ધનીમા

તે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજી વારનાં છેલ્લાં ધણિયાણી; જેમણે વહેલી વયે વઈધવ્ય આવ્યા પછી પોતાના મરહૂમ પતિની લાખો લાખોની મિલકત અસ્કામતો અને વેપારધંધા સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યાં. રાજામહારાજા, ગવરનરોની કુરનેસ લીધી, ચડતી-પડતીના વાયરા વેઠ્યા, એકથી વધુ વેળા ગાંધીજીની મહેમાનદારી કરી અને સને ૧૯૫૪માં ૯૪ ઉંમરે દેવ થયાં.

મોરારજી શેઠને ૪૬ વરસની અવસ્થા દરમિયાન એક પછી એક એમ ત્રણ ઘર અને ૧૦ સંતાન થયેલાં. જેમાં આગલા ઘરનાં ત્રણ, અને છેલ્લાં હયાત પત્ની ધનકોરબાઈથી ત્રણ, એમ છ ફરજંદ મરણ સમયે પાછળ મૂક્યાં. સાતમી દીકરી શેઠના મરણ પછી દોઢ મહિને જન્મેલી. બે પુત્રોમાં મોટા ધરમસી, પિતાના મરણ સમયે સાડા આઠ અને નાના નરોત્તમ સાડા ત્રણ વરસના હતા.

બાઈની ઉંમર ૨૧. પણ સમજણ ને આવડત મોટું રાજ ચલાવે એવડી. ઘડી વારમાં સ્થિતિ સમજી લઈને એકાએક તૂટી પડેલા પહાડનાં પથરા-માટી કોરે ખસેડી માથું ઊંચું કર્યું અને સાત ટાબરિયાંને ઉછેરવાં, તેમજ મરહૂમ પતિએ મૂકેલો વિશાળ ધીકતો વેપાર તેમજ દેશ આખામાં પથરાયેલી લાખોની ઍસ્ટેટ-અસ્કામતોને સગીર બાળકોના હકમાં સંભાળવા કમર કસી. શેઠના ભાગીદાર તેમજ વીલના ટ્રસ્ટીઓને અકેક ખાતાના કારભારીને, બોલાવી પૂછી-ચકાસીને તમામ વેપાર, મિલો, અસ્કામતો સખાવતોના પથારાને જોતજોતામાં હાથનું આમળું કરી લીધો.

વેપાર-કારભાર ઉપરાંત ધનીમાએ તમામ સામાજિક સંબંધો તેમજ નાતાઘરોબા મોટાં મહારાણીની ગરવાઈ અને શાનશોભાથી સાચવ્યા. મુંબઈ, સુરત, અમદાવાદના હિંદુ, પારસી, જઈન, કચ્છી, યહૂદી વેપારીઓ જોડે, રાજા-રજવાડાં જોડે, તેમજ મુંબઈ-પૂનાનાં અગ્રેસર દખણી કુટુંબો કે દખ્ખણનાં ભ્રામણી રજવાડાં જોડે, મોરારજી શેઠે થાપેલા નાતાઘરોબા ટકોરાબંધ જાળવ્યા ને શોભાવ્યા. માણસની પરખ તો એટલી કે ચાહે તેવા નવતર આગંતુકને બોલ્યા પહેલાં માપી લે. મરહૂમ દિનશા એદલજી વાછા, નારાયણ ચંદાવરકર, એવા એવા જુવાનોનું હીર પારખી લઈ પોતાની નોકરીમાં રાખી લીધેલા. દીનશા વાછા વેપારની ઑફિસમાં કામ કરતા અને નારાયણ ચંદાવરકર છોકરાંઓને ભણાવતા. અમદાવાદવાળા અગ્રણી શેઠ વીરચંદ દીપચંદ મિલોનો વહીવટ ભાગીદાર તરીકે કરતા.

મોરારજી શેઠનું કુટુંબ વલ્લભસંપ્રદાયી ભાટિયા વઈષ્વ. પતિના મરણ બાદ વરસી વેળાએ જ ધનીમાએ મરજાદ લીધેલી. ઉંમર આખી કાળું લૂગડું પહેર્યું. એ કાળા લૂગડામાં વીંટાયેલાં ને ચીનાબાગની આલેશાન મહોલાતમાં એકથી બીજી બાજુએ સડેડાટ પસાર થતાં ધનીમાની છબી મારી જીવનજાત્રાના સ્મૃતિપટલ ઉપરનું આદિ રેખાચિત્ર છે.

ઠાકુરસેવાથી પરવારીને બરાબર સાડા સાત કે આઠને ટકોરે ચીનાબાગના વિશાળ હૉલમાં બિછાયતની કોરાણે કે પાછલી પરસાળમાં ઘાસની સાદડી કે ઊનનું આસન ખુલ્લી ફરસ પર નાંખીને બેસે. એક પછી એક અકેક કારભારીને બોલાવે. રોજેરોજનાં કામકાજોના અહેવાલ કારભારી આપતો જાય, પૂછે તેનો જવાબ આપતો જાય, ને ધનીમા તે દરેક અંગે આગળને માટે સૂચનાઓ કે હુકમો ચટચટ આપતાં જાય. કારભારી કે તેની જોડે આવેલ મહેતો નોંધ કરતો જાય. અકેક ખાતાવાળાને દસ દસ મિનિટ આપે, ને તેટલામાં પૂછવા-કહેવાકરવાનું બધું પૂરું કરી બીજાને બોલાવે. મિલો, બૅન્કો, દેશાવરની ઑફિસો, મ્યુનિસિપાલિટીઓ, નાનીમોટી કોરટ, કચેરીઓ, ઍસ્ટેટો, સખાવતો — એમ જુદાં જુદાં ડઝન ખાતાંવાળાઓનો દોઢ કલાકમાં ખુરદો કરી નવ વાગ્યે ઊઠી જાય. ઝીણામાં ઝીણી બાબત કે વાતવિગત એમની શકરી નજરથી છૂટવા ન પામે.

આ ચિતાર ૭૦-૭૫ વરસ પછી હજુ આજેય મારી આંખ સામે જેવો ને તેવો તરે છે.

[૨]

મારા મામા ચીનાબાગમાં ઘરમહેતાની નોકરી કરતા. નજીક જ કાંદાવાડીમાં અમે રહેતાં. સાંજ, સવાર, બપોર ગમે ત્યારે બહેન મને કેડે ઘાલીને ચીનાબાગ જાય. કામ હોય ન હોય તોય જોવા-રમવા જઈએ.

મોટાં ઉઘાડાં ફાટકો પર ઊભી પાઘડીઓ અને યુનિફૉર્મવાળા દરવાનો કે પૂરબિયા સ્ટૂલે બેઠા હોય. કોઈ ફૅટન, બગી કે લૅન્ડો પેસે કે પસાર થાય તેવા જ ઊભા થઈને સલામી આપે. અંદરના વિશાળ કંપાઉન્ડમાં લૉનોની હરિયાળી, નીચી નાળિયેરીઓ, મેંદીની વાડો, માળીઓને હાથે રોજેરોજ છંટાતાં ફૂલઝાડ, કૂંડાં ને સરુગોટા. પાછળ નાની તળાવડી, તરતી બતકો ને જળકૂકડીઓ, પક્ષીઓનું સંગ્રહસ્થાન, ગાયગોઠા ને મોરુનો તબેલો. એકે જોતાં આંખ ન ધરાય.

