ઘોડા

બારીમાંથી મેં ઘોડા જોયા

હું બલિર્નમાં હતો, શિયાળામાં.
પ્રકાશ હતો, પ્રકાશ વગરનો.
આકાશ હતું આકાશ વગરનું.

હવા હતી ધોળી ધોળી, ભેજથી ફુગાયેલા રોટલા જેવી
મારી બારીમાંથી દેખાતું હતું નિર્જન પટાંગણ,
શિયાળાના દાંતે કોતરી ખાધેલું વર્તુળ
ત્યાં એકાએક, એક માનવી દોરી લાવ્યો
દશ ઘોડા, બરફમાં ડાબલા પાડતા આવ્યા દશ ઘોડા.
હજી તો ભાગ્યે જ અસ્તિત્વમાં તરંગિત થયા હશે
અગ્નિશિખાની જેમ, ત્યાં તો એમણે ભરી દીધું
મારી આંખોનું સમ્પૂર્ણ વિશ્વ, અત્યાર સુધી હતું રિક્ત,
અણીશુદ્ધ, ઉજ્જ્વલ
એઓ ચાલી આવ્યા દશ દેવોની જેમ
પહોળી ચોક્ખી ખરીઓથી ડાબલા પાડતા.
લવણસિકરોના સ્વપ્નની યાદ આપતી એમની કેશવાળી
એમનાં નિતમ્બ – બે ગોલાર્ધો, બે નારંગી
અમ્બર અને મધના જેવો એમનો રંગ,
પ્રકટેલા અગ્નિ જેવો.
એમની ગ્રીવા તે ગૌરવની શિલામાંથી
કંડારેલા મિનારા
અને એમની ક્રુદ્ધ આંખોમાં સાક્ષાત્ શક્તિ
એ આંખોના કારાગારમાં રુદ્ધ.

અને ત્યાં, એ નીરવતામાં, મધ્યાહ્ને
એ મેલા, દુણાયેલા શિયાળામાં
ઘોડાની ઉત્કટ ઉપસ્થિતિ તે રક્ત
તે લય, અસ્તિત્વમાત્રને સંકેત કરતો જ્યોતિ,
મેં જોયું, જોયું અને જોતાં જોતાં સજીવન થયો.
ત્યાં હતો અજાણ ફુવારો, સુવર્ણનું નૃત્ય, આકાશ,
સુન્દર વસ્તુઓમાં ફાળ ભરીને સજીવન થયો અગ્નિ

બલિર્નનો એ ગમગીન શિયાળો મેં ભૂંસી નાખ્યો છે
એ ઘોડાઓમાંથી આવતા પ્રકાશને હું નહીં ભૂલું.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.