માણસ નામના પ્રાણીને ભણતરની આવશ્યકતા ખરી?
આ બાબતમાં અનુભવીઓના અભિપ્રાયો ઉત્તર-દખ્ખણ જેટલા અંતર દાખવતા ભિન્ન ભિન્ન છે. ભણતરની તરફેણ કરનારાઓ કહે છે: ભણ્યાગણ્યા તે વેપારી, વગર-ભણ્યા તે ભિખારી. ભણેલ માણસોની અને અભણ માણસોની કામગીરીઓ વચ્ચે પણ ભેદ પાડનારી ઉક્તિઓ પ્રચલિત છે: ભણ્યાગણ્યા તે નામું લખે; વગર-ભણ્યા તે દીવો ધરે… પણ આને સામે પડછે, ભણતરને ઉતારી પાડનારી ઉક્તિઓ પણ ઓછી નથી. ભણેલા ભીંત ભૂલે છે, ભણેલા ભીખ માગે છે, વગેરે ચેતવણીઓ વારંવાર ઉચ્ચારવામાં આવે છે. એમ.એ.ની ઉપાધિ જેઓ નહોતા મેળવી શક્યા, એવા એક જૂના લેખકે પોતાની નવલકથાનું શીર્ષક જ પ્રશ્નાર્થમાં યોજેલું: ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી?’ વાસ્તવમાં, એ લેખકની પોતાની ‘માટી ખરાબ’ થઈ હોવાનો તો પ્રશ્ન જ નહોતો, પણ લોકહિતાર્થે એમણે આ વેધક ‘પ્રશ્ન’ કરેલો. હમણાં આપણે ત્યાં શિક્ષણના અંગ્રેજી માધ્યમ સામે વિરોધ જાગેલો ત્યારે એ-બી-સી-ડી પણ નહિ ભણેલા છતાં ‘લોલમાં લોલ’ પુરાવનારા કેટલાક સમાજસેવકો શોરબકોર કરતા કે અંગ્રેજી શિક્ષણે સત્યાનાશ કાઢી નાખ્યું છે, અંગ્રેજી ભાષાએ રાષ્ટ્રને નિષ્પ્રાણ કરી નાખ્યું છે. એના જવાબમાં એક વિદ્વાને મજાકમાં પૂછેલું કે, ભલા ભાઈ, તમે પોતે તો અંગ્રેજી મૂળાક્ષર પણ ઘૂંટ્યા નથી, છતાં તમે શાના સત્યાનાશ નીકળી ગયાની નુકસાની નોંધાવો છો? …ભણતરની બાબતમાં, શિક્ષિતો પણ કોઈ કોઈ વાર શિક્ષણની નિરર્થકતા જાહેર કરે છે, ત્યારે મનમાં શંકા ઊઠે છે કે માણસને જીવનમાં અક્ષરજ્ઞાન કે ભાષાજ્ઞાનની ખરેખર આવશ્યકતા છે ખરી?
આ શંકાને વધારે ઘેરી બનાવે એવા એક સમાચાર થોડા સમય અગાઉ સિલોનથી આવેલા. સિલોનના એક શહેરમાં ઉંદરનો ઉપદ્રવ વધી પડેલો તેથી સુધરાઈએ ઉંદર પકડનાર માણસને રોકવાનું નક્કી કર્યું. એ માટે એણે કચેરીની બહાર એક દીવાલપત્ર ચોંટાડીને ‘જોઈએ છે.’—ની જાહેરખબર મૂકી. ઉંદર-પકડનારના હોદ્દા માટે અરજી કરનાર ઉમેદવારને સિંહાલી અથવા અંગ્રેજી ભાષા લખતાં-વાંચતાં આવડવું જોઈએ, એવી લાયકાત પણ એ જાહેરાતમાં જણાવવામાં આવેલી.