આગલા-પાછલા આખા કંપાઉન્ડમાં ક્યાંય એક સળી કે સૂકું પાન ખરેલું જોવા ન મળે. ઠેર ઠેર શંખશીપલાંની મગજીઓ મૂકેલા રસ્તા. ચિતરામણો ને ડિઝાઇનો. રસ્તા પર પાથરેલી બે ઇંચ જાડી છીપશંખલાંની ધોળી ભૂકી કે કાંકરી પર ફૅટનો ચાલે કે ઘોડાના ડાબલા પડે તેના કરકર-ચરચર ડબાક ડબડબાક એવા અવાજ થાય. હું સમજું તો કશુંય નહિ, પણ એ બધું જોવું, સાંભળવું મને બહુ ગમે. બંગલાની મોટી પૉર્ચ હેઠળ કે દૂર થોડે-થોડે છેટે અકેક કે બબ્બે ઘોડા જોડેલી એક કે વધુ ગાડીઓ ઊભી હોય, પિત્તળનાં મોટાં ચકચકતાં બટનવાળાં સફેદ યુનિફૉર્મ, ઘૂંંટણે બ્રીચીસ અને માથે નૅવી કે બટલરશાઈ ટોપી પહેરેલા કોચમૅન સઈસો ધોળા ઈંડાં જેવા લથબથ ઘોડાઓને કૂમચી કરતા હોય, આ બધું આખો વખત જોવા મળ્યા કરે.

પ્રસંગ-અવસરે મોટા મોટા નાતીલા, શાહુકાર, સોદાગર વેપારી, કે પારસી, હિંદુ, ખોજા, મિલમાલિકો ધનીમા પાસે આવતાજતા હોય. અદબથી નમી નમીને કે હાથ જોડીને ધનીમાની રજા લેતા હોય. કોઈને વળી ધનીમા પૉર્ચ સુધી આવીને વિદાય આપતાં હોય; ને જનારો ગાડીમાં બેસે તાં લગણ વાત કરતાં હોય. બે જાય ત્યાં ચાર આવે. આમ કલાકો સુધી ઘોડાગાડીઓની સમણાસમણ ચાલુ હોય.

ક્યારેક વળી નાનાંમોટાં રજવાડાંના રાજવીઓની અને તેમના રસાલાની ધમાલ હોય. આવાઓને ધનીમા મોટે ભાગે પોતાના વળના બીજા વાડીબંગલાઓમાં ઉતારા આપીને બાદશાહી મહેમાનગતિ કરે. ને ચીનાબાગમાં મુલાકાતો આપે. કાઠિયાવાડનાં અનેક નાનાંમોટાં રજવાડાં ઉપરાંત મહિસૂર, વડોદરા, કચ્છ તેમજ દખ્ખણનાં ભ્રામણી રજવાડાંના રાજવીઓ અને રાજકુટુંબોના ટાંડા પણ વચ્ચે વચ્ચે આવતા હોય. તેમાં કોઈ તો વળી ધનીમાને ‘ભાભી (સાહેબ)’ કહીને પણ બોલાવનારા હોય. સહુ સામે ધનીમા શેઠના સમયનો ઘરોબો જાળવે. બધા ધનીમાનો પડ્યો બોલ ઝીલવા અને તહેનાત ઉઠાવવા ઓછા ઓછા થઈ જાય. ધનીમા મોટાં મહારાણીની શાનશોભા અને પ્રતાપથી, પોતાના આદરસત્કાર, વિનયવિવેક સઉજન્યથી સહુને તરબોળ કરી દે.

સાંજ પડે તેવા જ બંગલાના હૉલ, આગલાંપાછલાં પરસાળ, આંગણાં ને ગૅલેરીઓ—બધાં હાંડી ઝુમ્મર તેમજ અસંખ્ય નાનામોટા દીવાઓથી, અને બાગ બે મોટી કિટસન લાઇટોથી ઝળાંહળાં થઈ ઊઠે ને સરિયામ રસ્તે જતુંઆવતું લોક ઊભું થઈને જોઈ રહે. મને તો એ બધું જોવું એટલું ગમે કે મોડી સાંજે બહેન જ્યારે ઘેર જવા કરે ત્યારે હું અચૂક કજિયો કરું.

[૩]

જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે.

સહુથી મોટા ઓચ્છવ ગોકળઆઠમ, હિંડોળા ને અણકોટના. આઠમના ‘ગોવિંદા’ ટાણે મસમોટા ઓચ્છવ થાય, પંજરી વહેંચાય, બાગની ને આખા ગિરગામની ગાયોની પૂજા થાય, ને ઉજાણી મળે. ચીનાબાગનાં આગલાંપાછલાં મોટાં ફાટકો પર ગિરગામ બૅંક રોડ, કાંદાવાડી, મુગભાટ, બોરભાટ, ગાયવાડી, ફણસવાડી બધે ઠેરઠેર દહીંનાં મટકાં ટંગાય ને ફૂટે. ઘાટીઓના નાચ અને આલા રે આલા, આલા મુરલીવાલા’નાં કૉરસની રમઝટો ચાલે. હિંડોળા ને દશેરા, દિવાળી, અણકોટના ઓચ્છવો પણ તેવા જ પૂરદમામ દબદબાથી દિવસો સુધી ઊજવાય. દિવાળી ટાંકણે ચીનાબાગની લાઇટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઊમટે.

દેવપોઢી, દેવઊઠી અગિયારસો, અષ્ટમી, બળેવ, સરાધિયાં, દશેરા-દિવાળી, એવે એવે અવસરે ચીનાબાગમાં જમણ હોય. ગિરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારાં પાંચસાત દખણી ગુજરાતી કુટુંબોને સાકટમે નોતરાં હોય; ને એવે વખતે વરસમાં બેત્રણ વેળા બાળક, બઈરાં, મરદ, સહુને ભેટનવાજેશો મળે. કુટુંબનું કપડુંલતું ભાગ્યે જ કદી ખરીદાતું.

જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બઈરાંઓને નવાજેશો થાય. બંગલાના કીમતી પરશિયન ગાલીચા બિછાવેલા મોટા હૉલમાં મખમલ મશરૂથી મઢેલા કોચ ગાદી-તકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂરદમામથી બેસે, ને અમારાં મહેતા-કારકુન કુટુંબના વડીલો બધા બેઉ બાજુ ધોળીફૂલ ખોળો ચડાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશમાં મળેલાં પાઘડી, અંગરખાં, ઉપરણાં ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારનાં નાગપુરી ધોતિયાંમાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂરવક બેસીએ.

પછી અકેક કુટુંબનો વડીલ ઊઠીને અકેક છોકરાને અગાડી કરે, લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે તે ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછેપગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી અકેક બાબતની દિવસોના દિવસ અગાઉથી અમારાં ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહરસલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ. તે મુજબ જ બધું કરવાનું.

આ બધું પાએક કલાક ચાલે, શેઠિયાઓ અમારામાંના કેટલાક મોટા છોકરાઓથી થોડાક જ મોટા, પણ અમને તો કેવા દેવાંશી લાગે!

