સોનાનાં વૃક્ષો

બદલાતી ઋતુનું રૂપ જોવાનું મને ગમે છે.

બધાય દેવોને પોતાનાં અલગ અલગ વાહન છે. ઋતુનું પણ એવું અલગ વાહન છે, ભલે એ દેવી નથી પણ વૃક્ષ એનું વાહન છે. વૃક્ષો વિનાની ઋતુ જોઈ-જાણી નથી. પૃથ્વીના નીરવધિ પટ પર ઊભેલાં આ વૃક્ષો વિશાળ શતંરજફલક પર મુકાયેલાં પ્યાદાં જેવાં લાગે છે, શૃંગેથી તમે એમને જોયાં હશે તો આ વાત ઝટ સમજાઈ જશે. વૃક્ષો ઋતુની રાહ જોતાં રહે છે… અને ઋતુઓ વૃક્ષોને વહાલ કરતાં થાકતી નથી.

ખરતાં અને ખીલતાં વૃક્ષો કશુંક રહસ્ય ઉઘાડતાં રહે છે, જો આદમી ઇન્દ્રિયજડ ન હોય તો વૃક્ષો પ્રત્યેક ઋતુમાં જે અલખ સંદેશો લાવે છે એ સાંભળવા ઉત્સુક થઈ જતો હોય છે… આવા લોકો હવે વિરલ થતા જાય છે એ ખરું.

ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. સૂર્યમુખીનાં ખેતરો વઢાઈ જાય પછી જાણે સૂરજ વધારે કરડાકીવાળો બને છે. ઋતુ ભોંયને ઉઘાડી કરી દે છે, રાતીભૂરી ટેકરીઓ પાછી નિર્વસ્ત્ર બનીને હારબદ્ધ બેસી પડે છે, ઋતુને હું દૂર દૂર વહી જતી જોઈ રહું છું, આમેય પરિવર્તનની પ્રક્રિયા જોઈ રહેવાનું આસ્વાદ્ય લાગે છે. સંક્રાન્તિમાં તો કેટકેટલું સંમિશ્ર થયા કરે છે.

આંબા સોને મઢાઈ જાય છે, ને એ સોનામાં પાછી સુગંધ હોય છે. પણ સોનાનાં વૃક્ષો તો જુદાં જ, એમની સિકલ આ ઋતુમાં જ સાવ પરિવર્તાઈ રહે છે. ફાગણનો તડકો ખેતરોમાં ઉપણાતો હોય, ઘઉંની ફસલ સોનાવરણી થઈ ગઈ હોય, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય. સવારે પાકેલાં ખેતરો પણ કાન માંડીએ તો રણકતાં સંભળાય – જાણે સોનેરી ઘંટડીઓ રણકતી ના હોય! પેલાં સોનાનાં વૃક્ષો આ જ દિવસોમાં ધ્યાન ખેંચવા માંડે છે… હા, સોનાનાં વૃક્ષો એટલે મહુડા…

હવામાં છાક સમાતો ના હોય, બપોરે સમય સહેજ પોરો ખાતો હોય, પાનખર વસંતમાં પલટાઈ ગઈ હોય ત્યારે મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. ગામના પહેલા ખેતરથી શરૂ થાય તે છેક વનો લગી આ વૃક્ષોની વસ્તી. એનાં પાંદડાં બધાં જ પીળાં થઈ જાય, અદ્દલ સાચુકલા સોના જેવાં… મહુડો સોને મઢાઈ જાય એની બધી જ ડાળીઓ સોનાપાત્રો સાચવીને મલકાતી હોય ત્યારે પાકેલાં ખેતરોની ગંધથી સીમ મઘમઘી ઊઠે છે… ક્ષણવાર થાય કે સોનું મહેકે છે કે તડકો?

