આંસુ કી ક્યા જાત?

કબીરથી નિદા ફાજલી સુધી

કબીરદાસ પાસે વારંવાર જવાની ઇચ્છા થાય છે. છેક મધ્યકાળના સંતકવિ, પણ એમની વાણી આજે આપણા અંતરમાં અજવાળું પાથરે. એ કોઈ પંડિત કવિ નહોતા. એમણે પોતે કહ્યું છે કે, ‘મસી કાગદ છુઓ નહીં કલમ ગહી નહીં હાથ’ – મસી કહેતાં શાહી એટલે કે કાગળ પર કલમ શાહીમાં બોળી કદી વાંચ્યું લખ્યું નથી. પણ એથી એમનામાં જરાય લઘુતાગ્રંથીય નથી. કાશીના મોટા મોટા દિગ્ગજ પંડિતોને પણ એમણે તો સંભળાવી દીધું હતું કે, ‘તૂ કહતા કાગદ કી દેખિ, મૈં કહતા આંખિન કી દેખી.’ એટલું જ નહીં, ‘મૈં કહતા સુલઝાવનહારી, તૂ રહ્યો અરુઝાઈ રે.’ અલ્યા પંડિત, હું જે કહું છું તે મારી આંખે – નજરે જોયેલું કહું છું. તું માત્ર શાસ્ત્રવચન ટાંક્યા કરે છે. હું બધી વાત ઉકેલીને કહું છું અને તું તો ઊલટાનો બધાને ગૂંચવાડામાં પાડે છે.

અનેક પંડિતોનું કામ પહેલાં ગૂંચવાડા ઊભા કરવાનું છે અને પછી એને ઉકેલવાનો દંભ કર્યા કરવાનું છે, પરંતુ કબીરદાસે તો આંખે જોયેલી એટલે કે જાતે અનુભવેલી દુનિયાની અને દુનિયાનીય પારની – અગમનિગમની વાતો કરી છે. એટલે બીજા કોઈનાય નહીં, પણ કબીરજીના દોહાને ‘સાખી’ કહેવામાં આવે છે. સાખી શબ્દ બન્યો છે, ‘સાક્ષી’ – નજરે જોનાર ઉપરથી.

એટલે કબીરદાસની સાખીઓ છંદની રીતે દોહા છે, પણ એ દોહા ‘તેજ પીધેલા’ શબ્દોવાળા છે. એટલે એવું લાગે કે, કોઈ પણ જુગના, કોઈ પણ દેશના, કોઈ પણ વયના માનવીને માટે જાણે આ હજી હમણાં લખાયા છે.

કબીરદાસના જીવન વિષે જે કાંઈ જાણવા મળે છે તે પરથી કહી શકાય છે કે, એમને માટે ‘કથની’ અને ‘કરની’ વચ્ચે ભેદ નહોતો. સંસાર ત્યાગ કરીને નહીં, સંસારની વચ્ચે સંસારી બનીને જીવતાં જીવતાં સંસારને પાર કરી ગયા છે. એટલું જ નહીં, પોતાની સાખીરૂપી નૌકા દ્વારા અનેકોને સંસારનદી પાર પણ કરાવતા રહ્યા છે.

‘નૌકા’ શબ્દ મેં રૂપકાત્મક રીતે વાપર્યો, એટલે કબીરની સાખીમાં વપરાયેલ ‘નાવ’ શબ્દ યાદ આવ્યો. એ નાવના ભાવપ્રતીકથી એમણે આપણા રોજબરોજના આચરણમાં મૂકી શકીએ એવી વાત કેવી પ્રભાવકતાથી કરી છે! ‘કવિ’ થવાનો જરાય દેખાવ નહીં :

પાની બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ
દોનોં હાથ ઉલેચિયે યહી સજ્જન કા કામ.

નાવમાં જો પાણી વધવા માંડે, તો બે હાથે ઉલેચીને એને બહાર ફેંકવામાં જ આપણો બચાવ છે, નહીંતર ડૂબવાના. બસ, એવી રીતે ઘરમાં જો બહુ ધન વધે તો? – એ પણ ડુબાડી શકે છે જો એને ઉલેચવામાં ન આવે.

