દાદરા

અંગ ગટકાવી જતી આંખો રંગની મસ્તીને શરણે જાય છે,
શિયાળામાં દાડમની ડાળ પરનું અનોખું પંખી
ઊડતાં ઊડતાં ખીલે છે, ગેયશાના ગાલ પાસેના પંખા જેવું,
એવે વખતે દાદરામાં મસળીને તને પીનારા મારા હોઠ છ માત્રાના હોય છે.
કવખત થયા વિના ક્ષણ આવતી નથી; પછી વાસના
ગન્ધગૂઢ થાય છે. બેભાન થયેલો તારો નીચલો હોઠ
મારા આકાશમાં સમાતો નથી; અને શિયાળો મોર થઈને
નાચવા લાગે છે, તારી મોંફાડની જાસૂદી નીચે.

ત્યારે આંખો મોરપિચ્છ બને છે; તારો અન્ધકાર સ્તનાકાર હોય છે;
તેને અંજલિમાં પૂજનારા તીર્થંકર હાથ મારા હોય છે:
એ મારું એકાન્ત છ માત્રાનું હોય છે.

વસન્ત વૃષભની જેમ શિશિરને સૂંઘતો આવે છે;
ફૂલોને પુષ્ટતાનો જુસ્સો હોય છે; પાંખડી પાંખડીએ
અસહ્ય ક્ષણોની વાસ આવે છે; જ્યારે તારાં
પૃથ્વીને ગળી જનારાં નિતમ્બ હરિયાળી પર હિલ્લોળે છે…
તારા અભોગીને દાદરાના સમભાવભર્યા આલંગિનની અપેક્ષા રહે છે.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.