પ્રિય,
જ્યેષ્ઠ માસની ત્રીજ છે. આર્દ્રા નક્ષત્ર બેસવાને હજી પંદરેક દિવસની વાર છે, એવું ગઈ કાલનું છાપું કહેતું હતું, કૅલેન્ડર જોવાની આદત નથી. આકાશ અને આસપાસની સૃષ્ટિ કહે તે આપણું કૅલેન્ડર! આંદામાન-નિકોબારમાં ચોમાસું બેસે — કે મારાં કૅલેન્ડરનાં પાનાં ફરવા માંડે! હવે કેરળ પહોંચ્યું… આઠ દિવસ… હવે મુંબઈ પહોંચ્યું… આઠ દિવસ. હવે મારા ગુજરાત માથે મંડાણું! દક્ષિણ ગુજરાતમાં ત્રણ ઇંચ, હવે આપણો વારો! જમણવારની પંગતમાં છેલ્લા બેઠા હોઈએ ને પીરસણિયા આપણા સુધી પહોંચે ત્યારે કેવી રાહ જોતા હોઈએ!
કાલથી મેઘો મંડાણો. મારા ગામનો વારો આવ્યો ખરો. બે ઇંચ. આ વરસે પંદરમી જૂન સુધી વાટ જોવી ન પડી. પાંચ દિ’ વહેલું આવી ગયું મેઘાનું ધામચડું. વચ્ચે, કાળા ઉનાળે અચાનક ક્યાંકથી આવીને મારા ખાલીખમ્મ બોરતળાવમાં દસેક ફૂટ પાણી ભરી ગયું. ઈ ટાણે આપડે તો ખોળિયું બરોબર લથબથ ભીંજવી દીધેલું. હવે, વરસાદની સત્તાવાર સવારી. સત્તા એની એવી કે હવામાન ખાતાની બધી આગાહીઓ ચોપટ કરી નાખે.
હિન્દીમાં ક્યાંક ‘નીમ પાગલ’ શબ્દ વાંચેલો. અર્થ તો શું થતો હોય, ખબર નથી. પણ હું નવો શબ્દ બનાવુંઃ ‘મેઘ પાગલ’! ઝીણું-મોટું પાગલપન તો બધામાં થોડું થોડું હોય છે. વરસાદ મારામાંના પાગલને ‘પૂરો’ પાગલ બનાવી દે, અમથા સે’જ છાંટા પડતા હોય તોય નીકળી જવું પડે. જેટલો પડે, જ્યારે પડે, જેવો પડે… જે સ્થિતિમાં જે અવસ્થામાં હોઉં, નીકળી જ જવું પડે. ઓળખતાં હોય તે સંધાય જાણે, વરસાદ પડે છે? ‘પેલો કાગડો સો ટકા બાઇક લઈને નીકળી જ ગયો હશે!’ ‘સો ટકા મંદિરે ગયો હશે!’
મોટા પ્રવાસો પુષ્કળ કર્યા પણ એકેય વિશે પ્રગટ વાત કરવાનું ન બન્યું. વાત કરવાનું ઠેકાણું આ બિલકુલ ‘ટૂરિઝમ વૅલ્યૂ’ વગરનું તદ્દન અજાણ્યું ‘મારું’ મંદિર. એ ‘મંદિર’ છે પણ ‘ધાર્મિક’ કારણસર ત્યાં નથી જતો. એ મંદિરની આજુબાજુ, (મંદિરમાં નહીં) જે મૂર્તિઓ છેઃ સ્થિર અને ચલિત, એને ભજવી ગમે છે. ચેકડેમના પાળેથી ચાલીએ એટલે… ‘ભજ મંદિરમ્!’
