વાતો વાતોમાં સ્નેહરશ્મિએ જાણ્યું કે હું લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો સ્નાતક છું ત્યારે સહજ ઉમળકા સાથે કહેલુંઃ ‘તમે ભાગ્યશાળી ગણાઓ; આવી સંસ્થામાં કેળવણી પામવાનું સદ્ભાગ્ય મળ્યું. મને એ ક્યાંય ન મળ્યું. જુઓ ને મારા આ હાથ, સાવ કોમળ, કોઈ હુન્નર તો શું, આટલી અમસ્થી પેન્સિલની અણી કાઢવાની બાબતેય હું પરાવલંબી, તમારા હાથ તો કેળવાયેલા હશે, ખરું?’
ઉત્તરમાં લગીર ગર્વ સાથે કહેવાઈ ગયું હતુંઃ ‘હા, હાથમાં પડેલાં આંટણ હજુ સુધી તો અકબંધ છે.’ સાથે જ સાંભરી આવ્યું હતું, ગુજરાત નઈ તાલીમ સંમેલનમાં અમે ભજવેલા, તોલ્સ્તોયકૃત ‘મૂર્ખ ઈવાન’ નામના નાટકનું એક દૃશ્ય. એમાં મૂર્ખ ઈવાનની અભણ પણ ભારે કામઢી બહેન, એના ભાઈને ઘેર પરોણા થયેલાં સૌના હાથમાં આંટણ છે કે કેમ એની જાતતપાસ કરી, ખાતરીબંધ માણસને જ પંગતે બેસવાની પરવાનગી આપતી. આંટણ વગરના હાથવાળો પરોણોય ઈવાનના ઘરના રોટલાનો હકદાર નહીં. ‘કામ કરે એ જ ખાય’ એવી સાફ સમજ નિરૂપતું એ નાટક ભજવતી વેળાવિનાની બહેનનું પાત્ર ભજવતી પ્રવીણા પટેલને, મારા હાથમાં આંટણ શોધતી વેળા અભિનય કરવાની જરૂર ન પડતી. હસતાં હસતાં એણે કહ્યું પણ હતુંઃ ‘આ સાચાં આંટણવાળાને તો મારે ઘેર સાચું ભોજન કરાવવું જોઈએ.’
હાથે પડેલાં આ આંટણ વિશે વિચારું છું ત્યારે થાય છે, એ માત્ર મારી હથેળીમાં જ નહીં… જન્મકુંડળીમાં પણ હશે, નહીં તો સાવ શીળી છાયાના વ્યવસાય પછીય માટી સાથેની મમતા ને મથામણ આજપર્યંત જળવાઈ ન હોત. નાની વયે લાઠીદાવ શીખવાનું શરૂ કર્યું ત્યારે હાથમાં પહેલવેલા ફરફોલા પડેલા જે પછીથી આંટણ બન્યા. વખત જતાં એમાં દાતરડી, કોદાળી ને દૂધની સાઇકલના હૅન્ડલનાં એવાં કૈંક આંટણ ઉમેરાયાં. વળી, ડાબોડી માણસ એટલે લાણી વખતે દાતરડુંય વેડે હંમેશ. તે હથેળીમાં ત્રણ દ્વીપકલ્પો ઊપસી આવે. એક અંગૂઠાની તળેટીમાં શુક્રના પહાડ ઉપર, બીજો તર્જનીના મૂળ કને અને ત્રીજો અનામિકાને અડીને. બ્રાહ્મણના દીકરા તરીકે, મિત્રો મારી દયા ખાય એ જોઈને પણ મને તો એ વેઢ-વીંટી સમા વહાલા લાગતા, હથેળી પાકી થતી આવે છે એનો આનંદ પણ ખરો. પાંચ-સાત વર્ષમાં તો રંગોળી પુરાઈ ગઈ! સ્ત્રી-મિત્રોના હેતભર્યા હાથ જ્યારે આ હથેળીમાં ફર્યા છે, હંમેશાં એ પુરસ્કૃત થઈ છેઃ ‘પુરુષનો હાથ તો આવો ખરબચડો જ જોઈએ. પસવારતાં કંઈક ફીલ તો થવું જોઈએ ને!’ અને એ પ્રશંસાથી મન, પીરને તકિયે કરેલા લોબાનના ધૂપથી સુગંધિત હવા સમું તરબતર થઈ જતું.