મહુડાઓની સોનેરી માયાના વૃક્ષે વૃક્ષે જુદા જુદા આકારો : કોઈ નીચાં, કોઈ એક ડાળીએ ઊંચાં વધેલાં, કોઈ ઘમ્મરઘટ્ટ વડલા જેવાં, કોઈ ખંડિત તો કોઈ નાનકડી ઢગલી જેવાં, કોક પડછંદ વીર જેવાં… ધરતીમાંથી અચાનક ફૂટેલા પીળા ફુવારા જેવાં આ વૃક્ષો મારી આંખને જકડી રાખે છે. એક કવિએ કહ્યું છે કે ‘વૃક્ષો મારાં ભેરુ/વૃક્ષો — હું’. વૃક્ષો સાથેનું આવું અદ્વૈત હુંય અનુભવું છું. યંત્રયુગમાં વૃક્ષો સાથેની પ્રીતિ મારે મન કુદરતનો આશીર્વાદ છે, માણસોએ એ વરદાનને ઝીલી લેવું જોઈએ. વૃક્ષ જીવતો-જાગતો દેવ છે, જીવનનો દેવ! જે દેવ પરોપકાર અને સહાનુભૂતિનો સાક્ષાત્ અવતાર છે. જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી. વૃક્ષનો ઇન્કાર જીવન-ચેતનાનો ઇન્કાર છે. એ ફૂલેફળે છે એમાં વાર્ધક્યપૂર્ણ જીવનનો સ્વીકાર રહેલો છે.

ગામડે અમે જે નાયકાઓને ખેતીમાં કામ કરવા રાખતા એ જ્યારે પરણવાના હોય ત્યારે દસ દસ દિવસ સુધી પીઠીને બદલે હળદર લગાવીને ફરતા રહેતા. શરૂઆતમાં એ લોકો પીળચટા વાઘ જેવા લાગતા ને પછી આખાય ડિલે સોનેરી થઈ જતા. આજે મહુડાઓ પર સોનાના દિવસોને બેઠેલા જોતાં મને એ નાયકાઓ દેખાયા કરે છે. ગામડે બહેનો અને બા કોઈ પ્રસંગે પહેરવા માટે સોનાના દાગીનાને હળદરથી ધોતી, હળદરમાં ધોવાયેલાં એ દાગીના-ઘરેણાં અને પહેરનારના સ્મિતને હું જોયા કરતો હતો. એ ઊજળી ક્ષણો પાછી મહુડાઓની સાખે આજે સાંભરી આવી છે.

પિતાજી પાસે બેચાર પૈસાય વાપરવા માગતા ત્યારે એ હંમેશાં કહેતા : ‘અહીં કાંઈ પૈસાનાં ઝાડ છે તે તોડી આપું…’ મને મનમાં એમ ઠસી ગયેલું કે પૈસા નક્કી ઝાડ પર પાકતા હશે, અને એવાં ઝાડ માત્ર રાજાઓ જ ઉગાડતા હશે. હા, સરકારનો ખ્યાલ તો ઘણો મોડો આવેલો, ને રૂપિયા-પૈસા વિશેનું જ્ઞાન પણ ઘણું મોડું મળેલું. કશુંય પ્રાપ્ત કરવું ત્યારે તો સાવ દુર્લભ હતું, ઘણી ચીજો તો જોઈ જ રહેવાની, કેટલુંક તો સાંભળીને જ સંતોષવાનું. હાઈસ્કૂલમાં ભણવા બેઠો ત્યારે રેલગાડીમાં પહેલી વાર બેસવાનો અનુભવ, અરે ના, રોમાંચ થયેલો. ને પગમાં બૂટ તો મેં કૉલેજમાં અધ્યાપક થયા પછી ઈડરમાં પહેલી વાર ખરીદીને પહેર્યાં હતાં. જીવન ત્યારે ઘણું કીમતી અને મર્મમય લાગતું હતું, દર્દ અને ઉપેક્ષા જાણે ગળથૂથીમાંથી જ મળેલાં… એટલે ચાલતાં શીખ્યા એવા ઘરની બહાર ગયા, ને સીમ-વૃક્ષો-નદી-તળાવ સાથે દોસ્તી બાંધી. મને પ્રકૃતિએ આપ્યું છે એટલું કોઈએ નથી આપ્યું, ને એટલે જ આજે એ અણખૂટ વૈભવનો આનંદ છે. પ્રકૃતિને જોઉં-જીવું ત્યારે મને કશાની ઓછપ અનુભવાતી નથી. પ્રકૃતિ જ મારી મા રહી છે.

