જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ

લખતાંની સાથે જ અક્ષર પાણીના રેલામાં તણાઈ જાય છે. હવા પણ જાણે લપસણી થઈ ગઈ છે. શબ્દો ઉચ્ચારાતાં જ સરકી જઈને પાણીના પરપોટામાં પુરાઈ જાય છે. ભીની રુવાંટીવાળું થથરતું શિયાળ મેદાનમાં ઘડીક સંદેહવશ થઈને ઊભું રહે છે. પછી દોડી જાય છે. એના દરમાં તો પાણી ભરાઈ ગયું છે. એ દોડીને ક્યાં જશે? નિશાળના ઘંટ પોતે પોતાનામાં જ ઢબુરાઈને પોઢી ગયા છે. લીમડાની ડાળ પર એક કાગડો કાળા રંગના ડૂચા જેવો બેસી રહ્યો છે. કાગળની હોડીઓ પણ હવે તરી શકે એમ નથી જાણીને શિશુઓ ઘરમાં પુરાઈ ગયા છે રસ્તાનાં પાંસળાં નીકળી આવ્યાં છે.

વૃષ્ટિએ ઘરને કારાગારમાં ફેરવી નાખ્યું છે. એકાદ બારી ખુલ્લી રહી જાય છે તો આકરા સ્વભાવના દારોગાની જેમ પવન આવીને એ તરત બંધ કરી જાય છે. ઘરને ખૂણે અજાણી છાયાઓ દેખાય છે. મારી દખણાદી બારી પાસેની જૂઈ થોડી થોડી વારે ઝૂકીને એની પુષ્પલિલિથી મને બહારનો સંદેશો વંચાવી જાય છે.

કેટલાંક મહાવૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યાં છે. ઘણાંને તો પોતાના પગ નીચેની ધરતી પાણી સાથે સરી જતી લાગી છે. હૂંફ અને રક્ષણ આપતી ઘરની દીવાલ પણ જાણે ઊભી રહીને થાકી હોય તેમ ડગવા તૈયાર થઈ ગઈ છે. જળ જે કાંઈ સ્થગિત છે તેને ગતિના આવર્તમાં ખેંચી લેવા તત્પર દેખાય છે.

સૂર્ય અરાજકતાવાદીની જેમ ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે. એ કદીક દેખાઈ જાય છે એવી લોકોમાં અફવા ચાલે છે. ભેજ સર્વવ્યાપક બનતો જાય છે. એ બધી સમ્બન્ધની કડીને ઢીલી પાડી નાખે છે. કોઈક વાર તો છતમાં થઈને ટપકતું આકાશ બિન્દુએ બિન્દુએ ઘરમાં ઝમે છે. અહીંતહીં આકાશગંગાઓ વહેવા લાગે છે. ગોખલામાં બેઠેલા વિષ્ણુએ ક્ષીરોદધિમાં સૂવાનું સ્વપ્ન સાકાર થતું લાગે છે.

બધે ઘેરાઈ ગયાની, રૂંધાઈ ગયાની લાગણી છે. આ પડછાયાઓ મીંઢા બનીને કશીક ગુફતેગુ કરી રહ્યા હોય એવું લાગે છે. ક્યાંકથી કોઈ કૂદીને એકદમ આપણને ચોંકાવી મૂકશે એવું લાગ્યા કરે છે. આમ તો બધાં જ ઘરમાં છે, પણ કોઈને કોઈ જોડે બોલવાનું મન થતું નથી. દર્પણની આંખ બધા પર ચોકીપહેરો ભરતી લાગે છે. બધાં દબાયેલે પગલે ચાલે છે, દબાયેલે અવાજે બોલે છે. વૃક્ષો પણ મૂગા સંત્રીની જેમ ઊભાં ઊભાં જાણે પહેરો ભરી રહ્યાં છે. મેદાનમાંનું ઘાસ હરિયાળું છે, પણ સૂર્યની ગેરહાજરીનો વિષાદ તો એના પર પણ દેખાય છે.