પછી ભરજરીના તોરાવાળી નવીનકોર લાલચણોઠી જેવી પાઘડીઓ ને કોરી કકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથીનાં ચૂડીદાર ટૂંકાં અંગરખાં પહેરેલા સતારા મામલેસરના ધિપાડધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય, મોંઘાં અત્તરના મઘમઘાટથી હૉલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશો થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયાં, ને વડીલવર્ગને મિલના કે નાગપુરી હાથવણાટના કીમતી ધોતીજોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા — એવું એવું મળે.

પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી, અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપુરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવંતીની ઓટી પુરાય. હળદીકંકુના પડા ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.

તે કાળે શેઠ માલિક નોકરોને પોતાના નાનેરા કુટુંબી અને પોતાને તેમના શિરછત્ર ગણતા; વડીલનાતે તેમના યોગક્ષેમ ટાણા-અવસરની કાળજી વહેતા.

[૪]

દીકરાદીકરી કરોડપતિનાં ફરજંદો હતાં, પણ ધનીમા એમને લાકડાની પાટો પર કઠણ પથારીએ સુવાડે. મોટે મળસકે અંધારામાં ઉઠાડે. પોતપોતાની પથારીઓ હાથે ઉપડાવે. દિશાદાતણ, કસરત, નહાવુંધોવું, ધોતિયુંપંચિયું હાથે ધોઈ લેવું, થાળી કે પાતળમાં ન છાંડવું, રોજેરોજની પાતળો અને કેળપાનના દૂના-દડિયા બનાવવાં; દેવદરશન, સામાજિક ટાણાં-અવસરની હાજરીઓ — એવાં એવાં અસંખ્ય ઝીણાંમોટાં કામો અને નિયમોનું પાલન પોતાની આંખ હેઠળ ટકોરાબંધ કરાવે. ઘર, કોઠાર, રસોઈ, ઠાકુરસેવાસામગ્રી, ગોઠાતબેલા મહેતાદરવાન, સઈસકોચમૅન — બધે ધનીમાની હાક વાગે. દીકરાદીકરીઓ ખાસાં મોટાં થયાં, પરણ્યાંપસટ્યાં ત્યાં સુધી ધનીમાના ધાક હેઠળ થથરે.

પેટજણ્યાં ને ઑરમાયાં એવો વહેવાર મુદ્દલ ન મળે. બાબાસાહેબ (ધરમસી શેઠ) મોટા જુવાન થવા આવ્યા, ભાટિયાશાઈ ચાંચવાળી પાઘડી પહેરીને નિશાળે જતા, ત્યાં સુધી એમને ખબર નહોતી કે મા ઑરમાન છે. પોતે સ્વભાવે કંઈક હઠીલા. પણ ઑરમાયા એટલે તેમને પોતે કદી ન મારતાં. બહુ તો ચંદાવરકર માસ્તરને બોલાવી શિક્ષા કરાવતાં. પણ નરોતમ શેઠ, લેખાંફુઈ વગેરે દીકરાદીકરીને તેમજ કાકુશેઠ (શાંતિકુમાર) વગેરે પોતરાંઓને તેઓ મોટાં થયાં ત્યાં સુધી નેતરથી ફટકારતાં.

આ બધી કડકાઈ તેમજ શિસ્તનિયમોના પાલન અંગેનો ખૂબ આગ્રહ છતાં ધનીમાની ભલાઈ તેવી જ પારાવાર હતી. ‘दया करणें जे पुत्रासी, तेंचि दासा आणि दासी’ એ તુકારામ બુવાના વચન પ્રમાણે નોકરોનાં ઘરકુટુંબ અને સારામાઠા અવસરટાણાનો ભાર ધનીમા પોતાનો સમજતાં, એમની નોકરીમાં કોઈને રજા મળ્યાનું કે દંડ થયાનું કોઈએ જાણ્યું નથી.

[૫]

ઘરકારભાર તેવો જ કડેધડે. ક્યાંયે રંચમાત્ર પ્રમાદ કે ગફલત ન સાંખે. મોસમમોસમના ઠાકુરભોગ, મીઠાઈઓ, ભરતગૂંથણ, દવાઓસડ, અનાજઅથાણાં, પાપડમુરબ્બા તમામમાં ભલા કલાકાર નિષ્ણાતોને હંફાવે. એમના હાથની દૂધની મીઠાઈઓ અને બનાવટો તો સહુથી વધુ પ્રખ્યાત હતી. તત્કાળ પરખાઈ આવે.

પાપડ, અથાણાં, સેવ, મુરબ્બા, અનાજસફાઈ કે ભરતગૂંથણ એવાં કોઈ ને કોઈ કામો અંગે લગભગ હંમેશાં બપોરવેળાએ ઘરછોકરાં, નોકરબાઈઓ, પડોશી વહુદીકરીઓ અને આધેડ બાઈઓનું સંમેલન ચીનાબાગમાં ભરાય. બધું હાથઆવડતનું શિખાય અને શીખવાય. પાણી બધામાં કેળનું જ વપરાય. ભરતગૂંથણમાં ભાતભાતનાં મગજીમૉળિયાં, વેલબુટ્ટા, પતંગિયાં ને ઝીકભરતની ડિઝાઇનો આળેખાય, ભરાય ને ચરચાય. ચરચા દરમિયાન કોઈનો હાથ કે આંગળી નવરાં તો ઘડી રહે જ નહિ. રેશમી ભરતના કાકાકઉવા, મોર, પતંગિયાં વગેરે ધનીમા એવાં ભરે કે ઘરનું માણસ પણ થાપ ખાઈ જાય કે જાણે સાચાં જ છે. રંગના અભ્યાસ માટે બાગનાં પતંગિયાં છોકરાંઓ પાસે પકડી મંગાવે, રંગ ધારીધારીને જોઈ લે ને પછી ઉડાડી મુકાવે.

મહેમાન-સરભરાનાં કામોમાં છોકરાંઓને તેવી જ કુનેહકુશળતાથી પળોટે. કોઈ અજાણ્યું આવ્યું તો તેની સરભરા માટે જોઈતુંકરતું સાનમાં સમજાવે, ઇશારત કે ‘પારસી’ (code language, કોડ લૅંગ્વેજ) કરે. મોં પર હાથ ફેરવે તો દૂધ-પૂરી તઈયાર કરાવો. હાથવાડકો કરે તો એકલું મસાલાનું દૂધ કરાવો. છસાત મહેમાનો અચાનક આવી લાગે તો ઘરમાં માણસોને તેની ખબર ‘આજે છઠ કે સાતમ?’ એમ મોટેથી પૂછીને આપે. ‘ચીકાખાઈ કેટલી રહી છે?’ એનો અરથ પેટીમાં છૂટા પૈસા કેટલા છે, એવો સમજવાનો; વગેરે.

