શામળા ગિરધારીએ ખોટી હૂંડી કેમ સ્વીકારી?

આપણા પ્રસિદ્ધ કવિ અને સંગીતજ્ઞ આશીત દેસાઈ અને જવાહર બક્ષી દ્વારા ઉત્તમ રીતે તૈયાર કરવામાં આવેલી નરસિંહ મહેતાનાં ભજનોની કેસેટો થોડાક દિવસોથી રોજ સવારે સાંભળવાનો આનંદ લઉં છું. આપણા આદિ કવિના બિરુદને પામેલા આ ભક્તકવિની વાણી પાંચ શતાબ્દીઓનો સમયાન્તરાલ વીંધી આપણા સમગ્ર સંવિદ્‌ને રસી દે છે. નરસિંહનાં પ્રભાતિયાં, પદો એટલાં સુંદર રીતે ગવાયાં છે કે એનું ગુંજરણ મનમાં રણકતું રહે છે.

નરસિંહની મૂળ વાણી તો આ પાંચ સૈકાઓમાં બદલાતી ગઈ છે, પણ એમાં નરસિંહની વાણીનો સ્પર્શ અનુભવાય છે. નરસિંહનાં પદો ગુજરાતી પ્રજાનો કંઠહાર છે. ગુજરાતી ભાષાનું સામર્થ્ય અને માધુર્ય એમાં સોળે કળાએ પ્રકટતું જોવા મળે છે. આટલો પ્રાણવાન કવિશબ્દ બહુ ઓછા રચયિતાની કવિતામાં ધબકતો હોય.

પણ નરસિંહ માત્ર કવિ નથી, એ ભક્ત છે. સમગ્ર ભારતમાં ચૌદમી, પંદરમી, સોળમી સદીમાં જુદીજુદી ભાષાઓમાં એવા ભક્ત કવિઓ થઈ ગયા છે, જેમણે પોતાની ભાષાને પોતાની ભક્તિ-કવિતાના અમૃતથી સંજીવની-સ્પર્શ કર્યો છે.

મને સીધાં જ સમજાતાં નરસિંહ, મીરાં, સૂર, કબીર કે તુલસીનાં જ નહિ, તુકારામ, ચંડીદાસ જેવા મરાઠી, બંગાળી ભક્તકવિઓનાં, ક્યાંક ન સમજાતાં, પદો પણ અદ્‌ભુત રીતે સ્પર્શી જાય છે. સૈકાઓથી આ ભક્તકવિઓનાં જીવન વિષે ચમત્કારી ઘટનાઓ પણ પ્રચલિત થતી ગઈ છે.

એ ચમત્કારી ઘટનાઓ છેવટે તો ભક્તિનો મહિમા વધારવા માટે છે. એમની સચ્ચાઈને તાર્કિક કે દસ્તાવેજી આધાર પર પરખવાની હોતી નથી. ‘હાજીઓગ્રાફી’ અર્થાત્ સંતજીવનચરિત્રશાસ્ત્રના માળખામાં રહીને દેશવિદેશના સંશોધકો એનું વિશ્લેષણ કરે છે.

હું આ બધી વાત અહીં કહેવા લાગી ગયો એનું કારણ તો નરસિંહનાં એ પદો સાંભળતાં એમાં આવતું હૂંડીનું પેલું પ્રસિદ્ધ ભજન છે:

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે
શામળા ગિરધારી…

એ જે હલકથી ગવાયું છે, તે તો એકદમ શ્રવણેન્દ્રિયને ભરી દે છે. હૂંડીનું આ પદ એક ભક્તની ભગવાનમાં જે શ્રદ્ધા હોય તેનું એક ચરમ અને પરમ નિદર્શન છે.

નરસિંહના ભક્ત જીવનની ઘટનાની રીતે વાત કરીએ તો આ પદનો પ્રસંગ એવો છે કે, દ્વારિકાની યાત્રાએ જતો કોઈ જાત્રાળુસંઘ રસ્તે લૂંટારુઓને હાથે પોતાની પાસે રાખેલ ધન લૂંટાઈ ન જાય એ માટે જૂનાગઢમાંથી કોઈની પાસેથી દ્વારિકાના કોઈ શાહુકાર પર હૂંડી લઈ જવા ઇચ્છે છે.

અજાણ્યા સંઘપતિએ જૂનાગઢમાં એવા શેઠ-શાહુકાર માટે પૃચ્છા કરી કે અહીં નાણાં લઈ દ્વારિકાના કોઈ શેઠ પર હૂંડી લખી દે એવું કોઈ હશે? જૂનાગઢના નાગરો તો ભક્ત નરસિંહની હંમેશાં ઠેકડી ઉડાવતા. પરિણામે કોઈ ટીખળીખોરે નરસિંહ મહેતાનું નામ લીધું.

