સૂરજકુંડ*

લીંબુની છાલના જેવી અમસૃણ માટીની દીવાલે
નારંગી રંગનો તાપ ભુંસાયો, ને સ્તૂપાકાર ઘાસે
સુવર્ણના ગુચ્છે ગુચ્છ મ્લાન થયા, પથના સિંદુરે
બલિષ્ઠ મજૂર યુવા, અપૂરતા કટિવસ્ત્રે એના
શિશ્નનો સંકેત, ચાલી જાય ગ્રામાન્તરે કન્યા,
કાંચળીના છિદ્રપથે પુષ્ટ કાળી અંગુરના જેવી
એક સ્તનતણી ડીંટી; પાછો ફર્યો ઊંટ હાંકનાર
વિષણ્ણ સંગીત એનું દૂરે; આકાશમાં હળ ખેડી
ઉખાડેલા મેઘ-પોપડાની નીચે જાય હાર બગલાની
સૂરજ કુંડની પરે આ રાત્રિની પેઠે.

એકાન્તે આ પૃથ્વીના જન્મમૃત્યુ મૈથુન સંગમે
નિર્વાણના પથે જાય સ્ત્રીપુરુષ અને સમકામી,
પશુની ઉષ્ણતા લઈ અપાથિર્વ સન્ધ્યાસમે અહીં
અમારી નિકટે આવી ઊભો રહે સુન્દર ઈશ્વર.

[1]


  1. * દિલ્હીમાં કુતુબમિનારની દક્ષિણે આવેલું જૂના સ્થાપત્યવાળું તળાવ.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.