સુન્દરી માર્જારી

સુન્દરી માર્જારી! અહીં આવ,
કામુક વક્ષ પે મમ અંગ તું લંબાવ;
ઢાંકી દે નહોર તારા તીક્ષ્ણ ને કુટિલ;
ખોઈ દેવા દેને મને નયને મદિલ.
સ્ફટિક ને સુવર્ણની એમાં ભળી ઝાંય,
મોહક મારક એના કામણથી હૈયું આ ઘવાય.

અલસ ને મત્ત મારી અંગુલિઓ પંપાળતી ફરે જ્યારે
નમનીય પીઠે અને શિરે તારે,
રોમાંચિત થઈ ઊઠું છું હું ત્યારે,
વિદ્યુન્મયી તારી કાયા તણા સ્પરશને.

તરવરી રહે ત્યારે છબિ પ્રેયસીની:
તારા જેવી દૃષ્ટિ એની ગૂઢ અને હિમમયી,
વેધક ને તીક્ષ્ણ એવી જાણે વિષદંશ,
દયાતણો જેમાં નહિ લવલેશ અંશ!

કશી મરીચિકા, કશી પ્રાણાન્તક ગન્ધ
ઘેરી વળે નખશિખ એનાં રે ધૂસર અંગ

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.