હિમાલયના બરફાચ્છાદિત પર્વતો, આભઊંચાં દેવદારનાં વૃક્ષો અને કન્યાકુમારીના સાગરતટે ભારતમાતાનાં ચરણો સુધી બધે રખડવાનું બન્યું. રાજસ્થાન-કુંભલગઢમાં કેવો જલસો કરેલો! પેલ્લીવાર ચિલોત્રા જોયા, જીવનમાં પેલ્લીવાર દૂધરાજ જોયા. હા, આ બધાંની વાત પણ તમને ક્યાં કરી? એ દૂધરાજદર્શન તો એક અલગ કાગળનો વિષય છે. ક્યારેક એની વાત પણ માંડીશું. ત્યાંના ‘લક્ઝુરિયસ’ સ્વિમિંગપુલમાં ખૂબ નાહીને બપોરે સે’જ ઝોકું ખાઈ ગયો એટલી વારમાં ઝાપટું પડી ગયેલું. ‘જાગીને જોઉં’ તો જગત જુદું દીસે. અરેરે! આટલી અમથી ઊંઘ કરી એમાં પેલ્લા વરસાદમાં ના’વાનું ચુકાઈ ગયું! પછી મન મનાવેલુંઃ ‘કાંઈ નહીં, મોસમના પહેલા વરસાદમાં તો ઘરે જ નવાય. ઘરે જશું ને એયને આવશે! ત્યાંથી ફોન કરીએ સ્વધામ, તો મિત્રો મજાક કરેઃ ‘હમણાં ન્યાં જ રે’જો! તમે ન હો તો જ આંયા પડશે!’
આ વખતે એમને ખોટા પાડ્યા મારા વા’લાએ. પહોંચ્યાને બીજે દિવસે પેલવેલ્લો પડ્યો. ના’તા ના’તા ફોન કરીને મે’ણું માર્યુંઃ ‘જોયું, હું આવું એની રાહ જોતો હતો વરસાદ! પેલ્લો વરસાદ તો મારી હાજરીમાં જ આવે. જોકે, આ ‘મેઘ પાગલ’ માટે પેલ્લો ને છેલ્લો ને એવું કાંઈ નહીં. જેટલી વાર પડે એટલી વાર ‘પેલ્લો’ વરસાદ જ હોય. નવા વરસાદમાં નવી રીતે સજ્જ હોઉં. લગ્ને લગ્ને નહીં, વરસાદે વરસાદે કુંવારો! વીનેશ અંતાણીએ નિબંધસંગ્રહનું નામ ‘પોતપોતાનો વરાસદ’ રાખ્યું તે અમસ્તું તો નહીં રાખ્યું હોય?
એટલે, કાલે પડેલા નવા વરસાદમાં ‘નવા’ થવાની ભરપૂર મજા માણી. હવે આજે સવારની ઝરમરમાં ‘નવો’ થવા વળી વર્ષાબદ્ધ છું! બાઇક લઈને થનગનતો પહોંચું છું. હાઈ-વેથી અંદર પાંચ કિલોમીટરનો સીમરસ્તો આતુર નજરે જોતો ગાડી ભગાડું છું. ક્યારે મંદિરની ધજા દેખાય? ઓ દેખાય… ઓ દેખાય… સીમમાં સંતાયેલું મંદિર ઓચિંતું સામે આવ્યું. કાળાં ડિબાંગ વાદળો વચ્ચે આજે એ ઝાંખું-ભૂરું દેખાતું હતું. તમને હવે તો ખબર જ છે કે ત્યાં સુધી પહોંચવું હોય તો ‘જલધારા યોજના’ તળે બનેલા ચેકડેમને પાળે જઈને જવાય. ચેકડેમ સાવ ખાલી ખખડે. સાત વરસથી તળિયાઝાટક, એના પાળે-પાળે ચાલીને, ફળિયામાં આવ્યો. આ ફળિયું ભરચક ભરી દેતાં, એકબીજાની પાછળ ઘુટરઘુ-ઘુ ઘુઃ ખાઈશ હું, હું…ના હુંકાર કરતાં જાર ચણતાં કબૂતરો અત્યારે નથી. ઉપર ગોખમાં છાનાં’માનાં લપાઈ ગયાં છે. પલળીને પાંખો ખંખેરે છે. હુંય ખંખેરું. મંદિરના પાળે જમાવી છે. પવનની ધકેલાતી અલપ-ઝલપ છાંટી કાગળ પર ‘બુંદાબારી’ કરે છે ને આ લખું છું એના અક્ષરોને — (અંદરથી મને પણ)–લાંબા-ટૂંકા કરે છે. કાગળની ફ્રેમમાં વર્ષાબુંદોની છબિ એમ મઢાતી આવે છે. એયને ટેસડો છે! વરસાદે વગર આરતીએ પરસાદ દીધો છે.
