રાત્રિને જુદે જુદે પ્રહરે અન્ધકારનાં બદલાતાં જતાં રૂપ અને પોત જોયા કરું છું. બાળપણમાં કેવળ તાવની ઉષ્માથી લપેટાઈને નિર્જન ઓરડામાં સૂઈ રહેતા ત્યારે બંધ કરેલી આંખોની અંદર રૂંધાઈને જે અન્ધકાર ધૂંધવાતો હતો તેનું રૂપ કોઈ વાર આજે દેખાય છે; વાઘની ત્રાડના બખિયા ભરેલો અન્ધકાર પણ ક્યારેક ફરી નજરે ચઢે છે તો કોઈક વાર મોગરો, આંબાનો મોર અને લીમડાની મંજરીની સુવાસના ત્રણ તન્તુના ઝીણા શરબતી મલમલના વણાટવાળો અન્ધકાર પણ દેખાય છે. ટિશ્યૂ પેપર જેવા અન્ધકારમાં બીજા દિવસના સૂર્યને લપેટીને કૅપ્સ્યૂલની જેમ ગળી જવાનું મન થાય છે. બે શબ્દો વચ્ચે અન્ધકારનું પાતળું અસ્તર મૂકીને સીવી લેવાનું મન થાય છે. અન્ધકારના ખરલમાં ઘૂંટેલા મૌનની સહસ્રપુટી ભસ્મનાં સવાર થતાં પહેલાં પડીકાં બાંધી લેવાનો લોભ જાગે છે. કાજળની આંખનાં અણિયાળાં સુધી લંબાયેલી તનુલેખા અને એમાં ભળી જતો કાળી પાંપણનો કાળો પડછાયો – આ બેના સન્ધિસ્થાને જે અન્ધકાર જન્મે છે તે એવો તો અસહાય હોય છે કે એને ક્યાં સંતાડવો તે સૂઝતું નથી. અશ્રુના સ્ફટિકની દાબડી સિવાય બીજે ક્યાં સંતાડીએ? ધૃતરાષ્ટ્રની આંખનો જરઠ બરડ અન્ધકાર ઘણના ઘા કરીને તોડીએ તો રાત્રિના પ્રહરો ગાજી ઊઠે.
સવારે આંખો ખોલતાં અન્ધકાર ચાલી ગયો તેથી છેતરાઈ ગયા જેવું લાગે છે, પણ તરત જ દિવસના વ્યવહારના શબ્દે શબ્દે, સ્પર્શે સ્પર્શે, આલિંગનમાં ખાલી રહી ગયેલા અવકાશમાં, શૂન્યમનસ્ક દૃષ્ટિના પોલાણમાં અન્ધકાર છતો થાય છે. મારા દરેક શબ્દના માદળિયામાં આ અન્ધકારને ભરી રાખું છું જેથી કોઈથી નજરાઈ ન જવાય.
ક્ષિતિજ : ૧૨-૧૯૬૧