ભૂખર વાય છે, ચારે બાજુ ધુમ્મસ છે અને વૃક્ષોમાંથી એનું નક્કરપણું ચાલ્યું ગયું છે. ધુમ્મસમાંથી વૃક્ષો કટકની ચાંદીની કારીગરીમાં જેવી બારીક જાળી પાડે છે તેવાં લાગે છે. બધું સાવ સ્થિર છે. એ સ્થિરતામાં અકારણ વિષાદનો ભાર છે. એ મને બૉદલેરના ચિત્તની આબોહવા જેવો લાગે છે. એ એની ‘વોયેજ’ નામની સુવિખ્યાત કવિતામાં કહે છે: ‘અમને વિષથી પખાળો, એથી જ અમે શાતા પામીશું. અમારા મગજમાં એ વિષને અગ્નિની જેમ રેલાઈ જવા દો. અમે તો ઊંડે ડૂબકી મારવા ઇચ્છીએ છીએ, પછી ભલે ને એ સ્વર્ગ હોય કે નરક. પણ અમારે તો એ અજ્ઞાત અગોચરમાં ડૂબકી મારવી છે.’ બૉદલેરે ડૂબકી મારી. પરિણામ શું આવ્યું? ઉન્માદ અને અપમૃત્યુ. પ્રેમને એ ઝંખ્યો. એ પ્રેમને ચરણે એની કવિતાનું એણે નિવેદન કર્યું. પણ એને તો મળ્યો કારાવાસ. વિષપાન એણે કર્યું ને એ વિષવલ્લીનાં જે પુષ્પો તે આપણને ધરી ગયો.
આથી જ તો કદાચ કિર્કેગાર્દે કહ્યું હશે કે સંવેદનની તીવ્રતા તે જીવલેણ વ્યાધિ છે. એ જીવ લઈ તો લે છે પણ એકદમ નહીં. એવી તીવ્રતા હોવી એ શાપ છે. અનુભવ તેજાબની દાહકતા લઈને આવે છે. એ હૃદયને તો મરણ પણ સ્વીકારી શકતું નથી. છતાં આ તીવ્રતાથી છટકી શકાતું નથી. એ સ્વભાવ સાથે જ આવે છે, ને મરણ સુધી રહે છે. કઠોરતાના આઘાત સહીને વિસ્મૃતિમાં નાખી દઈ શકાતા નથી. એ સંવેદનામાં એકરૂપ થઈ જાય છે. સૂક્ષ્મતાની ધારને ખાંડી કરી નાખે એવું રોજ બનતું જ રહેવાનું. આ બધાં જોડે ચિત્તનું સમાધાન કરી શકાતું નથી. પરિણામે મરણને ખંડણી ભરીને જીવ્યે જવાનું રહે છે. આવી ફરિયાદ તો કરવાની હોય નહીં, અત્યન્ત નિકટના જે હોય તે પણ અસહિષ્ણુ થઈ જાય છે. જીવતા હોઈએ તે દરમિયાન જ ધીમે ધીમે આપણો વિલય અને આપણું શ્રાદ્ધ થતાં જોઈને જીરવવાની તાકાત હોવી જોઈએ. જો એ નહીં હોય તો ધીમે ધીમે બધાં પીઠ ફેરવી લે. ઉચ્ચારેલો શબ્દ લોકારણ્યમાં ઘૂમીને અથડાઈને પડઘાઈને પાછો આવે, જ્યાં સદાના આવકારની અપેક્ષા ભોળા હૃદયે રાખી હોય ત્યાંથી જાકારો મળે અને તે પણ દૃઢ સ્વરે એક પણ આંસુ વિના. આથી જ તો રિલ્કેએ કહ્યું હતું કે હાથમાં હાથ મિલાવતી વખતે જ વિદાયની ક્ષણનો ખ્યાલ મનમાં રાખવો. કારણ કે આંગળી સાથે ગુંથાઈ જતી આંગળીઓ આખરે એનો બંધ શિથિલ કરી નાખીને સરી પડે છે ને પછી આપણો નિરાધાર હાથ પાનખરમાં ખરતાં પાંદડાંની જેમ નીચે ને નીચે સર્યે જાય છે.