હું બેઠો છું એ પાળીની પડખે મોટો થવા મથતો ને અડધો મોટો થવા આવેલો પીપળો છે. એને પાનખર લાગી ત્યારે હાડપિંજર જેવો ઊભેલો. એની ડાળે એક ચીબરી કાયમ બેસી રહેતી. હું બેઠો હોઉં ને એ બેઠી હોય. એ બેઠી હોય ને હું બેઠો હોઉં. ઘડીએ-ઘડીએ ડોકને ઝટકો મારી, ઊંચી-નીચી કરી એ મારા તરફ તાકી રહેતી. એની પીળી મોટી ગોળ આંખોમાં પ્રશ્ન ડોકાયા કરતોઃ ‘એ’લા, શું કરસ? મારી કાંઈ સળી તો નથી કરવાનો ને?’ ડાળીએથી ઊડીને સામેના લીમડા ઉપર, ત્યાંથી પડખેની ભીંતની બખોલે ચોંટીને એ મારું ‘ઇનિસપેક્શન’ કર્યા કરે. હવે આજે તો પીપળાને નવાં-લીલાં-તાજાં-કૂણાં, કૂણાં-કૂણાં પાન બેઠાં છે. ધોવાઈને એવાં તો સુંવાળાં બન્યાં છે! નજર એના ઉપર ઠરે ઠરે ને સરી જાય! અત્યારે એનાં ઉપરથી દદડતાં, ક્યારેક ક્યારેક ટપકતાં વર્ષાબિંદુઓ ગંગાસતી બનીને જાણે કહી રહ્યાં છેઃ ‘પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, પિયાલો આવ્યો છે, તત્કાળ!’ ટપ્પ… ઘટક… ટ…પ…ઘ…ટ…ક… મને ક્યાં ભાન, ભાઈ! આ ખૂલવું ને ખીલવું – ટપકવું આમ મને જ સંભળાવી રહું છું ત્યાં પેલા ‘ઇનિસપેક્ટર’ તો આજે ભૂગર્ભમાં ક્યાંક જતા રહ્યા છે ને એની જગ્યા લીધી છે નાનકુકડાક દરજીડાએ. એને મારી કશી પડી નથી. ‘ચક્કુ…ર્ર્…ચીક્!… ચક્કુ… ર…ચી…ક્…ચીંવીંઈ…ચ્!’ … મેઘમલ્હાર છે, સૂરમલ્હાર છે, મિયાંમલ્હાર છે… ગૌડમલ્હાર છે. ક્યો મલ્હાર છે એના ગળામાં, ખબર નહીં. પણ બોલે ત્યારે એના ગળામાં સંતાયેલી ભૂરા રંગની લકીર — એટલા સમય પૂરતી જ — ઊઘડે છે. કાળા-નીલા વાદળમાં રૂપેરી વીજળી ચમકીને ઓલવાઈ જાય એમ. લીલા રંગમાં સંતાયેલી એ ભૂરા રંગની વીજળી મારા જેવા પાગલને ઘાયલ કરી દે છે. ‘વીજળીને ચમકારે મોતીડાં’ પરોવી ઊડીને એ લીમડે બેસે છે. લીમડામાં એને નાનકડાંને શોધું છું તો એ તો જડતો નથી. આ લીંબોળીઓના ઝુમ્મર ઝૂલતાં દેખાય છે. દરજીડો લીંબોળી બની ગયો કે શું?
