સાતમી કવિતા

આ કવિતા,
એક નાની નાટિકા,
અને એક વર્ષ, અને અનેક વર્ષો
એક નાની રેખા,
અને એકાએક
થાય છે એનો પ્રારમ્ભ:

આ તારાઓ નીચે થઈને હું ગરીબાઈમાંથી ભાગી છૂટું છું ઉત્તર તરફ.
પાછળ મૂકી જાઉં છું ટાવર, બહાર ઉપસી આવ્યા છે એના કાન,
આ ભયંકર દુનિયા
જેમાં કાનમાંથી છબિઓ ઊગી નીકળે,
આ ભયંકર દુનિયા
જેમાં આંખમાં થઈને અવાજ ઊડવા માંડે.

પંખીઓ
પેલા છાપરાની તૂટેલી બારીમાં થઈને ઊડી જાય છે
પાછાં ઘર ભણી.
હે આકાશ, ખાલી છિદ્ર
વૃક્ષોની ટોચની
કિનારવાળું
હે છિનાળ, દુનિયા.
દૃશ્ય બીજું: શાખાઓ પર પ્રકાશ
નદીને કાંઠે,
વસન્ત, પાનખર અને વસન્ત અને પાનખર
સ્ત્રીઓની ચાર અવસ્થાઓ,
એની ત્વચા પર હાથથી આલેખેલી.
વસન્ત, ગુલાબી અને પાનખર વર્ષા;
શિશિર, નિદ્રા.

અને ઉનાળામાં એના કેશનો ચળકાટ
અને બતકો, એમના તીણા અવાજ
તમારી ચામડી ઉપર એનો સ્પર્શ પારખી શકો.
સ્ત્રીની ત્વચા હોય છે સુંવાળી,
તમે જ્યારે એની આંખોમાં થઈને જોતા હો છો
અજાત ત્રણ શિશુઓને
અને એ નારીને નથી હોતી પોતાના નામની ખબર.
કદાચ તમે એને કહી શકો
સ્થાપત્યના સ્તમ્ભમાં જડેલી નૃત્યાંગના
અવિશ્રાન્ત સ્થાપત્ય, જેને આધારે ટકી રહે છે દુનિયા.

અને આ છે ત્રીજું દૃશ્ય,
જેમાં આ પુષ્પિતા નારી જવાબ વાળે છે:

હું ઊડી, ઊડતાં ઊડતાં મેં જન્મ આપ્યો
અને દુનિયા આવી,
આ, એને હું હવે ધારણ કરી રહી છું
અને પેલું ઊડતું શિયાળ તે પણ હું જ
ત્યારે તો પૃથ્વી નહોતી, વૃક્ષ નહોતાં,
અને હું થાકી ગઈ:

જાગી ઊઠી એક શીશીમાં, સાવ નાની શીશીમાં.
શીશીનો કાચ ખણક્યો ને હું સફાળી બેઠી થઈ ગઈ,
એમાંથી બહાર સરી આવી પથ્થર પર,
હું ઠોકર ખાઈને લગભગ પડી ગઈ, મારે બધાંનો અન્ત લાવવો હતો!
સાવ ખાલી થઈ જવું હતું, નિર્ભૃણ! ત્યારે મેં જોઈ
મને પોતાને
હું પોતે જ દુનિયા.
હું, ભાંગેલી, બારીઓના જેવી.

ચોથું દૃશ્ય, એ બોલી:
સ્વપ્ન શું તે હું શી રીતે જાણું
અને ક્યાં ખભો પૂરો થાય, છાતી શરૂ થાય?
મને આ કાવ્ય રચી આપો, શિશિરમાં હૂંફ આપે એવું,
એમાં જીવી શકાય એટલું સસ્તું, વસ્તુઓ રાખવાના કબાટની સગવડવાળું
અને આત્માને રહેવા માટે એક ઓરડો,
અને એમાં હું આ પંક્તિને વસાવીશ ખૂબ ખૂબ લાંબા કાળ સુધી,
જે પોતાનાં પાંદડાં ખેરવતી નથી એવી કવિતામાં,
એવા અવાજમાં હું રહી શકું, એને કહેવાય ઘર.

મેં કહ્યું, આ છે દૃશ્ય ચોથું,
હું એક કાવ્ય રચું છું,
શેમાંથી – કહો જોઉં? શૂન્યમાંથી?
એક નાની કવિતા, એનો પાઠ કરવાનો ઊભા થઈને
અથવા સૂતાં સૂતાં, એકલા, અને તું જ નથી શું
તારું પોતાનું ઘર?

એ બોલી, હું – દુનિયા–
હું એવી તો ભેદનીય છું! ત્વરા ત્વરા!
મને એ ઘર જલદી બાંધી આપો!

પણ મેં મારી જાતને કહ્યું,
તું એને રીઝવવા જઈશ નહીં:
કારણ કે બીજું તારે કરવાનું ય શું છે, અને એ
લાવી દેશે તારો અન્ત…
અને પછી એ નારીને જાણવું હતું,
તું શું ગણગણે છે? તને નથી સમજાતું
કે મારે રહેવા માટે ઘર જોઈએ છે?

હા, મેં કહ્યું,
આ સૂરજ અને ચાંદો
અને અન્તરીક્ષનાં એ રહેઠાણ, ચાર સંખ્યા સુધીનાં
હું એ બધાંને ઘરની આજુબાજુ વાળીશ, અને વૃક્ષો
પુષ્પો, સેંકડો પાનખરને યાદ કરનારો પીંપળો –
અને પીંપળાને તો કૂંપળ બેઠી, પાંદડાં પ્રગટ્યાં
મને ચકિત કરી દીધો –

અને આ છે દૃશ્ય ચોથું, પાંચમું અહીં શરૂ થાય છે. મેં કહ્યું:
હું પણ એ ઘરમાં રહેવા ઇચ્છું છું, મારા અસબાબ સાથે,
મોકળાશવાળું ઘર; અને છતાં, એ લોકો તો એક શબ્દ
પૂરું વાક્ય બને એમ ઇચ્છે – એ લોકોને સુધ્ધાં
ઉત્પાદનશીલ ભાષાને જાળવી રાખવાની હોંશ–

હું આ કવિતાને છોડી જાઉં છું, બુદ્ધિ પર પાણી ફેરવીને,
મારે મારી જાતને મળવું નથી, હું છુટ્ટા મૂકું છું
મેં ચિત્રાંકિત કરેલા ઇતિહાસના બાર ગ્રન્થો,
હવે ઠાલા, પુષ્પિત નથી થવાનું એવા ફળને છોડી જાઉં છું ત્યારે,
એ તો છે કવિતા, મને અળગો પાડવાને રચેલું સુગઠિત વાક્ય નથી
હું વાંધો ઉઠાવતો નથી કે નથી હું સમાધાનની વાટાઘાટો ચલાવતો,
હું તો માત્ર ગુજરું છું. આ બધામાં થઈને પસાર થાઉં છું.
એ બંધ છે, ખુલ્લું છે
આ દાયકાઓની જેમ,
અને એ હતું પાંચમું દૃશ્ય: સાતમી કવિતા,
નાટકનો
વિરામ.

(‘વિન્ટર પેલેસ’નો એક ખણ્ડ)

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.