ઈશ્વર તમે, હું—આપણે બધા જ!

ચાલો, ભાઈ ચાલો. ચતુર નર ને નાર ચાલો. ચાલો, આજે આપણે આપણી કથા જાણવાની છે. આપણા પૂર્વજો વિશે ઘણીબધી માહિતી મળવાની છે. એકઠા થાવ, આનંદો, બસ આનંદો. કેવાં હશે આપણાં કુળ-મૂળ, કેવી હશે આપણી પૂંછ અને મૂંછ. શાણા જણ વિચાર કરો, માથું મોટું હશે અને હૃદય નાનું હશે કે પછી હૃદય ટચૂકડું હશે અને માથુંય ટચૂકડું હશે. શી ખબર! રામ જાણે કે પ્રાણ જાણે, પૂર્વ જ જાણે કે પંડિત જાણે. આપણે તો ભઈ ભેગા મળો. આદેશ આવ્યો છે આદેશ. છેક ઉપરથી વહીવંચો આવ્યો છે. મોટા મોટા ચોપડા લાવ્યો છે. કુળ અને કુળદેવીઓની વાતો કરે છે. બધું કડેડાટ બોલે છે. મારાય બાપાના બાપા ને એનીય ઇકોતેર હજાર પેઢીઓની એ વાતો કરે છે. એની આંખોમાં ભારે જાદુ છે. ઘડી વારમાં તો કહે છે—તમે તે આ. તમારી જાત તે આ. તમારાં ઘર તે આ. તમારી સૃષ્ટિ તે આ. આ તમારા દરિયા અને આ તમારા ડુંગરા, આ તમારાં ઝાડ-પાન અને આ તમારાં ઝરણાં. લીલાલહેર કરો. કશી વાતે કમીના નથી. કામધેનુના પુત્તરો તમારે તો બધું છે સુતર સુતર. સુમેરુ પર્વત ઉપર તમારા બાપદાદા આળોટે ને એય મજો મજો કરે. ઘડીમાં સુરદ્રુમ ઉપર એ કૂદકા મારે તો ઘડીમાં એ સર્‌ર્‌ર્‌ર્ કરીને સરકી આવે સુરધનુના એક છેડેથી. એક પળે સુરનદીમાં એ સ્નાન કરે અને બીજી પળે તો એ ઊડતો જાય… ઊડતો જાય એ… એ… પેલા સુરપથ ઉપર. ઘડીકમાં એ સુરયુવતીની સંગ હોય તો ઘડીકમાં ટેશથી બેઠો હોય એ સુરાઈ પાસે. તમારા બાપદાદાઓ તો ભઈ, બધા જ સુરૂપ અને સુરેખ. આઇ મીન ઇન્દ્ર જેવા—સુરેન્દ્ર જેવા. સુરેન્દ્રનું નામ પડતાં અમે તો ચોંકી ગયા. વહીવંચાને કહ્યું—ભઈલા, ઊભો રહે, જરા પોરો ખા અને પોરો ખાવા દે. આમ ઉતાવળ શી કરે છે?! જરા ટાઢેથી વાત કર.

અમે વહીવંચાને પૂછ્યું—હેં અમારા બાપદાદા ઇન્દ્ર જેવા હતા? તો તો પછી એય ઇન્દ્રની જેમ સુરલોકમાં આનંદ આનંદ કરતા હશે ને? ન કમાવાની ચિંતા કે ન પેટ ભરવાના પ્રશ્નો. સંઘર્ષ જ નહિ, પછી દુ:ખ તો ક્યાંથી હોય. માત્ર સુખ…સુખ ને સુખમાં જ ડૂબોડૂબ હશે ને? સાલી મજા તો ખરી. બોલેલો એકેએક બોલ સાર્થક થાય. બધું જ કોઈ પાળે, તહેનાતમાં હાજર. આપણે તો જરા લૂલી જ હલાવવાની એમ જ ને ત્યારે? વાહ, મારા વહીવંચા વાહ! આજ તો અમે બેહદ ખુશ છીએ, કેવું રૂડું હશે એ સુરસદન અને કેવા હશે એમના નિવાસ, આંગણામાં રમતી હશે ઘૂઘરિયું ગાયો અને ઘી-દૂધની તો રેલંછેલ… ખાવું હોય તે ખાઓ, પીવું હોય તે પીઓ—અરે, સોમરસ પીઓ. ના કશા ભાવતાલ કે ના કશી ભેળસેળ, સો ટચ લગડી માલ. ઇચ્છો તે મળે એ જ ક્ષણે, ન કશાની રાહ જોવાની કે કશે લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ ને નહિ ક્યાંય ‘માલ સ્ટોકમાં નથી’નાં ઝૂલતાં પાટિયાં. મારા બેટા એમનાં ટેણિયાં રમકડાંમાં રમતાં હશે સુરમણિ. પારણાં કેવાં હશે? નકરી ચાંદીનાં ને સોનાનાં જ ને? ઑ પડી જતો હશે!