–અને નરસિંહ મહેતાએ પણ ખરેખર એ જાત્રાળુસંઘનાં નાણાં લઈ અને દ્વારિકાના એક શામળશા શેઠ પર હૂંડી લખી પણ આપી. સંઘ પણ વિશ્વસ્ત બનીને એ હૂંડી લઈ દ્વારિકા પહોંચી ગયો. પણ પછી હૂંડી હાથમાં લઈ દ્વારિકાનગરમાં શામળશા શેઠની પેઢીનું સરનામું પૂછવા માંડ્યું, તો શામળશા શેઠની એવી કોઈ પેઢી મળે નહિ જે હૂંડી સ્વીકારી સંઘને નાણાં આપે.

આ બાજુ જૂનાગઢમાં નાણાં લઈ હૂંડી લખનાર નરસિંહ મહેતાએ તો ભક્તોની સેવામાં નાણાં વાપરી નાખ્યાં અને પછી એ તો ભક્તમંડળી

ભેગી કરીને ગાવા લાગી ગયા:

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી…

ભક્તોની દૃષ્ટિએ હવે તો કસોટી ભગવાન શ્રીકૃષ્ણની હતી. પદમાં એક પછી એક ભક્તોનાં નામ આવે છે. પ્રહ્‌લાદ, સુદામા, પાંડવગણ, દ્રોપદી વગેરે. ભગવાને બધા ભક્તોની ભીડ ટાણે સહાય કરી છે, તો હવે નરસિંહ મહેતાની હૂંડીને સાચી પાડવા નરસિંહની ‘ક્રેડિટ’ બચાવવા ભગવાને સહાયમાં આવવું જ રહ્યું. કારણ, નરસિંહ મહેતા પોતે તો ભૂખડી બારસ છે. એ તો ગાઈ-વગાડી કહે છે :

રહેવાને નથી ઝૂંપડું
વળી જમવા નથી જુવાર
બેટા-બેટી વળાવિયાં રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે…
ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારો શામળો રે,
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે…

મને નરસિંહની શ્રદ્ધાભક્તિ વિષે કોઈ સંદેહ નથી, પણ અહીં પ્રશ્ન નૈતિક છે. પ્રહ્‌લાદ ભગવાનને શરણે જાય અને રક્ષા મેળવે તે વાત જુદી છે, ભગવાન સુદામાની ભૂખ ભાગે તે વાત જુદી છે, દ્રૌપદીનાં ચીર પૂરે એ વાત જુદી છે. આ બધા ભક્તોએ એવો કોઈ સામાજિક નૈતિક અપરાધ કર્યો નથી. પોતાના પર આવી પડેલી આપત્તિ વખતે એ ભગવાનમાં શ્રદ્ધા રાખી એમને શરણે જઈ એમનું સ્મરણ કરે છે અને ભગવાન એમને અણીને પ્રસંગે ઉગારે છે.

પરંતુ નરસિંહ મહેતાએ તો એ જાણવા છતાં કે દ્વારિકામાં ખરેખર કોઈ શામળશા શેઠની પેઢી તો નથી જ. તો વળી એ પેઢી પર હૂંડી લખી આપવાની હોય? જાત્રાળુસંઘના પૈસા લઈને વાપરી નાખ્યા. આ આખી ઘટનામાં એક નાગરિક તરીકે નીતિનો ‘એથિક્સ’ નો પ્રશ્ન છે. કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરે એ વાત જુદી, રા’માંડલિકની જેલમાં હાથોહાથ હાર આપે એ ચમત્કાર પણ જુદો, અને આ હૂંડીનો ચમત્કાર જુદો છે. નરસિંહ મહેતા પૈસા લેવાનું અનૈતિક કામ કરે, જે ભૌતિક રીતે નથી એવી પેઢી પર હૂંડી લખી આપે તોયે ભગવાને ચમત્કાર કરી એમની ‘ક્રેડિટ’ બચાવવાની? (આજની પરિભાષામાં બૅલેન્સ ન હોય અને તોયે ચેક લખી આપવા જેવી વાત. અહીં તો બેલેન્સ શું – ત્યાં દ્વારિકામાં ખરેખર એવી પેઢી જ – બૅન્ક જ નથી!)

નરસિંહ મહેતાની ‘શામળશા શેઠ’માં શ્રદ્ધા એક વાત છે અને એમનું આ જાત્રાળુસંઘનાં નાણાં લઈ હૂંડી લખવાની વાત બીજી છે. એ સમાજનીતિની રીતે માન્ય કરી શકાય નહિ. શ્રદ્ધા વિરુદ્ધ નીતિનો આ પ્રશ્ન છે.