આ જાહેરાત વાંચ્યા પછી, માનવી અને જીવન વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉંદર પકડવા જેવી કેવળ શારીરિક શ્રમની કામગીરી બજાવનારને વળી સિંહાલી—એટલે કે માતૃભાષા—અથવા અંગ્રેજીના જ્ઞાનની શી આવશ્યકતા? ઉંદરો જોડે એ માણસ અંગ્રેજીમાં વાત કરવાનો હતો? — અથવા, તળ સિલોનના સ્વદેશી ઉંદરોને એ માતૃભાષાના માધ્યમ દ્વારા આકર્ષીને પાંજરે પૂરવાનો હતો? કાઠિયાવાડમાં અહિંસક સરકારનું આગમન થયું એ અગાઉના જમાનામાં કૂતરાંને પકડવામાં આવતાં, ત્યારે એ માટે નિમાયેલા માણસો એક ગાડામાં મોટુંબધું પીંજરું મૂકીને અને હાથમાં મોટા મોટા સામસા લઈને શેરીએ શેરીએ ફરતાં અને કૂતરાં જ સમજી શકે એવા સાંકેતિક ડચકારા અને બુચકારા મોઢેથી બોલાવી બોલાવીને શ્વાનોને પોતાના સાણસામાં સપડાવતા. એ માણસો ભાષાવિદ્ છે કે નહિ, એમનું લેખનવાચન કેટલું વિશાળ છે, એ તપાસ ભાગ્યે જ કોઈએ કરી હશે. સિલોનના કિસ્સામાં ઉંદરોને પકડવાના પ્રાવીણ્ય માટે ઉંદરમામાની ચૂં….ચૂં…ચૂં…ચૂં કે એવી કોઈક વિલક્ષણ બોલીનું જ્ઞાન આવશ્યક ગણાયું હોત તો તો એ સમજી શકાત. પણ સિંહાલી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન – અને તે પણ વાચન-લેખનનું જ્ઞાન–આ હોદ્દાના ઉમેદવારો સારુ શા માટે આવશ્યક ગણાયું હશે એ સમજવું મુશ્કેલ છે. ઉંદરો સાથે શું એ અંગ્રેજી કે સિંહાલી ભાષામાં પત્રવ્યવહાર કરવાનો હતો? — કે ઉંદરોના અડ્ડા ઉપર છાપો મારવા માટે એ ચોપગાં પ્રાણીઓના કોઈ છૂપા દસ્તાવેજો ફોડવાનો હતો? ઉંદરમામાને ચાઉં કરી જનારી મીનીમાસી કઈ ભાષાઓ લખીવાંચી જાણે છે? અરે, સર્કસમાં સિંહ જેવા સિંહ સામે જીવસટોસટના ખેલ ખેલનાર રિંગમાસ્તરને કોઈ ભાષા ભણવી નથી પડતી. તો પછી ગણપતિના આ વાહનને પકડવામાં તે વળી કયા વેદ ભણવાની જરૂર પડી?
આપણું વળી સદ્ભાગ્ય છે કે આપણા દેશમાં ભાષાજ્ઞાન કે અજ્ઞરજ્ઞાનને આવું અજુગતું મહત્ત્વ નથી અપાતું. આપણાં વ્યવહાર-ડાહ્યાં લોકોને તો મમમમથી જ કામ, ટપટપથી નહિ. તેથી આપણે તો યેનકેન પ્રકારેણ કામ ઉકેલી આપનાર માણસને જ લાખ રૂપિયાનો ગણીએ છીએ—એ માણસને ભણતર કે ગણતર કે ઘડતરની ઘડભાંજમાં પડીએ જ નહિ. આપણે ત્યાં ઉંદર તો શું અઠંગ ઉઠાઉગીરોને પકડનાર પોલીસખાતાના માણસો સાવ અભણ જેવા હોય છે. ભૂપત જેવા બહારવટિયાઓને ભીડવવા માટે ભડવીરોની જરૂર પડે છે, ભાષાજ્ઞાનીઓની નહિ.
ભારતીય સંસ્કૃતિએ ભણતરની ડિગ્રીઓ-ઉપાધિઓ આદિને કદી મહત્ત્વ આપ્યું જ નથી. આપણા પરંપરિત લોકસંસ્કાર તો યુનિવર્સિટીઓની આવી ઉપાધિઓનો યોગ્ય રીતે ઉપહાસ જ કરે છે. ‘બી.એ. પાસ’ માટે ‘બીબી પાસ’ અને ‘એલએલ.બી.’ માટે ‘છોલેલ બી’ જેવા પ્રચલિત શબ્દપ્રયોગો આપણી જીવનશૈલીની ઊંડી સમજદારીના સૂચક છે. વિદ્વાનો માટે વ્યાપક બનેલ ‘વેદિયા ઢોર’ની ઓળખ પણ અર્થસૂચક છે.
