‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’

દરરોજ રાતે હંસપદિકાનું ગીત સુણું
વિરહિણી હંસપદિકા –
બહુવલ્લભ દુષ્યન્તની શુદ્ધાન્તવિહારિણી.
સ્વપ્ને હું ચાલી જાઉં કાલિદાસના યુગે
જ્યારે નદીકાન્તારનગરીએ સમાચ્છન્ન સમૃદ્ધ ભારતવર્ષ
કવિનું કાવ્ય જ્યારે મેઘલોકથી તે માટીની પૃથ્વીને
પ્રિયાના પદનખ સાથે સરખાવવાને અધીર–
સ્વપ્ને હું એ કાળમાં પહોંચી જાઉં
ને ગીત સુણું હંસપદિકાનું –
રાજઉપવને વિરહિણી નારીનું મૃદુ ગુંજન
મને થાય આ તે સ્વપ્ન કે માયા કે મતિભ્રમ?

દરરોજ રાતે હું મારી પ્રિયતમાનું ગીત સુણું
પ્રોષિતભર્તૃકા પ્રિયતમા –
ઘરની બારી પાસે મીટ માંડીને બેઠેલી કલ્યાણી વધૂ –
સ્વપ્ને હું ઊતરી આવું આધુનિક કાળે
જ્યાં પીડાજર્જર ત્રસ્ત જીવને અવસર દુર્લભ,
કવિના કાવ્યમાં હવે રહી નથી પ્રિયા,
પ્રિયાનો પદનખ હવે સમ્માનિત થતો નથી કાવ્યમાં
વૈવિધ્યપૂર્ણ સુન્દર ઉપમાએ અને અલંકારે; –
ત્યારે હું ગીત સુણું –
ભીત દાસ જીવનનું ગાન –
પથ્થરોમાં અને તપેલી રણની રેતીમાં
દુ:ખિની પ્રિયતમાના મુખની રેખા આંકું,
મને થાય: આ તે વિરહ કે મિલન કે મૃત્યુ!

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.