પરિચય

સર્જક-પરિચય

Bholabhai-Patel

ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

*

કૃતિ-પરિચય : ચિત્રકૂટના ઘાટ પર

પ્રકૃતિ-અનુરાગના કેટલાક ઊમિર્શીલ નિબંધો, વિચારપ્રેરક થોડાક પ્રાસાદિક રસાળ લેખો અને ઉત્તમ રુચિર ફિલ્મોનો પરિચય આપતા આસ્વાદ-લેખો આ પુસ્તકનું સુવાચ્ય રૂપ બાંધે છે.

‘નષ્ટનીડ’ આમ તો ટાગોરની ખ્યાત વાર્તા છે. પણ એ નામના નિબંધમાં, ઘર પાસેના લીમડા પર કોઈ કાગડા-કાગડીએ બાંધેલો માળો(નીડ) વરસાદના ઝંઝાવાત વચ્ચે ટકી રહ્યો છે, એમાં જીવ પરોવતા લેખક એક વાર અચાનક એને નષ્ટ થયેલો જોતાં તીણી વેદના અનુભવે છે એનું સહૃદય આલેખન છે. પારિજાત વિશે, પાનખર અને Fall વિશે, ‘મેઘપ્રિયા’ એવા બીજા નિબંધો છે.

સંસ્કૃતિ અને ગ્લોબલાઈઝેશન વિશે વિચારતંતુ રચતો ‘ગુડ મોર્નિંગ કે જયશ્રીકૃષ્ણ’ હોય કે ‘મરીને જીવી ગયા’ જેવો કરુણ વાસ્તવની વ્યથા કહેતો નિબંધ હોય, એમાં કોઈ તાત્ત્વિક ભાર વિનાની સહજ ગતિ છે. લેખક કહે છે એમ, આ લખાણો ‘કોઈ દાર્શનિકનું ચંતિન નથી, આ એક સામાન્ય નાગરિકને થતા સવાલો’ રૂપે નિરૂપણ પામ્યા છે.

ફિલ્મો વિશેના વિચારણીય અને આસ્વાદનીય નિબંધો આ પુસ્તકનું વિશેષ આકર્ષણ ઊભું કરે છે. ‘સાહિત્ય અને સિનેમા’ એ નામના એક પરિસંવાદની ચર્ચાઓનો મરમાળો અહેવાલ છે અને ‘પથેર પાંચાલી’, ‘ચારુલતા’, ‘રોજા’, વગેરે ફિલ્મો પરના નિબંધો મૂળને સાક્ષાત્ કરાવી આપતા સઘન-રસિક પરિચયો છે. ફિલ્મોત્સવમાં નિહાળેલી સાત ફિલ્મોની વાત કહેતો લેખ આ આસ્વાદ-પરિચયોમાં વૃદ્ધિ કરે છે.

તો, પ્રવેશો…

—રમણ સોની

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.