‘મારી દન્તપંક્તિ તારી જીભની નીચે સ્વચ્છ છે. તું મારા હૃદય પર ઝળુંબીને મારાં ગાત્રો પર શાસન કરે છે. હે મારા પ્રિયતમ, વહાણના કપ્તાનની જેમ તું મારી શૈયાનો સ્વામી છે. કપ્તાનના સ્પર્શે સુકાન નરમ બને છે, એના વર્ચસ્ હેઠળ મોજાં ધીમાં પડે છે, અને શઢને ખેંચનારાં દોરડાંના ભાર નીચે, મારી અંદર રહેલી બીજી નારી કણસે છે… આખા ય વિશ્વમાં એક જ મોજું, એ એક જ મોજું વિશ્વ સમસ્તના ને આપણી વચ્ચેના અફાટ અન્તરને વ્યાપતું આપણા સુધી પહોંચે છે… અને બધી બાજુથી એવો તો એનો ઉછાળો, જે ઊંચે ચઢીને આપણામાં એનો રસ્તો શોધી લે છે…’
‘ઓહ! તારાં મૌન અને અનુપસ્થિતિ રખે તને મારો કઠોર કપ્તાન બનાવે! અત્યન્ત દક્ષ સુકાની, ભારે સમજણા પ્રેમી! લઈ લે, લઈ લે, તારા દાનથી વિશેષ મારી પાસેથી લઈ લે. મને ચાહતાં, મારા પ્રિયતમ બનવાનું ય શું તું નહિ ઇચ્છે?… હું ભયથી ફફડું છું, મારા હૃદયમાં દર્દનાક અધીરાઈનો વાસો છે. કેટલીક વાર, પુરુષનું હૃદય દૂર દૂર ભટકતું હોય છે ને એની આંખની કમાન નીચે, એકાન્તમાં ઊભેલી ઊંચી કમાનો નીચે હોય છે તેમ રણના સીમાડા સુધી ઠેઠ પહોંચી જતો, સમુદ્રનો વિશાળ પ્રસાર હોય છે.
‘સમુદ્રની જેમ દૂર દૂરની મહાન વસ્તુને માટે હિઝરાતા હે પ્રિયતમ, મેં તારી ભ્રમરોને નારીની પેલે પાર કશુંક શોધતી જોઈ છે. જે રાતે તું સુકાન ઝાલીને વહાણને દોરે છે તે રાતે ક્યાંય દ્વીપ કે કાંઠાનો અણસાર નથી વરતાતો? તારામાં વસતું એ કોણ સદા અપરિચિતની જેમ અળગું રહીને પોતાની જાતને નકારે છે? પણ ના, તું સ્મિત કરે છે, આ તો તું જ છે, તું મારા મુખ પાસે આવે છે – જળ ઉપર કૂચકદમ કરતી મહાન નિયતિની જેમ, પ્રતિબિમ્બના જેવી વિશદતા સહિત (પીળી અને લીલી માટીના વિસ્તાર વચ્ચે, ફાટેલાં પહોળાં ખેતરોની જેમ, પ્રકાશથી એકાએક આહત થતા હે સમુદ્ર!) અને હું, મારે જમણે પડખે સૂતેલી, મારા ખુલ્લા વક્ષ:સ્થળની પડછે તારા રખડુ લોહીના ધબકારા સાંભળું છું.’
‘તું આ રહ્યો, મારા પ્રિયતમ, અને તારામાં મારું સ્થાન છે. અન્ય ક્યાંય નહીં. મારા અસ્તિત્વના મૂળને હું તારા ભણી ઉન્મુખ કરીશ ને પુરુષની રાત્રિ કરતાં વિશદ એવી મારી નારીની રાત્રિને તારી આગળ અવારિત કરી દઈશ; મારામાં રહેલું ચાહવાનું ઐશ્વર્ય કદાચ તને કોઈ વડે ચહાવામાં રહેલા સૌન્દર્યનું ભાન કરાવશે.’
(‘Sea Marks’માંથી)