ડુંગરદેવની જાત્રા

આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવેલું છે. ત્યાંથી ૧૨ કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૌદશ કે પૂનમની રાત્રિએ આ સ્થળે ઊજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા – અહીંના આદિવાસીઓનો બહુ મહત્ત્વનો તહેવાર છે. ડાંગમાં આવાં કુલ ચાર વધારે મહત્ત્વ ધરાવતાં સ્થળ છે: કનસર્યા ગઢ, સંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડધિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઊમટી પડે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવપત્ની પાર્વતીજી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઈ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઈ જાય અને એનું વર્ણન ક્યારેય ન કરી શકાય એવો રહ્યો.

ખુલ્લા આકાશ નીચે, ચંદ્રની શીતળ ચાંદની, ઊમટેલાં વિવિધ ગામોના ડેરાઓમાં રંધાતાં દાળ-ચોખાની સોડમ, એમણે સળગાવેલાં તાપણાં અને થોડું સમારકામ કરીને સાફ કરેલી જમીનનો ટુકડો, એવી જ રીતે બનાવેલું ગોળ સ્ટેજ જેવું. બાજુમાં રસોઈ કરવા માટે પથરા ગોઠવીને ચૂલા બનાવી ઉપર તપેલામાં ભાત ચડતા હોય.

મરઘાં, બકરાં ને સાથે લાવેલા માલસામાન, ઓઢવા-પાથરવાનું, દેશી વાદ્યોમાં પાવરી મુખ્ય, ડફલી, મંજીરાં, વાંસનો પાવો — વગેરે જે લાવ્યાં હોય તે વચ્ચે મૂક્યું હોય. ચાર-પાંચ શેરડીના સાંઠાને ઊભા ત્રિકોણાકાર રાખીને કામચલાઉ સ્થાનક બનાવવામાં આવ્યું હતું. એમાં ચોખા, નાગલી ને બીજાં ચાર-પાંચ ધાન્યની ઢગલીઓ દેવોના પ્રતીક રૂપે સફેદ કપડા ઉપર બિરાજે. લોટને ચીકવીને સરસ મજાનાં કોડિયાં બનાવ્યાં હોય — એમાં પૂજા-અર્ચના કર્યા પછી દીવો પ્રગટાવવામાં આવે. સિનિયર ભૂવો (ભગતજી) અને એમની હેઠળ તાલીમ પામતા જુનિયર ભગતો આ સામગ્રી તૈયાર કરે. મહારાષ્ટ્ર અને ડાંગમાં આવેલાં ૬૦ જેટલાં ગામો આ ગઢની સરહદમાં આવે છે. એ ગામોમાંથી આવેલા સંઘની, પરંપરાથી ચાલી આવતી, જગ્યાઓ હોય છે. એ જગ્યાઓને સાફસૂફ કરી એક રાત્રિ પૂરતો ઉપયોગ કરવાનો હોય છે. એક બાજુ ભગત દ્વારા રાત્રે થનારા પૂજનની તૈયારીઓ શરૂ થાય અને બીજી બાજુ દેવની રજા લઈને રમવાનું શરૂ થાય.

