શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મન રાજી નથી

રવીન્દ્રનાથે એક વાર કહેલું કે, ‘ભવિષ્યના દરબારમાં મારી કવિતા-વાર્તા-નાટકનું જે થવાનું હોય તે થશે, પણ મારાં ગીતો બધાને ગાવાં જ પડશે, કેમકે મારાં ગીત જાણે કે મારા અચેતન મનમાંથી આપમેળે નીકળ્યાં છે અને એથી એમાં એક સંપૂર્ણતા છે.’

એમણે આ વાત બંગાળી ભાષાસમાજને અનુલક્ષીને કહી હતી. બંગાળમાં ટાગોરના મૃત્યુને અર્ધશતી કરતાં વધારે સમય વીતવા છતાં કોઈ પણ અનુષ્ઠાન એમનાં ગીતો વિના અધૂરું ગણાય છે. ગમે તેવા સંગીતશત્રુ બંગાળીને રવિ ઠાકુરના ગીતની પંક્તિઓ ગુનગુનાવતો સાંભળો તો નવાઈ ન થાય. એણે ભલે પછી ટાગોરની વાર્તાકવિતા વાંચ્યાં ન હોય.

એક વખતે ટાગોરથી ત્રીજી પેઢીના કેટલાક આધુનિક યુવા બંગાળી કવિઓ કલકત્તામાં મજલિસમાં અંદર અંદર ચર્ચા કરતા હતા. કોઈ વિદેશમાં જઈ સ્થિર થયેલા બંગાળી કવિએ કહ્યું કે, ‘ટાગોરમાં આપણને આપવા જેવું ખાસ નથી.’ ઘણાબધાએ અનુમોદન આપ્યું. એમ ચર્ચા ચાલતાં છેવટે કોઈએ ગાવાનો પ્રસ્તાવ મૂક્યો.

અને ગાનારને પહેલું ગીત જે હોઠે આવ્યું તે હતું ટાગોરનું. ગાનાર હતા પેલા વિદેશમાં વસતા કવિ. એકદમ તન્મય થઈ, રાગાવિષ્ટ થઈ તે ગાઈ રહ્યા હતા.

શરૂમાં લખેલી ટાગોરની વાત સાચી પડી જાણે. ટાગોરે બે હજાર જેટલાં પ્રેમનાં, પ્રકૃતિનાં, પૂજાનાં, સ્વદેશપ્રેમનાં, પર્વે પર્વે ગાવાનાં ગીતો રચેયાં છે. આ ગીતો ટાગોરે જ સ્વરાંકિત કરેલી કે ઇચ્છેલી પદ્ધતિમાં ગવાય છે. ગાનારને છૂટછાટને અવકાશ નથી.

બંગાળીઓની ખબર નથી, પણ આપણા જેવાને ટાગોરનાં ગીતોનું ગાન – જેને ‘રવીન્દ્રસંગીત’ તરીકે ઓળખવામાં આવે છે તે – ઘણુંખરું એકસૂરીલું – મોનોટોનસ લાગવાનો સંભવ છે. તેમાંય પાછો ઝટ કરી અર્થ પકડાય નહીં. એટલે અ-બંગાળીઓને રવીન્દ્રસંગીતનું આકર્ષણ ઓછું હોવાનું, ભલેને પછી પંકજ મલિક, હેમંતકુમાર, કણિકા બેનરજી, અરે કે. એલ. સહગલે જ ગાયેલું કેમ ન હોય! બંગાળમાં તો એ ઘેરઘેર ગવાય છે. એ તો ઠીક, પણ બાંગ્લાદેશમાં પણ રવીન્દ્ર સંગીતની ભારે પ્રતિષ્ઠા છે. એ ઢાકા રેડિયો પરથી રોજેરોજ પ્રસારિત થાય છે.

રવીન્દ્રનાથનો આગ્રહ છે કે, એમના ગીતના ગાન વખતે સૂર શબ્દ પર હાવી ન થઈ જવો જોઈએ. મોટા ભાગના ગાયકો માટે શબ્દ તો નિમિત્ત હોય છે, સૂર જ એમને માટે પ્રધાન હોય છે. ટાગોરનાં ગીતોમાં ઉત્તમ કવિતા પડેલી છે. નૉબેલ પારિતોષિક મેળવનાર ‘ગીતાંજલિ’માં પણ ગીતો જ છે. તેમાં રહેલ ઉત્તમ કાવ્યત્વને લીધે ગીતાંજલિ આખા વિશ્વમાં અંગ્રેજી ગદ્યઅનુવાદ દ્વારા પહોંચી ગઈ છે.