*
આંટણના મૂળમાં રહેલો લાઠીદાવનો ઉદ્યમ તો નર્યો શોખ. સાચો શ્રમ તો શરૂ થયો અમારી બુનિયાદી શાળાના છઠ્ઠા ધોરણથી. એ બે વર્ષો દરમિયાન વાવવું, પારવવું, નિંદવું, ગોડવું, વીણવું-ચૂંટવું વગેરે ખેતીકામથી પરિચિત થવાયું પણ એ સઘળાં કલા તરીકે હસ્તગત તો થયાં લોકશાળાનાં વર્ષોમાં. આઠમું ધોરણ મેં વરતેજ કરેલું. પહેલા સત્રમાં મને રસોડું અને કોઠાર સોંપાયેલાં. ચોકસાઈ અને નિયમિતતા સાથે આડવેર એટલે એ તાલીમ બહુ ફળદાયી ન નીવડી. મન મારીને હિસાબ લખવાની કડવી ફરજને કારણે ગણિત સાથે વેર બંધાયું એટલો એ છ મહિનાનો નફો! બીજું સત્ર તો લગભગ પાણતિયા (પિયત-વાતેતરમાં પાણી વાળવાનું કામ કરનાર) તરીકે જ વિતાવ્યું. મૂળે હું હાથ-પગ ને ખુલ્લી આબોહવાનો માણસ; ફાવી ગયું. લોકશાળામાં હતું ઊભું રસ્ટન ઑઇલ એન્જિન. એક ફટકે ઊપડે. શિયાળેય કાકડી ન કરવી પડે. પણ મૂળે કૂવો બોદો, ને ઉલાળા લેવા પડે. જ્યારે છેટીવાડીએ નવાણમાં પાણી સારું ને મશીન પણ લોંઠકું એટલે પ્રવાહ ધીંગો-ધડબો. બવળે ક્યારા-પાળી કરેલા પિયતમાં પાણી પાતાં ક્યારાનું નાકું ટોચવા કોદાળીનો પે’લો ઘા પડે ત્યાં નાકાની માટીને તાણી જતો ધસમસતો પ્રવાહ પ્રવેશે. ધોરિયા આડો દેવાનો માટી-બંધ કેમેય કર્યો દેવાય નહીં. એક સાંધું ત્યાં તેર તૂટે. એ વેળા દુશ્મન ભાસતાં પાણી કીધામાં ન રહે. મોઢું શિયાવિયા થઈ જાય ને પાળિયું આખું રેળ પાણી પીવે. બાલુ ચૌહાણ એ વખતે મારો ગુરુભાઈ. આ સમસ્યાની ગુરુકિલ્લી પણ એણે જ ચીંધેલીઃ ‘પાણી આમ હેરાન કરે ત્યારે આખો ક્યારો પી રહે ત્યાં સુધી ધોરિયામાં પલાંઠી વાળીને બેસી જાવાનું! જઈ જઈને પાણી ક્યાં જાશે?’ પણ આ બધું તો બે-ત્રણ દિવસ જ. પછી તો બંદા કોદાળીએ પાણી વાળતા થઈ ગયેલા તે નહીં ઊગેલી મૂછેય વળ દેતાં પાણી વાળે નિરાંતે! આ દિવસોમાં જ શરીરે કાઠું કાઢ્યું ને કાંડાનું કૌવત પણ એ જ દિવસોમાં કેળવાયું. વળી, રાતે ઉલાળા લેવાના પ્રસંગો વધતાં, ઢળતા ચંદ્રતેજમાં નહાતાં, આખા ખેતરમાં એકલા ઊભા રહેવાની હિંમત પણ બહાદુર ગણાવાનાં લોભ-મમત સાથે એ રાતોમાં જ રળાઈ. આયુષ્યના એ પંદરમા-સોળમા વર્ષે સંવેદાયેલું સઘળું મારી સાંભરણમાં સાફ છેઃ ઢળતી રાતની નીરવ શાંતિમાં એકધારો સંભળાતો, ઑઇલ એન્જિનના ભૂંગળે બાંધેલ માટીની કૂરડીનો નક્કર અવાજ, આથમવા જતું આછું પીળું ચંદ્રબિંબ ને વહેલાં જાગી જતાં પંખીઓનું વૈતાલિક… આ સઘળાંની સાથે એક વિરલ સંવેદન પણ સચવાયેલું છેઃ નિર્ધનના નગદનાણા સમા સ્વચ્છ ગ્રીષ્માકાશ તળે, દૂર ટમકતાં નક્ષત્રોની હળવે અડતી તેજધારાને ઝીલતા એકલા લયલીન ઊભા હોઈએ ને ધોરિયે વહેતું પાણી પગ નીચેની રેત-માટીને સેરવતું વહી જતું હોય ત્યારે અનુભવાયેલ જળ-રેતીનો મૃદુ-કકરો રોમાંચક સ્પર્શ આ રહ્યો તાજો, પણ એને કઈ લિલિમાં આલેખું આજે?