પછી ભલે ભગવાન શામળશા શેઠ બનીને ખરેખર આવે અને હૂંડી સ્વીકારી અને મહેતાજીને વળી પાછા કહે :

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે,
વળી અરજે દીધાં કામ,
મહેતાજી ફરી લખજો રે
મુજ વાણોતર સરખાં કામ રે…

હૂંડીના પદમાં ભક્તિનો વિજય છે, પણ મને નીતિનો પરાજય તો લાગે છે. મહેતાએ હૂંડી નહિ લખવી જોઈએ. મહેતા કુંવરબાઈના મામેરા માટે ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો’ એમ કહી શકે, પણ

‘હૂંડી સ્વીકારો’ એમ કહી એ બાબતે ભગવાન પર જોર ન ચલાવી શકે.

આપણા આ નરસિંહ મહેતા જેવી ઘટના દક્ષિણના ગોલકાંડાના તેલુગુભાષાના એક ભક્તકવિ રામદાસુના જીવનમાં આવે છે. એ રામભક્ત કવિ રામદાસુનું મૂળ નામ તો ગોપન્ના અને તેઓ એક અબુલ હસનના દરબારમાં તહેસીલદાર હતા. પોતે પરમ રામભક્ત એટલે રાજાના મહેસૂલમાંથી એમણે ભદ્રાચલમાં રામનું મંદિર બનાવ્યું! એમાં રામલક્ષ્મણસીતા આદિની મૂર્તિઓ સ્થાપી અને એ બધીને અલંકારોથી સજાવી. આ મહેસૂલચોરી સુલતાનના ધ્યાન પર આવતાં રામદાસુને કારાગારમાં પૂરવામાં આવ્યા. (એ કારાગાર આજે પણ ગોલકોંડાના કિલ્લાના માર્ગે જતાં આવે છે.) રામદાસુ તો ભક્ત હતા. કારાગારમાં પણ રામની ભક્તિ કરતા રહ્યા. એમનાં ભજનો રચતા રહ્યા. એક ભજનમાં રામને કહે છે કે, ‘રામ તમે ક્યાં ગયા? હું તમારી કૃપાની યાચના કરું છું. મારા નામે ચઢેલું દેણું તમે ચૂકવી દઈ મને છોડાવતા કેમ નથી?’ રામ એકદમ મદદે ન આવ્યા. એટલે પછી બીજા એક

ભજનમાં સખત ઉપાલંભભરી વાણીમાં રામને પોતે કરેલા કામમાં સંડોવતાં વિનંતી કરે છે :

‘હે ઈક્ષ્વાકુતિલક, હજી મને કેમ જવાબ નથી આપતા? હે રામચંદ્ર, તમારા મંદિરને સુંદર કોટ ચણાવ્યો તેમાં દશ હજાર મુદ્રાનો ખર્ચ થયો, ભરતજી માટે રત્નચંદ્રક બનાવ્યો તેના દશ હજાર થયા. શત્રુઘ્નજી માટે કમરબંધ ઘડાવ્યો તેની દશ હજાર મહોરો થઈ. સીતામૈયા માટે આમલીના પાનના આકારનો ચંદ્રક ઘડાવ્યો એના દશ હજાર થયા. તમારે માટે સુંદર મુકુટ બનાવ્યો છે. એ ધારણ કરી તમે ગર્વથી હર્ષ પામો છો પણ એના બદલામાં મારા પગમાં લોખંડની જંજીરો પડી છે. હવે તમે મને નહિ બચાવો તો કોણ બચાવશે?’

દક્ષિણના મહાન સંગીતકાર ત્યાગરાજે રામદાસુનાં આ બધાં ભજનો સંગીતબદ્ધ કર્યા છે અને ભક્તો ભાવભરી રીતે આ ભજનો ગાય છે, પરંતુ અહીં પણ મોટો પ્રશ્ન એક બાજુ ભક્તકવિ રામદાસની આ રામભક્તિ અને બીજી બાજુ ભલે રામના મંદિર કે મુકુટ માટે, પણ રાજમહેસૂલમાંથી તે માટે કરેલ ખર્ચ, એટલે કે એક રીતે પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ, વિશ્વાસભંગ અને એક અનૈતિક વ્યવહાર છે.

શામળશા શેઠે નરસિંહ મહેતાથી ‘ફૅક’ હૂંડી સ્વીકારી ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને અનુમોદન આપ્યું. રામદાસુના કિસ્સામાં પણ રામલક્ષ્મણે ગુપ્તવેશે જઈ રામદાસુએ સરકારનું જેટલું દ્રવ્ય મંદિરમાં વાપર્યું હતું તેટલી કિંમતનું સોનું, ‘અમે રામદાસુના માણસો છીએ’ એમ કહી આપ્યું અને રામદાસુને કારાગારમાંથી મુક્ત કરાવ્યા હતા!

આ બન્ને કિસ્સાઓમાં ભક્તોની કસોટી નહિ, ભગવાનની કસોટી થઈ અને તેય ભક્તોના અનૈતિક અપરાધની ભૂમિકામાં થઈ એવું કોઈ કહી શકે. ભક્તિ આગળ નીતિ ગૌણ બની જાય છે! મારું મન પ્રશ્નાકુલ છે.

[૨૨-૧૨-’૯૬]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.