એટલે રવીન્દ્રનાથનું ગીત ગવાતું હોય તો એ ગીતના સૂરમાં વહેલા સાદે એના ગીતના શબ્દ દ્વારા ભાવજગતમાં પ્રવેશ કરતાં રવીન્દ્રસંગીત શ્રવણનો આનંદ દ્વિગુણિત થઈ જાય છે. શાંતિનિકેતનના મારા નિવાસ દરમિયાન રવીન્દ્રસંગીત સાંભળી કાનને ટેવ પાડી. હવે એ સંગીતનો આનંદ લૂંટી શકું છું. સાથે એમાં રહેલી કવિતાને કે ભાવને પણ આસ્વાદી શકું છું. એ સાંભળતાં આનંદિત મૂડમાં હોઉં તો આનંદ બમણો થાય છે. મન ક્લાન્ત હોય ત્યારે પરમ શાતાનો અનુભવ થાય

હમણાં વચ્ચે કેટલાક દિવસ કશીક – અકારણ (?) – ઉદાસીનતામાં જતા હતા. વાંચવા-લખવામાં ઝટ મન પરોવાય નહીં. એ સિવાય બીજો ઉદ્યમ પણ આવડે નહીં. એવી સ્થિતિમાં ટી.વી. પર ફિલ્મી ગીતો કે સિરિયલો સાંભળું-જોઉં. તત્ક્ષણ આનંદ પણ પડે, પણ અંતે ક્લાન્તિ અવશિષ્ટ રહે એવું બને. કમનસીબે એ વખતે મારું ટેપરૅકોર્ડર પણ કહોચ પડેલું. મારી પસંદગીનાં ગીતો સાંભળવાનું બને નહીં. પ્રચંડ ગ્રીષ્મના દિવસોમાં બહાર જવાની આળસ થાય. તો નવું ટેપરેકોર્ડર લઈ આવ્યો.

મને ગમતાં ફિલ્મીગીતો તો સાંભળું, પણ રવીન્દ્રસંગીત તો સાંભળું જ સાંભળું. તેમાં શ્રી અજિત શેઠ અને નિરુપમા શેઠે સંગીતભવન ટ્રસ્ટ દ્વારા રજૂ કરેલી, પંકજ મલિકે ટાગોરના શતાબ્દી વર્ષ ૧૯૬૧માં એક સંગીતના કાર્યક્રમમાં (હિન્દી કે ગુજરાતી અનુવાદ સહ) ગાયેલાં ગીતોની, પ્રથમ વાર તૈયાર થયેલી બે કેસેટો સંગીતભવન ટ્રસ્ટ તરફથી ભેટ મળી. એમાં મને ગમતાં ટાગોરનાં ઘણાં ગીતો હતાં. એ સાંભળતાં પહેલી વાર ખબર પડી કે પંકજબાબુના કંઠે ગવાયેલું ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે અરે તૂ ક્યું હું શરમાયે’ ગીત મૂળે ટાગોરના ‘પ્રાણ ચાય ચક્ષુ ના ચાય’ ગીતનું અને ‘યાદ આએ કિ ન આએ તુમ્હારી! મેં તુમકો ભૂલ ન જાઉં’ મૂળે બંગાળી ‘મને રબે કિ ના રબે આમારે’નું રૂપાંતર છે!

એક અલગ સુંદર પુસ્તિકામાં સંગીતભવને એ બે કૅસેટોમાં ગવાયેલાં ગીતોનો પાઠ આપીને તો અભિનંદનીય કામ કર્યું છે.

એ દિવસોમાં હેમંતકુમારની સુરાવલિમાં ગવાયેલું ટાગોરનું આ ગીત સ્પર્શી ગયું :

કી પાઈનિ તારિ હિસાબ મિલાતે
મન મોર નહે રાજિ.

