આપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે. હિંદુસ્તાનનો નકશો જો ઊંધો પકડીએ તો એનો આકાર શિવલિંગ જેવો દેખાય છે. ઉત્તરનો હિમાલય એ એનો પાયો અને દક્ષિણનો કન્યાકુમારીનો ભાગ એ એનું શિખર.
ગુજરાતનો નકશો જરા ફેરવીએ અને પૂર્વનો ભાગ નીચે લઈએ અને સૌરાષ્ટ્રનો છેડો – ઓખામંડળ ઉપર તરફ આણીએ તો એ પણ શિવલિંગ જેવો જ દેખાશે. આપણે ત્યાં જેટલાં પહાડનાં શિખરો છે તે બધાં શિવલિંગો જ છે. કૈલાસના શિખરનો આકાર પણ શિવલિંગ જેવો જ છે.
અને આ પહાડોનાં જંગલોમાંથી જ્યારે કોઈ નદી નીકળે છે ત્યારે કવિઓ કહેવાના કે, “શિવજીની જટામાંથી ગંગા નીકળી.” કેટલાક લોકો તો પહાડમાંથી સરી આવતા પાણીના પ્રવાહને અપ્-સરા કહે છે. કેટલાક તો પર્વતની આવી તમામ દીકરીઓને પાર્વતી કહે છે.
આવી જ એક અપ્સરા જેવી નદીની વાત આજે કરવી છે. મહાદેવના ડુંગર પાસે માઈકાલ પર્વતની તળેટીમાં અમરકંટક કરીને એક તળાવ છે. એમાંથી નર્મદા નદી નીકળે છે. જે નદી સરસ ઘાસ ઉગાડીને ગાયોની સંખ્યા વધારે છે એને ગો-દા કહે છે. યશ આપનારી યશો-દા અને જે નદી પોતાના પ્રવાહની અને કિનારાની કુદરતી શોભા દ્વારા `નર્મ’ એટલે આનંદ આપે છે તે નર્મ-દા. એ નદીને કિનારે કિનારે રખડતાં જેને ઘણો જ આનંદ મળ્યો એવા કોઈ ઋષિએ આ નદીને આ નામ આપ્યું.
જેમ હિમાલયનો પહાડ તિબેટ અને ચીનથી હિંદુસ્તાનને જુદો પાડે છે તેવી જ રીતે આપણી આ નર્મદા નદી ઉત્તર ભારત અથવા હિંદુસ્તાન અને દક્ષિણ ભારત અથવા દખ્ખણ વચ્ચે આઠસો માઈલની ચળકતી નાચતી જીવતી દોડતી લીટી ખેંચે છે અને રખેને કોઈ આ કુદરતી લીટી ભૂંસી નાખે એટલા માટે ભગવાને એ નદીને ઉત્તરે વિંધ્ય અને દક્ષિણે સાતપુડાના લાંબા લાંબા પહાડ ગોઠવ્યા છે. આવા ઉમદા ભાઈઓના રક્ષણ વચ્ચે નર્મદા દોડતી અને કૂદતી અનેક પ્રાંતો વચ્ચે થઈને પસાર થતી ભૃગુકચ્છ અથવા ભરૂચ પાસે સમુદ્રને જઈને મળે છે.
અમરકંટક પાસેનો નર્મદાનો ઊગમ સમુદ્રની સપાટીથી પાંચ હજાર ફૂટની ઊંચાઈએ છે. હવે આઠસો માઈલની અંદર પાંચ હજાર ફૂટ ઊતરવું સહેલું તો નથી જ. એટલે આપણી નર્મદા ઠેકઠેકાણે નાનામોટા ભૂસકા મારે છે. એ ઉપરથી આપણા કવિપૂર્વજોએ નર્મદાને બીજું નામ આપ્યું `રેવા’. (`રેવ્’ એટલે કૂદવું.)
