મલબારની કન્યાને

તારા કર જેવાં સુકુમાર છે ચરણ તારાં,
પૃથુલ જઘન તારાં જોઈ બળે ચપલ ગૌરાંગી સુધ્ધાં;
શિલ્પી ઉરે વસી જાય મધુર દુલારી તારી કાયા,
એથી ય કાળવી તારી મખમલી આંખતણી માયા.
ઉષ્ણ હવા, નીલ નભવાળા દેશે જન્મ દીધો વિધાતાએ તને,
દાસી તું ત્યાં, હુક્કો ભરે શેઠનો ને કૂજામાં શીતળ જળ;
સુગન્ધી ધૂપ ત્યાં બાળે, મચ્છરોને શય્યાથકી ભગાડી દે દૂર;
ઉષા જ્યારે કરી દિયે વૃક્ષરાજિ સંગીતમુખર
દોડી જાય બજારે તું ખરીદવા કેળાં અનેનાસ;
ભટકે દિવસ આખો અહીંતહીં તું ઉઘાડે પગે
કો ભુલાયા ગીતતણા સૂર ગૂંજે મને.
પસારી પાલવ લાલ સાંજ જ્યારે ઢળે
નરમ ચટાઇપરે તું ય ત્યારે તારી કાયા ઢાળે.
વહ્યે જતાં સ્વપ્ન તારાં પંખીના કૂજને છલકાય,
લાલિત્ય ને કુસુમથી તારી જેમ એ ય શાં સોહાય!
સુખી બાળા! શાને જોવા ઇચ્છતી તું ફ્રાન્સ દેશ મારો,
ખદબદે લોક જ્યહીં દારુણ યાતનાભર્યા, ક્યાંય નહીં આરો!
તારી વ્હાલી આમલીની છોડીને નિબિડ છાયા
નાવિકોના ભુજબન્ધે શાને સોંપે તારી કાયા!
પાતળી મસ્લિને માંડ ઢાંકી અંગ ધ્રૂજતી તું હિમવરસાએ,
પેટભરી ઝૂરશે એ નિષ્કલંક મધુર આળસભરી જિન્દગીને કાજે!
કસીને બાંધેલું ક્રૂર વસ્ત્ર તારા પીડશે રે સ્તન,
પેરિસના પંકિલ ખર્પરમહીં આરોગશે જ્યારે તું ભોજન.
સંમોહક અદ્ભુત આ અંગતણી સુવાસનો કરશે વિક્રય,
વિષાદે વિચારે મગ્ન ધુમ્મસને ભેદીને નયન દ્વય.
લુપ્ત નારિયેળી તણા પ્રેમતણી છાયા દૂરે
જોઈ નહીં રહેશે શું મીટ માંડી ત્યારે?

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.