કબીરદાસે કંઈ ધનની ઉપેક્ષા નથી કરી, કારણ એ તો ગૃહસ્થી હતા. રોજ કાપડ વણી સાંજે કાશીની બજારમાં વેચી ઘર ચલાવતા, પણ એથી ભેગું કરવાની લોભવૃત્તિ નહોતી. એમણે કહ્યું કે, પોતા માટે, પણ જો સમજીએ તો માણસમાત્ર માટે પ્રાર્થનારૂપે કહ્યું છે :

સાંઈ ઈતના દીજિએ જામેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ન રહું સાધુ ન ભૂખા જાય.

એટલું તો કબીરને જોઈએ જ છે, જેથી કુટુંબના પાલનપોષણ માટે અભાવ ન રહે. કેટલી વાસ્તવિક ભાષામાં વાત કહી દીધી છે! ‘મૈં ભી ભૂખા ન રહૂં’ અને ઘરે કોઈ અતિથિ-અભ્યાગત આવે તો તે પણ ભૂખ્યા ન જાય. આજકાલની ભાષામાં ‘ગ્રાઉન્ડ રિયાલિટી’ની વાત કહેવાય.

એટલે કબીર એ મધ્યકાળના ‘ધર્મધુરંધરો’ વચ્ચે અનોખા હતા.

એમની ભક્તિભાવના કે એમની સહજ સાધના કે એમના જીવન વ્યવહાર વિષે કાશી જેવી નગરીમાં જોઈએ એટલા નિન્દાખોરો, ટીકાકારો મળી જવાના. પણ કબીર જેવા કઠોર આત્મનિરીક્ષક અને આત્મસમીક્ષક તો એ નિન્દાખોરોથી નારાજ થવાને બદલે એમનું ઘરઆંગણે સ્વાગત કરે છે. એટલું જ નહીં, એ હંમેશાં પાસે રહે એ માટે પોતાના ઘરઆંગણામાં એને માટે બીજું નાનકડું ઘર બનાવી આપવાનું કહે છે :

નિન્દક નિયરૈ રાખિએ આંગન કુટિ છવાય,
બિન પાની સાબુન વિના નિર્મલ કરે સુભાય.

નિંદા કરનાર તો આપણા દોષોનું આપણને દર્શન કરાવી, આપણા સ્વભાવને નિર્મળ કરવામાં મદદ કરે છે, જો આપણે એમણે કરેલી નિન્દાથી આત્મનિરીક્ષણ કરીએ અને આપણા દોષને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. વ્યક્તિને પોતાના પહાડ જેવડા દોષ રાઈ જેવા પણ નથી લાગતા, જ્યારે પારકાના રાઈ જેવડા દોષ પહાડ જેવડા મોટા દેખાય છે. સંસ્કૃત કવિની એ વાણીની પડછે કબીરની આ સાખી રાખવાથી એની મહત્તા સમજાઈ જશે.

કબીરે જેમ સામાન્ય જીવન જીવવાની જડીબુટ્ટી જેવી આ મર્મસ્પર્શ સાખીઓ આપી છે, એવી બાહ્યાચાર અને વિધિવિધાનને ધર્મ માની ભૂલા પડેલા લોકોને અગ્નિબાણ જેવી જલદવાણીથી આઘાતો પણ આપ્યા છે. એ સિવાય આચારને ધર્મ માની બેઠેલાઓની જડીભૂત ચેતનાને જરાસરખીય હલબલાવી શકાય નહીં. કહ્યું છે :

જો પથ્થર પૂજે હરિ મિલે
તો મેં પૂજું પહાડ.

પછી તો નાનો પથ્થર શા માટે, આખો પહાડ કેમ નહીં? આપણને કબીરના સમાનધર્મ અખા ભગતની યાદ આવી જાય. ‘એક મૂરખને એવી ટેવ | પથ્થર એટલા પૂજે દેવ.’

કબીરની સાખીઓ સાચે જ અદ્‌ભુત છે. એ સાખીઓનો નવો અવતાર હમણાં કવિ નિદા ફાજલીના કેટલાક દોહામાં જોવા મળ્યો. ખરેખર તો આજે કબીરની વાત કરવાની ઇચ્છાનું મૂળ તો હમણાં વાંચેલા નિદા ફાજલીના કેટલાક દોહા છે. કબીરના દોહા સાથે કોઈ ભેળવી દે, તો કબીરના દોહા હોવાનો ભ્રમ થાય એટલી સહજતાથી તેમણે તે રચ્યા છે, પણ તેમાં અભિવ્યક્તિની એક આગવી રીતિ છે. એ સામ્પ્રતકાલીન સમાજબોધ છે, જેથી તે નિદા ફાજલીના છે એમ કહી શકાય. આ બે દોહા જોઈએ :

બચ્ચા બોલા દેખકર, મસ્જિદ આલીશાન
અલ્લા તેરે એક કો, ઈતના બડા મકાન.
અન્દર મૂરત પર ચઢે ઘી, પૂરી, મિષ્ઠાન
મન્દિર કે બાહર ખડા, ઈશ્વર માગે દાન.