આ ધુમ્મસ મારા ચિત્તમાંના વિષાદને બહેકાવે છે. એવે વખતે સૌથી ઉચિત વ્યવહાર તે મૌનનો વ્યવહાર છે. મૌનથી ગૌરવ રહે, મૌનથી ગેરસમજ અટકે, મૌનથી ક્ષમા મળે, મૌનથી આપણે સહ્ય બનીએ. નહીં તો અસહિષ્ણુતા વધે. પણ મૌનની ક્ષણે આપણું વાચાળ હૃદય તો આપણને છંછેડ્યા જ કરતું હોય છે. ખંડિયેરના જેવા પોતાના જ ભગ્નાવશેષને વળી ભાષાના સૂત્રમાં પરોવીને અખંડ બનાવીને રચવાનો ઉદ્યમ પણ કર્યા વિના રહેવાતું નથી. છતાં આખરે તો મૌનનો જ આશ્રય લેવો રહ્યો.
એથી જ તો કોઈ વાર મારા લખેલા શબ્દોનો એકસામટો ભાર મારા પર જ તોળાઈ રહેતો અનુભવું છું. એને ફૂંક મારીને ઉડાવી દેવાનું મન થાય છે, એ શબ્દો પણ ઘણી વાર મારી જ જેમ જાકારો સાંભળીને પાછા આવ્યા છે. હવે એમને કોઈ આશ્રયસ્થાન નથી. કશોક ઉગ્ર સન્તાપ મારામાં પ્રકટે ને એની ઝાળથી એ બધા શબ્દો સળગીને ભસ્મીભૂત થાય એમ ઇચ્છે છે. આથી જ જ્યારે સાહિત્ય વિશેની ડાહી ડાહી વાતો કરવાનું આવે છે ત્યારે મનમાં કચવાટ થાય છે. હું જ શ્રોતા તરીકે મને સહી લઈ શકતો નથી. મારા ભાવીની ધૂંધળી રેખાઓ આંખે આંસુની ઝાંય લાવી દે છે. ને હું કશું જોઈ શકતો નથી. તો પછી કશાના ભાવીની વાત શી કરવી?
હવે આ દેખતી આંખનો અંધાપો જીરવવાનો રહ્યો. એ એક વિચિત્ર અનુભવ છે. બધાંની વચ્ચે આપણે હોઈએ ને દૃઢપણે માનીએ કે આપણી ઉપસ્થિતિ નક્કર છે. પાસે બેઠેલાનો શ્વાસ આપણને સ્પર્શે એટલી નિકટતા છે ને છતાં એકાએક ખબર પડે છે કે આપણે જ ભૂસાઈ ગયા છીએ. કોઈને સમ્બોધીને એક શબ્દ બોલવા જઈએ ને તરત જ ખબર પડી જાય છે, ભ્રાન્તિ દૂર થઈ જાય છે. આવી રીતે ધીમે ધીમે ભૂસાતા જવું એનું નામ મરણ!
છતાં ટેવનું અસ્થિપિંજર જળવાઈ રહ્યું છે. રોજ સવારે એ સૂર્ય જોવો, નૈમિત્તિક ક્રિયાઓ કરવી, ખાનપાન કરવાં, થોથાં ઉથામવાં, બે અક્ષર ટપકાવવા, દશ અક્ષર બોલવા, વાર્તાલાપ ચાલુ રાખવો ને એ બધા દરમિયાન શૂન્યના પડઘા સાંભળવા, પછી રાતે અનિદ્રાથી ચચરતી આંખે અંધાપાને આવકારવો! — આ ચક્ર ઘૂમે છે, ચીંચવાય છે ને દિવસ-રાતના સાંધા સંધાતા જાય છે. આમ છતાં આ વ્યથા ને વેદનાની અભિવ્યક્તિ માટે તેજાબી ભાષા મળતી નથી, કારણ કે હજુ કૂણાપણું ગયું નથી, હજી આંસુ સુકાયાં નથી. આંખમાંથી શિશુનું ભોળપણ ગયું નથી. બે પ્રેમના શબ્દો સાંભળીને હજી ઘેલા બની જવાય છે.