જે નદી ડગલે ને પગલે ભૂસકો મારે છે એ નૌકાનયન માટે એટલે કે હોડીઓ દ્વારા દૂર સુધીનો પ્રવાસ કરવા માટે બહુ કામની નથી. સમુદ્રમાંથી જે વહાણ આવે છે તે નર્મદા નદીમાં માંડ ત્રીસ-પાંત્રીસ માઈલ અંદર ઘૂસી શકે છે. ચોમાસાને અંતે બહુ તો પચાસ માઈલ પહોંચે.
જે નદીને ઉત્તરે અને દક્ષિણે બે પહાડ ઊભેલા છે એ નદીનું પાણી નહેર ખોદી દૂર સુધી ક્યાંથી લઈ જવાય? એટલે નર્મદા નદી જેમ વહાણવટાને માટે બહુ કામની નથી તેમ જ ખેતરોની સિંચાઈ માટે પણ વિશેષ કામની નથી. છતાં એ નદીની સેવા બીજી રીતે ઓછી નથી. એના પાણીમાં વિચરતા મગરો અને માછલાંઓ, એને કિનારે ચરતાં ઢોરો અને ખેડૂતો અને બીજાં જાતજાતનાં પશુઓ અને એના આકાશમાં કલરવ કરતાં પક્ષીઓ બધાંની એ માતા છે.
ભારતવાસીઓએ પોતાની બધી ભક્તિ ભલે ગંગા ઉપર ઠાલવી હોય, પણ આપણા લોકોએ નર્મદા નદીને કિનારે ડગલે ને પગલે જેટલાં મંદિરો બાંધ્યાં છે એટલાં બીજી કોઈ પણ નદીને કિનારે નહીં હોય.
ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, ગોમતી, સરસ્વતી વગેરે નદીઓના સ્નાન-પાનનું અને એમને કિનારે કરેલાં દાનનું માહાત્મ્ય પુરાણકારોએ ભલે ગમે તેટલું વર્ણવેલું હોય, પણ કોઈ ભક્તે એ નદીઓની પ્રદક્ષિણા કરવાનું વિચાર્યું નથી. જ્યારે નર્મદાના ભક્તોએ, કવિઓને સૂઝે એવા નિયમો કરી, આખી નર્મદાની પરિક્રમા અથવા `પરિકમ્મા’ કરવાનું ગોઠવ્યું છે.
નર્મદા નદીના ઊગમથી દક્ષિણ કિનારે ચાલતાં ચાલતાં સાગર-સંગમ સુધી જાઓ. ત્યાં હોડીમાં બેસી ઉત્તર કિનારે પહોંચો અને એ કિનારે ફરી પગપાળા ચાલતાં ચાલતાં અમરકંટક સુધી જાઓ ત્યારે એક પરિક્રમા પૂરી થઈ. આમાં નિયમ એવો છે કે પરિકમ્મા દરમ્યાન નદીનો પ્રવાહ ક્યાંયે ઓળંગાય નહીં અને છતાં પ્રવાહથી બહુ દૂર પણ ન જવાય. રોજ નદીનાં દર્શન થવાં જોઈએ. પાણી પિવાય તે નર્મદાનું જ. સાથે ધનદોલત રાખી, એશઆરામમાં પ્રવાસ ન કરાય. નર્મદાને કિનારે જંગલમાં વસતા આદિવાસીઓના મનમાં યાત્રાળુઓનાં ધનદોલત પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. વધારે પડતાં કપડાં, વાસણ-કૂસણ કે પૈસા હોય તો એ બોજમાંથી એ તમને મુક્ત કરવાના જ.
આપણા લોકોને એવા અકિંચન અને ભૂખ્યા ભાઈભાંડુઓનો પોલીસ મારફતે ઇલાજ કરવાનું કોઈ કાળે સૂઝ્યું નથી અને આદિવાસી ભાઈઓ પણ માને છે કે યાત્રાળુઓ પર આપણો એ લાગો જ છે. જંગલમાં લૂંટાયેલા યાત્રીઓ જંગલમાંથી બહાર આવે એટલે દાની લોકો એમને નવાં કપડાં અને સીધું આપે છે.
