ચારુલતા

‘ચારુલતા’ સત્યજિત રાયની એક બીજી ઉત્તમ ફિલ્મ છે. ‘નષ્ટનીડ’ નામની રવીન્દ્રનાથ ઠાકુરની એક દીર્ઘ ટૂંકી વાર્તા પર તે આધારિત છે. સત્યજિત રાયે રવીન્દ્રનાથ વિષે એક દસ્તાવેજી ફિલ્મ પણ ઉતારી છે. ૧૯૬૧માં રવીન્દ્ર શતાબ્દીની ઉજવણીના ભાગ તરીકે જ્યારે રવીન્દ્રનાથના જીવન વિષે એક ફિલ્મ બનાવવા માટે સત્યજિત રાયને કહેવામાં આવ્યું ત્યારે ઉજવણી સમિતિના એક સભ્યે વાંધો લીધો. સત્યજિત રાય ઇતિહાસકાર નથી અને આવી ફિલ્મ ઉતારવા માટે તે યોગ્ય નથી એમ એમનું કહેવું હતું. સમિતિના એક સભ્ય તરીકે નેહરુ પણ હતા. તેમણે ‘પથેર પાંચાલી’ જોઈ હતી અને સત્યજિતની કલાને પ્રમાણી હતી. તેમણે તરત પેલા સભ્યનું મોઢું બંધ કરતાં કહ્યું : “We don’t need an historian, what we need is an artist! Satyajit Ray is that. I don’t think any historian should interfere.”

અમારે ઇતિહાસકારની નહિ, કલાકારની જરૂર છે અને સત્યજિત એવા કલાકાર છે. આપણે જ્યારે એ દસ્તાવેજી ફિલ્મ જોઈએ છીએ ત્યારે નેહરુએ કહેલી વાત એકદમ સાચી લાગે છે.

રવીન્દ્રનાથની સૃષ્ટિ સાથે સત્યજિત રાયની આત્મીયતા એમના બચપણથી લગાતાર રહી છે. રાયપરિવારનો ઠાકુર પરિવાર સાથે જૂનો સંબંધ પણ રહ્યો છે. સત્યજિત એક સ્થળે કહ્યું છે કે, હું શાંતિનિકેતનમાં કલાનો વિદ્યાર્થી ન રહ્યો હોત તો કદાચ ‘પથેર પાંચાલી’ જેવી ફિલ્મનું નિર્માણ ન કરી શક્યો હોત!

સત્યજિતે જેમ વિભૂતિભૂષણ, તારાશંકર, પ્રભાતકુમાર, શંકર, સુનીલ ગંગોપાધ્યાય જેવા કથાકારોની વાર્તાઓ પોતાની ફિલ્મો માટે લીધી છે, તેમ રવીન્દ્રનાથની વાર્તાઓ પણ. ખરેખર રાયને જે કથા પરથી પહેલી ફિલ્મ ઉતારવાનો વિચાર આવ્યો હતો તે હતી રવીન્દ્રનાથની નવલકથા ‘ઘરે બાહિરે’. ‘પથેર પાંચાલી’ પહેલાંય તેને અંગે તૈયારી કરી હતી.

એ પછી ઉતારી પણ ખરી. તે પહેલાં રવીન્દ્રનાથની ત્રણ વાર્તાઓ ‘પોસ્ટ માસ્તર’, ‘સમાપ્તિ’ અને ‘મણિહારા’ને આધારે ‘તીન કન્યા’ અને ‘નષ્ટનીડ’ને આધારે ‘ચારુલતા’નું નિર્માણ કર્યું.

કોઈ પ્રસિદ્ધ સાહિત્યકૃતિને આધારે ફિલ્મ ઉતારવામાં આવે છે ત્યારે ફિલ્મ-વિવેચકો અને સાહિત્યવિવેચકો વચ્ચે એક જાતનો મતભેદ ઊભો થાય છે. સાહિત્ય-વિવેચકો લગભગ કહેવાના કે, ભલે ફિલ્મ સારી છે, પણ મૂળ લેખકને વફાદાર નથી. દિગ્દર્શકે ઘણીબધી છૂટ લીધી છે. ફિલ્મ વિવેચકો કહેવાના કે, સાહિત્યની ભાષા અને ફિલ્મની ભાષા જુદીજુદી હોય છે. ફિલ્મની ભાષા એ કેમેરાની ભાષા છે. એટલે દિગ્દર્શકને મૂળ રચનાથી કંઈક છૂટ લેવાની મુક્તિ હોય છે. આપણે સામાન્ય ફિલ્મરસિકો પણ જો મૂળ લેખકની વાર્તા વાંચી હોય તો મનોમન સરખામણી કરતા રહીએ છીએ કે, ફિલ્મ મૂળની કેટલી નિકટ કે કેટલી દૂર છે. ખરી વસ્તુ તો એ જોવાની છે કે મૂળનો ‘સ્પિરિટ’ જળવાય છે કે નહિ. બાકી સાહિત્ય અને ફિલ્મનાં માધ્યમ જુદાં છે એ વસ્તુ સમજી રાખવી જોઈએ.