છાતી-ખભાનો ઘાટ તો આંબા-ચીકુનાં ખામણાં ગોડતી વેળા આંબલા લોકશાળામાં જ ઘડાયો. અઢી કલાકના ઉદ્યોગમાં અમે દસ બાય બારનાં વીસ-પચ્ચીસ ખામણાં ગોડી નાખવાની શરત મારતા. પચ્ચીસ ઉપર લટકાનું એક વધારે ખામણું ગોડીને જીતી ગયેલા મનસુખનાં કપડાં એક અઠવાડિયું ધોઈ આપવાં પડ્યાં હતાં મારે. ગૌશાળાના બોદા બેલનો ડંકો વાગે ને અમે છૂટીએ. એ વેળા નેણ-પાંપણે ટપકતાં પરસેવાનાં તોરણ આંખમાં અંજાઈ જતાં ને સામેની વનરાઈ ચેરાઈ જતી પાણીમાં પડતા એના પ્રતિબિંબ સમી. અલબત્ત, વહાવેલા પરસેવાનું વટક અમે, બપોરના ભોજનમાં બોઘરણા-મોંએ પીરસાતી છાશ ઘટક્ ઘટક્ પીને બરાબર વાળી દેતા. રમેશ સંઘવી તો સીધું છાલિયું મોંએ માંડી રાખતો ને પેટ તડમ્તુશ ન થાય ત્યાં સુધી માથું ધુણાવે નહીં મારો વ્હાલો!
લોકશાળાની દિવાળી-રજા લાણીનું કામ પૂરું થયા પછી જ પડે. સંસ્થાની નાની-મોટી ખેતીનું લાણીનું કામ વિદ્યાર્થીઓ જ કરે. એ પતે એ સાંજે જ ખભે થેલા-બિસ્તરા ચડાવીને અમે ચડી બેસીએ બસ-ગાડીએ. શરીર આખું અઠવાડિયાના થાકથી હોય અભરેભર્યું પણ મન હેલારા મારતું હોય વતન વિશેનાં ભેરુ-ભાંડુને જઈ ભેટવા. આંબલા લોકશાળાની દસમા ધોરણની લાણી સાચ્ચે જ વિરલ જીવન-લાણી નીવડી હતી. ચાલીસ વીઘાંના ગડબાવાળા ખેતરમાં, ચાસે ચાસે કાંપ પૂર્યો હતો તે ઊંટ તો શું પણ ઊભા ઘોડા એમ જ ઓરાઈ જાય એવી મેમથ જુવાર ઊભી હતી. ભૂરવાય વાવા માંડ્યો હતો ને દાતરડાંય કકરાવાઈને આવી ગયાં હતાં. અમારા અંદાજ મુજબ કામ છ-સાત દિવસનું હતું પણ રજા વહેલી પાડવાના ઉમંગે અમે ખેતર રાતવાસો કરી કામ ચાર દિવસમાં પતાવવાની અસંભવિત દરખાસ્ત મૂકી. અમે એટલે કોકિલા શુક્લને બાદ કરતાં ઓગણીસ દસમાવાળા વિદ્યાર્થીઓ અને વીસમા અમારા યુવાન શિક્ષક અંતુભાઈ ઉપાધ્યાય. બસ, આચાર્યની લીલી ઝંડી મળતાં દાતરડાં-બિસ્તરા સમેતની અમારી મંડળી તૈયાર, રઘુભાઈએ નામ દીધુંઃ ગડબાવાળા વીસ! ને કામ? આખો દિવસ સૌની સાથે જુવાર લણવી ને રાત પડ્યે લણેલી એ જુવારનું ડાંડર પાડી દેવું. ઓસરતી ચાંદનીની એ રાતોમાં અમારી રાતપાળીનો સમય ચંદ્રોદયને અનુસરતો રહ્યો.