ભાવિક લોકો બધા નિયમોનું પાલન કરીને – ખાસ કરીને બ્રહ્મચર્યનો આગ્રહ રાખીને નર્મદાની પરિક્રમા, ધીરે ધીરે કરતાં, ત્રણ વરસમાં પૂરી કરે છે. ચોમાસાના બેત્રણ મહિના એક ઠેકાણે રહી જવાનો અને સાધુસંતોના સત્સંગથી જીવનનું રહસ્ય સમજવાનો તેઓ આગ્રહ રાખે છે.
આવી પરિક્રમાના બે પ્રકાર હોય છે. એમાંની જે આકરી હોય છે, તેમાં સાગર પાસે પણ નર્મદાને ઓળંગાતું નથી હોતું. ઊગમથી મુખ સુધી ગયા પછી એ જ રસ્તે પાછા ઊગમ સુધી આવી ઉત્તરને કિનારે સાગર સુધી પહોંચવાનું, અને ફરી એ જ ઉત્તરને કિનારે ઊગમ સુધી પાછા આવવાનું. આ પરિક્રમા આ રીતે બેવડી થાય છે. આનું નામ છે જલેરી.
મોજમજા અને એશઆરામ છોડીને તપસ્યાપૂર્વક એક જ નદીનું ધ્યાન કરવાનું, એને કિનારે આવેલાં મંદિરોનાં દર્શન કરવાં, આસપાસ રહેતા સંતમહાત્માઓનાં વચનો સાંભળવાં અને કુદરતની શોભા અને ભવ્યતાનું સેવન કરતાં જિંદગીનાં ત્રણ વરસ પસાર કરવાં, એ કાંઈ જેવીતેવી પ્રવૃત્તિ નથી. એમાં ખડતલપણું છે, તપસ્યા છે, બહાદુરી છે; અંતર્મુખ થઈને કરવાનું આત્મચિંતન, ગરીબો સાથે એકરૂપ થવાની લાગણી છે. કુદરતમય થવાની દીક્ષા છે અને કુદરત મારફતે કુદરતમાં વિરાજતા ભગવાનનાં દર્શન કરવાની સાધના છે.
અને એ નદીકિનારાની સમૃદ્ધિ જેવીતેવી નથી. અસંખ્ય જમાનાના ઉચ્ચ કોટીના સંતમહંતો, વેદાંતી સંન્યાસીઓ અને ભગવાનની લીલા જોઈ ગદ્ગદ થનારા ભક્તો, પોતપોતાનો ઇતિહાસ આ નદીને કિનારે વાવતા આવ્યા છે. પોતાના ખાનદાનની ટેક જાળવનારા અને પ્રજારક્ષણ પાછળ પ્રાણ પાથરનારા ક્ષત્રિયવીરોએ પોતાનાં પરાક્રમો આ નદીને કિનારે અજમાવ્યાં છે. અનેક રાજાઓએ પોતાની રાજધાનીના રક્ષણને અર્થે નર્મદાને કિનારે નાનામોટા કિલ્લાઓ બાંધ્યા છે અને ભગવાનના ઉપાસકોએ ધાર્મિક કળાની સમૃદ્ધિનું જાણે સંગ્રહાલય તૈયાર કરવા માટે મુકામે મુકામે મંદિરો તૈયાર કર્યાં છે. અને દરેક મંદિર પોતાની કળા દ્વારા તમારું મન હરી લઈ અંતે શિખરની આંગળી ઊંચી કરી અનંત આકાશમાં પ્રકટ થતા મેઘશ્યામનું ધ્યાન ધરવા પ્રેરે છે.