આજે જ્યારે મહુડાઓને રૂપ બદલીને ઊભા રહી ગયેલા જોઉં છું ત્યારે પેલાં ‘પૈસાનાં ઝાડ’ મનમાં ઊગી નીકળે છે, થાય છે કે ચાલો, પૈસાનાં ઝાડ ના જોવા મળ્યાં તો ખેર, પણ આજે સોનાનાં ઝાડ તો જોવા મળ્યાં! ને એ વૃક્ષોની હારમાળાઓ… ઝુંડ… ભરચક મેદાનો! તમે દેવગઢ બારિયા જોયું છે? વીરેશ્વર-સારણેશ્વરનાં જંગલોની જેમ બારિયા જતાંય મહુડાનું વન પીળાશથી છલકાઈ જતું હશે. ધરતીએ પ્રગટાવેલું કે આકાશે વરસાવેલું છે આ સોનું! આ વૃક્ષોની વચ્ચેથી પસાર થાય છે નેરોગેજ રેલવે લાઇન. મહુડા મહેકતાં હોય ત્યારે એ ગાડીની મુસાફરી કેવી માદક બની જતી હશે! કાળાંભૂરાં થડ અગણિત… ને માથે ફરફરતું રવરવતું અને મર્મરતું સોનું! સજીવ સોનું.

પછી પાંદડાં ખરી જાય, સૂકાં પાંદડાં તાંબાવરણાં થઈને મહુડા નીચેની ભોંયને મરુણ-કથ્થાઈ ભાતથી મઢી દે. આખું વન તામ્રપત્રે છવાઈ જતું લાગે. આદિવાસીઓ આ પાનના ઢગલા કરે, તાંબાની આ ઢગલીઓ સળગી ઊઠે ને રોજ સવારે મન વાદળી ધુમાડાથી ભરાઈ જાય… દૂરથી એ બધું રહસ્યઘેરા પરીમુલક જેવું લાગે, મન ત્યાં જવા તલપાપડ થઈ જાય. જઈને જોઈએ તો વૃક્ષો પર્ણહીન… એની ડાળીઓમાત્ર જાળીઓ જેવી… નકશી કરેલી સીદી સૈયદની જાળી સાંભરે… ખાસ તો ડાળીઓને હાથા લટકી આવે ત્યારે આ અસંખ્ય હાથાઓ છીંકણીરંગે રંગાયેલા રેશમી. ખરેખર તો એ મહુડાંની કળીઓ છે. આ હાથાઓથી આખું વૃક્ષ શોભી રહે. આ હાથાઓને ફ્લાવરપોટમાં સજાવીએ તો આખુંય વર્ષ એ એવા જ રૂપરંગે જીવતા રહે. મહુડાં નર્યાં, રેખાઓના માળખા જેવાં લાગે… ચિત્રકારોએ આવા લૅન્ડસ્કેપ – આવાં વૃક્ષોની ભરચકતાને ફ્લક પર ઉતાર્યાનું જોયું-જાણ્યું નથી કે સુરેશ જોશીનાં નિબંધોમાં આવો છાકભર્યો મહુડો ખાસ પ્રેમપૂર્વક પ્રગટેલો વાંચ્યો નથી. એમણે શિરીષને લાડ લડાવ્યાં છે એટલાં તો ગુલમહોર-ગરમાળાનેય નથી મળ્યાં, પછી આ વસ્તીથી વેગળો રહીને વર્ષમાં થોડાક જ દિવસોને મધુમયતાથી મદીર કરી જતો મહુડો એમની કલમને ઓછો જડે એ સહજ છે.