એક દેશી રિયાસતના નવાબ રસૂલખાનજી પોતે સાવ નિરક્ષર હતા, છતાં એમને રાજ્યનો કારભાર ચલાવવામાં કશી મુશ્કેલી નડતી નહિ. કોઈ કોઈ વાર સરકારી ફરમાનો કે મહત્ત્વના દસ્તાવેજો ઉપર એમના સહી-દસ્તક લેવાની જરૂર પડે ત્યારે એમના રાજમહેલની ભીંત ઉપર મોટું પાટિયું ટાંગીને એના ઉપર ર-સૂ-લ-ખા-ન-જી અક્ષરો લખવામાં આવતા, અને નવાસાહેબને એ અક્ષરોની અનુકૃતિ દસ્તાવેજ પર ઉતારવાનું કહેવામાં આવતું. નવાબ હુક્કો ગગડાવતા ગગડાવતા, એકેક કલાકે એકેક અક્ષર કાગળ પર ઉતારતા અને ર-સૂ-લ સુધી આવતામાં તો એવા થાકી જતા કે, ખા-ન-જી લખવાનું, ‘કલ લિખેંગે’ કહીને, બીજા દિવસ ઉપર મુલતવી રાખતા. આ કિસ્સા ઉપરથી, અર્ધાંપર્ધાં કામ કરવાની આદત માટે ‘રસુલ આજ, ઔર ખાનજી કલ’ જેવો રૂઢિપ્રયોગ પ્રચલિત બનેલો. છતાં નવાબસાહેબે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાની ખેવના કદી કરી નહોતી. મોટી રિસાયતનો રાજવહીવટ કરનારને પણ અક્ષરજ્ઞાનની જરૂર નહોતી જણાઈ, તો પછી ઉંદર પકડનારને એકને બદલે બબ્બે ભાષાઓમાં પારંગત બનાવવાની શી જરૂર?
ભારતીય સંસ્કૃતિએ માણસના મૂલ્યાંકનમાં એના ભણતરને કે શિક્ષણને કદીય મહત્ત્વ નથી આપ્યું. આપણા ઘણા મધ્યયુગીન સંતો સાવ નિરક્ષર હતા છતાં શિક્ષિતોનેય શરમાવે એવાં જ્ઞાનવારિ વહાવતા ગયેલા. ગુરુદેવ ટાગોરનો દાખલો હજી તાજો જ છે! તેઓ કોઈ યુનિવર્સિટીની ઉપાધિ નહોતા ધરાવતા, અરે કોઈ શાળાનાં પગથિયાં પણ એમણે તો નહોતાં ઘસ્યાં. છતાં ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની માનદ પદવી પામેલા જ ને? તેથી જ ઘણા અશિક્ષિત શ્રીમંતો ગર્વભેર કહી શકે છે: ‘અમે તો ટાગોર જેટલું ભણ્યા છીએ!’
અને એમનો આ ગર્વ ગેરવાજબી છે એમ કોઈ કહેશે? અશિક્ષિતોના હાથ તળે ભલભલા શિક્ષિતો – ગ્રેજ્યુએટો સુધ્ધાં – ગધ્ધાવૈતરું કરતા હોય છે. અમારા રજવાડાના મુન્સફ પોતે ‘નૉનમૅટ્રિક’ હતા અને એમના અવલકારકુનો ગ્રૅજ્યુએટ હતા. અરે, એમની અદાલતમાં વકીલાત કરનાર ભલભલા ‘એલએલ. બી.’ઓ પણ આ નૉનમૅટ્રિક મુન્સફને ‘યૉર લૉર્ડશિપ’ કહીને સંબોધતા. એ જ રજવાડામાં જતે દિવસે ‘જવાબદાર રાજ્યતંત્ર’ની રચના કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે શિક્ષણખાતાનો પૉર્ટફોલિયો એક અભણ પ્રધાનને સોંપવામાં આવેલો. કેટલાંક અદેખાં છાપાંઓએ આ અંગે ટીકાઓ કરી, ત્યારે એ પ્રધાનશ્રીએ, ભલભલા શિક્ષિતોનેય ન સૂઝે એવી દલીલો કરીને પોતાની નિમણૂકને વાજબી ઠરાવેલી: ‘નાણાંખાતાના પ્રધાન પોતે નાણાંવાળા હોવાની જરૂર નથી, વ્યાપાર-ઉદ્યોગખાતાના પ્રધાનોએ પોતે મોટા વેપારી કે ઉદ્યોગપતિ હોવાની આવશ્યકતા નથી, તો શિક્ષણખાતાના પ્રધાનને પોતે શિક્ષિત હોવાની શી જરૂર?’