જેમ `અજાન’નો અવાજ ખુદાપરસ્તોને નિમાજનું સ્મરણ કરાવે છે, તેમ જ દૂર દૂરથી દેખાતી શિખરરૂપી ચળકતી આંગળીઓ સ્તોત્રો ગાવાને પ્રેરે છે.
અને નર્મદાને કિનારે શિવજીનું કે વિષ્ણુનું, રામચંદ્રનું કે કૃષ્ણચંદ્રનું, જગત્પતિનું કે જગદંબાનું સ્તોત્ર શરૂ કરતાં પહેલાં નર્મદાષ્ટકથી પ્રારંભ કરવાનો હોય છે – सबिंदुसिंधु सुस्खलत् तरंगभंगरंजिंतम्। આવી રીતે પંચચામરના લઘુગુરુ અક્ષરો જ્યારે નર્મદાના પ્રવાહનું અનુકરણ કરે છે ત્યારે ભક્તો મસ્તીમાં આવીને કહે છે કે, “માતા! તારા પવિત્ર જળનું દૂરથી દર્શન થયું કે તરત આ દુનિયાની સમસ્ત બાધા દૂર થઈ જ ગઈ.” – गतं तदैव मे भयं त्वदम्बु वीक्षितं यदा। અને અંતે ભક્તિમાં લીન થઈ એ નમસ્કાર કરે છે. त्यदीय पाद-पंकजं नमामि देवि नर्मदे।
આપણે ભૂલવું ન જોઈએ કે જેમ નર્મદા આપણી પ્રાચીન સંસ્કૃતિની માતા છે તેમ જ તે આપણાં ભાઈભાંડુ આદિમજાતિ લોકોની પણ માતા છે. એ લોકોએ નર્મદાને બંને કિનારે હજારો વર્ષો સુધી રાજ્ય કર્યું હતું, કેટલાક કિલ્લાઓ પણ બાંધ્યા હતા અને પોતાની એક વિશાળ આરણ્યક સંસ્કૃતિ ખીલવી હતી.
મને હંમેશાં લાગ્યું છે કે હિંદુસ્તાનનો ઇતિહાસ પ્રાંતવાર કે રાજ્યવાર લખવાને બદલે નદીવાર લખાયો હોત તો એમાં પ્રજાજીવન કુદરત સાથે વણાયું હોત, અને દરેક પ્રદેશની પુરુષાર્થી જાહોજલાલી નદીના ઊગમથી મુખ સુધી તણાયેલી જડી હોત. જેમ આપણે સિંધુના કિનારાના ઘોડાઓને સૈંધવ કહીએ છીએ, ભીમાના કિનારાનું પોષણ મેળવીને પુષ્ટ થયેલા ભીમથડીના ટટ્ટુને વખાણીએ છીએ. કૃષ્ણા નદીની ખીણનાં ગાય-બળદોને વિશેષ રીતે ચાહીએ છીએ, તેવી જ રીતે જૂના કાળમાં દરેક નદીને કિનારે વિકસેલી સંસ્કૃતિ અલગ અલગ નામે ઓળખાતી હતી.
એમાંયે નર્મદા નદી એ ભારતીય સંસ્કૃતિના બે મુખ્ય વિભાગની સીમારેખા ગણાતી. રેવાની ઉત્તરે પંચગૌડોની વિચારપ્રધાન સંસ્કૃતિ અને રેવાની દક્ષિણે દ્રાવિડોની આચારપ્રધાન સંસ્કૃતિ મુખ્ય ગણાતી. વિક્રમ સંવતની કાળગણના અને शालि-वाहन શકની કાળગણના બંને નર્મદાને કિનારે સંભળાય છે અને બદલાય છે.
ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે એક લીટી દોરવાનું કામ નર્મદા કરે છે એમ મેં કહ્યું ખરું, પણ એની સાથે હરીફાઈ કરનારી એક બીજી નદી પણ છે. નર્મદાએ મધ્ય હિંદુસ્તાનથી પશ્ચિમ કિનારા સુધી લીટી દોરી. એ જાણે બરાબર ન થયું એમ માનીને ગોદાવરીએ પશ્ચિમના પહાડ સહ્યાદ્રિથી પ્રારંભ કરી પૂર્વસાગર સુધી એક ત્રાંસી લીટી ખેંચી છે. એટલે ઉત્તરના બ્રાહ્મણો સંકલ્પ બોલતી વખતે કહેવાના – “રેવાયા: ઉત્તરે તીરે.” જ્યારે પૈઠણના રાજ્યના અભિમાની અમે દક્ષિણી લોકો “ગોદાવર્યા: દક્ષિણે તીરે” એમ બોલવાના. જે નદીને કિનારે શાલિવાહન અથવા શાતવાહન રાજાઓએ માટીમાંથી માણસો બનાવી એ ફોજ દ્વારા યવનોને હરાવ્યા, તે ગોદાવરીને સંકલ્પમાં સ્થાન ન મળે એ કેમ ચાલે?
*
નર્મદા નદીની પરિક્મ્મા તો મેં નથી કરી. અમરકંટક જઈને ઊગમનું દર્શન કરવાનો સંકલ્પ બહુ જૂનો છે. ગયે વરસે રીવા રાજધાની સુધી ગયા પણ હતા. પણ અમરકંટક જવાયું નહીં. નર્મદાનાં દર્શન તો ઠેકઠેકાણે કર્યાં છે. એમાંનું વિશેષ કાવ્ય અનુભવ્યું તે જબલપુર પાસે ભેડાઘાટમાં.
ભેડાઘાટમાં, હોડીમાં બેસીને આરસપહાણના પીળાનીળા પથરા વચ્ચે જ્યારે જલવિહાર કરીએ છીએ ત્યારે એમ જ લાગે છે કે જાણે યોગવિદ્યામાં પ્રવેશ કરી માનવચિત્તનાં ગૂઢ રહસ્યો ઉકેલીએ છીએ અને એમાંયે જ્યારે બંદરકૂદની પાસે પહોંચીએ છીએ અને જૂના સરદારો ઘોડાને ઇશારો કરી પેલી પાર સુધી કૂદ્યાની વાતો સાંભળીએ છીએ ત્યારે જાણે મધ્યકાલનો ઇતિહાસ ફરી વાર જીવતો થાય છે.
આ ગૂઢ સ્થાનનું આ માહાત્મ્ય ઓળખીને જે કોઈ યોગવિદ્યાના ઉપાસકે પાસેની ટેકરી ઉપર ચોસઠ યોગિનીનું મંદિર બાંધ્યું હશે અને એ યોગિનીના ચક્ર વચ્ચે નંદી ઉપર બિરાજેલાં શિવ-પાર્વતીને સ્થાપ્યાં હશે. એ યોગિનીની મૂર્તિઓ જોઈને ભારતીય સ્થાપત્ય પ્રત્યે માથું નમે છે અને એવી મૂર્તિઓ જેમણે ખંડિત કરી એમની ધર્માંધતા પ્રત્યે ગ્લાનિ પેદા થાય છે, પણ આપણે તો ખંડિત મૂર્તિઓ જોવાને ક્યારના ટેવાયા છીએ.
