દૂ…ર-સુદૂર ચોમાસાના પહેલા વાદળને જોતો ઊભો હોઉં આંગણમાં… ત્યાં તો વાવાઝોડાની જેમ અતિવેગે ધસી આવે વરસાદી પવન, હૂ… હૂ… હૂ… હૂ… કરતો, વરસાદી માટીની મહેક લઈને. દૂર ક્યાંક વરસાદ પડે છે એ જોવા નજર લંબાવું ત્યાં તો માથા પરથી હનુમાનની જેમ પસાર થઈ જાય વરસાદી પવન, નગર ઉપર સાચાં મોતી જેવાં થોડાં થોડાં ફોરાં વેરતો… ‘વરસાદ ના…ગો’ — બાળકો પૂરું બોલી ઊઠે એ પહેલાં તો હનુમાન અદૃશ્ય… જાણે સાચાં વરસાદી મોતી કોઈકને સોંપવાની ભારે ઉતાવળ ન હોય! સદ્યસ્નાતા તડકો વધુ તડકીલો, પાંદડે પાંદડે ઝિલાયેલાં મોતી વધુ ચમકીલાં, જરી સરી ભીની થતાં પહેલાં તો કોરીય થઈ ગયેલી માટી તો મહેક મહેક… મહેકનાં મોતી મારા શ્વાસોની માળામાં… ક્ષણ વારમાં તો કોરી થઈ ગયેલી ભીની માટી, જરીક ચપટીક, મારી તર્જની અને અંગૂઠા વચ્ચે, અને પછી જીભ પર.
જીભ પર માટીનો સ્પર્શ થતાં જ સ્વાદ ઊભરાય બધાંય ફૂલોનાં, પળોના… ઋતુઓના… માટીના સ્વાદની સાથે જ સૌપ્રથમ સ્વાદ ઊભરાય કાચી કેરીનો, ગર્ભવતી નવોઢાની જેમ… કાચી કેરી કહેતાં જ સાંભરે સીમ, તળાવ, ખેતર, શેઢા, આંબા… આંબા પર ડાળે ડાળે લટકતી લીલુડી લીલુડી ટચૂકડી બબુડી બબુડી કેરીઓ… કેરીઓ પર ફેંકાતા પથ્થર… રખેવાળની બૂમ ને પગમાં પ્રગટે હરણ… સરસ પાકેલાં ચીકુનો તો રંગ પણ માટી જેવો… બહારથી ભૂખરી કોરી માટી જેવો ને અંદર ભીની માટી જેવો! સ્વાદ પણ જાણે દળેલી મોરસ નાખેલી ભીની માટી જેવો! થોડો કરકરો, જરી લિસ્સો. એવું જ કણીદાર, સરફરજનનુંય. મોંમાં મૂકતાં સ્વાદ લિસ્સો, પણ ચાવતાં જ કણીદાર, કરકરો!
