તમે પરદેશ ગયા છો?

તમે પરદેશ ગયા છો? ગયા તો હશો જ; અને ન ગયા હો તો ન જતા. પૈસાને કારણે નહિ, પણ જતાં પહેલાં બીજી અનેક વિધિ એવી કરવાની હોય છે કે જેમાંથી પસાર થતાં ભલભલાની છાતી તૂટી જાય. એ કારણોને લઈને ન જતા. તમે કહેશો કે દરરોજ વહાણ, હવાઈજહાજ મારફત સેંકડો લોકો જાય છે તો ખરા, તેનું કેમ? તો એ લોકોની છાતી મજબૂત, બીજું શું? મારી છાતી તો લગભગ તૂટી જ ગઈ હતી. પરદેશ જવાને પાસપૉર્ટ જોઈએ. આ કંઈ નિશાળનો નિબંધ લખું છું એમ ન માનશો. હવે આ પાસપૉર્ટ એક પ્રથા છે, રિવાજ છે, કાયદો છે, એક રજાચિઠ્ઠી છે, છટકબારી છે, ગૂંચવાડો છે, ધક્કાફેરા છે, ટૂંકમાં એક ભેજાદુખણ તકલીફ છે અથવા તકલીફોનો ઘટાટોપ છે. જેણે આ પાસપૉર્ટનો નુસખો શોધ્યો એના ભેજાને ધન્ય છે.

વાસ્કો દ ગામા, ફ્રાન્સિસ ડ્રેઇક યા સર ટૉમસ રો કયા પાસપૉર્ટ લઈને અહીં આવ્યા હતા? અને જાવા-સુમાત્રા-લંકા વેપાર કરવા કંઈક વેપારીઓ આપણે ત્યાંથી ગયા હતા તે કયા પાસપૉર્ટ લઈને ગયા હતા? હ્યુ-એન-સંગ કે તાજેતરમાં લદાખમાં ચીની ભાઈઓ ‘ભાઈ ભાઈ’ કરતા પહોંચી ગયા તે કયા પાસપૉર્ટ લઈને દાખલ થયા હતા વારુ? એકાદ બંદરગાહમાંથી તમે બહાર જાઓ અને બીજા બંદરબારામાં પ્રવેશો, એ માટે હવે પાસપૉર્ટ જોઈએ. પછી તમારાં છબાં જોઈએ — એક છબી નહિ, ડઝનબંધ અને અમુક જ ઢબકદની. પછી, એ તમારી જ છબી છે એ માટે સરકારી ઓધ્ધેદારના એ પર સહીસિક્કા જોઈએ. પછી તમારી મૂડી, બૅન્ક-એકાઉન્ટ, પરદેશમાં રખડી પડો તો ભરણપોષણ કરી શકે એવી કોઈ પૈસાદાર વ્યક્તિની ખાતરી — જામીન જોઈએ. તમે પૈસાદાર હો તો તમા રી આવક ઉપરનો વેરો તમે ભર્યો છે કે નહિ એનું પ્રમાણપત્ર જોઈએ. જવાના હો તે જ મહિનામાં એક કઢાવેલું હોવું જોઈએ, બે-પાંચ મહિના આગળનું ન ચાલે. જે જે દેશમાં જવાના હો એના કૉન્સલ સાહેબોના સહીદસ્કત, ત્યાં દર ઠેકાણે જુદી જુદી રકમો ભરી મેળવવાનો ‘વિસા’ એટલે કે એ પ્રદેશમાં દાખલ થવાની રજા. ઉપરાંત આપીકા શરીરમાં ‘ઇન્જેક્શનો’ની સોય કોચાવવાની તે જુદી. એ તો જેવા દેશે જવું, તેના આધારે સોયની કોચણી ટાઇફૉઇડ, કૉલેરા, પ્લેગ, શીતળા, યલોફીવર એટલે કે પીળીઓ તાવ… પૂછો જ મા. આપણા આયુર્વેદમાં ચોસઠ પ્રકારના તાવ પ્રમાણ્યા છે. એટલે જતે કાળે ચોસઠ તાવિયાં ઇન્જેક્શનોની ચોસઠ સોયોનો વેપલો ચાલે તો નવાઈ નહિ. આટઆટલી તબિયતની તકેદારી રાખવા છતાં, કમબખ્ત ‘હાર્ટ’ એકાએક ક્યાંક બંધ પડી જાય છે. એ હાર્ટને ફેઇલ થતું અટકાવવા અગાઉથી આપવાનું ઇન્જેક્શન હજી શોધાયું નથી, પણ શોધાશે. અને પછી તો જેટલા રોગ એટલી સોય ભોંકાશે. આ ઉપરાંત તમે શા માટે જાઓ છો, પૈસા કેટલા લઈ જવાના છો, ઓછા આપવામાં આવે તો ત્યાં શી વ્યવસ્થા કરવાના છો વગેરે બધા ખુલાસા તમારે કરવાના રહે. અલબત્ત, આ બધું છતાં, ઊપડનારા તો ચોવીસ કલાકમાંયે ઊપડી જાય છે! પાસપૉર્ટ મેળવી આપનારી, ટિકિટ વગેરેની વ્યવસ્થા કરનારી કંઈક સંસ્થાઓ બધી ગડભાંજ ઝપાટાબંધ કરી પણ આપે છે. એવાએની છાતીને ખરેખર ધન્ય છે, એટલું જ આપણે તો કહી શકીએ.

