એકરાર

એક વાર, માત્ર એક વાર અયિ, મૃદુ નારી!
હેલયા ઝૂકીને રાખ્યો હતો તારો મસૃણ આ કર
મારા કર પરે; તો ય એની સ્મૃતિ હજી
ઝાંખી થઈ નથી સ્હેજે, ઝગ્યા કરે હૃદયના અન્ધકારે.

દિવસનો અન્તિમ પ્રહર, નવા ઢાળ્યા ચન્દ્રકના જેવી
ચન્દિરાની પૂર્ણ કાન્તિ લસતી’તી નભે
સૂતેલા પેરિસ પરે નદીના પ્રવાહ જેમ
રાત્રિની ઐશ્વર્યધારા અસ્ખલિત વહેતી હતી જાણે!

સરવા રાખીને કાન ચોરપગે બિલાડીઓ આવે જાય,
ઘરનાં છાપરાં પરે, બારણાંની આડશે લપાય,
મૃત પ્રિયજનો તણાં પ્રેમતણી છાયા જાણે
ગુપ્ત રહી અનુસરે આપણને ખૂણે ખૂણે.

આપણી એ આત્મીયતા સહજ મધુર
ધૂંધળા પ્રકાશમહીં બની હતી પ્રગલ્ભ ને પુષ્ટ
સહસા ત્યાં તારે કણ્ઠે (તું તો વીણાઝંકાર સમૃદ્ધ
આનન્દના દ્યુતિ સ્પન્દે રણકી રહે તાર તારા

પ્રભાતવેળાએ આવે તૂર્યનાદ ભેદી વનભૂમિ
એના જેવી આનન્દે પ્રપૂર્ણ ઉચ્છલ પ્રાણસ્રોતે)
સરી જાય અહ કશી વિષાદની આછી હાય
લથડતી લંગડાતી ચાલી જાય કરી અસહાય.

કોઈ રુગ્ણ શિશુ સમી, ઘૃણાસ્પદ, કુબ્જાકાય
માતાપિતા શરમનાં માર્યાં જેને લપાવી દે ક્યાંય
કોઈ ગુપ્ત કોટડીમાં, વરસોથી કાઢે ના બહાર
જેથી નજરે ના ચઢે દુનિયાની એ અભાગી બાળ!

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.