કબીરદાસે હિંદુ અને મુસલમાન બન્નેને બાહ્યાચારો માટે ઝાટકી નાખ્યા છે. એમણે કહ્યું હતું કે, ‘હિન્દુ કી હિન્દુઆઈ દેખિ, તુરકન કી તુરકાઈ’ પણ અરે, આ બિચારા બન્નેને ખરો રસ્તો તો મળ્યો જ નથી. ‘અરે ઇન દોનોંને રાહ ન પાઈ.’

નિદાએ બાળકની નજરે કહેવડાવ્યું: ‘અલ્લા તેરે એક કો ઇતના બડા મકાન.’ ‘મસ્જિદ’ને બાળકે ‘મકાન’ કહીને અલ્લાને ઠપકો આપવાની, કંઈ નહીં તો એક નાનકડી ખોલીમાં સાતઆઠ માણસોની ભીડ વચ્ચે રહેતા બાળકની પ્રશ્નાકુલતાની અનુકૂળતા કરી લીધી છે. તો બીજા દોહામાં મંદિર બહાર ભીખ માગવા ઊભેલા ભિખારીઓ ભિખારીઓ નથી, ઈશ્વર છે, તો પછી કયા ‘ઈશ્વર’ને ઘી, પૂરી, મિષ્ઠાન ચઢી રહ્યાં છે? ‘એ તો મૂરત-મૂર્તિ છે’ કહીને કવિએ સંકેતાર્થથી કહી દીધું છે : ‘જો પથ્થર પૂજે…’ અયોધ્યામાં બનેલી બાબરી ઘટના સંદર્ભે આ દોહા કેટલો બધો અર્થવિસ્તાર સિદ્ધ કરે છે? બીજાં ઉદાહરણ લઈએ :

સબકી પૂજા એક-સી, અલગ અલગ હર રીત
મસ્જિદ જાયે મૌલવી, કોયલ ગાયે ગીત.
સીતા રાવણ, રામ કા, કરેં વિભાજન લોગ
એક હી તન મેં દેખિએ તીનોં કા સંજોગ.

એટલી સરળ છતાં કેટલી ગૂઢ વાણી છે? ખાસ તો ઉપરના બીજા દોહામાં, જ્યાં કવિ કહે છે કે, એક જ શરીરમાં રામ, સીતા અને રાવણ છે! બીજા એક દોહામાં નિદા કહે છે :

દુઃખ કી નગરી કૌનસી, આંસુ કી ક્યા જાત
સારે તારે દૂર કે, સબ કે છોટે હાથ.

દુઃખનું કોઈ શહેર શું અલગથી છે? એવું કયું શહેર છે જ્યાં દુઃખ ન હોય? અને ‘આંસુની કોઈ જાતિ હોય છે?’ આંસુ તો આંસુ છે એમ કહી કવિએ માનવીય વ્યથાઓની સમાનતાનો નિર્દેશ કરી માનવ માનવ સમાન છે એવો વ્યંગ્યાર્થ સૂચવ્યો છે.

છેલ્લે હવે એક દુહાની વાત કરીએ. એમાં કવિએ વિડંબનાનો કેવો સરસ ઉપયોગ કર્યો છે!

જીવન કે દિન-રેનકા કૈસે લગે હિસાબ
દીમક કે ઘર બેઠકર, લેખક લિખે કિતાબ.

ઊધઈના ઘરમાં બેસીને ચોપડી લખતા લેખક જીવનનો – દિવસ- રાત્રિઓનો – હિસાબ કેવી રીતે આપશે? એક બાજુ ચોપડી લખાતી જશે, બીજી બાજુ ઊધઈ એને ચટ કરતી જશે.

પોતાની રચનાઓ ચિરંજીવ છે એમ માનનાર લેખક કે વ્યક્તિને માટે અહીં ઘણો માર્મિક સંદેશ છે.

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.