સન્ધ્યા

આવે આ મોહક સન્ધ્યા, દુર્જનોની સખી,
કાવતરું રચવાને આવે જાણે ધીમે ચોર પગે.
મોટા કો મણ્ડપ સમું આકાશ આ બીડાઈ જો જાય,
અધીર માનવી સરે પશુત્વનો કરી અંગીકાર.

મધુર હે સન્ધ્યા, તું છો ઇષ્ટ સહુ શ્રમિકને
જેના હાથ સાચે કહી શકે: શ્રમ કર્યો આજે અમે!
રાક્ષસી વેદનાતણું ભક્ષ્ય જેઓ તેનું તું સાન્ત્વન શીળું
વિદ્યાભારે નતશિર પણ્ડિતનું તું છો આશ્વાસન.
દિવસના પશુશ્રમ પછી ભાંગી કમરે જે પાછો ફરે
નિજ ઘરે શય્યાભણી તેનું તું વિશ્રામસ્થાન.

પણ હવામહીં હવે વરતાય કઢંગા આકાર,
ધૂર્ત પિશાચોની કશી ચાલી આવે વણઝાર
અથડાય જાળી સાથે પછડાઈ ઠોકે દ્વાર.

પવનથી થરકતી ગેસના દીવાની જ્યોતે
વેશ્યાઓ રંગીન વેશે ઝગમગે ગલીગલી,
પ્રવેશ ને ગમનનાં દ્વાર જેનાં ખૂલ્યાં સર્વ
એવો કીડીઓનો કોઈ રાફડો ના હોય જાણે!
શત્રુ કોઈ મારવાને છાપો ઓચંતાિનો રચે ગુપ્ત વ્યૂહ
તેમ એઓ ગુપચુપ બિછાવતી જાળ બધે.

નર્યા કર્દમથી ભર્યા નગરે એ કીટસમ ફરે
માનવીની છેતરી નજર ધીમે લપાઈને એનું ભક્ષ્ય કોરે.

અહીંતહીં રસોડામાં સંભળાય વરાળની સીટી
થિયેટરોનો ઘોંઘાટ વાદ્યોતણો ગણગણ નાદ.

સસ્તી સહુ હોટલોમાં જામે જુગારીના અડ્ડા,
વેશ્યાઓ ને એના ધૂર્ત દલાલોનાં વળે ટોળાં;
એની ભેગા ભળે ચોર નિર્દય ને ઉદ્યમી સદાયના,
આરંભશે કાર્ય એનું સિફતથી ખોલી દ્વાર
તોડશે તિજોરી, કરી લેશે જોગવાઈ દિન ચાર,
સજાવશે ઢીંગલીને વાઘા જેના પોતે બન્યા યાર.

ખૂંપી જા તું, સરી જા તું, ઊંડે ઊંડે હે હૃદય મમ
સુણીશ ના કિકિયારી, રૂંધી દે તું કર્ણદ્વાર
ભયંકર આ પ્રહરે વિફરે છે દર્દ રોગીઓનું
નિરાનન્દ નિશા એનું ઘૂંટી નાંખે ગળું
નિયતિ ઘસડે એને અન્તભણી, નહિ કો ઉપાય
તોળાઈ રહે સર્વગ્રાસી પાતાળની ધારે.

હોસ્પિટલ છલકાય એના નિસાસાએ –
એકાદ જ એમાંનો ફરશે પાછો હેમખેમ ઘરે
દેવતાની હૂંફે બેસી પ્રિયજન પાસે આરોગશે
ઢળતી કો સાંજે ખાણું સુવાસભર્યું ને સ્વાદુ

કેટલાં તો બિચારાં ના કદી પામ્યાં ઘરનું આશ્રયસુખ
જીવવું કહેવાય કોને એની ય ના એમને કશી સુધ!

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.