દેશી વૈદું પણ ઘણું આવડતું. વસાણાં, ઓસડિયાં, વનસ્પતિ, બધું પોતાની જાતદેખરેખ હેઠળ મેળવી-મંગાવી આંખ તળે સાફ કરાવે, ખંડાવે, કુટાવે, ને દવાઓ બનાવે. બાબુ પન્નાલાલ જઈનના ઘરને ધનીમા જોડે ઘરોબો. એ કુટુંબના અમીચંદબાબુને પેશાબ બંધ થઈ જતો. ડૉ. ઈવાન્સે ઑપરેશન ઠરાવ્યું. પાંચ દાક્તરો હાજર. હથિયાર ઉકાળીને તઈયાર રાખેલાં. ડૉ. પોતે જ એક આવવામાં બાકી.

બાબુને બહુ અસુખ. પત્ની ધનીમાના પગ ઝાલી રડે:

‘મારા માથાનું વરસોનું દરદ તમે મટાડ્યું. હવે તમારા ભાઈનું આટલું મટાડો. મારે વાઢકાપ નથી કરવા દેવી.’

ધનીમાએ ડૉ. ભાલચંદ્રની સામું જોયું.

‘મને દેશી વઈદાનો ઇલાજ કરવા દેશો?’

દાક્તર ભાલચંદ્રને ધનીમા માટે ભારે માન. કહે, ‘પેશાબ બંધ છે તેથી પેટ ફૂલ્યું છે. તમારી દવા તત્કાળિક અસર કરે એમ હોય તો થોડી મિનિટ ભલે કરી જુઓ.’

ધનીમાએ કેસૂડાં બાફીને તેનું પાણી એક ગ્લાસ પાયું, ને બાફેલાં ગરમ કેસૂડાંનો રોટલો કરી પેટે બાંધ્યો. દસ મિનિટમાં મોટું વાસણ ભરીને પેશાબ થયો!

ડૉ. ઈવાન્સ આવ્યા. ડૉ. ભાલચંદ્રે બધું સમજાવ્યું. ઑપરેશનની વાત છોડી દેવામાં આવી. ત્યારથી ડૉ. ઈવાન્સ ધનીમા પ્રત્યે બહુ જ માન ધરાવતા, ને તેમની ઇજત કરતા.

[૬]

ધનીમા વઈધવ્ય પછી જિંદગીઆખી એક જ વેળા જમ્યાં. બારે માસ વહેલી સવારે અંધારામાં ઊઠી ઠંડે પાણીએ નહાય, માળા ફેરવે, ઠાકુરસેવા, ગાયની પૂજા, પરકમ્મા કરે. ઠાકુરસેવા ઉપરાંત આરતીઓ, ફૂલમંડળીઓ, રોજેરોજના શણગાર, ભોગ અને વખતોવખત આવનાર ઓચ્છવોની સામગ્રીઓ તઈયાર કરવાનાં કામો હોય જ. સાંજે માધવબાગમાં લક્ષ્મીનારાયણનાં મંદિરે દરશણ કરવા જાય. ઘણી વાર છોકરાંઓને પણ સાથે લઈ જાય. વળતાં કાંદાવાડીના અમારાવાળા રાધાકૃષ્ણ ઉરફે મુરલીધર મંદિરે પણ આવે. મોરારજી શેઠ પુષ્ટિમારગી મરજાદી વઈષ્ણવ સંપ્રદાયના ચુસ્ત ખાનપાન, આચાર અને રહેણીવાળા. છતાં પોતાના કુટુંબની વહુદીકરીઓ કોઈએ ગુસાંઈજી મહારાજોની બેઠક, હવેલી કે મંદિરે દરશણ કરવા જવું નહિ અગર તો પોતાને ઘેર તેમની પધરામણી કરાવવી નહિ, પોતાનાં બાળકોને ચોક્કસ ઉંમર અગાઉ પરણાવવાં નહિ, વગેરે આદેશો પોતાના વીલમાં આપી ગયેલા. તેથી ધનીમા વઈશ્ણવ મંદિરહવેલીઓમાં ક્યાંયે કદી જતાં નહિ.

પ્રાણીપ્રેમ બેહદ, ધનીમાના પશુપ્રાણી પ્રત્યેના પ્રેમ ઉપરથી સાચા વઈશ્ણવની દયા-આસ્થાનું માપ મળતું, ચીનાબાગમાં પંખીપ્રાણીઓનું એક નાનું અજાયબઘર રહેતું, ને પાછલી તળાવડીમાં જળકૂકડીઓ. બધાંની ધનીમા દિવસમાં એક વાર તો જાતે ખબર લે જ. પોપટ ઉપરાંત ઘણાંને પોતાને હાથે ખવડાવે. કાગવાસ નાંખે. રાજભોગની થાળી ઠાકોરજીને દેખાડ્યા પછી ઘરના કોઈથી ન ખવાય. સીધી ગાયને જ જાય. તેમાંથી થોડુંક કૂતરાં-કાગડાને પણ મળે. ઉપરાંત રસોડાની રસોઈમાંથી ગોગ્રાસ, કાગવાસ, શ્વાનભાગ વગેરે તો નીકળે જ.

શાંતિભવન રહેવા આવ્યા પછી ત્યાં પણ ધનીમા અનેક પશુપ્રાણી, પંખી, વાંદરાં વગેરે રાખતાં. તેમાંનાં થોડાંકની જ ખાસિયતો અને સાંભરણો મારાં તથા ભાઈ શાંતિકુમારનાં સંસ્મરણોની સેળભેળ નોંધો પરથી અહીં ટાંકું:

શાંતિભવનમાં એક જંગબારી પોપટ હતો. તે ધનીમાના તથા નરોત્તમ શેઠના અવાજ અને બોલવાની આબેહૂબ નકલ કરતો. સવારે ચાર વાગ્યે ઊઠીને નરોત્તમ શેઠ નાહીધોઈ ચાખડી પહેરી પૂજા કરવા જાય તેના અવાજની ગજબ નકલ કરે. સાંભળનારને લાગે નરોત્તમ શેઠ જ જાય છે.

તે કાળે કોટની ઑફિસનો ફોન નં. ૧૧૪ હતો. ઘંટી વાગે તેવો જ ‘હલો, વન વન ફોર’ એમ બોલીને નંબર માગે!

એક દિવસ રાત્રે શાંતિભવનમાં ચોર આવ્યા ત્યારે જરાક પગરવ સંભળાયો તેવી જ એણે ચીસાચીસ કરી મૂકીને બધાંને જગાડેલાં!

છેલ્લી માંદગીમાં માંદો પડ્યો ત્યારે ધનીમાએ રાતદિવસ એની ટહેલ કરી. નરોત્તમ શેઠ બહારગામ હતા. તેમની પોપટ વાટ જોયાં કરે. કોઈ પણ જાયઆવે, પાંજરા આગળથી પસાર થાય, તેમાં એમને જ શોધે.

અંતે નરોત્તમ શેઠ આવ્યા અને હંમેશની ટેવ મુજબ સહુ પહેલાં માને પગે લાગવા ગયા. ધનીમા કહે:

‘પોપટને મળ્યો? બાપડો મરવા પડ્યો છે, તારી વાટ જોઈને જ જીવને ઝાલી રહ્યો છે, જીવ તારામાં જ વળગ્યો છે.’

નરોત્તમ શેઠ એની પાસે ગયા, બોલાવ્યો. વાટ જ જોતો હતો. સામું જોયું ને પ્રાણ છોડ્યા!