પીળીપચ્ચ લીંબોળીઓ વચ્ચે હજી કેટલીક ‘રહી ગયેલી’ લીલી લીંબોળીઓ છે. ઉનાળો હવે ગયો એ સ્વીકારવા જાણે એ તૈયાર નથી ને ભૂલી પડી ગઈ હોય એવી એ લાગે છે. ‘બેન, હવે તું ‘આઉટ ઑફ ડેટ’ થઈ ગઈ! કૅલેન્ડર તારું પૂરું!’ ક્યાંકથી બોલતી કોયલનાય બાપડીના એ જ હાલ છે! ધાર્યા કરતાં વહેલા આવી ગયેલા વરસાદમાં એના ટહુકા ઉનાળાને રજા આપતા હોય એવા જ લાગે છે. કોયલબેની તો ધીમે ધીમે સમાધાન કરી લેશે. લીલી લીલી — હવે, રહી ગયેલી-લીંબોળીઓનું શું થાશે? પીળીપચરક લીંબોળીઓના ઉધ્ધારક બે જણાઃ એક પવન. એ એને ખેરવશે નીચે. પણ પવન એ ફરજ બજાવે એ પહેલાં આ બીજા મસ્તમજાના લીલુડા સૂડલા નીમકટોરીઓનો રસ લેવા પવનમાં ઝૂલી રહ્યા છે. ડાબે-જમણે, ઉપર-નીચે, ક્યારેક આખા ફરતાં ને ક્યારેક ડોક મરડી-મરડીને અકાળે પાકી ગયેલા ઉનાળા જેવી પીળી લીંબોળીઓની મજા ઉડાવે છે! વચ્ચે-વચ્ચે એમનાં આનંદની કિલકારીઓમાં તૃપ્તિના જે મધુરા લીલા ઓડકાર હું સાંભળું છું એનો ભાવાનુવાદ આ કાળા અક્ષરોમાં ઉતારવો કઠણ લાગે છે.
સ્વરોની એવી જ આઘી-પાછી થતી તાન, ‘કર્કશા’ કહેવાતી કાબર્યુંની. આપણે નજર ન કરી હોય તો ખબરે ન પડે કે કાબર બોલે છે! આસપાસનાં કેટલાંય પંખીઓની આબેહૂબ નકલ કરવાનો હુન્નર કાબરબાઈએ કેળવ્યો છે. એની આ સ્વરલહરીઓને માણું છું ત્યાં… ક્રેંક્રેંક્રેં… કીર્ર્રરર… કીર્ર કરતીક બે-ત્રણ કાંકણસાર, આ…મ ડાબેથી ઊડી… ને એ…મ દૂરના વડલે ઠરીઠામ થઈ ન થઈ… ને ત્યાંથી, આઘેઆઘેથી મોરલાના સમૂહગેહકાટ ઓરા… ઓરા… છે…ક અંદર સુધી ઊતરી જાય છે. ને ‘મન… મોર… બની…’
આ જાણે ઓછું હોય! એમાં પાછાં ભળે છે બે અજાણી જગ્યાએથી ઊઠતા પીળક અને શોબિગીન સંવાદ-ટહુકા, બેમાંથી એકેય ગાયક માળા, દેખાતાં નથી પણ એમના પોતપોતાના વિશિષ્ટ પીળા-કાળા રંગ કલ્પી લઈને કોઈ લાઇટ ઍન્ડ સાઉન્ડ શોમાં બેઠો હોઉં એમ, એમના સામસામા અદીઠ સંવાદને ઉકેલું છુંઃ
‘ટુટુ…ટુ…!’ (કાં? વરસાદ કેમ?) — પીળક ઉવાચ.
‘ટીટી…ઈ…ટીઈ…!’ (ભાઈ! ભાઈ!) — શોબિગી ઉવાચ!)