એમ છતાં અહીં રવીન્દ્રનાથની ‘નષ્ટનીડ’ અને સત્યજિત રાયની ‘ચારુલતા’ વચ્ચે સરખામણી કરવાનો ઉપક્રમ છે. નષ્ટનીડ એટલે પીંખાયેલો માળો. આ માળો ગૃહજીવનનો છે, એક પરિવારનો છે. પતિ પત્નીના જીવનમાં કોઈ ત્રીજાનો પ્રવેશ થાય ત્યારે આમ બને છે. દુનિયાની મોટાભાગની કથાઓ આ ‘ત્રીજા’ના પ્રવેશ અને એનાથી જન્મતા સંઘર્ષની હોય છે.

રવીન્દ્રનાથની વાર્તાનો સમય આજથી લગભગ એકસો વર્ષ પહેલાંનો છે. ચોક્કસ કહેવું હોય તો ૧૮૭૯ ઈ.સ.નો છે. ચારુલતાનો પતિ ભૂપતિ એક અંગ્રેજી છાપું કાઢે છે. પાશ્ચાત્ય ચિંતકોથી એ પ્રભાવિત છે. ભૂપતિ પોતાના છાપામાં એટલો ડૂબેલો છે કે તે ઘરે પોતાની પત્ની (વાર્તાકારે એને ‘બાલિકાવધુ’ કહી છે.) ચારુલતા કેમ સમય વિતાવતી હશે તે પણ જાણતો નથી. ચારુલતામાં સાહિત્યિક રૂચિ છે, બુદ્ધિ છે. એની એ સાહિત્યિક રુચિને પોષે છે કૉલેજના ત્રીજા વરસમાં ભણતો અમલ. અમલ ભૂપતિનો પિતરાઈ ભાઈ છે અને એનો આશ્રિત છે. ચારુલતા આગળ પોતાની જાતજાતની માગણીઓ કરે છે અને ચારુલતા ના ના કરતાં પૂરી પણ કરે છે અને આમ એ બે વચ્ચે એક અદૃષ્ટ સ્નેહનો તંતુ રચાતો જાય છે.

ભૂપતિ પત્નીની એકલતા ઓછી કરવા એની સાળાવેલી મંદાને તેડાવે છે. સાળો ઉમાપદ તો એને છાપામાં મદદ કરે છે. ભૂપતિના ધૂની દિમાગમાં એ વાત કેમેય નથી આવતી કે સંતાનહીન ચારુનું યૌવન વીતી રહ્યું છે.

પછી વાર્તાકાર અમલ-ચારુની ઘરગથ્થુ સાહિત્યિક ગોષ્ઠીઓની ઘટનાઓ આલેખે છે. ચારુની નોટમાં અમલ ભભકભરી અલંકૃત શૈલીમાં લેખો-વાર્તાઓ લખે છે. એ લેખો એ ‘બન્ને’ માટે જ છે એમ ચારુ સમજે છે અને એ માટે એ મનોમન વિશ્વસ્ત છે. પણ જ્યારે અમલ એને એક માસિકમાં ચારુની જાણ બહાર પ્રકટ કરે છે ત્યારે તે રિસાય છે. અમલ મંદા સાથે ચર્ચા કરી ચારુના મનમાં ઈર્ષ્યા પણ જગાવે છે. ભૂપતિ ભાભી-દિયરની આ સાહિત્યિક ગોષ્ઠીઓથી મનોમન સંતુષ્ટ છે. અમલ બંગાળીમાં લખે છે તે જાણી રાજી થાય છે, પ્રોત્સાહન પણ આપે છે, પોતે તો અંગ્રેજીમાં જ લખે છે અને તેય રાજનીતિના લેખો – તંત્રીલેખો.

ચારુને પણ લખવાનો વિચાર આવે છે. પહેલાં એ અમલની ભપકાભરી સ્ટાઈલમાં લખવા જાય છે, પણ એને ફાવતું નથી. અમલની જ વાતો આવી જાય છે, પછી એ પોતાના ગામની બચપણની સ્મૃતિઓ વિષે સ્વાભાવિક ભાષામાં લખે છે. ચૂપચાપ એક માસિકમાં મોકલે છે. છપાય છે. વખણાય છે, પણ એણે જોયું કે, અમલને બહુ ગમ્યું નથી. ખરેખર તો એના પ્રયત્નો અમલને પોતાની પાસે રાખવાના છે. આ લખવાનું પણ એવા હેતુ માટે જ છે. એથી અમલ જો દૂર જાય તો તેને પસંદ નથી.