પાળેલાં પશુપંખી માંદાં પડે કે મરવાનાં થાય, ત્યારે ગંગાજમનાનાં જળ દરેકના મોઢામાં મુકાતાં. ધનીમા આખો દિવસ ઊભેપગે ચાકરી કરે. છેક અંતવેળાએ પણ ધનીમાએ કહેલું, ‘મારે પોપટ જોઈએ, આણી આપો.’

નાનીઓ કરીને એક ગામઠી કૂતરો શાંતિભવનમાં હતો. નાનીઓ કહીએ તો સામું ન જુએ. નાનાશેઠ કહીએ તો પૂંછડી હલાવે! એક વાર મોરારજી શેઠના શ્રાદ્ધનો દિવસ, બ્રહ્મભોજ હતો. ત્યાં જઈને બેઠેલો. ધનીમા એને વઢ્યાં. એટલે રિસાઈને કૅમ્પ કંપનીના નાકા પર જઈને બેઠો. બપોર થયા પણ પાછો ન આવે. ધનીમા કહે:

‘નાનીઓ આવીને ન જમે ત્યાં લગણ હું ન જમું.’

સમજાવીપટાવીને લઈ આવેલા.

કોણ જાણે કેમ એને ખબર પડી જતી, પણ દર અગિયારસે એ અપવાસ કરતો.

એણે સરપ-નાગ બહુ મારેલા. છેલ્લો નાગ મારતાં નાગ કરડ્યો ને એનો જીવ ગયો.

એક ખાસી મોટી વાંદરી શાંતિભવનમાં હતી. ધનીમા ગોગ્રાસ વગેરે દેવા એની પાસે થઈને પસાર થાય ત્યારે એને થોડું આપે. છતાં બીજાને કેમ આપો છો, એમ અદેખાઈ કરીને ચિડાય ને દાંતિયાં કરે. એને બાંધી રાખતા. પણ છોડે ત્યારે ક્યારેક સીધી ધનીમા પાસે જઈને દાંતિયાં કરે ને કરડવા કરે. ધનીમા ન હોય તો બીજું જે કોઈ બઈરું હોય તેને કરડવા કરે.

અંતે કંટાળીને પાંજરાપોળમાં મોકલેલી. ત્યાં હિજરાય. ખાયપીએ નહિ. તેથી ધનીમા એને પાછી લઈ આવેલાં. જુહૂ બંગલે રહેવા ગયાં ત્યાં લઈ ગયેલાં. ત્યાં જ ઘણે ભાગે મૂઈ!

શાંતિભવનમાં નરોત્તમ શેઠે એક સારસ પાળેલો. શાંતિભવનના બાગ કંપાઉન્ડ ઉપરાંત કોઈના કે કશાના ડર વગર આખા પેડર રોડ ઉપર નિરાંતે ફરતો. ક્યારેક જતુંઆવતું લોક એની છેડ કરે તો પાછળ પણ પડતો અને શાંતિભવનના ફાટકથી છેક કૅમ્પ કંપની સુધી પીછો પકડતો. એ જ કારણે અંતે રાણીબાગ મોકલી દેવો પડેલો.

જુહૂ બંગલે શાંતિકુમારે એક હરણ પાળેલો. દરિયાકાંઠે રેતીમાં દૂર સુધી બેખટકે ફરતો. રવિવારે તહેવારે દરિયે પિકનિક ઉજાણીવાળાં લોકટોળાં હોય. તેમની પાસે જઈ ખાવાનું માગે, લોકો આપે. નિરાંતે ખાય. કોઈ વાર કોઈ ન આપે તો આંખ કાઢે. શીંગડાં ઉગામે. પાછળ પડે. પેલા બધું મૂકીને નાસે. પછી ભાઈસાહેબ નિરાંતે બેસીને ખાય!

આવા બનાવની ખબર પડે ત્યારે દાદીમા એને ‘ભૂખડીબારસ’, ‘દુકાળિયો’ એવું એવું કહીને વઢે. એટલે પેલો ઓશિયાળું મોં કરીને નીચું જોઈ રહે, કાં નાસીને ક્યાંક ભરાઈ બેસે. આખરે એને પણ વિક્ટોરિયા ગારડન મોકલી દેવો પડેલો.

એની જ જોડીની બીજી એક હરણી પણ હતી. બેચાર દિવસ ઉંમરની હરણજોડી શાંતિકુમારે ક્રિકેટ મૅચ જોવા ગયેલા ત્યાં જોએલી. સખત તડકામાં એક ફાંસા-પારધી વેચતો હતો. તેની પાસેથી દયા આવવાથી લીધેલી. આ હરણી મરવા પડી ત્યારે તેની માવજતચાકરી પાછળ ધનીમા રાતોની રાતો જાગેલાં.

ટીમકી એક મોંઘી ઓલાદની વેલાતી કૂતરી હતી. શાંતિકુમાર પર હળી ગયેલી. લાંબે બેસી રહે. કશાને અડે નહિ. ધનીમા સેવામાં હોય તો મંદિરને દરવાજે બેસી રહે. શાંતિકુમાર ન હોય તો ખાય નહિ. એટલે બહારગામ સાથે લઈ જવી પડતી. રાત્રે સૂવે પણ સાથે. શાંતિકુમાર પડખું ફેરવે તો ઊભી થઈ જુએ, ને પછી ખાલી જગા હોય ત્યાં સૂઈ જાય!

શાંતિકુમાર માંદા હોય તો ખાટલા પરથી ન ઊઠે. ફૅમિલી ડાક્ટર ખેર જોવા આવે. કહેશે: ‘કૂતરીને ઉઠાડો, પછી તપાસું.’ ઉઠાડે પછી જુએ.

સને ૧૯૨૬માં ગાંધીજી સોલાપુર ગયેલા. સોલાપુર મિલના ગેસ્ટહાઉસમાં ઊતરેલા. શાંતિકુમાર સાથે. ગાંધીજી સવારે વહેલા ઊઠીને લખવા બેસે ત્યારે ટીમકી તેમની શાલમાં ઘૂસીને બેસે. આમ તો ગાંધીજીને આવું ન ગમતું, પણ આને બેસવા દે. શાંતિકુમારના હાથમાં હોય ત્યારે તેને કોઈ અડકી ન શકે. અડે તો ભસે, ગાંધીજી ચીડવીને ભસાવે ને બતાવે. કહેશે: ‘જુઓ તો ખરા, મિજાજ કેટલો છે!’

મરી ગઈ ત્યારે દાદીમાએ એનાં હાડકાં શાંતિકુમાર પાસે જમનાજીમાં નંખાવેલાં. નામ હતું ટીમકી એટલે તિનકી, ટિણકી, ટિચકુડી.

