કુંભાર

તારી આખી ય કાયાની
આ પુષ્ટતા અથવા મૃદુતા
મારે માટે નિર્માયેલી છે.

હું મારો હાથ ઊંચો કરું છું
ને દરેક સ્થાને મને શોધતું
પારેવું મને દેખાય છે
પ્રિયે, કેમ જાણે મારા કુંભારના હાથમાં
ઘડવા માટે તને માટીની જ ન બનાવી હોય!

તારા ઘૂંટણ, તારાં સ્તન,
તારી કટિ
તે જાણે મારા જ ખૂટતા અંશો
તરસી ધરતીમાંથી કોઈ જેમ
આકાર ઉશેટી લે ને
પોલાણ રહી જાય તેવું,
અને આપણે બે ભેગાં થઈએ
એટલે પૂર્ણ, એક નદીનાં જેવાં,
એક રેતીના કણ જેવાં

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.