કેવળ નિત્યક્રમને ચાલતો રાખવાની જવાબદારી બધાં અદા કરી રહ્યાં હોય એમ લાગે છે. તડકો પડશે, ફરી સર્વસાધારણ પરિસ્થિતિ સ્થપાશે ત્યારે શું શું જપ્ત થઈ ગયું તેનું ભાન થશે. આ ધૂસરતામાં આપણા પોતાના વિષાદનું મુખ પણ જોઈ શકાય એમ નથી. એક પ્રકારની ભયાવહ શાન્તિ બધે પ્રસરી રહી છે. કશાક વણબોલ્યા આદેશને અનુસરીને પંખીઓએ પણ જાણે ટહુકવાનું બંધ કરી દીધું છે. વૃક્ષોની પાણીમાં ભીંજાઈ ભીંજાઈને કાળી પડી ગયેલી ડાળ પાણીના ભારથી પવનમાં પરાણે હાલતી હોય એવું લાગે છે. સૂકવેલાં વસ્ત્રોની હાર પાણીથી લદબદ થઈ ગઈ છે. રસ્તા પરથી વાહનોની હાર તાર પરથી ટીપાં સરે તેમ ધીમે ધીમે સર્યા કરે છે. મ્લાનતાનો રંગ કેવો હોય તેની ઓળખ આ દિવસોમાં થાય છે.

નિળાશિયાઓની ચોપડીનાં પાનાં ભેજથી ચોંટી ગયાં છે. એના અંકગણિતના બધા આંકડા પાણીમાં તણાઈ ગયા છે એનું એને સુખ છે. પણ આ પાણીએ એની ચંચળતા પર પ્રતિબન્ધ મૂક્યો છે. આથી એ સ્થિર આંખે પરીકથાની દુનિયામાં જતો રહે છે. આવા દિવસે ત્યાં પણ એને રાક્ષસ દેખાય છે. ઘરમાં એને ઘોર વન ઊગી નીકળતું લાગે છે. ઘરના માણસો વનનાં ભયાનક પશુ જેવાં લાગવા માંડે છે. એ સ્તબ્ધ અને અવાક્ બનીને જોઈ રહે છે.

સહુ પોતાની નિઃશબ્દતાનું વજન ઉપાડીને નિશ્ચલ થઈને બેસી રહે છે. ઘરમાંનો ટેલિફોન પણ બહાર સાથેનો સમ્પર્ક છેદી નાખીને મૂગો બેસી રહે છે. વીજળી પણ અદૃશ્ય થઈ જઈને ઘરમાં પૂરો અન્ધારપટ ફેલાવી દે છે. મારાં પુસ્તકો પર લીલનો પ્રલેપ થઈ ચૂક્યો છે. હવે આ બધા ફુગાઈ ગયેલા અક્ષરોને ફરીથી શી રીતે વાપરીશું એવો મનમાં પ્રશ્ન થાય છે.

પાણીમાં કાંઈ કેટલુંય તણાતું જાય છે. કોઈ વાર કોઈ સાપ તણાતો તણાતો ડોક ઊંચી કરીને જુએ છે. કોઈક વાર એવી ભ્રાન્તિ થાય છે કે એમાં મારા જ દેહનાં ટોળાં તણાય છે. આખી પૃથ્વી અત્યારે કશાક આઘાતના પડછાયા નીચે ઊભી ઊભી ધ્રૂજી રહી છે. એમાંય દૃષ્ટિને સ્થિર રાખનારા કોઈ હશે? હા, શબની આંખો સ્થિર જ રહે છે. સમયની કરાડોમાં પણ તરાડ પડી છે. એમાં થઈને જળ ટપકી રહ્યું છે. વૃક્ષે વૃક્ષે જળની આંખો ખૂલી છે. એમાં આપણી બધી છબિઓ ડૂબી ગઈ છે. આપણી ભાષા પાસે જે ચિત્રો અંકાવ્યાં તેને એ આંખો સ્વાહા કરી ગઈ છે. અરે, આપણા અંગની સહજ હલનચલનની મુદ્રાઓ સુધ્ધાં એણે ચોરી લીધી છે. મારી ચારે બાજુ કેવળ જળની આંખો ચળક્યા કરે છે.