[૭]

નાનાંમોટાં રાજારજવાડાંઓ જોડેના સંબંધનો ઉલ્લેખ આ અગાઉ આવી ગયો છે. તે કાળે ગુજરાત, કાઠિયાવાડ, દખ્ખણનાં રજવાડાં મુંબઈ ગવરનરની હકૂમત હેઠળ હતાં, ને આવાં રજવાડાંએ પોતાના મહેલ-બંગલા મુંબઈમાં હજુ બંધાવ્યા નહોતા. મુંબઈમાં તેમનાથી ઊતરાય એવાં બીજાં સ્થળો પણ નહોતાં. તેથી ઘણાખરા રાજવીઓ, રાજવી- કુટુંબો અગર સરકારી કામકાજે અવરનવર આવનારા તેમના દીવાન-કારભારીઓ ધનીમાના જ મહેમાન થતા. આ બધા ધનીમા જોડે સામાજિક ટાણાઅવસરના સંબંધો પણ તેવા જ રાખતાં અને લગ્ન જેવા પ્રસંગે દીવાન વગેરે મારફત પોશાકો, હાર દાગીના, એવી કીમતી સોગાદો મોકલતાં. કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મહીસૂર, લીંબડી, ગોંડળ, તેમજ મીરજ, સાંગલી, ઇચલકરંજી, જમખંડી વગેરે દખણી રાજવી-કુટુંબો જોડે તેમને એવો જ ગાઢ ઘરોબો હતો.

એક વાર જૂનાગઢના નવાબ મુંબઈ ગવર્નરની મુલાકાતે આવેલા. ધનીમાને ત્યાં ઉતારો. તે કાળે સરકારી મહેમાનોનો ઉતારો ગમે ત્યાં હોય, પણ તેમને સારુ સીધુંસામાન સરકાર તરફથી આવે, એવો રિવાજ હતો. નવાબ સાહેબને માટે ગવરમેન્ટ હાઉસમાંથી મોદીખાનું આવ્યું. તેમાં બે બકરા પણ આવ્યા! દાદીમાને ધાસ્તી લાગી, રખે કાપે, નવાબ સાહેબને કહેવડાવ્યું:

‘આ બકરાની જોડી મને આપો. મારે મારા જેઠા દીકરાને સારુ બકરાગાડી કરવી છે.’

નવાબે સામું કહેવડાવ્યું:

‘આપી. હું સમજું છું. તમે મુદ્દલ ધાસ્તી રાખજો મા.’

આ બકરાગાડી થયેલી.

બીજે એક પ્રસંગે કોઈ રાજવી ધનીમાને ત્યાં. તેના માણસે બકરું માર્યું. ધનીમાએ રાજાને બોલાવ્યા:

‘આ વઈષ્ણવનું ઘર છે. તમારા માણસે કર્યું તે તમે કર્યું.’

ત્યારથી ધનીમાને ત્યાં એમનો ઉતારો બંધ થયો.’

વડા સરકારી હાકેમો, ગવરનર વાઇસરૉય સુધ્ધાં ધનીમાની મુલાકાતે આવતા. મોરારજી શેઠને તેમની હયાતી દરમિયાન એકથી વધુ વાઇસરૉયોએ મુલાકાતો આપેલી. શહેનશાહ સાતમો એડ્‌વર્ડ પ્રિન્સ ઑફ વેલ્સ તરીકે હિંદુસ્તાન આવ્યો તે પ્રસંગે વાઇસરૉય લૉર્ડ નોર્થબ્રુકે અને પછીના વાઇસરૉય લૉર્ડ રિપને મુલાકાતો આપેલી, મિલ જોવા પણ આવેલા. ૧૮૭૭ના દિલ્લી દરબારનું આમંત્રણ શેઠે સોલાપુર દુષ્કાળ- રાહતકામના રોકાણને કારણે વિનયપૂર્વક નકારેલું.

આ સિલસિલો ધનીમાના સમય દરમિયાન પણ ચાલુ રહેલો. મુંબઈના ગવરનરો નવા આવે ત્યારે, ને પાછા જાય ત્યારે, ચીનાબાગ આવતા. અગાઉથી કહેવડાવે ને આવે. તેવે પ્રસંગે ધનીમા ચીનાબાગના ઉપલા હૉલમાં લાલ કપડું ટંકાવે. પારટી વગેરે કશું ન અપાતું, પણ મોરારજી શેઠના વિલના ટ્રસ્ટીઓ જોડે વડા પુત્ર ધરમશી શેઠ ભાટિયાશાઈ જામો ને માથે ચાંચવાળી પાઘડી પહેરી પૂરા પોશાકમાં ચીનાબાગના ફાટક પર ઊભા રહી સ્વાગત કરતા. પછી બધા દાદર ચડીને માળે મોટા હૉલમાં જાય. ત્યાં મોરારજી શેઠનું મોટું તેલચિત્ર હતું તે સામે આવનાર ઊભો રહીને થોડી વાર જોઈ રહે. પછી કોચ ઉપર બેસી સહુ જોડે શેકહૅન્ડ કરે. શાંતારામ ગવઈયો સારંગી પર તાલ દઈ એકાદ ભજન ગાય. પછી મહેમાન ઊઠીને બધા સાથે આખો હૉલ ફરે. મરહૂમ શેઠે આખા હિંદના પ્રવાસ દરમિયાન ભેળી કરેલી પ્રાંતેપ્રાંતની ઊંચી કળાકારીગરીની ચીજો ને અજાયબીઓ ભેળી કરીને હૉલમાં ગોઠવેલી તે જુએ, અને અજાયબી બતાવી કદરપ્રશંસાના ઉદ્ગાર કાઢે.

પછી આવનાર હાકેમ ધનીમા પાસે વંદન અભિવાદન કરવા જાય. એક વાર કોઈ વાઇસરૉયે પૂછેલું:

‘આ દેશની પ્રજામાં સંતોષ મિત્રાચારી માટે અંગ્રેજ સરકારે શું કરવું?’

‘આ દેશની કરોડો ગરીબ પ્રજા ફક્ત મીઠું ને રોટલો જ ખાઈને જીવે છે. તેથી આમપ્રજાનું હિત હઈડે રાખીને મીઠાવેરો કાઢી નાખો.’

વડા હાકેમોની આવી મુલાકાતો પ્રસંગે મહેમાનની વિદાયવેળાએ મહેમાનને તથા તેની સાથે આવેલાઓને બંને ભાઈઓ (ધરમસી શેઠ, તેમજ નરોત્તમ શેઠ) હારતોરા પહેરાવતા. અને આવનારા ચાર ઘોડાની ગાડીમાં બેસી ચીનાબાગથી નીકળે તે વેળાએ બે મોટા લાકડાના ખૂમચા ભરીને ફ્રૂટ તેમની ગાડીમાં મુકાતું.

મારા બચપણને કાળે ધનીમા ખરેખર, ચીનાબાગની કુળદેવી જેવાં હતાં. દાદીમા, ધનીમા, ભાભી, પાંજીભાભી, એવાં જુદાં જુદાં નામે ઓળખાતાં. સર પરશોત્તમદાસ ઠાકુરદાસે એમને ‘મુંબઈનાં રાણી’ કહેલાં. મારી આજીમા એમને ‘રાણી વિક્ટોરિયાની બૉન’ કહેતાં.

રજિયા બેગમ, ચાંદબીબી અને પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કરનાં જીવનચરિત્રો તો મેં મોટપણે જાણ્યાં. પણ એ બધાંની સહેજે હરોબરી કરે એવો પ્રતાપી ધનીમાનો કારભાર મેં મારા બચપણમાં જોયેલો, જે મારી સાંભરણને આરંભકાળે ચીનાબાગમાં ને પાછળથી પેડર રોડ પરના શાંતિભવનમાં દાયકાઓ સુધી ચાલુ હતો.