બે-એક વર્ષ પહેલાં ખરું કૌતુક થયેલું. સિમલાનાં લાલચટક સફરજન, રેંકડાવાળાએ તેલવાળા ગાભાથી ચમકાવેલાં, રેંકડીવાળા સુધી પહોંચતાં અગાઉ અનેક હાથોમાંથી પસાર થયેલાં, દેવદારના પાટિયાની પેટીમાં કેટલીય મુસાફરી કરી ચૂકેલાં, શિયાળાની સવારના તડકામાં ચમકતાં, હથેળી-આંગળીઓમાં આમતેમ ફેરવી, જોઈતપાસી રાજી થઈને ખરીદ્યાં. ઘરે એ સફરજન થોડી વાર ફ્રિજમાં પુરાયાં. પછી ચકચકતી સ્ટેનલેસ સ્ટીલની તાસક, ઝીણાં ફૂલ ફૂલની ડિઝાઇનની બોર્ડરવાળી ચિનાઈ માટીની મોટી ડિશ, ચકચકતી છરી અને લાલચટક સફરજન, ચીવટથી છાલ ઉતારી, ઊભાં કાપી, કાળાં બીજ કાઢી, બીજની આસપાસનો ફોતરાં જેવો ભાગ કાઢી, કરી ચીરીઓ નાની નાની ને સરસ રીતે ગોઠવી ડિશમાં… સફરજનના ભીનેરા સ્પર્શથી આંગળીઓ મહેક મહેક… એક ચીરી મોંમાં મૂકતાં જ… થૂ-થૂ…! આ શું? સ્વાદ નકરી માટીનો! બીજું સફરજન કાપી જોયું પણ એય ચાખતાં જ… થૂ-થૂ… નકરી માટીનો સ્વાદ! રંગ, કદ, આકાર, ગર્ભ બધું બરાબર… ક્યાંય ન ડાઘો ન ડૂઘો, ન બહાર ન અંદર… પાકેલાંય બરાબર, ન કઠણ, ન વધારે પોચાં… પણ સ્વાદ તો કે નકરી માટી! બધાંય સફરજન ફેંકી દીધાં… એના બીજા દિવસે કોઈ ન્યૂઝચૅનલમાં જોયેલું – સિમલામાં સફરજનની કોઈ ફસલ કોક અજાણ્યા રોગવાળી થઈ છે. રંગ-રૂપ બધું સુંદર પણ સ્વાદ નકરી માટી જેવો છે! – સમાચારમાં આવું જોઈને થયું, એ જ સફરજન આપણા ઘરેય આવ્યાં હશે. થયું, કુદરતે માટીનું સફજનમાં રૂપાંતર રંગ-રૂપ-કદ સંદર્ભે તો કર્યું. પણ સ્વાદ સંદર્ભે રૂપાંતર કરવાનું કુદરતથીય ભુલાઈ ગયું હશે?! કલામાં રૂપાંતર ન પામી હોય તેવી કૃતિઓનો સ્વાદ પણ… ‘થૂ-થૂ’ ન કરીએ તોય ભાવતો તો નથી…
કેટલાક સર્જકો કૃતિઓમાં વતનની ધૂળનો મહિમા કરતાં થાકતાં નથી પણ વતનમાં જાય ત્યારે ધૂળથી બચવા નાક આડે રૂમાલ રાખે છે. મારે તો અસ્થમાના કારણે કોઈ પણ સ્થળે ધૂળ કે ધુમાડાથી બચવા નાકે રૂમાલ રાખવો પડે છે. પ્રકૃતિ એ જ મારી પ્રેરણામૂર્તિ, મારી પ્રિયતમા… નાનપણથી જ સૌથી વધુ આકર્ષક નદીઓનું, દરિયાનું, પહાડોનું… નદીમાં ડૂબકી લગાવી તો દઉં… બહાર નીકળવાનું મન જ ન થાય… પણ પછી શરદી-સાયનસ… એન્ટિબાયોટિક્સ… સાગરખેડુઓની જેમ મારેય ખેડવા છે દરિયા… ઊંચા ને ઊંચા થતાં જતાં પહાડી વૃક્ષોની જેમ તથા જમીનમાં ઊંડાં ને ઊંડાં ઊતરતાં જતાં એનાં મૂળિયાંની જેમ મારે ખૂંદવા છે ડુંગરા ને શોષાતાં જળની જેમ ઊતરવું છે મૂળિયાં તળેની માટીમાં… પણ દરિયો કે પહાડ જોતાં જ મન એટલી હદે પાગલ-ઘાયલ થઈ જાય છે કે લજામણીનાં પાંદડાંની જેમ તરત બિડાઈ જાય છે, સંકોચાઈ જાય છે મારી બધીયે શ્વાસવાહિનીઓ… ને પછી ઇંજેક્શન, નેબુલાઇઝર ને સ્ટિરોઇડ્ઝ… પહેલા વરસાદની સોડમથી મઘમઘતી, જાણે વયમાં આવેલી માટીમાંય નથી ખાબકી શકાતું આ અસ્થમાના કારણે. આથી જ તો હંમેશાં થોડે દૂર રહ્યે રહ્યે જ આળોટું છું માટીમાં, દૂર રહ્યે રહ્યે જ આશ્લેષુ છું પ્રકૃતિને… આથી જ પ્રકૃતિ માટેની ભૂખ ક્યારેય સંતોષાતી નથી. અસ્થમાના કારણે દોડી જઈ શકાતું નથી દરિયા પાસે કે પહાડો કને. આથી વધતો જાય છે ઝુરાપો.
