પૂનાથી સિંહગઢ જોવામાં કશી વિશેષતા નથી. દક્ષિણે એક ઊંચો પહાડ પથરાયેલો છે અને જમણી બાજુ એનું ઊંચું શિખર કંઈક સપાટ ફેલાયું છે. એટલો જ સિંહગઢનો ખ્યાલ આવે છે. કિલ્લાની ડાબી બાજુનો, એટલે કે પૂર્વ તરફનો ભાગ કંઈક દબાયો છે, ત્યાં એક પગથિયું થયું છે અને એની સામે એક શિખર ઉપર બટાકો રાખ્યો હોય એવો એક પથ્થર છે. કલ્પના બહુ દોડે તો એટલું જ કહે કે મહાદેવ આગળ નંદી બેઠો હોય તેવી રીતે સિંહગઢ આગળ તે ઉચ્ચ પથરો બેઠો છે. સ્થાનિક લોકો એ પથરાને બુધ્લેં એટલે કે કોઠી કહે છે.
પણ સિંહગઢથી પૂનાનું દૃશ્ય અનેક રીતે આકર્ષક છે. મૂઠા નદી ઉત્તર તરફની આખી ખીણ પલાળતી પલાળતી આગળ વધે છે. ખડક-વાસલાના બાંધને કારણે એનું કશું જ નુકસાન થયું નથી. સમૃદ્ધશાળી સરોવરની પેઠે એ ચારે કોર પ્રસન્નપણે ફેલાય છે, અને તેટલી જ શાંતિથી આગળ વધે છે. એને પુત્રવતી માતાની પેઠે પૂના શહેરને કેડે લઈ મૂળા નદીને મળવું છે. પણ મળવાની એને કશી ઉતાવળ નથી. સંગમ આગળ મૂળા-મૂઠા મળે છે ત્યાં કોઈ જાતનો સંભ્રમ કે ઉન્માદ દેખાતો જ નથી.
સિંહગઢ ઉપરથી પૂના નરી આંખે સ્પષ્ટ દેખાય છે, અને દૂરબીનમાં તો એથીય સ્પષ્ટ દેખાય છે. પૂના શહેર કેટલું પહોળું છે એનો ખ્યાલ આટલી ઊંચાઈએથી જ બરાબર આવી શકે છે. પર્વતી અને પર્ણકુટી, એન્જિનિયરિંગ કૉલેજ અને ખેતીવડી કૉલેજ — બધું સ્પષ્ટ દેખાય છે. સોગન ખાવા માટે અહીં જે એક-બે મિલો છે તે પણ અરસિકપણે પોતાની હસ્તીનું ભાન કરાવે છે.
પણ પૂનાનું સાચું દર્શન તો રાત્રે જ થાય છે. જ્યારે આકાશ સ્વચ્છ હોય છે અને ચાંદરણું નથી હોતું ત્યારે વીજળીના અસંખ્ય તારાઓ એક છેડાથી બીજા છેડા સુધી ઝબૂક ઝબૂક ચળક્યા જ કરે છે. મધ્યરાત્રે ઊઠીને જુઓ તોયે પૂનાના એ તારાઓ સૂતા નથી હોતા. સવારે ઊઠીને જુઓ તોયે એ જ સ્થિતિ. જ્યારે પૂર્વ તરફ હસતી ઉષા આવે છે, ત્યારે જ એ દીવાઓ ‘અવિચળ મંગળ નત નયને, અનિમેષે’ પ્રકાશ પાડ્યા જ કરે છે.