[૮]

સને ૧૯૦૦માં બે ભાઈઓ ધરમશી તથા નરોત્તમ વચ્ચે વહેંચણ થઈ ત્યારે ધનીમા પહેર્યે લૂગડે ચીનાબાગથી નીકળી ગયેલાં; કહે, ‘પત્યે આવીશ.’ ત્યારથી લવાદના ઍવૉર્ડની રૂએ પેડર રોડ પરના શાંતિભવનમાં જ નરોત્તમ શેઠ જોડે રહ્યાં. ટાણેઅવસરે ચીનાબાગ જતાં-આવતાં. ચીનાબાગ વિલની રૂએ મોટા ભાઈ ધરમસી શેઠને ગયું હતું.

તે પછીના શેઠ નરોત્તમની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા દરમિયાન એવી જ જાહોજલાલી શાંતિભવનમાં ચાલુ રહી. મુંબઈના એક અગ્રેસર શહેરી અને ઉદ્યોગપતિ તરીકે નરોત્તમ શેઠે મોટી નામના મેળવી. આખા દેશના અને દરેક પ્રજાકીય ક્ષેત્રના આગેવાનોનો ઉતારો શાંતિભવનમાં રહેતો. રાનડે, તેલંગ, મંડલિક વગરે જૂના સંબંધો ઉપરાંત દાદાભાઈ નવરોજી, ટાગોર, સપ્રુ, મોતીલાલજી, બેસંટ, વિશ્વેશ્વરઅય્યા વગેરે દરેક કોમના અને ધરમના દેશનેતાઓ જોડે ગાઢ સંબંધો બંધાયેલા. બધા ધનીમાએ સાચવ્યા.

ઘરમાં નાતાઘરોબાવાળાં કુટુંબો જોડે ટાણેઅવસરે કરવાના વહેવારની નોંધપોથી મોરારજી શેઠના વખતથી રખાતી. આવી એક વહેવારપોથીમાં ભાટિયા નાતની બહાર હિંદુ, પારસી, ખ્રિસ્તી, મુસ્લિમ, જઈન વગેરે કોમોનાં કુટુંબોમાં પટેટી, સમછરી, ઈદ, નાતાલ જેવા તહેવારો કે લગન, જનોઈ, નવજોત, શાદીસુન્નત, આણાંપરિયાણાં, સીમંત, વેવિશાળ, નવજન્મ – તમામ અવસરે ચાંલ્લા, ખુશાલીની ભેટસોગાદો, મોઢુંજોવામણાં, ઝભલાટોપી, એવા એવા વહેવાર તે તે કોમોની રીતરસમોને અનુસરીને કર્યાની હજારથી વધુ એન્ટ્રીઓ મેં જોઈ હશે. સારેમાઠે કોઈ પણ વહેવાર ટાણાસાર કરવાનું કદી ન ચૂકે. વળી આ બધા વહેવાર મોટાં કે પોતાની હરોળનાં કુટુંબો જોડે જ રાખે એમ નહિ. ૧૦, ૧૨, ૧૫ રૂપિયાના પગારદાર ઘરનોકર, મહેતા, ઘાટી, ભઈયા, દરવાન, હમાલ, કોચમૅનોનાં કુટુંબો જોડે પણ તેવા વહેવાર તેટલી જ ચીવટ તકેદારીથી કરે.

આ વહેવારપોથીમાં ગોપાળકૃષ્ણ ગોખલેની દીકરીને લગન પ્રસંગે, તેમજ તેને પ્રથમ બાળક થયું ત્યારે મોઢું જોઈને આપેલી ભેટખુશાલીની, લલ્લુભાઈ સામળદાસના પુત્રો તથા ભત્રીજાનાં લગન, જનોઈ વગેરે પ્રસંગે આપેલા ચાંલ્લાની, તેમજ વહુઆરુઓ પગે લાગવા આવી ત્યારે મોઢું જોઈને આપેલી ખુશબખ્તીઓની નોંધો છે.

[૯]

મોરારજી ઘરાણામાં ચુસ્ત વઈશ્ણવ આચાર અને સેવાભક્તિ પૂરેપૂર છતાં પુષ્ટિમારગી વઈશ્ણવ જીવનદરશન અને રહેણીની ભોગપ્રવણતા કરતાં કુટુંબનાં ઘણાંનો ઝોક ત્યાગ અને સંયમ તરફ જ વિશેષ રહ્યો એ બીનાને નોંધપાત્ર ગણવી જોઈએ.

ધનીમા મોરારજી ઘરાણા જોડે નાતાવાળાં રાજવી વેપારી કે ઉમરાવ કુટુંબોમાં દર વરસે આફૂસ કેરીનાં સો-પચાસ પારસલો નિયમિત મોકલતાં, પણ પોતે વઈધવ્ય દિનથી માંડીને ઉંમરભર કદી કેરી ન ખાધી! નરોત્તમ શેઠે એમનાં બહેન લીલાંબાઈ ગુજર્યાં ત્યારથી જોડી (બે ઘોડાની ગાડી)માં બેસવાનું, અને પોતાના નાના પુત્ર પદ્મકાંતના મરણ પછી કેરી ખાવાનું છોડ્યું. તેમની પાછળ સુંદરબાઈએ પણ આપોઆપ છોડ્યું.

આવા બીજા અનેક દાખલા ગણાવી શકાય. આ બધા પાછળ ધનીમાના ત્યાગસંયમપ્રધાન જીવન અને રહેણીની જ અસર અને સંસ્કાર હશે એવું અનુમાન વધુ પડતું નહિ ગણાય.

માંદાની ખબર પૂછવા અને મરણ પ્રસંગે આભડવા અચૂક જાય જ. પોતાનાં દીકરાદીકરીઓને પણ એ જ ટેવ પાડેલી. લગન પ્રસંગે ક્યારેક ચૂકી જવાય તે માફ, પણ માંદગી-મરણ પ્રસંગે તો અચૂક જવું જ જોઈએ. પોતે પણ કદી ન ચૂકે. આમ, માંદાની ખબર લેવા જતાં જ એક વાર પેડર રોડ ઉપર એમને મોટર અકસ્માત થયેલો.

કદી કોઈનું કશું લે નહિ. કોઈને ત્યાંથી ચીજવસ્તુ બાટલીમાં આવી હોય, તો ખાલી બાટલીનાય બે આના આપ્યા વગર ન રહે. સામા માણસને માટે શું કરી છૂટું, એટલું એક જ ધ્યાન.

નોકરચાકરને અંગનાં ગણે, અને ટાણેટચકે નવાજતાં પાછું વાળી ન જુએ. પોતાની જાત પર દોઢિયું ખરચાય તો વસમું લાગે. જાતે ૧૦ આનાનું છાયલ પહેરે, ને ઘરનાં નોકરચાકરની બાઈબહેનોને સપરમે દા’ડે ૧૦ રૂપિયા કિંમતની ચંદ્રકળા આપે.

કોઈને ક્યારેય મળ્યાં હોય તે ભૂલે નહિ. મળનાર જોડે ક્યાંયની પણ ઓળખ કાઢે.