નાનો હતો ત્યારેય, મન તો ખૂબ થતું માટીમાં આળોટવાનું, પણ માની બીક તથા ‘સારા-ડાહ્યા છોકરાં આવું ન કરે’ – ની સભાનતા મને રોકતી. અખાડાની માટીમાંય આળોટવાનું બહુ મન થતું. માત્ર લંગોટ પહેરેલા, કુસ્તીના દાવ શીખતા, એકમેકને બાથોડતા-પાડતા-પછાડતા, પરસેવે રેબઝેબ માટી ચોંટેલા તંદુરસ્ત શરીર… જોયા કરતો હું ખૂણે ઊભીને દૂબળો-પાતળો, મગના ફોતરા જેવો… અખાડાની એ માટીમાંય મનોમન આળોટતો… કેટલાંક થડ પાસે, કીડીઓએ જમીન કોરીને બહાર કાઢ્યા હોય માટીના ઝીણા ઝીણા કણ, કીડીના મોંમાં સમાય એવડા ઝીણા ઝીણા માટીના કણની નાની નાની ઢગલીઓ કરકરી… એની કરકરાશ માણી છે અંગૂઠા ને તર્જની વચ્ચે, સાવ નાના હતા ત્યારે ચીકણી માટીનાં રમકડાં બનાવતાં — ચૂલો, આડણી, તવી, તાંસળું, સફરજન, દડો, ચીકુ, ચકલી, કાબર… ચીકણી માટીનો એ ભીનો સ્પર્શ અને સ્નિગ્ધતા હજીય ઊભરાય છે આંગળીઓ ને હથેળીઓમાં… હવે તો રમકડાંની દુકાને અનેક રંગોમાં ‘માટી’ય તૈયાર મળે છે બાળકોની આંગળીઓ, હતેળીઓ અને કલ્પનાઓ માટે. હુંય ‘દાદા’ થઈશ ત્યારે આવી માટી સાથે રમીશ.
અલગ અલગ ભૂમિમાં માટીના અલગ અલગ રંગો જોયા છે પણ આ જ માટી અલગ અલગ પુષ્પોમાં રૂપાંતરણ પામે ત્યારે એનાં રંગ-રૂપ-સુગંધ? ગુલમહોરમાં માટીનો રૂપાંતરિત રંગ લાલચટક, મોગરાનો દૂધથીય અધિક સફેદ, કેસૂડાંનો ભડકે બળતો કેસરી, પારિજાતની દાંડલીનો નજાકતભર્યો સુકોમળ કેસરી, ગરમાળાનો સોનાના વરખ જેવો સોનેરી પીળો, શીમળાનો માના કપાળ પરના કંકુ જેવો રાતોચોળ ને ગુલાબનાં તો અનેક રંગો… પુષ્પે પુષ્પે સુગંધ પણ અલગ અલગ. જોકે, એક જ છોડ પરનાં બે પુષ્પોની સુગંધને આપણી ઘ્રાણેન્દ્રિય અલગ તારવી શકતી નથી એ જુદી વાત. અલગ અલગ જાતનાં પુષ્પોની સુગંધ માણવાનોય આપણને સમય ક્યાં છે? કોઈ પુષ્પની આછેરી સુગંધ તો કોઈની છીંક પર છીંક પર છીંક પર છીંક આવી જાય એટલી તીવ્ર તો કોઈની બેભાન કરી દે એવી નશીલી… પુષ્પો-પાંદડાંઓ-બીજ બધુંય છેવટે ખરી જાય, ભળી-મળી જાય માટીમાં, કોહવાઈ જાય, ઉમેરાય એમાં ખાતર-મળ-મૂત્ર-દુર્ગંધ… ને આ દુર્ગંધમાંથી જ પોષણ-તોષણ મેળવીને ઊછરે-ખીલે-ખૂલે પુષ્પો… ને માટી દ્વારા, પ્રકૃતિ દ્વારા