ટુ…ટુ…ટી…ઈ…ઈ…ટઃ કાળા રંગના વાતાવરણમાં બિથોવન — મોત્ઝાર્ટની ‘આ’ કોન્સર્ટમાં બેય કલાકારોનો પીળો રંગ શોધવા મથું છું. પણ એ નથી દેખાતા એ જ સારું છે. નહિતર મારે ‘દીપનિર્વાણ’ના આનંદની જેમ એમના આ સંગીતનો આનંદ લેવા આંખો બંધ જ કરવી પડત કેમ કે રૂપ સંગીતની આડે જ આવત! ‘આજ ગાવત મન મેરો ઝૂમકે’—થાય-થાય ત્યાં વળી ફુર્ર્લેરાનો ત્રીજો જ પીળો રંગ નીચે ઊતરે છે. સુઘરીઓ, ઘાસનાં તણખલાં વીણી લેવા મચ્ચી પડી છે. પીળી કરેણ જેવી નાની નાની ડોક આમતેમ ડોલાવતી જાણે એકબીજી ગાય છેઃ ‘ચાલ ને, એકાદ નાનું ઘર વસાવી નાખીએ, ઘર નહીં તો ઘાસનો એકાદ માળો બાંધીએ!’ એ લોકો બાંધશે ત્યારે એ ઝૂલતી વસાહતમાં એક ‘ટાઇટલ ક્લીઅર’ ઘર આપણે અત્યારથી ‘બૂક’ કરાવી લીધું છે. રોડ ટચ? ના, સાવ છેવાડાનું, ઝાડ ટચ!
માળા બાંધવાની મોસમમાં ખિસકોલી શા માટે બાકી રહે! સામેના બીજા કરંજ પર એની દોડાદોડી જામી છેઃ નીચેથી ઉપર. એણે ગોતી રાખેલી બખોલ સુધી. મંદિરનાં પગથિયે મૂકેલા શણના કોથળાની ચીંદરડીઓ કાતરી-કાતરીને એના રેસાઓ ખેંચી જાય છે એનાં ઘરમાં! બચ્ચાંનો થડનો ડઠ્ઠર નિવાસ મુલાયમ બને એ માટેની એની મહેનતને દાદ આપતો રહું છું. આપણે પગ લૂછીએ તેની એ પથારી બિછાવે! ઘરમાંથી બહાર નીકળે, ચીક્… ચીક્… થડ ઊતરી શણિયાં તરફ આવે. વચ્ચે સહેજ ઊભી રહી જાયઃ ચીક્ઃ આનંદ અને મહેનતનું ગીત ગાય ત્યારે એની પૂંછડીની જે કમાન થાય, આપણેય ભેગા કમાન વળી જતા હોઈએ ત્યાં કોઈક ઝાડની ડાળે સંતાયેલો કંસારો ખિસકોલીના આ ઉદ્યમને બિરદાવતો, ‘ટુક… ટુક… ટુક…’ — ટહુકાથી નવાજે ને આપણને સીધા કરી દે!
મંદિરની છતમાં ‘પંખીપ્રેમીભાયો’એ નાનાં માટલાં મૂકી રાખ્યાં છે. એમાં ‘ઘર’ બનાવવા આજે આવી છે બે ચકલી! ચકીના ચોખાના ને મગના દાણા હવે ગામમાં તો ખૂટ્યાં લાગે છે! ગામમાં તો લગભગ નથી દેખાતી આ. મોબાઇલનાં તોતિંગ ટાવરો ભરખી ગયાં મારી ચકલીબાઈને. પણ આંઈ તો આ રમે મારા માથા ઉપર… માટલાના ઘરમાં. ચકારાણા તો કાંઈ આંખે પાટા બાંધીને સૂતા નથી. બિચારા સળીઓ ઘરમાં મૂક્યા કરે છે ને ચકીબાઈ તો બેઠાં બેઠાં જોયા કરે છે! પેલી જૂની વાતનો બદલો લેતાં હોય એમ! હવે ચકારાણા મંદિરના આરસ પર ઊતર્યા… કુદુકકુદુક…ચક્… ચીંચીં કરતાંક મારા ભણી આવ્યા છે. ‘હું કાંઈ ઓલી વારતાવાળો આળસુડો ચકો નથી’ એવું કહેવા? લખતો અટકી હું એમને ‘હા હોં—’ કહેવા જાઉં ત્યાં તો, ફુરરરરર… ઉપર ઘરમાં!