વઈદું ઘણું આવડતું એની વાત તો પાછળ આવી ગઈ છે. એક વાર બદરીનાથની જાત્રામાં માંદાં પડી ગયેલાં, ને કોઈ સ્થાનિક વઈદે મટાડેલું. પાછળથી આ વઈદને મુંબઈ તેડાવી નવાજેલો, ને અછોવાનાં કરેલાં. એવી જ કોઈ સાધુએ એમને દમ ઉપર અકસીર વનસ્પતિ ચીંધેલી. ધનીમાએ મુંબઈ આવી કંપાઉન્ડમાં ને બીજે રોપાવેલી. દેશ-દેશાવર છૂટે હાથે મફત મોકલતાં. એમ કઈકના વ્યાધિ મટાડતાં.

ગોખલે પોતાની પાછળ નરોત્તમ શેઠને પોતાના વિલના એક્ઝિક્યુટર નીમી ગયેલા; અને ગાંધીજીને પણ એમણે જ કહી મૂકેલું કે જ્યારે ક્યારેય જરૂર જણાય ત્યારે નરોત્તમ શેઠ પાસે જવું. એ રીતે જ ગાંધીજીનો સંબંધ આ કુટુંબ જોડે થયો. જે નરોત્તમ શેઠની પાછળ ધનીમાએ તથા ભાઈ શાંતિકુમારે અંત લગી સાચવ્યો. ગાંધીજી પણ તેમની વખતોવખતની માંદગીઓ પછી જૂહુ ખાતે ધનીમાને બંગલે જ હવાફેર જઈ રહેતા અને ભાઈ શાંતિકુમારને મહાદેવ, મથુરાદાસ, દેવદાસની હારોહાર પુત્રવત્ ગણતા. આમ જ્યારે જ્યારે ગાંધીજી જૂહુ જઈ રહેતા, ત્યારે ત્યારે ધનીમા જઈફ ઉંમરે પણ તેમની ખબર સવારસાંજ બેઉ વેળા જાતે જઈને પૂછતાં અને તેમની તથા તેમના આખા રસાલાની ઝીણામાં ઝીણી હાજતો અને સુખસગવડોનું ધ્યાન રાખતાં.

સને ૧૯૨૯માં નરોત્તમ શેઠનું ખંડાળાઘાટમાં કરુણ સંજોગોમાં મરણ થયું તે પ્રસંગે ધનીમાએ જે દૃઢતા દેખાડી તે જ દૃઢતા તેમણે તે પછીના દાયકાઓની વસમી વેળાનાં વરસોમાં છેક અંત લગણ કાયમ રાખેલી.

[૧૦]

જિંદગીની ધૂપછાંવ એમણે ભરપૂર જોઈ. ૭૩ વરસ વઈધવ્ય હેઠળ ગાળી, કેટકેટલી આપવીતી ને અવરવીતી જઈફ ઉંમરે નિહાળી, ૯૪ વયે સને ૧૯૫૪ની ૩જી ઑગસ્ટે ગોલોકવાસ કર્યો.

મરણના થોડા મહિના અગાઉ એમણે પોતાના ઠાકોરજીનું ટ્રસ્ટ કરી મંદિર-મકાન બંધાવી વાસ્તુ કર્યું એ અરસામાં હું એમને છેલ્લો મળેલો. આંખે લગભગ અખ્ખમ, ને શરીર દસ વરસની બાળકી જેવડું થઈ ગયેલું. નવા મકાનની ઓતરાતી પરસાળમાં—સાંકડા કોચ પર સૂતેલાં. પગ આગળ બેસી લેખાંફુઈ ઠાકોરજીની ફૂલમંડળી કરતાં હતાં, ને બીજું કોઈ પગ દાબતું હતું. ભાઈ શાંતિકુમારે નજીક જઈ મોટે અવાજે કહ્યું:

‘દાદીમા, આ સામી મળવા આવ્યા છે.’

એમણે મોં અમારા ભણી ફેરવ્યું.

‘કોણ?’

‘સામી. જૅસંકરજો ભા. ગાંધીજી ગયા પછી હિમાલયમાં રહે છે ને? એ.’

‘હા, હા, ભાણો ઉમાસંકરજો. આવ દીકરા આવ, ભલે આવ્યો.’

શાંતિકુમાર મને મા પાસે મૂકીને પોતાના રૂમમાં ગયા.

પગ દાબનારને મેં ઇશારત કરી ઉઠાડ્યો, ને તેની જગાએ બેસી હું પગ દાબવા લાગ્યો.

‘દાદીમા, તમારે દરશને આવ્યો છું.’

‘ભલે આવ્યો દીકરા, સો વરસનો થાજે. અરે, તું તો મોટો તપેશરી થિયો. ઑતરાખંડમાં રૅ. ગંગા-જમનાજીના મુલકમાં, તું તો તીરથ કૅ’વા.’

કહીને હાથ જોડવા લાગ્યાં. મેં બેઉ હાથ પકડી લીધા. ને મારે માથે મૂકી આંખે અડાડ્યા.

‘એવું શું બોલો છો, દાદીમા! અમારાં તો બધાંનાં અડસઠ તીરથ અહીં આ તમારા પગ તળે જ છે.’

કહીને મેં પગ ઝાલ્યા.

‘એવું ન બોલ દીકરા. અરેરે! મારાં ભાયગ વાંકાં તારેં જ આટઆટલા જુગ વીત્યા તોય ભગવાન મારી સામું જોતો નથી ને? કોઈ એને મારી યાદેય આપતું નથી!’

ધીમે ધીમે બોલ્યે ગયાં:

‘જો ને, છ છ પેઢી મેં આ આંખે જોઈ! સુખ જોયાં, દુ:ખ જોયાં, તડકાછાંયડા સંધું જોયું. ફરી ફરી વાર જોયું. આંખેય થાકીને આથમી, તોય છેડો આવતો નથી.’

આંખેથી પાણી સરવા લાગ્યાં.

‘દાદીમા! એમ ઓછું શા સારુ આણો છો? તમારા ઠાકોરજી તમને છોડવા નથી માગતા. એમને અમારા કોઈનો ભરોસો નહિ પડતો હોય, તેથી ભગવાનને રોજ સંદેશા મોકલતા હશે કે “દાદીમા વગર મને કોણ સાચવશે?” ’

‘પણ ભાણા! તું આટઆટલાં વરસ હિમાલયમાં રિયો, તપ-તીરથ કર્યાં. ભગવાનને ઘરે તારો કંઈ વગવસીલો નઈં? વગ વકીલાત ફાવે તે કર, પણ ભલો થઈ મને છોડવ. જોને, ગાંધીજીયે વયા ગ્યા.’

વચ્ચે વચ્ચે થાકે ને ચૂપ થઈ જાય. ફરી ફરીને આંખે પાણી આવે. વૃદ્ધાવસ્થામાં સ્મૃતિલોપ ન થાય એ પણ મોટો શાપ છે.

વીસેક મિનિટે જંપી ગયાં લાગ્યાં. મં લેખાંફૂઈ સામું જોઈ ઇશારત કરી. પછી હળવેક રહીને ઊઠી ગયો.

આ મારું છેલ્લું દરશન હતું. થોડા મહિના પછી એમની વિભૂતિ આથમી.

[કુળકથાઓ]

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.