વહીવંચો જરા ખંચાયો. અમારા ચહેરા ઉપર ઊતરી આવેલી ગુલાબી જોઈને એ થોડો મરક્યો. મનમાં હશે કે ઠીક પલળ્યા છે માળા. બેપાંચ વધારે ગેરવી લઈશું. હા, ભઈ હા. અમે તો ભોળાભટ. સુખની વાત કરો તોય અમારે તો સુખ સુખ થઈ જાય. દુ:ખના કપડામાં સુખનો એકાદ આભલો જડીને અમે તો ચોરે ને ચૌટે સુખની છડી પોકારીએ એવા છીએ. પછી પગથી માથા સુધી દુ:ખ કેમ નથી હોતું. ચિંતા કરે છે મારી બલારાત.

વહીવંચો તો પોરસાયો. તેણે તો હસતાં હસતાં વળી એક ઓર ફોડ પાડ્યો. જુઓ, સુરેન્દ્ર અને ઈશ્વર-બીશ્વરની બધી વાતો તો ઠીક. ઈશ્વર તો તમારા બાપદાદાની પેદાશ છે. તમે આમ બધી વેળા સુખનો જ અનુભવ કરતા હોત તો આ ઈશ્વર-બીશ્વરની ક્યાં જરૂર પડત? આ તો પેલા તમારા પૂર્વજોએ જરા વધુ સારા દિવસો આવ્યા એટલે માંડી સ્પર્ધા. પેલો પેલાનું કાપે અને આ વળી બીજાનું કાપે. ચાલી પછી કાપાકાપી, મારામારી અને મારું-તારું, તું નાનો અને હું મોટોની વાતો, પાપાચારોની હરીફાઈ જામી, ભારે અંધાધૂંધી જામી, કોઈ કોઈનું માને જ નહિ. સુખનો પાર નહિ અને સુખ કોઈથી પમાય નહિ. આવી અવ્યવસ્થા શી રીતે ચાલે? થોડાક વડીલો ભેગા મળ્યા. તેમને ચિંતા થવા લાગી. તેમણે રોષ પ્રકટ કરતાં કહ્યું—‘આ શો વેપલો માંડ્યો છે અલ્યાઓ?’ ને એ પ્રશ્ન સાથે દેવાધિદેવની વાત વહેતી મુકાઈ. એક પરમ શક્તિ. આપણાં દુ:ખો અને સુખોનો હિસાબ માગનાર શક્તિ. આપણને માફ કરનાર કે શિક્ષા કરનાર શક્તિ. આપણને માલામાલ કરનાર કે મારી નાખનાર શક્તિ. અને સૌ ચૂપ થઈ ગયા. એ શક્તિની વાત આવતાં થરથર કંપવા લાગ્યા. ખોટું કરી નાખ્યું હોય તો એનું સ્મરણ કરી સીધે રસ્તે ચાલવાનું નક્કી કરતા. દુ:ખના દહાડાઓ એને યાદ કરી કરીને કાપી નાખતા. સુખ આવતું તો એને તે વહેંચતો, પાપથી તે ડરતો, મૃત્યુના વિચારથી તે કંપી જતો.

વહીવંચાની વાત સાંભળી હવે અમે ખંચકાયા.—વાત ત્યારે એમ છે એમ ને? એવું બબડીને અમે થોડાક ઢીલા પડ્યા. ઢીલા શું પડ્યા… અને પડ્યા પડ્યા…છેક નીચે સ્તો! અમારા ચહેરાની લાલીનો રંગ ફિક્કો પડવા માંડ્યો. ભઈ, વહીવંચા, સાચું કહેજે, આ ઈશ્વર-બીશ્વરનું તૂત તને ગમ્યું? આપણે જ પાપ અને આપણે જ માફ! એમાં વળી આ ત્રીજાના ડહાપણની જરૂર ક્યાં ઊભી થઈ? પણ એ વાતનું હવે શું? વડવાઓને ગમ્યું તે ખરું. ચાલો, એય હવે ટેવ પડી ગઈ છે. છૂટે ન એવી બૂરી આદત કહો તો બૂરી આદત. કંઈ નહિ તો આપણા વડવાઓએ ઈશ્વર તો આપણને આપ્યો! સરસ, સરસ. રૂપાળો આધારસ્તંભ! આનંદો દોસ્તો. ઈશ્વર આપણું ફરજન્દ છે—આપણું. અને છતાં ઉપર! ઈશ્વર આપણી મિથ છે, એની છત્રછાયા હેઠળ બધું જ કરી શકાય, આવડે તે બધું જ, ઇચ્છીએ તે બધું જ. એને નામે સોગંદ લઈ શકો, લડી શકો, ખાઈ શકો, ખોદી શકો. એ હંમેશાં દયાળુ છે. બધી જ વખત એ માફ કરે છે. આપણી એ એક સરસ મિથ છે. વહીવંચા, તુંય આનંદ ભાઈ, તને ખુશ થઈને ઈશ્વર આખો આપું છું. છૂટમૂટ લાકડી… લહેર કરો લહેર. ઈશ્વર એક સરસ મિથ છે!

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.