અનિર્વચનીયા

પેલે પારની ગિરિમાળાઓમાં, અને આકાશના પ્રકાશમાં,
આખો દિવસ આ શી લીલા!
પંખીના ગાને ચોરપગલે
પ્રકાશ આવે,
ખોલી નાંખે એનો નીલ ઘૂમટો,
વેરાઈ જાય ચપળ હાસ્ય
બીડેલા હોઠને કોઈ ખૂણે,
કાળી આંખોને કાંઠેકાંઠે,
આખો દિવસ આ શી લીલા!

વળી કદિક પ્રકાશ આવે છે ગુપચુપ,
તન્દ્રાના ઘેનમાં પડેલી નિ:સ્તબ્ધ બપોરની
નિ:શબ્દતાને તાલે તાલે,
એકાએક એને માથે પહેરાવી દે મયૂરકણ્ઠી વસ્ત્ર
મેઘની પૂણીમાંથી ચન્દ્રને ચરખે વણેલું.
પ્રકાશ આવે,
ગિરિમાળાના મુખ પરનો ભાવ કેવો અપ્રત્યાશિત,
આખો દિવસ આ શી લીલા!
તો કોઈ વાર દેખું વાદળોની વચ્ચેથી
ગિરિના મસ્તક પર ખરી રહ્યાં છે પ્રકાશનાં ફૂલ
આખી ઉપત્યકા એનાથી ભરાઈ જાય છે,
ઝળહળી ઊઠે છે નદીનાં જળ,
વનસ્થલી બની ઊઠે છે આભામય.
હરિયાળી શ્યામલ સોનેરી નીલિમાએ
ક્ષણેક્ષણ આ કેવું ઓઢણીનું અપસરણ!
કેટલા રંગ છે પ્રકાશના,
કેટલી ચૂંદડી છે ગિરિમાળાની!
ફિક્કા પ્રકાશથી તે ઘેરા પ્રકાશની વચ્ચે
આ કોણ સરગમ છેડી દે છે
રંગ રંગે!
આંખ પકડી શકે નહિ ક્યાં એનો આદિ ને ક્યાં એનો અન્ત!
કેવી રીતે કહું એનું નામ,
પ્રકાશ અને ગિરિમાળા વચ્ચે
આખો દિવસ આ શી લીલા!

ચાંદની રાતે પ્રકાશ આવે
શ્વેત મયૂરનો કલાપ ખોલીને
ગિરિમાળા ત્યારે એમાં ભળી જવાની અણી પર.
નિ:શબ્દ, નિર્જન પૃથ્વી જાણે
કોઈ ચન્દ્રલોકનો છેડો,
વનની ઘેરી કાળાશ પર પડે છે
અવિશ્વાસનું શ્વેત આચ્છાદન.
આકાશની શુભ્રતા અને પૃથ્વીની કાલિમા
એ બે કાંઠાની વચ્ચે ડૂબી ગયા છે બધા રંગ,
દિવસનો બધો વૈભવ
રંગનું આ તે કેવું નિર્વાણ!
આખો દિવસ બેઠો બેઠો જોયા કરું હું
આખો દિવસ અને આખી રાત.
ગિરિ અને પ્રકાશ વચ્ચે આ તે શી લીલા!
રંગે રંગે આ શી માળાની અદલાબદલી,
પૃથ્વીમાં આટલા બધા રંગ શાને તે કોણ જાણે?
હળવા જાંબુડી રંગની ધૂમિલ મલમલ
નાંખે છે આવરણ.
આ ચાલ્યાં જતાં વાદળની નીલ છાયાનું
ચંચલ કૌતુક
અને
આ ગોધૂલિનું પાનેતર ગિરિમાલાના સીમાન્તને
ઢાંકી દે ગુણ્ઠનથી,
આ બધું શા માટે તે કોણ જાને?
કેવળ મારું મન બહેલાવવાને
આટલું આયોજન?
પ્રકાશછાયાનું આ પાણિગ્રહણ?
રંગની સાથે રંગનો મેળ?
આ દિગન્તવ્યાપી ભૂમિકાનું લક્ષ્ય
આ ક્ષુદ્ર હું?
મન કહે: ના, કદાપિ નહીં.
એ લોકો એમની ધૂનમાં મસ્ત
એમને મારી કશી પડી નથી.
હું મારી તાનમાં
અમે એકબીજાથી નિરપેક્ષ
તો પછી રંગો આટલા રંગીન કેમ?
આકાશ આટલું સુંદર કેમ?
પૃથ્વી કેમ આટલી બધી મોહાંજનમય?

તારા ભણી જોતાં જ
જાણે ઉત્તરનો આભાસ મળે.
તારાં મુખે આંખે કપાળે
તારા પાલવની માલિનીમાં
તારા કુન્તલના ભુજંગપ્રપાતમાં
તારા કણ્ઠની સ્રગ્ધરામાં
તારા ચરણોની મન્દાક્રાન્તામાં
તારા લલાટના વસન્ત–તિલકમાં
અને
તારા વક્ષના શિખરિણી છન્દે
એનો સદુત્તર જાણે લખ્યો છે,
હે સુન્દરી,
તું આ વિશ્વકાવ્યની
અનિર્વચનીયા મનોરમા ટીકા.
તને જોતાં આ બધું કંઈક સમજાય છે ખરું.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.