સિંહગઢ પરથી જ્યારે પૂનાનું આ તારાનગર જોઈએ છીએ ત્યારે તે કેટલું શાંત, પ્રસન્ન અને પવિત્ર લાગે છે! ન મળે કોઈ અવાજ, ન મળે કોઈ ઉત્પાત કે ધમાલ; કેવળ વીજળીના અગણિત દીવાઓ પોતાનો સૌમ્ય મંગલ પ્રકાશ અનંત આકાશમાં ફેંકી દે છે. મેજ પરના ફૂલપાત્રમાં ભેગાં થયેલાં ફૂલો જેમ હસ્યા જ કરે છે તેમ વિશાળ અંધકારમાં આ દીવાઓનું સંમેલન ટમટમ્યા કરે છે. આ લક્ષાવધિ પ્રકાશબિંદુઓ એકત્ર થઈને પણ રાત્રિનું અંધારું અને રાત્રિની શાંતિ નષ્ટ કરી શકતાં નથી. નિર્વાંત પ્રદેશમાં પવનનો નાનો સરખો સુસવાટ જેમ ફેલાયેલી શાંતિને વધારે સ્પષ્ટ અને વધારે નિબિડ બનાવે છે, તેમ જ આ દીપવૃંદ રાત્રિની નિવૃત્તિને જ વધારે ઉત્કટ કરે છે. પ્રત્યક્ષ પૂનાના રસ્તાઓ ઉપર ફરીએ છીએ ત્યારે આ વીજળીના દીવાઓ એમની નફ્ફટ આત્મશ્લાઘાને કારણે કેટલા ભૂંડા દેખાય છે! પણ આટલે અંતરે એ જ દીવાઓ મંદિરની દીપમાળાની પેઠે સૌમ્ય અને પવિત્ર બની જાય છે. ચારે કોર પથરાયેલા ધ્વાન્ત સાગરમાં એક મોટું જહાજ લંગર નાખીને પડ્યું હોય અને ગમે તે ક્ષણે મુસાફરીએ નીકળવાની તૈયારીમાં હોય એવું દર્શન દે છે.
એમાં પણ બધા દીવા સરખા નથી. પૂનામાં જે પ્રમાણમાં સંપત્તિ વેરાઈ છે તે જ પ્રમાણમાં આ દીવાઓ પણ ઓછાવત્તા પ્રકાશ ફેલાવે છે એ વસ્તુ તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી.
જ્યોતિષ પરની સ્ટૉકલેની ચોપડીમાં એક ફોટો છે, એમાં દુનિયાની સૌથી મોટી વેધશાળા પરથી પસાદેના (Pasadensa) શહેરના દીવાઓ કેવા દેખાય છે એનું ચિત્ર છે. એનું પણ સ્મરણ પૂનાના દીવાઓ જોયા પછી થયા વગર રહેતું નથી.
*
આ શાંત પ્રકાશ તળે શું શું ચાલતું હશે એવી પૃચ્છા મનમાં જાગી અને ચિત્ત તરફ વલોવાયું. પૂના જેવી વિશાળ નગરી. એમાં મોજમજા ચાલે, ખટપટો ચાલે, કોઈ ઠેકાણે ખૂન પણ થતું હોય, સટોડિયા જુગાર રમતા હોય, રેસ્ટોરાંની અંદર શરાબની બાટલીઓ ઊડતી હોય, વિલાસી લોકો સિનેમામાં ‘ધર્માત્મા’ની ફિલ્મ જોઈ પોતે પણ ધર્મનિષ્ઠ છે એમ માનવા-મનાવવાનો પ્રયત્ન કરતા હશે અને કેટલાક વિદ્યાર્થીઓ ઊંઘને ભોગે અરસિક ચોપડીઓમાંની કાવ્યની વ્યાખ્યા મોઢે કરતા હશે!
લાખોની જ્યાં વસ્તી છે ત્યાં એકે સાચો ધર્માત્મા ન જ હોય એમ કેમ કહેવાય? એ બિચારો ગીતાના સંયમીની પેઠે જાગ્રત રહી ભગવાનનું ધ્યાન ધરતો હશે, અથવા કરગરીને ઈશ્વરની પ્રાર્થના કરતો હશે, “દયામય પ્રભો! માણસજાતિનું આટલું અધઃપતન તું કેમ ઠંડે પેટે જોતો હશે! માણસનો ઉદ્ધાર કરવો એ શું તારે માટે અઘરું કામ છે? આટલા બધા દીવાઓ તારી કૃપાને જાહેર કરે છે છતાં એમાંનું એકે કિરણ લોકોના હૃદય સુધી કેમ નહીં પહોંચતું હોય!”