*
ધુંવાધાર, પ્રકૃતિનું એક સ્વતંત્ર કાવ્ય છે, પાણીને જો જીવન કહીએ તો અધ:પાતને કારણે ખંડ ખંડ થયા પછી પણ જે સહેજે પૂર્વરૂપ ધારણ કરે છે અને શાંતપણે આગળ વહે છે તે ખરેખર જીવનતમ છે. ચોમાસામાં જ્યારે આખો પ્રદેશ જળબંબોળ થાય છે ત્યારે ન મળે `ધારા’ અને ન નીકળે એમાંથી વરાળ જેવી `ધુંવા’. ચોમાસું ઓસરી ગયા પછી જ ધુંવાધારની મસ્તી જોઈ લેવી. ધોધ ઉપર મીટ માંડીને ધ્યાન કરવાનું હું પસંદ નહીં કરું, કેમ કે ધોધ એ કેફી વસ્તુ છે. એ ધોધમાંથી જ્યારે ધોબીઘાટનાં સાબુનાં પાણીની ભાત દેખા દે છે અને આસપાસ ઠંડી વરાળના ગોટેગોટા રમત રમે છે ત્યારે જેમ જુઓ તેમ ચિત્તવૃત્તિ અસ્વસ્થ થઈ જાય છે. એ દૃશ્ય ધરાઈને જોયા પછી, પાછા ફરતાં એમ જ લાગે છે કે જીવનના કોઈ કટોકટીના પ્રસંગમાંથી આપણે બહાર નીકળ્યા છીએ, અને આટલા અનુભવ પછી આપણે પહેલાંના જેવા રહ્યા નથી.
*
ઇટારસી-હોશંગાબાદ પાસેની નર્મદા સાવ જુદી જ છે. ત્યાંના પથરા ત્રાંસા ત્રાંસા જમીનમાં ખૂંચેલા હોય છે. કયા ધરતીકંપથી પથરાનાં પડો આવાં વિષમ થયાં છે એ કોઈ કહી શકે નહીં. નર્મદાને કિનારે ભગવાનની આકૃતિ ધારણ કરીને બેઠેલા પાષાણો પણ કશું કહી ન શકે.
અને એ જ નર્મદા જ્યારે પાઘડી-પને આવેલા ભરૂચના કિનારાને ધોઈ કાઢે છે અને અંકલેશ્વરના ખલાસીઓને રમાડે છે, ત્યારે એ નદી સાવ જુદી જ દેખાય છે.
*
કબીરવડ પાસે પોતાને ખોળે એક બેટને ઉછેરવાનો લહાવો જેને એક વાર મળ્યો, તે સાગર-સંગમ વખતે પણ એવા જ બેટ-બાળકને ઉછેરે અને કેળવે તો તેમાં આશ્ચર્ય શું?
કબીરવડ એ હિંદુસ્તાનનાં અનેક આશ્ચર્યોમાંનું એક છે. લાખો લોકો જેની છાયામાં બેસી શકે અને મોટી મોટી ફોજો જેની છાયામાં પડાવ નાખી શકે, એવો એક વડ નર્મદાપ્રવાહની વચ્ચોવચ એક બેટમાં પુરાણપુરુષની પેઠે અનંતકાળની પ્રતીક્ષા કરે છે. મહારેલ આવે એટલે બેટનો એક ભાગ એમાં તણાઈ જાય. એની સાથે એ વડની અનેક શાખાઓ અને વડવાઈઓ પણ તણાઈ જાય. કબીરવડના આવા ભાગલા અત્યાર સુધી કેટલી વાર થયા એની નોંધ ઇતિહાસ પાસે નથી. નદી વહેતી જાય છે અને વડને નવી નવી કૂંપળો ફૂટતી જાય છે! સનાતનકાળ વૃદ્ધ પણ છે અને બાળક પણ છે. એ ત્રિકાળજ્ઞાની પણ છે અને વિસ્મરણશીલ પણ છે.
એ કાળ ભગવાનનું અને કાલાતીત પરમાત્માનું અખંડ ધ્યાન ધરનારા ઋષિમુનિઓ અને સંતમહાત્માઓ જેને કિનારે યુગેયુગે વસતા આવ્યા છે, તે આર્ય-અનાર્ય સમસ્તની માતા નર્મદા ભૂત-ભવિષ્ય-વર્તમાનના માનવીઓનું કલ્યાણ કરે. જય નર્મદે હર!
ઑગસ્ટ, ૧૯૫૫