પેલા ‘ચંદર ઊગ્યે ચાલવું’ શીર્ષકને અમે લગીર ફેરવી તોળ્યું હતુંઃ ‘ચંદર ઊગ્યે ચલાવવું’ અલબત્ત, દાતરડું સ્તો! સાંજ ઢળતાં લણવાનું કામ પૂરું થાય એટલે લોકશાળા ભણી પાછા જતાં મિત્રો સાથે વચ્ચે આવતાં નદી-ધરે નાહી-ધોઈને ખેતરે પહોંચીએ ત્યાં અમારા વાળુનું ભાતભર્યું ગાડું આવી પહોંચે ને રોટલા-કઢી, ખીચડી-દૂધની જ્યાફત ઊડે. પછી પૂળાની પથારી પર બિછાવેલ બિસ્તરે વાતો કરતાં આડા પડીએ. બાજુમાં શામળાજીવાળો ભરત ખરાડી એનો લાંબો પાવો વગાડતો હોય કે નરેન્દ્ર પાંડવ એના ઘેરાઘેઘૂર ગળે ભજન ગાતો હોય. આમ સૂર-શબ્દની ગોઠડીમાં આંખ ક્યારે મળી જતી—રામ જાણે! પણ અરધી રાતે અંતુભાઈનો પહેલો હાકલો પડે ન પડે ત્યાં અમે ઓગણીસેય, ઓશીકે મૂકેલ દાતરડાં સજી, દુશ્મન સૈન્યનાં ધાડાં સમી ડોલતી જુવાર પર તૂટી પડતાં. આંખમાંની ઊંઘ ને રૂંવે રૂંવે ઝમતો થાક ત્યારે ન જાણે, ક્યાં અલોપ થઈ જતાં. બસ, ધાર્યા કરતાં જુવાર વહેલી વાઢી લઈ અમે સૂઈ જતાં ફરી તે જાગતાં સૂરજ-કિરણે. પ્રાતઃકર્મો પતે એટલામાં શિરામણ આવી પહોંચે ને ફરી પાછા લણીએ સૌ સાથે મળીને જુવારનાં મોતીભર્યાં લીલાં માથાં શાં કણસલાં લેલુમ! છ-સાત દિવસનું એ કામ ચાર દિવસમાં તો ન જ પત્યું પણ પાંચમા દિવસે પૂળાના ઓઘા જ નહીં, પાનસૂર સુધ્ધાં વીણી અમે ખેતર સાફ કરી કીધુંઃ હવે મૂકવું હોય તો મૂકો હળ વહેતું!
એ ધન્ય પાંચ દિવસો દરમ્યાન અમે શું શું નથી માણ્યું? સાંજે ઘેર ગયેલા શિક્ષકોએ, સીજે એટલું જ કામ કરવાની કડક સૂચના આપી હોય પણ અમે અમારા પ્રેમ-શૌર્યની દુહાઈ દઈને અંતુભાઈને મનાવી લઈ ધાર્યા કરતાં વધુ કામ કરીને જ જંપીએ. સવારે ખેતરે આવીને શિક્ષકો એમના અંદાજે અશક્યવત્ થયેલું કામ જુએ ત્યારે એ સૌની આંખોમાં ઊભરાતું, પુત્રસમા શિષ્યોના પરાક્રમનું ગૌરવ છલકાઈને અમારી પીઠ પર વરસતું અને હવામાં ઓગળે જેમ કપૂરગંધ; એમ ઓગળી જતો સઘળો થાક અમારો. સખત શ્રમ અને ભરપૂર ભોજનના એ દિવસો દરમિયાન એ બે પ્રવૃત્તિ ઉપરાંતનો અમારો સમય હંમેશ ગીતગમ્મતમાં વીતતો. ન્હાનાલાલના ‘સ્તુતિઅષ્ટક’, મેઘાણીના ‘સૂના સમંદરની પાળે’ અને ઉમાશંકરના ‘કર્ણ-કૃષ્ણ’ જેવાં કાવ્યોના બુલંદ કંઠે થતા સમૂહગાનથી ખુલ્લાં આકાશધરતીની અમારી એ ખેત-વસાહત જીવંત બની જતી.
