પુષ્કળા

તેં આ હાથ જોયા?
એણે પૃથ્વીને માપી લીધી છે,
ધાતુ અને ધાન્યને જુદાં પાડ્યાં છે,
એણે યુદ્ધ ખેડ્યાં છે, સન્ધિઓ કરી છે,
બધાં સમુદ્રો અને નદીઓ વચ્ચેના
અન્તરને એણે ભૂંસી નાંખ્યું છે.
ને છતાં,
એ જ્યારે તારા પર ફરે છે,
મારી નાજુકડી પ્રિયા,
મારો ઘઉંનો દાણો, મારી ચરકલડી
ત્યારે એ તને ઘેરી લઈ શકતા નથી.
તારી છાતીમાં જંપેલાં કે ઊડતાં
પેલાં પારેવાનાં જોડાંને એ શોધીશોધીને
થાકી જાય છે.
એ તારાં ચરણના દૂરગામી પ્રસાર પર ઘૂમે છે.
તારી કટિના પ્રકાશવર્તુળમાં એ કુંડાળું વળીને બેસે છે.
મારે મન તો તું
આ સમુદ્ર અને એની શાખાઓથી ય
વધુ વિપુલતાનો ભંડાર છે,
તું શ્વેત છે, આસમાની છે
દ્રાક્ષસંચયની ઋતુવેળાની પૃથ્વી જેવી વિશાળ છે
એ પ્રદેશમાં –
તારાં ચરણથી તે આંખની ભ્રમર સુધીના વિસ્તારમાં
હું ચાલતો, ચાલતો, ચાલતો
મારું જીવન વીતાવી દઈશ.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.