નાક ફાટી જાય એવી પેલી દુર્ગંધનું રૂપાંતર સુગંધમાં! અસુંદરનું જ રૂપાંતર સુંદરમાં! કશાક અ-મૂર્તનું જ રૂપાંતર રૂપ-રંગ-રસ-ઘાટ સભર મૂર્તમાં! દુર્ગંધ-સુગંધ, રૂપ-અરૂપ, અસુંદર-સુંદર, મૂર્ત-અમૂર્ત… બધે જ અનુભવું છું. અભેદ, અદ્વૈત… આ ક્ષણે એક તુક્કો સૂઝે છે — કોઈક રોગવાળી સફરજનની પેલી ફસલ… જેમાં સફરજનનો સ્વાદ હતો માટીનો… થૂ-થૂ… એમ કુદરત કદાચ ખાતરમાંના મળ-મૂત્રની દુર્ગંધનું પુષ્પોમાંથી સુગંધમાં રૂપાંતર કરવાનું ભૂલી જાય તો?
આંગણમાંના બગીચામાં માળીને ઉપરતળે કરેલી માટી, તાજાં ખેડાયેલાં ખેતરોની માટી, ત્રાંસી મુશળધારાઓ ભોંકાઈને ખેડાતી જંગલોની માટી, ગ્રીષ્મના સૂર્ય તળે કે ચિતાના અગ્નિ નીચે તપતી માટી, અસહ્ય તાવમાં શરીર પણ જાણે માટી માટી, સુપર કમ્પ્યૂટર પાસેય ન હોય એવું સ્ટોરેજ ડિવાઇસ તો કે’ માટી! જેમાં સંગ્રહાય હડપ્પા જેવી અનેક સંસ્કૃતિઓ, અનેક યુગો, ઇતિહાસ અને હ્રાસ… અનેક જીવજંતુઓનાં દર-ઘર-નગર માટીમાં, માટી મળી જવાની અંતે માટીમાં, માટીને ઘાટ આપનારા કુંભારના હાથ પણ માટીના, માટી લટકાં કરે માટી સાથે! રતિક્રીડા કરતાં શરીરોય જળ-વાયુ-અગ્નિ-તેજ તથા માટીનાં, માટી રમે માટી સાથે!
નાનો હતો ત્યારથી સૌથી વધુ આકર્ષક રહ્યું છે ચક્કર ચક્કર ચક્કર ફરતા ચાકડા પરની, કુંભારની આંગળીઓ-હથેળીઓ વચ્ચેની, ક્ષણે ક્ષણે સ્પર્શે-સ્પર્શે કદ-આકાર-રૂપ-ઘાટ બદલતી ગૂંદેલી માટીનું! ચાકડો ફરે ચક્કર, ચક્કર, ચક્કર… એના પરની ગૂંદેલી માટીય ફરે ગોળ ગોળ ગોળ ગોળ, લિસ્સી લિસ્સી ચમકતી, એના પર નાનાં-મોટાં અનેક વર્તુળો વર્તુળાય ને એમાંથી રચાતો જાય ઘાટ… મનેય ખૂબ મન થઈ આવે કુંભારની આંગળીઓ-હથેળી જરી આઘી કરી મારી આંગળીઓ-હથેળીઓ ધરી દેવાનું… જોઈતો ઘાટ ન ઘડાય તો કંઈ નહીં, કોઈક આકાર તો થશે જ ને! છેવટે મારી નજર બની જતી કુંભારની આંગળીઓ-હથેળી! નાનો હતો ત્યારે સમજાતું નહીં કે નવાં-તાજાં ઘડેલાં માટીનાં એ બધાં વાસણોને ભડભડતી આગમાં રોટલાની જેમ શેકતો-તપાવતો શું કામ હશે? મોટીબા જવાબ આપતાં, ‘બરાબર તપાવેલું ન હોય તો માટલું ફસકી જાય…’ અત્યારે થાય છે, માટીની તરસ પાણીથી છીપતી નહીં