શ્રમની આવી મોજ લોકભારતીમાંય માણવા મળી. ત્રણેય વર્ષ ખૂબ કામ કર્યું. અમારું જૂથ ત્રિકમ, કોદાળી ને પાવડા-તગારાંના કામે પાવરધું. બધા વિભાગોમાંથી એની ઊલટભેર માંગ થાય. કામ સોંપ્યા પછી ટેલ-ટાંપું કરવાનીય જરૂર નહીં. અપેક્ષા મુજબનું કામ નિયત સમયમાં આ મંડળી કરી આપે જ – એવી શ્રદ્ધા. ખાતરની ખાડ ગાળવી, ભરાયેલી-પાકેલી ખાડમાંથી ખાતર કાઢવું, આંબા-ચીકુનાં ખામણાં ગોડવાં ને ક્યારા-પાળી કરવાં, મકાનના પાયા ગાળવા ને સ્લૅબ ભરવા જેવાં જાતભાતનાં કામ ડિલ ને દિલ દઈને કરીે. આ બધાં કામમાં ગમતું કામ ગોડવું અને ખોદવું. ગોડતી વખતે ધરોનાં જડિયાં ખોદી કાઢવાની બહુ મઝા પડે. એ માટે ઊંડું ખોદતાંય થાક ન લાગે. એક બાજુ ખામણું થી જાય પોચું ગાદલા જેવું ને સામે થઈ જાય ધરોનાં જડિયાંનો ઢગલો. ખાતરની ખાડ ગાળતાં હોઈએ ત્યારે ત્રિકમથી એક ફૂટ ઊંડું સાયું લઈને વીસ-પચ્ચીસ મિનિટ એકધારું ખોદીએ ચાર જણ એટલે સામે એટલો પોરો મળી રહે. જેવા અમે ત્રિકમવાળા બહાર નીકળીએ કે તરત ચાર પાવડા અને દસ-બાર તગારાંવાળાની રમાછટી બોલે. તગારું ક્યારે ભરાયું, ઊંચકાયું. સરતું-સરતું ક્યારે ખાડ બહાર નીકળી ઠલવાયું, કંઈ ખબર ન પડે. એક કતારમાં ઊભેલા પાંચ-સાત જોડી હાથની જીવતી સાંકળ રચાઈ જાય તે તગારું રમતું-કૂદતું કરે પ્રવાસ! અલબત્ત, એના ઝીલનારા જબરા ને સાવચેત જોઈએ. હાથ ન ઝીલે તો એ તગારું પગ ઉપર પડ્યું જ સમજો. નજર અને હાથની એમાં જુગલબંદી જામે. પંદર-વીસ મિનિટની આ ધબાધબીમાં અમે ખોદેલી માટી સઘળી સાફ અને શરીર બધાંનાં પરસેવે રેબઝેબ! અગિયાર-સાડા અગિયાર વાગતાં પેટે પહોંચે પાતાળ! એ પછી નાહીએ મશીનના વહેતા જળ-ધોધ નીચે. બોલો, ભોજનમાં શી મણા રહે બાકી? ને પછી નીંદરી જઈએ બે-અઢી કલાક નિરાંતે.