બન્ને જણને જાતજાતની યોજનાઓ કરતાં પણ રવીન્દ્રનાથે બતાવ્યાં છે. દિયરભાભીના સંબંધો કેટલા નિકટતમ થતા ગયા છે તે ભૂપતિ સ્વયં જાણતો નથી. છાપાની આવકજાવકનો વહીવટ કરતો એનો સાળો ઉમાપતિ પણ કેવી ઉચાપત કરે છે, તેમ તે જાણતો નથી. એક દિવસ ભૂપતિને દેવામાં ડુબાડી ઉમાપતિ ચાલ્યો જાય છે.

હવે ભૂપતિની નજર ઘર ભણી વળે છે. અમલનું માગું આવ્યું છે – વર્ધમાનથી. તેમાં પરણીને જમાઈને વિદેશ મોકલવાની ઓફર છે. એ જાણતાં ચારુ આંચકો અનુભવે છે. વિદેશ જવાની શી જરૂર છે? પણ, એક દિવસ અમલ લગ્ન કરી વિદેશ ઊપડી જાય છે. વર્ધમાનથી એ બધું પતાવી ભૂપતિ પાછો આવે છે, જુએ છે તો જાણે ચારુ એની એ નથી!

ચારુની ઉદાસીનતા અમલના જવાથી છે એટલું જ ભૂપતિ પહેલાં તો સમજી શક્યો. પછી જુદીજુદી રીતે પત્નીને મનોરંજન કરવા પ્રયત્ન કરે છે, પુસ્તકો વાંચે છે, કવિતાની ચર્ચા કરે છે. પણ જે તાર પતિ-પત્ની વચ્ચે તૂટી ગયા છે તે સંધાતા નથી. ચારુના જીવનમાં શૂન્યતા ઘેરી બનતી જાય છે : ‘અમલ નથી’, ‘અમલ નથી’ એવો સાદ પડ્યા કરે છે. ધીમે ધીમે પત્ની તરીકેનું કર્તવ્ય સંભાળે છે. પણ તેણે પોતાના મનમાં એક એકાન્ત દ્વીપ રચી લીધો છે, જેમાં તે છે અને માત્ર અમલ છે.

ચારુને છે કે અમલનો એના પર પત્ર આવશે પણ આવતો નથી. એને ચિંતા થાય છે. તાર કરીને સમાચાર મંગાવવા પતિને કહે છે. ભૂપતિ કહે છે : પત્ર આવશે, પરીક્ષાના કામમાં પડ્યો હશે. તાર કરવાની જરૂર નથી. ત્યાં થોડા દિવસમાં અમલનો એક તાર આવે છે. ‘હું મઝામાં છું.’ ભૂપતિને આશ્ચર્ય થાય છે. જોયું તો પ્રીપેઇડ તારનો જવાબ હતો. ચારુલતાએ જ કરેલો. હવે ભૂપતિના મનમાં સંદેહ થયો અને પછી તે ધીમેધીમે પાકો થતો ગયો. તેને થયું કે ચારુના હૃદયમાં એને માટે કોઈ સ્થાન નથી. એના હૃદયમાં બીજા પુરુષે સ્થાન લઈ લીધું છે. આ ભાન એને માટે ખૂબ આઘાતજનક છે. એકે એનું ધન લૂંટી લીધું. બીજાએ પત્ની. એક છાપાના તંત્રી તરીકેની નોકરી સ્વીકારી એ બેંગ્લોર જવા તૈયાર થાય છે, એકલો જ. ચારુ કહે છે : મને સાથે લઈ જાઓ. ભૂપતિ કહે છેઃ એ શક્ય નથી. ચારુનું મોઢું ધોળું પૂણી જેવું થઈ જાય છે. એકદમ બાજુનો પલંગ પકડી લે છે. ભૂપતિ કહે છે : “ચાલ, મારી સાથે ચાલ.” ત્યારે ચારુ કહે છે : “ના.”

રવીન્દ્રનાથની વાત અહીં પૂરી થાય છે. સત્યજિતે પોતાની ફિલ્મમાં કથાપ્રસંગો આટલે સુધી લંબાવ્યા નથી. ‘ચારુલતા’ ફિલ્મ શરૂ થાય છે ત્યારે એકલી ચારુલતા ભરત ભરી રહી છે, એ પછી એક વિક્ટોરિયન શૈલીના મકાનના વરંડામાંથી ઓપેરા ગ્લાસ લઈને બહાર નજર કરતી એ નજરે પડે છે. એ દ્વારા સત્યજિતે એની એકલતા પ્રકટ કરી છે.