ચારેક વિવિધ સ્ટેજ જેવી જગ્યાઓ પર વિવિધ ગામની મંડળીઓ વિવિધ નૃત્યો, અંગકસરતો અને હેરતજનક કાર્યક્રમો રજૂ કરવા લાગે. ઓપન ફૉર ઑલ જેવાં નૃત્યોમાં કોઈ પણ જોડાઈ શકે. પણ એ વૃંદ અખંડ નૃત્ય કરતાં રહે. ગઈ રાત્રે પાંચેક હજાર જેટલી વસ્તી ત્યાં એકઠી થઈ હતી. નૃત્યો જોતાં, નૃત્યો કરતાં, ગમે ત્યાં મન થાય ત્યાં નાચવા લાગી જતાં યુવાનો, વૃદ્ધો અને બાળકોથી આખી તળેટી ઊભરાતી હતી. દર્શકો વૃક્ષો પર, ડુંગરાઓની કરાડ પર ચડીને નૃત્ય કરનારાઓને પડકારા કરી પોરસાવતા રહે. તંતુવાદ્યો અને અન્ય દેશી વાદ્યોનો એકધારો પ્રગટતો, વિરમતો અને ક્યાંકથી ઊભરી આવતો લય, દેકારા- પડકારા અને આનંદોદ્ગારો સાથે ભાવુક એવા કોઈને અચાનક જ વાયરો આવે ને શરૂ થઈ જાય ધૂણવાનું. આખોય માહોલ અનેરી અનુભૂતિ કરાવનારો હતો. ત્યાં ન હતું કોઈ સરકારી રક્ષણ કે સંકલન કરનારી વ્યવસ્થા, છતાં સ્વયંશિસ્તથી, પોતાની મસ્તીમાં, કશી પણ અપેક્ષા વગર બસ નિર્ભેળ આનંદ લૂંટવામાં જ મસ્ત હતા. મેં સૌરાષ્ટ્રથી માંડી ઉત્તર ગુજરાતના અનેક મેળા જોયા છે. તેનાથી સાવ જુદો જ અનુભવ અહીં થયો. અહીંના આદિવાસીઓ શાન્ત છે. કોઈ કોઈનામાં ડખલ કરતા નથી, સૌ પોતાનામાં મસ્ત રહી આનંદ લૂંટે છે. આટલી મોટી મેદની હોવા છતાં ઝઘડાની કે નાની સરખી ચણભણની ઘટના થઈ નહોતી. મને ખરેખર આશ્ચર્ય થયું હતું.

આ તહેવારની સાચી શરૂઆત તો સુદ એકમથી જ થઈ જાય છે. ગામમાં કોઈ એક ઘરનાએ માનતા માની હોય ત્યાં ડુંગરદેવનું સ્થાપન થાય છે. એક વખત સ્થાપના થઈ ગઈ એટલે કે ગામનો કોઈ વ્યક્તિ પછી પોતાના ઘરે સૂઈ ન શકે. એ ગામના બધા જ લોકોએ પેલા સ્થાપનાવાળા ઘરના ફળિયામાં, ઘરમાં જ સૂવાનું. બધા જ પુરુષો એટલા દિવસ એક ટાઇમ સાંજે અને તે પણ પેલા યજમાનના ઘરે જ જમે. ખેતીવાડી ને ઘરકામ બધું જ સ્ત્રીઓ સંભાળે. સ્ત્રી અને પુરુષો એ દિવસોમાં સંયમ રાખે, બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરે એવો નિયમ છે. દિવસભર ગાયન-ભજન અને રાત્રે નૃત્યો ચાલે. લોકકંઠે જળવાયેલી અહીંની લોકકથાઓ, વાર્તાઓ આ દિવસોમાં જાહેરમાં કહેવાય. આ આખાય તહેવારના કેન્દ્રમાં હોય છે ભગતજીઓ. ભગત દ્વારા જે સાધના કરવામાં આવે છે તેનો આ દિવસોમાં ફરી ફરી અભ્યાસ કરવામાં આવે છે, પ્રદર્શન કરવામાં આવે છે ને નવી પેઢીને એનાથી રંગવામાં આવે છે. સિનિયર ભગતજી ગામમાંથી ૧૦-૧૨ વર્ષના લાયક પોયરાને એની કેટલીક શક્તિઓના આધારે પસંદ કરે. એને પોતાની સાથે રાખીને ટ્રેનિંગ આપે. યંત્ર-તંત્ર અને દેવોના આહ્વાન, મદદ વગેરેને લગતી બાબતો શીખવે. ખાસ તો આદિવાસી પરંપરાગત કથાઓ, ગીતો, પ્રાર્થનાઓ, મંત્ર-વિધિઓ અને જડીબુટ્ટીઓના પ્રયોગો એમને શીખવવામાં આવે છે. આ રીતે પુષ્ટિ થતી રહે ને પરંપરા નબળી ન પડે અને નવાં નવાં સંશોધનોની આપ-લે કરવા માટે અહીં એકઠાં થતાં હોય એવું મને લાગ્યું. પેલા પંદર દિવસ ગામમાં પસાર કર્યા પછી પૂનમની રાત્રિએ આ ગઢમાં આવેલા ડુંગરદેવના સ્થાનકે જવા માટે દિવસે નીકળી પડે. કનસર્યા, અમે બપોરે ૧.૩૦ વાગ્યે પહોંચ્યા ત્યારે મોટા ભાગના સંઘ આવી ગયા હતા. અહીં સૌથી પહેલા પહોંચનારા ભગતને એ દિવસની પહેલી પૂજા કરવાનો હક્ક બનતો હોય છે. તેમ છતાં ત્યાં હુંસાતુંસી કે સ્પર્ધા જેવું કંઈ જોવા મળ્યું નહીં. વૃદ્ધ ભગતોનું વર્ચસ્ હોય અને યુવાનો ગૌણ હોય એવું પણ નહોતું. મોટા ભાગની પ્રજા લો પ્રોફાઇલ રહેનારી છે. બધું ધીમે ધીમે કશી પણ ઉતાવળ કે અકળામણ વિના ચાલ્યા કરે. જાણે બધું જ સ્વાભાવિક અને પ્રકૃતિના ક્રમે હોય તેમ.