અને ફરી જ્યારે એ દીવાઓ તરફ મારું ધ્યાન ગયું ત્યારે એમ જ લાગવા માંડ્યું કે આ કિરણોનો પ્રકાશ નથી પણ પેલા મનુષ્યપ્રેમી ભક્તની પ્રાર્થના જ અંધારાના હૃદયને વીંધવાનો પ્રયત્ન કરે છે.
પૂજ્ય બાપુજીએ મને એક વાર લખેલું કે આકાશના અનંત તારાઓ ભલે અસહ્ય રીતે ધગધગતા હોય, પણ આટલે અંતરે તો એ આપણને અપાર શાંતિ જ બક્ષે છે.
ત્યારે એમ જ ખરું કે દુનિયામાં દરેક વસ્તુનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. આખી પૃથ્વીને ઓગાળી નાખે એવી ઉષ્ણતાવાળી લાખો માઈલની જ્વાળા આકાશમાં ફેંકતો સૂરજ પૃથ્વી પરની નાજુકશી કળીને ફૂલવે છે. અને એ જ સૂરજ ચંદ્ર મારફત પોતાનાં કિરણો સૌમ્ય કરીને તળાવનાં કુમુદોને હસાવે છે. જે વસ્તુ ભયાનક દેખાય છે એમાંથી સૌમ્ય અને કલ્યાણકારી કેટલાંય પરિણામો નીપજતાં હશે!
મનનો સ્વભાવ જ છે કે એક અનુભવ મળ્યો એટલે એવા જ બીજા અનુભવો તાજા કરવા અને એમની સાથે સરખામણી કરવી. પૂનાના આ રજનીદર્શને મુંબઈનું એવું જ એક દર્શન યાદ કરાવ્યું. શ્રી હીરાલાલ શાહ જોડે રાત્રે મલબાર ટેકરી ઉપર ગયો હતો, ત્યાં જ્યાં મુંબઈનું દૃશ્ય પિત્તળના પતરા ઉપર કોતરેલ છે તેની પાસે ઊભા રહીને મુંબઈના દીવાઓ અમે જોયા. એ દૃશ્ય અદ્ભુત, ભવ્ય અને વૈભવયુક્ત લાગ્યું — પણ કાવ્યમય ન જણાયું. એ વિલાસ આગળ જાણે આપણે દબાઈ ગયા છીએ, ઊંચે છતાં અપમાનિત થયા છીએ એમ જ લાગતું હતું. મુંબઈનો પ્રકાશ આકાશને જ ભૂંસી નાખે છે. બિચારા કાગડાઓને પણ શંકા જાય છે કે આ રાત્રિ છે કે દિવસ. એકાદ કાગડો એને દિવસ સમજી પોતાનો રાગડો તાણવા જાય છે પણ એમાં આત્મવિશ્વાસનો નિશ્ચિત સૂર નથી હોતો. મુંબઈમાં તો જ્યાં જોઉં ત્યાં પ્રકાશની સેરો જ છૂટે છે અને આગ લાગ્યાનાં દૃશ્યો નાનપણમાં જોયાં હોય તેમનું સ્મરણ કરાવી અકળામણ પેદા કરે છે. એના કરતાં મૈસૂરની ચામુંડા ટેકરીની અખંડ દિવાળી વધારે સારી. ચામુંડાની ચળકતી કિનારી જોઈ મનમાં કેવળ ભક્તિભાવ જ પેદા થાય છે. અ ઉત્સવમાં આપણે ભળી જઈએ એટલે ભગવતી કલ્યાણલક્ષ્મી આપણું ભલું કરશે એ શ્રદ્ધાથી ચિત્ત પ્રસન્ન થાય છે.