હજી તો આ પાસપોર્ટની પ્રથાની શરૂઆત છે. ઈ.સ. ૧૯૦૦ પછી પાસપૉર્ટ શરૂ થયા એમ લાગે છે. આ પોતે જ એક સુંદર લેખનો વિષય છે. પહેલો પાસપૉર્ટ ક્યારે અને કોનો નોંધાયો? ૧૮૮૫માં ભારતથી નાટક કરવા બ્રહ્મદેશ ગયેલી બાલીવાળાની નાટક મંડળીને ત્યાંના થીબો રાજાએ ખુશ થઈ એક નાનકડી સ્ટીમરમાં રંગૂનથી લંડન (ત્યાં નાટક કરવા) ચડાવી દીધી ત્યારે ત્યાં રંગૂનમાં વિસા, પાસપૉર્ટ ને ફોટોની લમણાંઝીક કોણે કરી? એ બધા ગયા તો ગયા, પણ સુખરૂપ, વિના હરકતે, વિના ઇન્જેક્શને પહોંચી પાછા ફરતાં જુદે જુદે દેશ ઉતર્યા. કોઈ કહે છે કે લગભગ ૧૯૧૦ સુધી પાસપૉર્ટ નહોતો. આ ફક્ત અરધી સદીમાં પાસપૉર્ટના અજગરે જે ચૂડ ઘાલી છે એ જોતાં સદી પૂરી થતાં તો ઑક્ટોપસ માફક ફાલશે અને એવો તો ભરડો વધારશે કે પરિસ્થિતિ કલ્પનામાં આવી શકતી નથી. હું કલ્પના દોડાવું તો કોઈ વળી મારી ટાકી કરશે. પણ જ્યારે હું મૅટ્રિકમાં હતો ત્યારે એક જાણીતા અંગ્રેજ લેખક રૂપર્ટ ક્રૉફ્ટ-કૂકે ‘ડૉન કિહોટેની શોધમાં’ એ નામનું પુસ્તક પ્રગટ કરેલું એ લેખક ભારત પણ આવેલા, અને મારો એની સાથે મેળાપ પણ થયેલો. એના મગજમાં એક એવો તુક્કો આવ્યો કે ડૉન પોતાને ગામથી જ્યાં જ્યાં સાહસોની શોધમાં રખડ્યો-ભટક્યો, એ જ રસ્તે જાતે ભમવું અને સર્વાન્ટિસ જેલમાંથી છૂટી પોતાને માદરે વતન સ્પેન ગયા. તે જ રસ્તે એટલે કે ટેંગીબરથી ડેકીઝથી સ્પેનમાં દાખલ થવું આ બનાવ બન્યો તાજેતરમાં. અને એ માટે પાસપૉર્ટથી માંડી અનેક વિધિની એને જે ખમવી પડી છે એનો ચિતાર આપતાં, પોતે પ્રગટ કરેલા પુસ્તકમાં આ પ્રથાની ઝંઝટ કઈ હદે પહોંચશે એનો ખ્યાલ આપતાં એ લખે છે કે ફોટો, સહીસિક્કા તેમજ ઇન્જેક્શનો તો સમજ્યા, પરંતુ જતે કાળે ચશ્માંનો નંબર તપાસાશે; નંબર વધારે હોય અને તમે ઓછું જુઓ ને ક્યાંક ઠોકર ખાઈ જાઓ, માટે તમને પાસપૉર્ટ નહિ મળે યા દાંતનું ચોકઠું બરાબર ન હોય, યા બીજી જોડ સાથે ન રાખવામાં આવે, અને એક ભાંગી જાય કે ખોવાઈ જાય, એથી તે દેશનું મસાલેદાર સ્વાદિષ્ટ ખાવાનું બરાબર ખાઈ ન શકાય માટે પાસપૉર્ટ ન મળે; યા અમુક પ્રકારની છીંક માટે તકેદારીનું સર્ટિફિકેટ, ઠાંસા માટે, નખના વધારા માટે, માથામાં જૂ ન થાય એ માટે એવાં એવાં કંઈક સર્ટિફિકેટો નીકળશે, આંતરરાષ્ટ્રીય પાસપૉર્ટ-નિષ્ણાતોની દર સાલ કૉન્ફરન્સો થશે, એમાં જાતજાતની નવી નવી કલમો ઉમેરાતી રહેશે, અને એ આખો વેપલો સો સાલ બાદ કેટલો વધી ક્યાં અટકશે એ કોણ કહી શકે?

હવે વળી ભારતની રિઝર્વ બૅંકની રજાચિઠ્ઠી જોઈએ. આ છપાશે ત્યાર બાદ નવાં ફોરમ અને નવા કાયદા દાખલ થયા પણ હશે, જૂના કેટલાક નીકળી પણ ગયા હશે. આ ઘટવાની આશા ઓછી.

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.