‘શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી.’ એમ એ ગીત શરૂ થાય છે. ગીતની આ પહેલી લીટી અને એના આરંભના શબ્દો એકદમ ચોંટી ગયા હૃદયમાં. ગીતના પછીના શબ્દો અને સૂર તો વહેતા રહ્યા. ‘કી પાઈ નિ’ – શું પામ્યો નથી? એ શબ્દોનો ચેતનામાં એવો પ્રવેશ થયો કે મન વિચારવા લાગ્યું. ગીતના સંદર્ભમાં નહીં, મારા પોતાના જીવનના સંદર્ભમાં. મૂડ પણ જરા એ રીતનો હતો.

‘શું પામ્યો નથી?’ જીવનની ઉત્તરા અવસ્થાએ પહોંચી આવો વિચાર કોને ન આવે? જીવનમાં કેટલી બધી વસ્તુઓ, વ્યક્તિઓ, અવસરો આપણી સામે આવે છે. તેમાં ઘણી વાર પેલી અંગ્રેજી ઉક્તિ યાદ આવે : ‘લાઈફ ઓફર્સ ટુ ડિનાઈ’ – જીવન ઘણુંબધું આપણી સામે ધરે છે, પણ ધરે છે એટલું. એ આપણને ના પાડવા ધરે છે. એટલે જીવનમાં ‘શું પામ્યા નથી’ એ પ્રશ્ન ઘણી વાર થાય. કેટલુંબધું આપણી

નજીક આવીને સરકી ગયું, કેટલું બધું તો નજર સમક્ષ પણ ન આવ્યું, એવા અસંતોષની તીવ્ર શૂળ ભોંકાય. ‘શું પામ્યા’ એ નજર બહાર રહે અને ‘શું ન પામ્યા’ એની સૂચિ લાંબી થઈ જાય. જમા-ઉધારનાં પાસામાં ઉધારના પાસામાં જાણે જીવન ચોપડાનાં પાનાંની એક આખી સાઈડ ભરાઈ જાય; જમા પાસે બે-ત્રણ આઈટમો હોય તો હોય. અલબત્ત જોવાની દૃષ્ટિ પર બધો આધાર રાખે છે.

ગીત ફરી સાંભળ્યું. પછી ટાગોરના ‘ગીતપંચશતી’માંથી એનો પાઠ કાઢ્યો. ૧૯૨૬માં કવિની પાંસઠ વર્ષની વયે લખાયેલ આ ગીતમાં કવિ તો કહે છે :

‘શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી.’ પાંસઠની વયે જમા-ઉધારનાં પાસાં મેળવવા કવિ બેસતા નથી અને એ રીતે આપણને પણ નિર્દેશ કરે કે જે પામ્યા છો તેનો ઋણસ્વીકાર કરો. જીવનમાં સુખ પણ આવ્યાં છે, દુઃખ પણ. દુઃખને મોટું કરી જીવનની ઉપલબ્ધિઓને ન-દેખી શા માટે કરવી?

સમગ્ર ગીતનો ભાવ આ પ્રમાણે છે :

‘શું પામ્યો નથી તેનો હિસાબ મેળવવા મારું મન રાજી નથી. આજે હૃદયની છાયામાં ને પ્રકાશમાં બંસી બજી ઊઠે છે. મેં આ ધરણીને ચાહી હતી એ જ યાદ ફરી ફરીને મારા મનમાં જાગે છે. કેટલીય વસંતોમાં દક્ષિણના પવને મારી છાબને ભરી દીધી છે, તો નયનનાં જળ પણ હૃદયમાં ઊંડે રહ્યાં છે. કદી કદી તાર તૂટ્યા હતા ખરા, પણ એટલા માટે કોણ હાહાકાર કરે, કેમકે, સૂર પણ વારે વારે સધાયો હતો એ જ યાદ આવે છે.’

આમ, ગીતના શ્રોત્રપેય સૂરોનો આનંદ અને સાથે ગીતમાં પ્રકટતો જીવન માટેનો વિધાયક અભિગમ – એટલે કે જીવનમાં ન પામ્યાની વાત કરતાં જે કંઈ પામ્યા છીએ એ – યાદ રાખવાની કવિગુરુની શિખામણ કહો તો શિખામણ છે, જે પ્રિય સખીએ કાનમાં કહેલી વાતની જેમ આપણા હૃદયે વસી જાય છે.

[૯-૬-૯૬]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.