આ બાજુ અબાબીલની આંજી નાખતી ઊડાઊડ છે. નજર એમને પકડે-પકડે ત્યાં તો લોંકી ખાઈને નજરને ભોંઠી પાડે. ત્યાં એમની ઊડાનની ચંચળતા ઝીગ-ઝેઈગ-ઝેઈગ-ઝીગ થયા કરે છે, જીવાત પકડી તાર પર ઠરે છે ને અહીં ચકારાણાને ઘેર કાંઈક આફત આવી છે. બેય જણાંએ દેકારો મચાવી દીધો! કારણમાં નીકળ્યું કબૂતરું! કોઈને નં’ઈ કનડનારું કબૂતર કશોક ‘સર્વે’ કરવા આવ્યું હશે પણ આ વણનોતર્યો પરોણો ચકાફૅમિલીને મંજૂર નહોતો. એટલે એવો કકળાટ કર્યો, એવો કકળાટ કર્યો કે મારે એને કહેવું પડ્યુંઃ ‘અલ્યા ભ’ઈ એને એનું ઘર બાંધવા દે ને! તને શું નડે છે?’ તાળી પાડેને હું એને ઉડાડી મૂકું છુંઃ ‘જા, ફળિયામાં દાણા નાખ્યા છે, ‘બ્રેકફાસ્ટ’ કરી લે.’
વરસાદની આછી ફરફર તો ક્યારની બંધ થયેલી. હૂંફાળા તડકામાં આ ‘લીલા’ હતી. જમીન પરથી જીવાતો ઊડવા માંડી છે. બ્રાહ્મણી મેના અને કાળિયો કોશી એને ઝડપવામાં મસ્ત રીતે વ્યસ્ત છે. ઝૂઈંઈં…ગ, ઝપ્પ! પીપળે આવી, ચાંચને ડાળ સાથે ડાબી-જમણી અથડાવી, બડૂકબડૂક! કાળો કોશી તો ફરી ઊડ્યો બીજાં પકડવા. એ કાળા કામગારાની પાછળ જવાનું આજે મોકૂફ રાખી દઉં છું. બ્રાહ્મણી મેના નાસ્તા પછીની આરામની પળો ઠસ્સાથી માણે છે. કાષ્ઠાસન પર. પીપળાની પાતળી ડાળી ઉપર. એના માથાની સુંદર કાળી ચોટલી હવામાં ફગફગે છે, પાછી બેસી જાય છે. એની હેર સ્ટાઇલ પર ફિદા થાઉં છું. મારા ભીના વાળ પર સહેજ હાથ ફેરવી લઉં છું. હવે ધીમે ધીમે પાણી ભરાશે ને પછી અધ્ધર હવામાં સ્થિર થઈ નીચે માછલી ઝડપવા પડતું મેલતા કિંગફિશર પણ આવશે… આવશે? મારા વર્ષાતપની કસોટી કરવા એક ભમરો અત્યાર સુધીમાં પાંચેક ‘રોન’ મારી ગયો. એના ગણગણગુણગુણથી વિચલિત ના થયો. એક કાન તૂટલો કૂતરો આશરો લેવા મારી બાજુમાં જ બેઠો છે, એની લબડતી જીભ અને હાંફની બાષ્પ અહીં મારા હાથ સુધી પહોંચે છે.
