત્શે-કથિત અતિમાનવની હોય તો તો ભૂંડા હાલ થાય, એ દિશા વાસ્તવમાં તો અરવિંદ-કથિત અતિમાનવની હોવી જોઈએ.

આધુનિક માનવી નિત્શે-કથિત અતિમાનવની દિશામાં જવા મથે છે. એનામાં ખાંડવવનને બાળીને ભસ્મ કરી નાખનારા અગ્નિ જેવી નરી નગ્ન, ભીષણ બુભુક્ષા પ્રગટી છે. એને અન્નથી, અહિંસાથી મેળવવા ધાન્યથી સંતોષ નથી. એની જ એક છબિ આપણને વીસમી સદીમાં હિટલરના આઈકમેનોમાં મળેલી, બીજી એક છબિ વિયેટનામ પર હુમલો કરીને સમગ્ર ભૂમિને વાંઝણી બનાવી દેનારા અમેરિકન રાજનીતિજ્ઞોમાં જોવા મળી હતી પછી તો આ છબિઓ ક્યાં ક્યાં જોવા નથી મળી? જેવી રીતે સામસામે ગોઠવાયેલા આયનાઓમાં ગુણક પ્રતિબિંબોના નિયમને આધારે અગણિત પ્રતિબિંબો જોવા મળે છે તેવી જ રીતે અગણિત છબિઓ શું વિશ્વભરમાં બનતી ઘટનાઓમાં જોવા નથી મળતી? યુદ્ધ, આંતરવિગ્રહો, વર્ગવિગ્રહો, કોમી રમખાણો, હત્યાકાંડો, અણુવિસ્ફોટો, પ્રકૃતિનો આડેધડ વિનાશ — મહાભારતકથિત ભૂખ કરતાં હજારગણા, લાખગણા પરિમાણો ધરાવતાં થઈ ગયાં છે. કોઈ પણ ભોગે સમાજમાં, દેશમાં, જગતમાં પોતાનું વર્ચસ સ્થાપવા માગતો માનવી કે માનવજૂથ આવી જ ભૂખ ધરાવે છે. આ ભૂખ શમાવવા માટે તેણે આંખો મીંચી દીધી છે, કાન બહેરા બનાવી દીધા છે, એની ઘ્રાણેન્દ્રિય દિવસોથી સડતા શરીરની દુર્ગન્ધ પ્રત્યે પણ ઉદાસીન છે, એટલે જે કંઈ મળે તે ઝીંકાટે છે, એની જ્વાળાઓ કોઈ એક ભૂમિખંડ પૂરતી મર્યાદિત નથી. ધરતી પર છેક એન્ટાર્કટિકા સુધી અને અવકાશમાં ગુરુ- શનિ સુધી વિસ્તરે છે. પણ ખાંડવ વનને પ્રજાળનાર અગ્નિ પોતે સ્વાહા થયો ન હતો. પણ આ અતિમાનવ બનવાના પંથે નીકળી પડેલો માનવી પોતાના જઠરાગ્નિમાં જાતને હોમી રહ્યો છે!

(૬-૫-૮૫)

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.