સત્યજિતે એમ બતાવ્યું છે કે, એના ભાઈ ઉમાપદને ચારુને સોબત આપવા સપત્નીક તેડાવ્યો છે, એને મૅનેજર બનાવે છે. ત્યાં રજાઓ ગાળવા અમલ આવે છે. વાર્તાની જેમ પહેલેથી અમલ સાથે નથી. પછી ધીરેધીરે બન્ને નિકટ આવતાં જાય છે. રવીન્દ્રનાથની વાતમાં બગીચો બનાવવાની યોજના છે, પણ સત્યજિતની ફિલ્મમાં બગીચાનું એક દૃશ્ય છે. બગીચામાં હીંચકા પર ચારુલતા ઝૂલી રહી છે અને અમલ જરા દૂર ઘાસ પર બેસી લખી રહ્યો છે. ચારુલતાનું આ ઝૂલવું ઘણી રીતે પ્રતીકની ગરજ સારે છે. એ જાણે પોતાની લાગણીઓને આભમાં પહોંચતી અનુભવે છે. એકલી એકલી દિવસો વિતાવતી ચારુના જીવનમાં અમલના સંગથી ઉલ્લાસના દિવસો આવ્યા છે.

સત્યજિતે બતાવ્યું છે : અમલ અને ચારુ એકબીજાની લાગણીઓ સમજી ગયાં છે. ગીત દ્વારા બને વધારે નિકટ આવતાં પણ બતાવ્યાં છે. પછી અમલની ફાટેલી મોજડીને સ્થાને ચારુ પોતાના પતિ માટે તૈયાર કરેલી મોજડી ગોઠવી દે છે! (આ મોજડી એ પાછળ મૂકતો જાય છે, એ ભૂપતિને અમલ-ચારુના વધેલા સંબંધોની એક કડી પૂરી પાડે છે.)

પરંતુ જ્યારે ઉમાપદે ભૂપતિ સાથે દગો કર્યો અને એને દેવામાં ડુબાડી ચાલ્યા ગયાની વાત ભૂપતિએ કરી, ત્યારે અમલને થયું : ભૂપતિએ ઉમાપદની જેમ મારા પર પણ વિશ્વાસ રાખ્યો છે. એકે એનું ધન લઈ લીધું અને હવે હું? એટલે એ એક ચિઠ્ઠી મૂકીને એકદમ ચાલ્યો જાય છે.

ભૂપતિ ચારુનું એકાન્ત ભરવા પ્રયત્ન કરે છે. એક વખતે અમલનો પત્ર આવ્યા પછી એની યાદમાં એને ભૂપતિ બહારથી આવી રડતી જુએ છે. એકાએક એને ભાન થાય છે કે, ચારુ અમલને કેટલી બધી ચાહે છે અને એ ચાહનાનું રૂપ કેવું છે, અને હવે એને પોતાને માટે ચારુના હૃદયમાં સ્થાન નથી. આવું ભાન થતાં એના બદલાતા ચહેરાના ભાવ સત્યજિતે જે રીતે દર્શાવ્યા છે તે એમની કળાદૃષ્ટિના પરિચાયક છે. ભૂપતિને ત્યાંથી ને ત્યાંથી બારણેથી જ બહાર જતો બતાવ્યો છે. પછી એ પાછો આવે છે ત્યાં ફિલ્મના છેલ્લા શૉટમાં ચારુને એના તરફ હાથ લંબાવતી દિગ્દર્શક બતાવે છે. આપણે જોઈ શકીએ કે, સત્યજિતે વાર્તામાં પ્રભાવક ફેરફાર પોતાની ફિલ્મ માટે કર્યો છે. અંતમાં ચારુલતાએ લંબાવેલા હાથ, એક સમાધાનની અથવા એક સ્વીકારની સંભાવનાનો નિર્દેશ કરે છે. રવીન્દ્રનાથમાં એ નથી – ત્યાં માળો ઊજડી જ જતો બતાવ્યો છે. પણ સત્યજિતે ચારુ દ્વારા વાસ્તવિકતાના સ્વીકારને સંકેત કર્યો છે.

સત્યજિતની ફિલ્મોની એ વિશેષતા છે કે એ બધું માંડીને કહેતા નથી અને બધું સમજાવીને કહેતા નથી કે સંદેશ આપતા નથી. એટલે એમની ફિલ્મો સમજદારોની ચેતના પર પોતાનું કામણ કરીને રહે છે.

અમલ અને ચારુના પ્રેમપ્રસંગો સંદર્ભે એક વિદેશી ફિલ્મવિવેચકે સત્યજિતને પૂછેલું કે, અમલ અને ચારુ આટલાં નિકટ આવ્યાં છે. તેમ છતાં તેમને ચુંબન કરતાં કે આલિંગન કરતાં તમે કેમ બતાવ્યાં નથી? સત્યજિતે કહેલું કે, એ સમયના ભારતમાં એ શક્ય નહોતું.

[૧૨-૪-૧૯૯૨]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.