લિ સિડ

હવે નસીબમાં આવો સારો દિવસ લખ્યો નથી.
એક ઘડી પછી
આપણો વદાય લેવાનો વિધિ પૂરો થશે.
વળાંક આગળ આવી પહોંચતાં જ
શું કરીશ તે સમજાતું નથી.
રસ્તાની બંને બાજુએ ધાન ભર્યાં ખેતર;
મારો હાથ તારા હાથમાં, હોઠે નહિ હરફ.
નાનાં નાનાં ધોળાં વાદળાં
દોડ્યાં જાય આકાશમાં;
વળી ક્યાંક જઈને એ બધાં ટોળે વળે.
ઝાંખો પવન સ્વર્ગમાં વહીને ભળી જાય.
આજ પછી હવે કેટલાય વખત સુધી
આપણે મળી શકવાનાં નહિ,
તેથી આવ, આવ આમ ને આમ ગુપચુપ
અહીં થોડી વધુ ક્ષણ ઊભા રહીએ.
ઇચ્છા થાય છે કે પ્રભાતની પાંખમાં લપાઈને
તારી સાથે ઊડી જાઉં
તું જ્યાં જવા નીકળી છે ત્યાં –
છેક ત્યાં સુધી.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.