સફેદ કપડું, રૂપિયાની નોટોના હાર, શણગાર, ભભકાદાર અત્તર, ફૂલો અને વૃક્ષોનાં પાંદડાંથી સજાવેલો ઊંચો વાંસ એ નિશાન. ધજા અને પછી વિવિધ ભભકીલા ડ્રેસમાં નૃત્ય ગ્રૂપ, સફેદ ધોતી-પહેરણ અને લાંબા વાળમાં સજ્જ ભૂવાઓ, એમની સાથે અંગરક્ષક જેમ ફરતો જુનિયર ભગત – એના હાથમાં વિશિષ્ટ એવી ઘોડા’સી કાઠી (એક વાંસની મોટી ડાંગ પર લોખંડના સોયા જેવી પાંદડીઓ લગાવી હોય છે. તે જમીન પર પછાડીને સતત અવાજ કરવામાં આવે.) બધા હળેમળે, લોકબોલીમાં મજાક-મસ્તી ચાલે. મેળો હોય એટલે સ્વાભાવિક જ હાટ તો લાગે જ. એટલે મીઠાઈ, ફરસાણ, સ્થાનિક ફળો પણ વેચાવા આવી જાય છે. સરકાર દ્વારા એક હૅન્ડ પંપનું ફિટિંગ કરવામાં આવ્યું છે. પાંચ હજાર જેટલા લોકો એક જ પંપથી પાણી ભરતા હોવા છતાં કશો જ કકળાટ નહીં તે આશ્ચર્યજનક જ કહેવાય ને!

લગભગ સાતેક વાગ્યાથી ડુંગર ઉપર આવેલા સ્થાનકે જવાનું શરૂ થઈ ગયું. અમે પણ સરસ મજાની જગ્યા શોધીને ગોઠવાતાં ગયાં. નિરાંતવા ટહેલતાં ટહેલતાં સૌ સંઘ ઉપર આવવા લાગ્યા. બધા પોતપોતાની રીતે ગ્રૂપ કરીને ગોઠવાતા ગયા. પાવરીના સૂર તો હવામાં અખંડ રેલાતા જ રહે. પણ આ સ્થળે એના પરનું શીંગડું કાઢી નાંખવામાં આવે છે. કોઈ પણ મૃત પ્રાણીનું ચામડું કે અવશેષ આ સ્થળે લઈ જવાની મનાઈ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં ત્યાં પાવરી સિવાય બીજા કંઈ જ અવાજો આવતા નહોતા. ચંદ્રના પ્રકાશમાં આખુંય વાતાવરણ કોઈ દૈવી સભા મળી હોય એવું લાગતું હતું. સૌ ડુંગરદેવના ભવ્ય સાન્નિધ્યમાં અજીબ એવી આનંદસમાધિમાં લીન થઈ ગયા હોય ને કોઈ ચિતારાએ ચીતરેલું લેન્ડ-સ્કેપ હોય એમ ચિત્રવત્ બની ગોઠવાતા જતા હતા.

