એકરાર

સ્વર્ગભ્રષ્ટ અપ્સરા હે, સૂર તારો કર્કશ વિશદ:
‘નથી કશું નિત્ય સ્થાયી અહીં પૃથિવી પે
છોને ઢાંકે મોહક કૈં છદ્મવેશે માનવી સદાય
સ્વાર્થાન્ધતા કિન્તુ એની ઢંકાય ના, એ તો છતી થાય!

‘સૌન્દર્યસામ્રાજ્ઞી થવું, કેવી કપરી છે વાત,
પણ્યાંગનાતણા પરિશ્રમસમું વિફલ એ સાવ!
ઉષ્માહીન નૃત્યે ખાઈ ઘૂમરડી ઢાળે કાય
યન્ત્રવત્ ફરકાવે તો ય મુખે સ્મિત એ સદાય.

‘માનવીનું ઉર, એમાં માળો તે બંધાય?
મૂઢ તો ય એમાં વાસો કરવાને જાય!
પ્રેમ અને સુન્દરતા – બધું ય ભંગુર અહીં
વિસ્મૃતિ સંચિત કરે, લુપ્ત થાય શાશ્વતના શૂન્યે!

હજી ય હું સ્મર્યા કરું ચન્દિરા એ માદક મોહક,
ઘેરી લેતો આપણને નિસ્તબ્ધ ને અલસ એ પરિવેશ;
ભયંકર એકરાર, કર્કશ ઉચ્ચાર એનો
કર્યો’તો તેં હૃદયના નિગૂઢ મર્મસ્થાને.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.