કેટલીક વાર લાગે છે કે જળ શૂન્યનું જ બીજું નામ. જળનો સ્વભાવ બધું ભૂંસી નાખવાનો છે, પોતાનામાં ઓગાળી નાખવાનો છે, તાણીને દૂર લઈ જવાનો છે, આ બધું એ દસ્યૂની જેમ ચોરપગલે કરે છે. કારણ કે શૂન્ય એટલે જ અનન્ત. એથી જ તો શૂન્ય અને બ્રહ્મ પણ પર્યાય. જીવ બ્રહ્મમાં વિલય પામે, સૃષ્ટિ જળપ્રલયમાં શમી જાય. વિલય અને પ્રલય એક જ. જળ જ સૃષ્ટિનું પૂર્ણવિરામ. એટલે જ ભગવાનનું એ વિશ્રામસ્થાન, માટે તો એ કહેવાયા નારાયણ.

મારું અળવીતરું મન જે પદાર્થો નથી તે રચે છે. એ પદાર્થો કશા ખપના નથી. એને સિક્કાની જેમ વટાવી ન શકાય. એને ફૂલની જેમ ચઢાવી ન શકાય. એના વડે કશું ભરી ન શકાય કે કશું ખાલી ન કરી શકાય. એનાથી કોઈ રાવણ મરે નહીં ને એનાથી કોઈ રામ લડે નહીં. એ દર નહીં જેમાં સાપ વસે. એ ઘર નહીં જેમાં માનવી વસે. એ ચારે બાજુથી સીમાહીન અને રિક્ત. એમાં ઈશ્વરને વિહાર કરવાની મોકળાશ. આજે એવા પદાર્થ વચ્ચે બેસીને હું પ્રલયથી બચવા ઇચ્છું છું. હું મારા પદાર્થોને, નર્યા નિરુપયોગી પદાર્થોનો, ઉપયોગ કરીશ? એને વાસ્તવિક પદાર્થ બનાવી દઈશ? આપણે અત્યારે સપાટી પર જળપુરાણ માંડીને બેઠા છીએ ત્યારે ભૂગર્ભમાં વૃક્ષનાં તે તૃણાંકુરનાં અદ્‌ભિજમાત્રના મૂળની શી પ્રવૃત્તિ ચાલી રહી હશે? એ મૂળ કેવાં ષડયન્ત્ર રચશે? કેવી જાળ ફેલાવશે? ધરતીનો ચુપકીદીથી કેવો કબજો લઈ લેશે? પછી કેવાં આકાશભેદી વૃક્ષો ઉદ્દંડ બનીને ઊભાં રહેશે? વળી અત્યારે ભૂગર્ભમાંના છાના જળપ્રપાતોને બહારના જળનો સંદેશો પહોંચી ગયો હશે. કોઈ ધરતીકંપો પણ આળસ મરડીને જાગતા હશે. આ જળ નદીઓને કીર્તિનાશા બનાવીને એમની દ્વારા સમુદ્રને પણ મર્યાદા છોડ્યાને ઉશ્કેરી રહ્યાં હશે.

પણ હું આ વિભીષિકા શા માટે ફેલાવું છું. મારી આંગળીને ટેરવે સ્પર્શતાંવેંત ભાંગી જતાં આ ભંગુર જળબિન્દુ વિશે હું શાથી આટલો બધો ભયભીત થઈ ગયો છું? જળબિન્દુ વિશે હું શાથી આટલો બધો ભયભીત થઈ ગયો છું? જળબિન્દુ તો પરિચિત. ફૂલની પાંખડી પર એને ચમકતાં જોયાં છે. કોઈક આંખમાં પણ એને ચમકતાં જોયાં છે. પણ જળવહેતાં અન્ધ જળનો મને ભય છે. આપણે બધા જ આશાવાદી છીએ. મરણોન્મુખ છતાં જીવનાભિલાષી છીએ. એથી જ તો મરણનું કારણ બનનાર જળ, પ્રલય કરનાર જળ ‘જીવન’ નામે નથી ઓળખાતું? કાલે સૂર્ય ઊગશે. જળ પાસે તો તિરસ્કરિણી વિદ્યા છે. એ બાષ્પીભૂત થઈને, જાણે કશું જ નહીં બન્યું હોય તેમ ફરીથી આકાશમાં ચાલી જશે. પછી ઇન્દ્રધનુ બનીને ચમકીને સૂર્યની ખુશામત કરશે. સૂર્ય તપશે એટલે ફરી આપણે જળને ઝંખીશું.

એ તો થશે ત્યારે, અત્યારે તો મીઠા અન્ધ જળનો દોર ચાલી રહ્યો છે. એ જેને તાણી ગયું તે આપણને વિદાયનો સંદેશ આપવા રહ્યા નથી.

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.