ફાગણ ને ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યાં કરે. એ તરુ તળેની ધરતી પીળી ચાદરથી ઢંકાઈ જાય… આદિવાસીઓ કે ખેડૂતો એ મહુડાં એટલે કે મધુપુષ્પોને વીણી લે છે…એના અનેક ઉપયોગો છે — દારૂ બનાવવા સિવાય પણ. મહુડાને માણસની વૃત્તિએ વગોવ્યો છે, બાકી એ સૂકાં મહુડાંને શેકીને ગોળ સાથે ખાઈએ ત્યારે જુદી જ મસ્તી આવે છે. ડળક ડળક વહી આવતાં આંસુને ઘણી વાર મહુડાની ઉપમા અપાય છે. કેવી મીઠાશ છે એમાં! વિરહિણીનાં આંસુ આવાં જ હશે ને? મધમાખીઓ ને ભમરા આ ઋતુમાં જ મધનો સંચય કરે છે. રોજ અંધારી સવારોમાં અમેય મહુડાં સાચવવા ને વીણવા પહોંચી જતા. દાદા એ મહુડાંની સુકવણી ચોમાસે બાફીને બળદોને ખવડાવતા… કહેતા ‘આનાથી બળદનો થાક ઊતરી જાય…’ મહુડાંની એ મહેક આજેય વનમાં જઈને માણું છું. હમણાં જ વીરેશ્વરનાં જંગલોમાં મિત્ર યજ્ઞેશ દવે ને તુષાર શુક્લ સાથે ગયેલા. મહુડાનો કેફ અમને જંપવા દેતો ન્હોતો… તુષાર કહે : ‘મહુડો જ આપણું રાષ્ટ્રીય વૃક્ષ હોવું ઘટે… રસભરેલાં પીળાં મહુડાં ચાખતાં ચાખતાં થયેલી એ વાત અમનેય ગમી ગયેલી. યજ્ઞેશને વનના, વનભૂમિના અને વૃક્ષોના રંગો તથા ત્યાંના લૅન્ડસ્કેપોએ ધરવી દીધો હતો. આ મહુડો વસંત અને ગ્રીષ્મની વચ્ચે સાંકળ બની રહે છે. મહુડાંની ઋતુ ઊલતી જાય એમ ડાળીએ ડાળીએ કૂણી કથ્થાઈ જાંબલી કૂંપળો તતડી નીકળે, રાતોરાત વનપટ પડખું બદલી લે છે. કૂંપળોથી આખું વન પલપલી રહે છે. વૃક્ષોનાં વૃક્ષોને અખંડપણે એકસાથે કૂંપળખચિત જોવાનું ભાગ્ય બધાંને નસીબ નથી હોતું. પછી આ કૂંપળો આછી લીલી થાય, વન પર કશો વાવટો ફરકતો રહેતો પમાય ન પમાય ને પાંદડાં ગાઢી લીલાશ પકડે. મહુડાં હતાં ત્યાં ડોળી (ફળ)નાં ઝૂમખાં લટકી આવે. આ ડોળી પાકીને ખરે ત્યારે અમે વીણી લાવતા. એના તેલમાંથી સાબુય બને છે… મહુડો વરસાદે પાછો નિજમાં નિમગ્ન બની જાય… જાણે છે જ નહિ એમ એ તરુ ચૂપ થઈ જાય છે.

બે જ માસમાં પોતાનો સર્જનખેલ આદરી ને આટોપી લેનારા મહુડા ઓછાબોલા પણ કામના માણસ જેવા છે. ઘણી વાર આ વૃક્ષોની આસપાસ રુક્ષ કાંટાળી છાલવાળી શીમળા જોઉં છું. કટોરી જેવાં રાતાં ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતાં હસ્યા કરે છે. વનની ધારે ધારે ને ખરેલા વનની વચ્ચે ઊંચી ડોકે કેસૂડાં ખીલી નીકળે છે. આથી ઋતુમાં મારી ઇન્દ્રિયચેતના અણબોટ બનીને વહે છે. મને નથી કાલિદાસ સાંભરતા કે નથી યાદ આવતા રિલ્કે – બૉદલેર… મારું મન આ ઋતુરૂપને અને વનસૌંદર્યને પોતાની ભોંય પર રહીને ભોગવે છે.