આ એક એવો અનુભવ છે જે ત્યાં જાતે ગયા વિના સમજી ન શકાય. કલાક સુધી આ એકઠા થવાની ક્રિયા ચાલી. ત્યાર પછી કોઈ એક ભગતે બુલંદ અવાજે પૂછ્યું કે, ‘સો આવી ગયા?’ જવાબમાં હજી બે-ત્રણ સંઘ બાકી હતા એટલે વળી રાહ જોવાનું ચાલ્યું. કોઈ જ ચીડ નહીં. કોઈ જ ઉતાવળ નહીં. કોઈનેય એ વાતની ઇન્તેજારી પણ નહીં કે ‘હજી કેમ એ નથી પહોંચ્યા?’ બસ મૂંગા મોઢે સૌ રાહ જોઈ રહ્યા. લગભગ સાડાઆઠ નવ વાગ્યે સૌ આવી રહ્યા. પછી સૌ પહેલાં આવનાર ભગતે ડુંગરદેવના સ્થાનકવાળી જગ્યાને વાળી, સાફ કરી સફેદ પાથરણું પાથર્યું. એના પર ચોખાની નાની નાની ઢગલીઓ કરીને લગભગ સો ઉપરની સંખ્યામાં દેવોનું આહ્વાન કર્યું. દેવની રજા લીધી. પછી મુખ્ય વિધિ શરૂ થયો.

જ્યાં સૌ બેઠા હતા તે ગ્રૂપ પ્રમાણે જ સૌએ આસન બનાવ્યું, દેવો બનાવ્યા ને પૂજા ચાલુ કરી. વૃક્ષોના કારણે ફેલાયેલાં અંધારાં હટી ગયાં. ઉપર ચંદ્ર બમણા વેગથી પ્રકાશવા લાગ્યો. એ પણ નીચે આવીને આ બધાની પૂજાવિધિને ધ્યાનથી જોતો હોય એમ તોળાઈ રહેલો જરાક અમથે ઊંચે! બધા સંઘની પૂજા પત્યા પછી દીવડા પ્રગટાવવામાં આવ્યા એટલે આખો ડુંગર અને બેઠા હતા એ ખીણનું સૌંદર્ય ઑર ખીલી ઊઠ્યું. આંખો આશ્ચર્યથી ફાટી જ રહી જાય. નીરવ શાન્તિમાં ટમટમતા દીવડા, એના પ્રકાશમાં ચિત્રવત્ બેઠેલા આદિવાસીઓ, લાંબા વાળવાળા ભૂવા, આંખો ફાડી ફાડીને જોતી નવી પેઢીનાં ટાબરિયાં, અમારા જેવા થોડા આઉટસાઇડર્સ — બધું જ લીન હતું. કોઈ મુખિયા નહીં. કોઈ સંચાલક નહીં, કોઈ જ માર્ગદર્શક નહીં. સ્વયંભૂ પ્રેરણાથી કોઈ ઊભો થાય ને પછી ચાલે ગામોની હાજરી, એક-બે વાર ગણતરીમાં ભૂલ પડી તોપણ કંઈ નહીં. ફરી ગણવાનું ચાલુ. પછી શરૂ થાય ભગતો દ્વારા ગવાતાં નામોની યાદી. મને એમની ભાષા સ્પષ્ટ સમજાતી નહોતી એટલે વચ્ચે વચ્ચે કેટલુંક સંકલન થતું હતું તે સમજાયું નહીં. પણ એમના બોલવામાં જે નામો હતાં એના પરથી અને પછી અમારી સાથે આવેલા પ્રો. કાશીરામ ભોયે પાસેથી જાણ્યું તેમ દેશની વિવિધ નદીઓ, વિવિધ ગઢ, નગરો, પર્વતોનાં વર્ણનો હતાં. સમગ્ર ભારતવર્ષમાં પથરાયેલા હિમાલયથી માંડીને બધા જ પર્વતો, નાનીમોટી નદીઓ, મોટાં રજવાડાં, રાજવીઓ, આદિવાસી ગઢ, દેવો, દેવીઓ અને નદીઓ મળે છે એ સમુદ્રોનાં નામ લઈને તેમને યાદ કરવામાં આવ્યાં. આ બધું એકશ્વાસે, ચોક્કસ લયમાં, ચોક્કસ ક્રમમાં બોલવું, હાથ લંબાવીને બુલંદ અવાજે, ખીણોમાં પડઘાતા લય સાથે, સાથ આપે ઘોડા’સી કાઠીનો હલકારો, જુનિયર ભગતનો હોંકારો એમાં પૂરક બને – તે રીતે રજૂઆતો થઈ. આટલા બધા ભગતો બોલે તો આખી રાત વહી જાય, એટલે વચ્ચે અટકાવવામાં આવે. છતાં એમના અહમ્ ન ઘવાય! બીજો શરૂ કરે, આવું દોઢ કલાક જેટલો સમય ચાલ્યું હશે, પછી એક સમય એવો આવ્યો કે બે કે ત્રણ ભગતોએ પોતાની કલા એકસાથે રજૂ કરવા માંડી. ધીમે ધીમે બધા એમાં જોડાતા ગયા ને કલશોર મચ્યો! હજ્જારો લોકો એમાં ભળ્યા ને કાનપડ્યું સંભળાય નહીં એવી ચિચિયારીઓ, આનંદના ઉદ્ગારોથી આકાશ ભરાઈ ગયું. આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવી અનુભૂતિ હતી એ. કેટલાય ભૂવા ધૂણતા હતા એકસાથે. દરેક જાણે અન્યનું ધ્યાન ખેંચવા મથતો હોય એવાં વિચિત્ર નૃત્યો, ચીસો, વિવિધ મુદ્રાઓ – બધું પંદરેક મિનિટ ચાલ્યું ને પછી અચાનક જ અટકી ગયું. શરૂ થયું શ્રીફળ વધેરવાનું. એકસાથે અનેક શ્રીફળ ફૂટવાના અવાજો પ્રગટ્યા. ટોપરાની પ્રસાદી ખાતાં ખાતાં જ ઊતરવાનું શરૂ કરી દીધું, ભીડ વધે એ પહેલાં.

