રાક્ષસી

પ્રાચીન એ યુગે જ્યારે પ્રકૃતિ પ્રમત્તરતિ
પ્રતિદિન જન્મ દેતી અસુર વિરાટકાય સન્તતિ,
દાનવતરુણી સંગે કર્યો હોત ત્યારે સહવાસ,
કામુક બિડાલ સમ બેઠો હોત રાણીનાં ચરણ પાસ.

મુગ્ધ થઈ જોઈ હોત કાયા સાથે વાસનાને થતી કુસુમિત,
ભીષણ ક્રીડાએ સ્વૈર જોયાં હોત ગાત્ર પ્રસારિત;
રાચ્યો હોત સુખદ હું તર્કે જોઈ સજલ બે નયનો આવિલ:
છુપાવીને પોષી છે કરુણ જ્વાલા હૃદયે ધૂમિલ?

અલસ પ્રમત્ત બની કર્યું હોત અંગાંગે ભ્રમણ,
વિરાટ જાનુતણા એ શિખરે મેં કર્યું હોત આરોહણ;
રોગિષ્ઠ સૂરજ એને પીડે જ્યારે નિદાઘને દિને
આલુલાયિત એ પોઢે શ્રાન્ત કો વિસ્તીર્ણ પ્રાન્તે;

હું ય લેટી ગયો હોત નિરાંતે એ ઉત્તુંગ સ્તનની છાંયે
લેટ્યું હોય વિશ્રમ્ભે કો ગ્રામ જેમ ગિરિતળેટીએ.

License

પરકીયા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.