એક રાત્રે અમે એ ચામુંડા ટેકરી પર જઈ માતાનું દર્શન કરી ઉપરથી નીચેનાં તારાનગરોનું દર્શન કર્યું. થયું કે આટલા બધા હીરાઓ શી રીતે વેરાયા હશે? કોહિનૂરનો વંશવિસ્તાર શું કૌટુંબિક સંમેલન માણવા અહીં ભેગો થયો હશે? ટેકરીની બંને બાજુએ પ્રકાશ અને અંધારાની આવી શોભા નિહાળી ધન્ય ધન્ય થઈને અમે પાછા આવ્યા. જીન્સની ચોપડીમાં આકાશમાં દૂર દૂર વસતા તારાઓનું વર્ણન વાંચ્યું હતું અને અનંતકોટિ બ્રહ્માંડનાયક માટે રચેલાં આપણા કવિઓનાં સ્તોત્રો નાનપણથી મોઢે કર્યાં હતાં. તે કારણે આ શોભાનો આનંદ અનંતગણો વધ્યો હતો. જેમ દૂરબીનમાંથી જોયેલી વસ્તુ હજારગણી મોટી થાય છે તેમ શાસ્ત્રજ્ઞો અને કવિઓની મદદથી જોયેલાં દૃશ્યો અનુભવ ગંભીર, સંસ્કારદૃઢ અને કલ્પનાવિશાળ બને છે.
નંદી ટેકરી ઉપરથી ચિકબળ્ળાપુર અને દોડ્ડબળ્ળાપુર એ બે ગામડાંમાં નવી દાખલ થયેલી વીજળી કેવી રીતે ચમકે છે એ જોવા હું કલાકો સુધી બેસતો. એનું દર્શન જુદું અને પૂનાનું દર્શન જુદું. સિંહગઢ નંદી કરતાં વધારે ઊંચો છે એ ખરું, પણ સિંહગઢથી પૂના ખૂબ દૂર રહ્યું એટલે આપણે માથા પરથી જોઈએ છીએ એમ નથી લાગતું.
સિંહગઢ ઉપર જ્યારે શિવાજી અથવા રાજારામ રહેતા ત્યારે જો પૂનામાં એકાએક વીજળીએ પ્રવેશ કર્યો હોત તો એમને શું લાગત? આપણી રાજધાની સળગી ઊઠી છે. હવે એને કેમ ઓલવી શકાય એવા વિચારથી એમના હૈયામાં ધ્રાસકો જ પડી જાત.
*
ઘણી વાર એક વિચાર મનમાં આવે છે. આપણે આટલી બધી વીજળી પેદા કરી આખું વરસ દિવાળી ઊજવીએ છીએ, એના વાતાવરણ ઉપર, વનસ્પતિસૃષ્ટિ ઉપર, માણસના સ્વાસ્થ્ય ઉપર અને એના સ્વભાવ ઉપર કંઈ ભારે અસર નહીં થતી હોય? જો ફટાકા અથવા તોપો ફોડવાથી વરસાદ પડી શકે છે, સૂરજ ઉપર ડાઘા આવવાથી ખેતી બગડીને દુકાળ પડી શકે છે તો આટલી બધી વીજળીની પેદાશથી દુનિયા ઉપર ભારે અસર થતી હોવી જોઈએ. આમાંથી જ માણસને માણસની બીક લાગતી હશે અને એમાંથી યુદ્ધો થતાં હશે?
પૂના જેવાં કેટલાંક શહેરો આમ આખી રાત ચળકે છે તે બધાં કુદરતમાં ભારે ક્રાન્તિ પેદા કરે છે. મનુષ્યસ્વભાવમાંયે દહાડે દહાડે ફેરફાર થતો જાય છે. એમાં જેટલું કારણ આર્થિક પરિસ્થિતિનું છે એટલું જ અથવા એથીયે વધારે આવાં હજીયે ન શોધેલાં ભૌતિક કારણ પણ હોઈ શકે છે.
આવી વિચારમાળામાં હું સપડાયો એનું કારણ તો પૂનાના દીવાઓ જ છે.
૨૩-૫-’૩૮
આડત્રીસની સાલમાં જ્યારે ઉપરનું લખ્યું ત્યારે સ્વપ્નામાં પણ આવત ખરું કે અણુબૉમ્બના ધડાકાથી હવા અને પાણી સૂક્ષ્મપણે ઝેરી થવાનાં છે?