શીમળાનાં ફૂલોમાંથી શાંતિને છલકાતી સાંભળું છું. એ ફૂલોની શીતળતા મારી આંખોને જળછાલક શી સ્પર્શે છે. શીમળા નીચે જઈશ તો રતાશથી ભીંજાઈ જઈશ એમ થાય છે. બસની બારીમાંથી દોડી જતા શીમળા જોઉં છું ને સાવ તરસ્યો રહી જાઉં છું. કંકુનો વર્ણ શીમળામાં વધારે સઘન લાગે છે. કેસૂડાની વાત જરા જુદી છે. કાળા વજ્રને ફોડીને એ બહાર આવતો હોવાથી એનામાં ભારે ખુમારી છે. વનને માથે એ સાફો થઈને બેસે છે. બાર બાર માસના મૌનનું સાટું એ કેસરી રંગે વાળવા ઊંચે ચડે છે, મેદાને પડે છે. અણુઅણુથી છલકાઈ જતો કેસૂડો નીરવ રાગને ઘૂંટ્યા કરે છે એટલે જોનારને પણ એ કેફનો પ્યાલો પાય છે. કેસૂડો આપણને બહેકાવી મૂકે છે જ્યારે શીમળો છલકાવીનેય શાંત કરી દે છે! રંગોની કેવી અસર હોય છે! દરેક વૃક્ષ પોતાની ઓળખ ગંધ વડેય સાચવી રાખે છે. અરણી, આંકલવા, રાયણના મામા અને અજાણ્યાં વૃક્ષોય આ ઋતુમાં ભીતર ખુલ્લું મૂકી દે છે. પણ આપણી ઘ્રાણેન્દ્રિય સાબદી રહી છે ખરી?

સાંજે ઝીણા ઝીણા ચિલ્લીરવો સંભળાય છે, વનલાવરી ક્યાંક ઠંડી જગામાં છુપાઈને બોલ્યા કરે છે પણ આપણો કાન કશાની નોંધ લેતો નથી, યંત્રોની કર્કશતાએ એને ખરડી નાખ્યો છે. પવન પાંદડાં જોડે ગમ્મત કરે છે, બે કોયલો સંવનન કરતી રમણે ચડી છે. ગરમાળા ને ગુલમોર લચી પડવાની તૈયારી કરતા આંગણે ઊભા છે… પણ ચોકઠાબદ્ધ અને ટેવગ્રસ્ત જીવતા લોકો આ બધાયથી અળગા થઈ રહે છે.

ખરેખર તો આપણે સૂકાં પાંદડાં જેવા ખખડ્યા કરીએ છીએ, વેળાકવેળાએ કણસ્યા કરીએ છીએ. જીવન આપણે માટે ઉપચાર બની ગયું છે, આપણી ચેતનાનો ફુવારો હવે ઊંચે ઊડી શકતો નથી. વૃક્ષોની અંદર જે જીવન હોય છે એ ઋતુએ ઋતુએ બહાર ઊભરાઈ આવે છે. આપણે માણસો વિશે એવું કહી શકીશું ખરા? આપણી મુઠ્ઠીઓ જકડાતી જાય છે. ખૂલવાનું કે ખીલવવાનું જાણે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે સંસ્કૃતિની મોટી મોટી વાતો કરીએ છીએ એટલું જ, બાકી હજી તો આપણને પ્રકૃતિની સાથેય રહેતાં આવડ્યું નથી. આપણે સંસ્કૃતિને પ્રકૃતિનો વિરોધી શબ્દ માનીને વર્તવા લાગ્યા છીએ એવું તો નથી ને? ઘરમાં વૃક્ષો ઉછેરી શકાય એવી કળા સિદ્ધ કરી ચૂકેલા જપાનવાસીઓને પૂછો કે પ્રકૃતિ અને સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો ભીંત ભૂલ્યા જેવું થશે. પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં પાંગરી છે. વૃક્ષો અને શાસ્ત્રો આની સાક્ષી પૂરશે. હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં જીવનનો નવોન્મેષ જોઉં છું…

૧૬-૭-૮૬
ઈડર

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.