આવાં કાઠાં કામ ન હોય ત્યારે મને સફાઈ વિભાગમાં કામ કરવું ગમે. એમાંય સંડાસ-સફાઈ મળે તો રાજી રાજી. આસપાસની જમીન ઘાસ કાઢીને સાફ કરવી, ખાડા-ટેકરા સમા કરવા, પાણીની ટાંકીએ બાઝેલા ચૂનાના થર ઉખાડી નવો ચૂનો કરવો, સંડાસનાં બારણાં ન વસાતાં હોય તો એમાં નકૂચો-સાંકળ સરખાં કરી મિજાગરે તેલ ઊંજવું અને અંતે ઍસિડ લઈ સંડાસ સાફ કરવું. આ બધાં કામ બહુ દિલચશ્પીથી કરું. એમાં વપરાયેલાં સમય અને શક્તિનો સીધો હિસાબ મળે. આમેય ચાર દીવાલો વચ્ચે કરવા પડતાં કામને બદલે ખુલ્લાં આભખેતરે કરેલાં કામનો મુસારો મને અદકો મળ્યો છે. કિશોર વયે મોટી બહેને કેળવેલા સ્વચ્છતા અને સુઘડતાના સંસ્કાર પણ એ વેળા ખપ લાગે. બિલોરી કાચ જેવું પાણી ભરેલી ધોળેલી કૂંડી ને જાણે ગઈ કાલે જ નવું બેસાડ્યું હોય એવું ચકચકતું ને સાફ સંડાસ. લોકો ભલે ને નવાજે કહી, સફાઈ કામદાર! એ કામનો આનંદ, તમે નહીં માનો, સાચ્ચે જ અલૌકિક છે.
શરીરશ્રમનો એક અણધાર્યો અવસર અમારી કૉલેજના પ્રાંગણમાં મળ્યો. કલ્પના તો એટલી જ કરી હતી કે દસ-બાર ઝાડ ઉછેરુંઃ વિદ્યાર્થીઓને બેસવા છાંયો થશે. પણ મુજ કૃપણની એ યોજનામાં શરદ શાહ અને શિવલાલ પટેલનો પગપેસારો થતાં ‘વૃક્ષ ચલે નિજ લીલા’નો વિરલ અનુભવ થયો. દસ-બાર વૃક્ષ-વેલની જગ્યાએ ગુલમહોર ને ગરમાળો, કચનાર ને કરંજ, કાસિક અને કેશિયા એમ સાદાં અને શોભનવૃક્ષોનો જાણે મેળો ભરાયો. બાકી હતું તે ઉમેરાયાં કરેણ, ચંપો ને જૂઈ-ચમેલી! કહો ને વૃક્ષ-વેલીઓની જબરી વસાહત ઊભી થઈ ગઈ. સમય, સાધન અને શક્તિનો જબરો ગુણાકાર કર્યા પછીય ન પહોંચી વળાયું તે હઠીસિંગ અને ગીતા વેલાણી પણ આવીને ઉમેરાયાં સ્વેચ્છયા. કૉલેજની ઈંટ-ચૂનાની ઇમારતને શણગારતો અમારો સૌનો ઊમળકો આજે એ વૃક્ષોની ટશક-કૂંપળે કૉળી રહ્યો છે.
માટીની આ મહોબતે રાતે પથારીમાં લંબાવતાં આંખ ઘેરાય એ પહેલાંની પાંચ-સાત પળોને કો’ પ્રથમ વર્ષાની મીઠી ગંધથી મહેક મહેક કરી દીધી છે. મહેનતથી એટલી મહેર કે મન-શરીર બેય કેળવાયાં. કોઈ પણ કામ ખંતપૂર્વક કરી શકાય અને થોડી મથામણે હાથ બેસી જાય. કોઈ ભૂલ ચીંધે ક્યારેક, તો મન ઓશિંગણ બની સુધારી લે તત્કાળ. માટી ને મહેનતની સાથે લગભગ નાળછેદ થઈ ગયા પછી આજે અમદાવાદમાં પણ એની મમતા મૂકી શક્યો નથી. વિશાળ ઊંચાં વૃક્ષો જોઈને જન્મતી સૌંદર્યમય ભવ્યતા ને સાફ-સુઘડ ઘર-આંગણું જોતાં જાગતો પ્રફુલ્લિત રોમાંચ હવે ન જાણું; ક્યારે અનુભવાશે ફરી! પણ રસ્તે જતાં, ટેલિફોન્સ-કેબલ માટે થતાં ખોદકામની તાજી મઘમઘતી માટી મને રોકી પાડે છે ને મારામાં ઢબુરાતો જતો આરણ્યક ઊછળી આવી, જઈ બેસે છે એ માટી-ઢગલે ઘડી બે ઘડી!