વર્ષાભીંજી સવારની આ રંગ-સ્વરલીલા. વરસાદ પછીના રાગોનો દરબાર. હાલ તો હું જ એનો પાગલ શ્રોતા-પ્રેક્ષક, જે ગણો તે! રંગોના અવનવીન ભાતપલટા ને સૂરોના તાનપલટા. આ ‘સિમ્ફની’ હજી મમળાવું ત્યાં, સંવાદની આપણી ભૂમિકાને કશા આધ્યાત્મિક—કે એવા કશાક—ધરાતલ પર સ્થિર કરું, આ કલશોરનો સંદેશો તમને પહોંચાડું, કે શું કરું એની વિમાસણમાં છું ત્યાં તો મહેફિલમાં એક નવો રંગ ભળે છે. બે કિ.મી. દૂરથી હાઈ-વે પસાર થાય છે. ચાલ્યા જતાં વાહનોનું ભોંભોં-પીંપીં આવ્યા કરતું હશે પણ મને હવે સંભળાય છે. એ અવાજો આમાં વિસંવાદ રચે છે? ના, એ આમાં ભળે છે! ટ્રકવાળા ડ્રાઇવરો પણ માળા મોજીલા હોય છે. ટ્રક પાછળ ભાતભાતનું લખાવેઃ ‘તમારો આ જ વાંધો’! ‘મોબત ખપે’ … ‘પાપા જલ્દી આ જાના’ … ડિઝલ ટેન્ક પર લખાવ્યું હોય ‘પુરવઠા મંત્રી’… ‘કમ પી મેરી રાની, મેંગા હૈ કુવૈત કા પાની’! અને હવે એમાં ‘ડિઝાઇનર’ ડ્રેસની જેમ હૉર્ન નખાવ્યાં હોય છે. પોંઓ… પોંઓંઓંઓં… આજે તો વળી એક નવી ધૂન સાંભળવા મળીઃ ટટણટણટણટણટણ, ટણણણટણટણટણ… ના સમજાયું? લો, કહુંઃ
‘અગર તુમ મિલ જાઓ, જમાના છોડ દેંગે હમ…!’ બોલો લ્યો. ‘પરદેશી પરદેશી જાના નહીં, મુજે છોડકે… ટણણટટણટણ!’
હિન્દી ફિલ્મોનાં આવાં ગીતો ‘ફિટ’ કર્યાં છે. હવે આમાં ‘જમાનો’ કેમ છોડવો! પણ આય એક રંગ નથી? અધૂરામાં પૂરું, અહીં બાજુમાંથી જ, બાવળની કાંટ્યમાંથી કુહાડાના ક્રૂર ઠઠકારા શરૂ થઈ ગયા. બળતણ ભેગું કરવા કોઈક મંડી પડ્યો છેઃ ઠકાક… ઠચ… ઠકાક… ઠઠ! મધુર-મૃદુની સાથે કટુ-કઠોરની આ જુગલબંદીમાં કોને કારણે કોનો મહિમા — તે નક્કી કરું-કરું ત્યાં પવન પાછો પડી જાય છે. મેઘવિરામ પૂરો થયેલો જાહેર થવામાં છે! એટલે આપણેય યુદ્ધવિરામ જાહેર કરીએ. સફેદ ઝંડી ફરકાવીને નહીં, ‘માંડેલી વારતા’ સંકેલીને. માંડ મળેલા ‘લાખોં કા સાવન’ પાછા જતા રહેશે તો… મારી આ નાનકડી સફરમાં તમારી હાજરી મને વરસાદની જેમ જ ભીંજવતી હતી. આપણી સહિયારી ચાહનાનું પર્જન્યસૂક્ત હવે પૂરું કરું? આ બધી ધૂનો અને ટ્યૂનોના અર્થ તમે કેવા કરશો એની ચિંતા હું નથી કરતો. એટલે…
…ઝાપટવા માંડે કે હાલી નીકળું… અંતર-મનમાં વાદળછાયો આનંદ છે. મન આનંદઆનંદ ગાય છે. આખા ઉનાળા દરમિયાન જગજિત દ્વારા હું જ પ્રાર્થના કરતો હતો – ‘ગરજ બરસ પ્યાસી ધરતી કો ફિર પાની દે મૌલા, ચીડિયોં કો દાને બચ્ચે કો ગુડધાની દે મૌલા…’
બચ્ચાંને ગોળધાણી ને ચકલાને ચણ દેતો ‘મૌલા’ મને શું આપતો જાય છે એ કહેવામાં માલિકના દીદાર કરવાનું ચૂકી જાઉં! એના કરતાં એની મહેર ઝીલવા જ હાલી નીકળું તો?
હાલો… તમેય…
લિ.
મેઘપાગલનાં જય મેઘ.
(‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ, ૨૦૧૩)