ખેતર

ખેતર ઊગે છે. હા, ખરેખર એક વૃક્ષની માફક. એને પણ અંકુર ફૂટે છે. આપણે ફક્ત પડતર કે બહુ બહુ તો ખેડાયેલું ખેતર જ જોતા હોઈએ છીએ. આપણી નજરને જો વિસ્તારીએ તો એના પ્રગટીકરણને નિહાળવાનું વિસ્મય પણ માણવા જેવું છે. આપણે ખેતીપ્રધાન દેશ છીએ. ખેતર એનો પ્રાણ છે. ખેતસંસ્કૃતિ નદીકિનારે વિકસી. ‘અર્’ સંસ્કૃત ધાતુ. અર્થ થાય ખેડવું… અર્ ઉપરથી આર્ય જેના ઉપરથી આવી આર્ય સંસ્કૃતિ!

ખેતર આપણી રગરગમાં વણાયેલું છે. મૂળ શબ્દ કદાચ ક્ષેત્ર હશે. જેમાંથી અપભ્રંશ થતાં ક્રમશઃ ક્ષેતર, છેતર, અને પછી થયું હશે ખેતર! એ સીમ નથી, વગડો પણ નથી. એનો અલગ અંદાજ છે. ખેતર જ્યારે ખેડાય છે ત્યારે એક પ્રબળ આશાવાદનું શિલારોપણ થતું હોય છે. એમાં ઉમેરાતું બીજ કે ધાન એ એનું પરિધાન હોય છે. કોઈ આપણને એકના ડબલ કરી આપે તો પણ આપણે અભિભૂત થઈ જતા હોઈએ છીએ. ખેતર એકના અનેક કરી આપે છે..કણસલું એ ખેતરે પાકેલી ફિક્સ ડિપોઝિટ છે. અમારા જેવા ગામડાના માણસ માટે ખેતર ગળથૂથીમાં મળેલો ઉપહાર હોય છે. એટલે જ આવા શબ્દો ફૂટે…

ફાગણે કે ચૈતરે
રોજ મળતાં ખેતરે…
લાગણીની સીમને
સાચવું છું ગોંદરે!

ગામ, પાદર, સીમ, વગડો, શેઢો અને ખેતર… આ સફર હવે ખોડંગાઈ છે. ગામની ચોતરફ ખેતરો હોય પરંતુ ખેતરની ફરતે વાડ હોય. વાડ પછી રળિયામણ શેઢો હોય. ખેતરના પ્રવેશદ્વારને ખોડીબારું કહેવાય.

ગામમાંથી નીકળતું નેળિયું ખેતરના સ્વજન જેવું ગણાય.ખેતરમાં ગાડું પ્રવેશે ત્યારે એના બત્રીસે કોઠે દીવા થઈ જાય.બે બળદની જોડી… હર્યુંભર્યું હળ… પાવડા-કોદાળી-ત્રિકમ કે ખળખળ વહેતા પાણીના ધોરિયા એ એનું કુટુંબજાળ. ખેતરના શેઢે બપોરી વેળાએ થાકેલા ખેડુ માટે ભાથું લઈને આવતી એની ઘરવાળી અને પાણીની બતક સાથે પીરસાતું શિરામણ. અહાહા… ‘તને સ્વર્ગ ભુલાવું શામળા.’ એ શબ્દો ચરિતાર્થ થતા લાગે. મકરંદ દવે લખે છે…

‘ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ
વચ્ચે નાનું ગામડું બેઠું કયાં આવો છે લાભ?’

ખેડાયેલા ખેતરના ચાસ જ્યારે વરસાદી છાલકથી ભીંજાઈ જાય છે ત્યારે ખેતરની ભીતર અજાયબ હલચલ ઊઠતી હોય છે.બીજમાંથી પ્રગટતી કોઈ અજાયબ ચીજ ખેતરને લાખો અંકુરોથી લથબથ કરી નાખે છે. એવાં લીલાંછમ ખેતરો એ ધરતીના નવ અવતાર જેવાં હોય છે. માણસની માફક ખેતરનાં પણ જુદાં જુદાં નામો હોય છે..

નદીવાળું… કોતરવાળું… આઘલું. ઢૂકડીયું… વહેણવાળું… મહેસૂલી ભાષામાં એ સર્વે નંબર કહેવાય. મસમોટાં ખેતરો ફાર્મહાઉસ કહેવાય. ભણેલા લોકો ભલે ફીલ્ડ કહે પણ ખેતર શબ્દની મજા જ કંઈક ઓર છે!

ડૂંડવાંથી લહેરાતું ખેતર એ માણસની મહેનતનો શ્રેષ્ઠ પુરસ્કાર હોય છે. ખળું એ ખેતરનું વિસ્તરણ છે. કૂવો એનું અભિન્ન અંગ કહી શકાય. મોલ… લણણી… દાતરડું. ધૂંસરી. બળદની રાશ… ગમાણ… ગોફણ કે લહેરાતા ખેતર વચ્ચે અડીખમ ઊભો રહેતો ચાડિયો. આ બધું જ પ્રગટતું ખેતરના ઊગવાની સાથે. હવે એના ઉગવાની રીત બદલાઈ છે. ખેતર હવે શહેર બનીને અવતરે છે. એટલે જ ખેતર હવે લુપ્ત થતું જાય છે. એ વહેંચાતું જાય છે ટુકડાઓમાં!

ખેતર હવે ઊગે છે ફકત — દસ્તાવેજોમાં… નકશાઓમાં કે આકાર લેતી ઇમારતોના આકર્ષક બ્રોશરોમાં!

License

ગુજરાતી નિબંધ-સંપદા Copyright © by સહુ લેખકોના . All Rights Reserved.