બિલાડી

આખો દિવસ હરતાં ને ફરતાં એક બિલાડી નજરે ચઢે છે:
ઝાડની છાયામાં, તડકાની અંદર, બદામી પાંદડાંની ભીડ વચ્ચે;
ક્યાંક એકાદ ટુકડો માછલીના કાંટાની સફળતા પછી
ત્યાર બાદ સફેદ માટીના હાડપિંજરની અંદર
પોતાના હૃદયને લઈને મધમાખીની જેમ નિમગ્ન થયેલી હું જોઉં છું;
પણ તો ય ત્યાર બાદ કૃષ્ણચૂડાને અંગે નહોર ભરે છે,
આખો દિવસ સૂર્યની પાછળ પાછળ ફર્યા કરે છે એ.

એક વાર એ નજરે ચઢે
ને વળી ક્યાંય ખોવાઈ જાય.

હેમન્તની સન્ધ્યાના કેસરી રંગના સૂર્યના નરમ શરીરે
ધોળો પંજો પસારી પસારીને ગેલ કરતી જોઉં છું એને;
ત્યાર પછી અન્ધકારને, નાના નાના દડાની જેમ, પંજાથી
તરાપ મારીને પકડી લાવે છે એ,
સમસ્ત પૃથ્વીની અંદર વિખેરી દે છે.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.