હોય… માટી તો આપો એટલું પાણી પીધા જ કરે આરપાર… માટીનું કાચું પાત્ર ફસકી-ફૂટી જાય તોય એ તો પાણી પીધા જ કરે… ેની તરસ છીપે તો એ પાણી સંઘરે ને! એની તરસ જળથી નહીં, અગ્નિથી છીપે એ પછી એ પાણી સંઘરે. આથી જ માટલાં બરાબર તપાવવાનાં. એ પછીયે માટલું પૂરેપૂરું પાણી તો ન જ સંઘરે. અગ્નિમાં તપ્યા-શેકાયા પછીયે બાકી રહી ગયેલી જરી-સરી તરસનું શું? આથી જ કદાચ નવું માટલું ઝમતું હશે થોડા દિવસ; એની સોડમ સાથે – ફ્રીઝનું પાણી પીનાર નવી જનરેશનને તો નવી માટલીમાંના પાણીની સુગંધના અર્થની ખબર જ ક્યાંથી પડે? નવી માટલીની સુવાસવાળા પાણીની સાથે મનોમન હું તો ચાવતો નવી માટલીનાં ઠીકરાંયે ભચડ ભચડ… ખેતરમાંના ચૂલા પર માટીના કલાડામાં ખૂબ શેકાયેલા કડક ટાઢા રોટલાની જેમ… નટખટ નવોઢાઓ તો પ્રથમ પ્રસૂતિ અગાઉ, નવી માટલીની સોડમવાળું પાણી પીધા પછી રહી જ નહીં શકતી હોય… વીછળતાં ફૂટી ગયું-નું બહાનું કાઢી ફોડતી જ હશે નવું માટલું ને પછી છાનામાના આરોગતી જ હશે એની ઠીકરીઓ ભચડ ભચડ…
સાવ નાનો હતો ને પહેલી જ વાર બાકોરાં-બાકોરાંવાળા નાના નાના મોરિયા જોયેલા ત્યારે તો વિસ્મયનો પાર જ નહીં! પાણી ભરવા માટેનું ને એમાં આટલાબધાં બાકોરાં! ને એય કેવાં વ્યવસ્થિત! મોરિયા પર સરસ ડિઝાઇન રચતાં! શું ભરવા માટે બનાવ્યા હશે આવા બાકોરાંવાળા મોરિયા?! પણ એ પછી, થોડા જ દિવસો બાદ આવેલી નવલી નવરાત્રિએ એ જ મોરિયા જોયા ગરબે ઘૂમતી સ્ત્રીઓનાં માથાં પર! મોરિયા પરનાં બાકોરાં ઝળહળ ઝળહળ! જાણે આકાશમાંથી નીચે ઊતરી આવીને મોરિયામાં સંતાઈ ગયા હોય અઢળક તારલા, ઝગમગ ઝગમગ! નભમંડળમાં ઘૂમવાને બદલે ગરબે ઘૂમવા ઊતરી આવેલા તારલા, ઝગમગ ઝગમગ! શેરીના ગરબાનું વર્તુળ જાણે મારી નાનકડી આંખોનું નભમંડળ!
અત્યારેય, અંદર ઘીનો દીવો મૂકેલ, બાકોરાંવાળા માટીના મોરિયા કોઈ ગીતની પંક્તિએ પંક્તિએ પ્રગટતા, ટમટમતા પ્રતીક જેવાં લાગે છે, ને ક્યારેક થાય છે – પાણીપોચું મારું માટીનું હૈયુંય કોઈ અગમતા સ્પર્શથી પામે કોઈ ઘાટ, ને તપે નીંભાડાના અગ્નિમાં, એમાં કોઈક હાથ પેટાવે દીવો ને ફેલાય અજવાળું અંદર-બહાર… પછી ભલે ને મળી જાય માટી, માટીમાં…