નીચે તળેટીમાં આવ્યાં ત્યારે સાડાદસ વાગવા આવ્યા હતા. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. અમારા માટે કાશીરામ ભોયે એમના ઘરેથી ડાંગી ભોજન લાવ્યા હતા. છાળી-વાટકા તો હતાં નહીં, એની જરૂર પણ નહોતી. હાથમાં કે સાથળ પર નાગલીનો રોટલો મૂકવાનો, એની સાથે બાફીને લાવેલા આળુ નામના કંદ, એની છાલ ઉતારતા જવાની, સફેદ બટેટા જેવું લાગે. એમાં તૈયાર લાલ ખતરનાક તીખી ચટણી જરૂર પ્રમાણે મિક્સ કરતા જવાની અને ચોળીને પેલા રોટલાની કોર કાપીને એની સાથે ખાતાં જવાનું. આ રીતે પહેલી વાર ખાધું. સ્વાદ અજાયબ હતો. પરિતૃપ્તિ થઈ. આ સિવાય વાલ અને ચણાનું શાક પણ હતું. પણ એ કોણ ખાય આ માહોલમાં? બે પ્રકારનાં કંદ હતાં, એક આળુ અને બીજા વરા. એ પછી ક્યાં ખાવા મળે? અમારી સામે અવળાં મોં રાખીને કેટલાય લોકો ગોળ ફરતા ગોઠવાઈ ગયેલા, સામે સાગના ફાફડા પાન પર દાળ અને ભાતનું ભોજન લેવા. એક રોટલો પૂરો કરવામાં તો અમે પૂરા ધરાઈ ગયા. બાજુમાં જ હાથ ધોઈ નાંખવાના. બધું જ પ્રાકૃતિક છે, બધું જ પ્રકૃતિમય છે.

આ દરમિયાન નૃત્યો તો ચાલતાં જ હતાં. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાંક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટિયું વાળી સૂવા લાગેલા. યુવાનો તો રાતભર સૂવાનું નામ પણ લેવાના નહોતા. અમારી હિંમત નહોતી એટલે આહવા નીકળી પડ્યાં. અડધી રાતે ઘરે પહોંચ્યાં ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતા એ ડુંગરદેવના દીવડા!

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.