એક શિયાળામાં –

એ ઘરમાં કોઈ નહોતું.
મને તો તેડેલો એટલે હું અંદર ગયો,
એક અફવાએ –
ભટકવાના હવાઈ તુક્કાએ
મને તેડ્યો હતો;
મુખ્ય ઓરડો ખાલી હતો,
ગાલીચામાં કાણાં પડી ગયાં હતાં,
એ અવજ્ઞાપૂર્વક મને જોઈ રહ્યાં હતાં.

અભરાઈઓ બધી ભાંગી ગઈ હતી.
પુસ્તકો માટે પાનખર બેસી ગઈ હતી,
એનાં પાને પાનાં ઊડી રહ્યાં હતાં.
ખિન્ન રસોડામાં
ભૂખરી વસ્તુઓ અહીંતહીં ઊડાઊડ કરતી હતી,
ગમગીન થાકેલાં છાપાં,
મરી ગયેલા કાંદાની પાંખો.

એક ખુરશી મારી પાછળ પાછળ આવી
દયામણા લંગડા ઘોડાની જેમ,
એને નહીં પૂંછડી કે નહીં કેશવાળી,
માત્ર ત્રણ દુ:ખી ખરીઓ.
હું ટેબલને અઢેલીને ઊભો રહ્યો
કારણ કે એ હતું પ્રમોદનું સ્થાન
રોટી, શરાબ, ધીમે તાપે રાંધેલી વાનગી,
વસ્ત્રો સાથે વાર્તાલાપ,
આ કે તે વિધિ
અને નાજુક પ્રસંગો;
પણ ટેબલ મૂગું હતું
કેમ જાણે એને જીભ જ ન હોય!
શયનગૃહ ચમકી ઊઠ્યાં.
એમની નિસ્તબ્ધતાને મેં ભેદી તેથી.
એમનાં દુ:ખ અને સ્વપ્નો સાથે
ત્યાં એઓ ફસાઈ પડ્યાં હતાં;
કારણ કે કદાચ ત્યાં જેઓ સૂતાં હતાં
તેઓ આંખ બીડી નહીં શક્યાં હોય,
ત્યાંથી તેઓ સીધાં મરણ પાસે પહોંચ્યાં હશે,
પથારીઓ વેરણછેરણ કરી નાખેલી હતી,
અને શયનગૃહો ફસડાઈ પડેલાં વહાણની જેમ
તળિયે બેસી ગયાં હતાં.

હું બગીચામાં જઈને બેઠો
એ શિયાળાનાં મોટાં મોટાં ટીપાંથી છંટાયેલો હતો.
એટલા બધા વિષાદને તળિયે
એ મસળાઈ ગયેલા એકાન્તમાં
મૂળિયાં હજી કાર્યરત હતાં
એમને કોઈ ઉત્તેજન આપનારું નહોતું તે છતાં –
મને તો એ અસમ્ભવ જ લાગ્યું.

આમ છતાં, તૂટેલા કાચની વચ્ચે
ખરી પડેલા પ્લાસ્ટરના ગંદા ટુકડાઓ વચ્ચે
એક ફૂલ ખીલું ખીલું થઈ રહ્યું હતું;
વસન્તને ધૂત્કારી કાઢી હતી તે છતાં
એણે એની વાસના છોડી નહોતી.
હું જવા નીકળ્યો ત્યારે એક બારણું ચૂંચવાયું
અને પવને હચમચાવી નાખેલી
કેટલીક બારીઓ કકળવા લાગી –
કેમ જાણે એમને કોઈ નવા પ્રજાસત્તાકમાં
જઈને વસવાની ઇચ્છા ન થઈ હોય!
જ્યાં પ્રકાશ અને પડદાઓ મદ્યના રંગના હોય
એવા શિયાળામાં જવાની ઇચ્છા ન થઈ હોય!

ને મેં મારા જોડાને સાબદા કર્યા,
કારણ કે જો ત્યાં મને ઝોકું આવી ગયું હોત,
ને આ બધી વસ્તુઓએ મને ઢાંકી દીધો હોત
તો શું કરવું તે મને સૂઝ્યું ન હોત.
ને હું કોઈ ઘૂસણખોર ભાગે તેમ ભાગ્યો –
જે ન જોવું ઘટે તે જોઈ ચૂક્યો હતો.

આથી જે મુલાકાતે હું ગયો જ નહોતો
તેની વાત મેં કોઈને કરી નહીં –
એ ઘરબર ક્યાં ય છે નહીં,
એ લોકોને ય હું ઓળખતો નથી,
મારી આ વાત પણ ઉપજાવી કાઢેલી છે.

એવી હોય છે શિયાળાની ગમગીની.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.