શિક્ષણખાતું સંભાળનાર અમાત્યને પણ શિક્ષણ મેળવવાની જરૂર નથી પડતી, તો ઉંદર પકડનારને વળી ભણીગણીને કઈ વિદ્વત્તા ડોળવાની હતી?
અને ભણીગણીને પણ આખરે કરવાનું શું? આ વેધક પ્રશ્ન તો ગ્રામોફોનની એક જૂની રેકૉર્ડમાં ક્યારનો પુછાઈ ગયો છે:
ઓ પાંચા પટેલ
તમારો હીરિયો…
ભણીગણીને શું થાશે?
પ્રશ્ન વિચારવા જેવો છે. મૂળાક્ષરનું જ્ઞાન પ્રાપ્ત કરીને પણ આખરે તો મૂષકો જ પકડવાના હોય તો તો પછી ‘ખોદ્યો ડુંગર ને પકડ્યો ઉંદર’ જેવો જ ખેલ ખાલ કે બીજું કાંઈ?
આ સંદર્ભમાં પેલા કરોડપતિ મારવાડીનો પ્રખ્યાત કિસ્સો યાદ કરવા જેવો છે. એ માણસને પોતાના ‘મુલક’માં મમ્મમ્ના ફાંકા થયા ત્યારે દોરી-લોટો પણ લીધા વિના મુંબઈને આંગણે ઊતરી પડેલો, અને એક ધરમશાળામાં ધામા નાખેલા. પોતે સાવ હાથેપગે જ હોવાથી એણે ધરમશાળાના પગી તરીકેની નોકરી મેળવવા પ્રયત્ન કર્યો. પગાર તથા બીજી શરતો વગેરે નક્કી થઈ ગયાં. પણ છેલ્લી ઘડીએ ટ્રસ્ટીઓને ખબર પડી કે આ માણસ તો સાવ અભણ છે, એટલે ધરમશાળામાં આવતાજતા ઉતારુઓનાં નામ નોંધી નહિ શકે; પરિણામે એ અભણ માણસને પગી તરીકેની નોકરી ન મળી શકી. પછી, નિરાશ થઈને એ રૂ બજારમાં ગયો, અને ત્યાં એણે કિસ્મત અજમાવ્યું. નસીબે એને એવી તો યારી આપી કે સમય જતાં એ કરોડપતિ થઈ ગયો અને રૂ બજારના રાજા તરીકે પંકાવા લાગ્યો. પેલી ધરમશાળામાં પણ એણે લાખેક રૂપિયાનું દાન આપ્યું અને પોતાની તખ્તી પણ મુકાવી. એ પછી થોડાં વર્ષે ધરમશાળાનો રૌપ્યમહોત્સવ આવ્યો. સંસ્થાના ટ્રસ્ટીઓ, એક દાતા તરીકે પેલા કરોડપતિનો શુભેચ્છા-સંદેશો લખાવવા ગયા ત્યારે એ અભણ માણસે નિખાલસતાથી કહી દીધું કે મેં તો કાળા અક્ષરને કુહાડે માર્યા છે, તેથી કશું લખીવાંચી શકતો નથી. સાંભળીને ટ્રસ્ટીઓ તો આભા બની ગયા. અહોભાવથી બોલી ઊઠ્યા: ‘ભણ્યાગણ્યા વિના પણ આપ કરોડપતિ બની શક્યા, તો ભણ્યા હોત તો તો કેટલી વધારે પ્રગતિ કરી શક્યા હોત!…’ પેલા અભણ ધનાઢ્યે મિતાક્ષરી જવાબ આપ્યોઃ ‘ભણ્યો હોત તો હું તમારી ધરમશાળામાં પગી બની શક્યો હોત.’
સમરસેટ મોમની વાર્તા ‘ધ વર્જર’માં પણ આબેહૂબ આવો જ કિસ્સો વાંચવા મળે છે. સંભવ છે કે એણે પણ ભારતીય સંસ્કૃતિમાંથી એ વાર્તાની પ્રેરણા લીધી હોય.