કોઈ વાર એવી સ્થિતિ કલ્પું છું કે આ નક્કર લાગતા શરીરને પવન પાતળા કાગળની જેમ હલાવીને ઉડાડી દેશે, સૂર્યનાં કિરણો શિરાએ શિરાને છિદ્રથી વીંધી નાખશે ને છાપ ખાઈને પડતા પતંગની જેમ પડી જવાશે, પણ આ સૃષ્ટિમાં એટલા બધા આશાવાદી થવાની છૂટ નથી અથવા તો કોઈ એવો ચમત્કાર થાય, કોઈ એવો શાપ મળે કે પથ્થર થઈ જવાય. આ સૃષ્ટિમાં અમર તો પથ્થર છે. આ આપણી પાસેના પાવાગઢનું આયુષ્ય પાંચ કરોડનું છે એવું સાંભળ્યું. પણ આ કાયાની માટીને પથ્થરમાં પલટી નાંખનારો શાપ પણ કોણ આપે? એ શાપ પામવાને પણ સતજુગમાં જવું પડે!
પોષની ચાંદનીને પાસેના મેદાનમાં પથરાયેલી જોઉં છું. એની ધૂસરમ્લાન કાન્તિ હૃદયને હલાવી જાય છે. એ જાણે આ પૃથ્વી પરથી વિદાય લઈ ગયેલા મૃતજનોની અશ્રુધૂસર દૃષ્ટિનો વિસ્તાર છે. એમાં કોઈ આંખને ઓળખી શકાતી નથી. ને છતાં કેટલી બધી આંખો છે! આ ઋતુમાં વદાયનો હાહાકાર છે. પાંદડાંઓ નિ:શ્વાસ નાખીને ખર્યે જાય છે. સૂની સૂની શાખાઓ વચ્ચેથી પવનનો નિ:શ્વાસ સંભળાય છે અને કાન માંડીને સાંભળીએ તો આકાશ પણ એવો જ ઊંડો નિ:શ્વાસ નાખતું સંભળાય છે. તારાઓની હીરકજ્યોત ઝાંખી પડી છે. સૂર્ય જેવો સૂર્ય પણ આછું ઉપરણું ઓઢીને ફરતો થઈ ગયો છે. હવે તો યાદ આવે છે બાળપણના દિવસો, એ ઘરનો વચલો ઓરડો. શિયાળો સંકોચે છે, દાદા હંમેશાં દૂર રહેનારા તેય આ શિયાળામાં એ વચલા ઓરડામાં અમારી સાથે બેસતા, પછી તાપણી થાય, લાકડાં બળે, બળેલા લાકડાની એ ભાત, એમાં જે અગ્નિનું બારીક નકશીકામ દેખાતું તે હજી આંખને તો યાદ છે, પછી વચ્ચે કોઈક બળતા લાકડાની બખોલમાં પુરાઈ રહેલી હવા અગ્નિના સ્પર્શથી ચમકીને નાસી જાય તેનો અવાજ સંભળાય ને એ અશરીરી અવાજથી ભડકી ઊઠીએ. સળગતાં લાકડાંના ઓળા દાદાની આંખમાં નાચે ને રોજના જોયેલા દાદાને કોઈક અપાર્થિવ વસ્તુની જેમ અમે જોઈ રહીએ. પછી રજાઈની ખેંચાખેંચ, પણ તે વખતની નિદ્રાનું એવું તો ઘટ્ટ પોત કે એમાં સહેજસરખું છિદ્ર ન દેખાય, હવે તો અનેક દુ:સ્વપ્ન અને આવેશથી એનું પોત જર્જરિત બની ગયું છે. આથી જ તો એ નિદ્રાના પોતની આરપાર જોઈ શકાય છે ને ત્યાં દેખાય છે ખંધું મરણ.
અત્યારે તો વસન્ત બહુ દૂર લાગે છે. છતાં આંબાને તો એંધાણી મળી ચૂકી છે. વચમાં માવઠું થઈ ગયું, હિમાલયનાં આંસુ જાણે અહીં સુધી રેલાઈ ગયાં. એથી જ તો એનો તુહિનશીતલ સ્પર્શ મજ્જાને સુધ્ધાં કોરી ગયો.