દુ:ખિયારી

એ ઉમ્બર પર રાહ જોતી ઊભી રહી
ને હું ચાલી નીકળ્યો દૂર દૂર દૂર….
એને ખબર નહોતી કે હું પાછો આવવાનો નહોતો.

એક કૂતરો પસાર થયો, એક સાધ્વી પસાર થઈ,
એક અઠવાડિયું પસાર થયું ને એક વરસ પણ પસાર થયું.

વરસાદે મારાં પગલાં ધોઈ નાંખ્યાં
અને શેરીમાં ઘાસ ઊગી નીકળ્યું,
અને એક પછી એક, પથ્થરોની જેમ,
ધીમે ધીમે ગબડતા પથ્થરોની જેમ
વર્ષો એના માથા પર આવી પડ્યાં.

પછી આવ્યું યુદ્ધ
જાણે લોહીનો જ્વાળામુખી ફાટી નીકળ્યો.
બાળકો મર્યાં, ઘર મર્યાં.
અને એ નારી મરી નહીં.
આખાં મેદાન સળગી ઊઠ્યાં.
નમ્ર પીતવર્ણ દેવો
હજારો વર્ષથી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતા.
એમને મન્દિરમાંથી ખણ્ડિત કરીને ફગાવી દીધા.
હવે એઓ સ્વપ્નાં સેવતા બંધ થયા.
મીઠડાં ઘર, વરંડા
જ્યાં હું ઝાડ વચ્ચે બાંધેલા ઝૂલા પર સૂતો,
એ ગુલાબી છોડ,
મોટા પસારેલા હાથ જેવાં પાંદડાં.

ચીમનીઓ, પવનચક્કીઓ
બધું ભાંગીને ચૂરેચૂરા થઈ ગયું, બળી ગયું.
અને જ્યાં શહેર હતું ત્યાં
માત્ર કજળેલા અંગારા રહ્યા,
મરડાયેલા લોખંડના સળિયા,
મરી ગયેલાં પૂતળાંઓનાં
વિરૂપ મસ્તકો
અને લોહીના કાળા ડાઘ.

અને રહી ગઈ પેલી રાહ જોતી નારી.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.