પાનખરવસંતને સંધિકાલે

ગુજરાતી ભાષામાં ‘પાનખર’ શબ્દ કોણે ઘડી કાઢ્યો હશે, એવો વિચાર પવનની એક હળવી લહેરખીમાં સામેના બાલનીમની ડાળીએથી ખરખર ખરખર અવાજ સાથે પીળાં પાન ખરી પડતાં જોઈને આવી ગયો. સંસ્કૃતમાં એનું શિષ્ટ નામ તો ‘શિશિર’ છે. પાનખર જેવો ચિત્રાત્મક શબ્દ તો એ જરાય છે નહીં. પાનખર શબ્દમાં પાન ખરવાની એક ક્રિયા અનુભવાય છે. તેમાંય એકાદ પાનને ઊંચી ડાળીએથી પવનમાં ખરી પડીને જે રીતે સેલારા લેતું જતું દૃષ્ટિથી અનુસરીએ ત્યારે આપણેય જમીનથી અધ્ધર થઈ જવાનું અનુભવીએ. હિંદીમાં પણ પાનખરના સહોદર જેવો જ ચિત્રાત્મક શબ્દ છે : ‘પતઝર’ કે ‘પતઝડ’. પરંતુ અંગ્રેજીમાં ‘ફૉલ’ શબ્દ છે, પાનખર માટે. ‘ફૉલ’માં પડવાનો અને વ્યંગ્યાર્થે ખરવાનો ભાવ પણ છે. પણ બિબ્લિકલ અર્થ તો થશે ‘પતન.’ ફૉલ ઑફ મેન. મિલ્ટનના ‘પેરેડાઈઝ લૉસ્ટ’નો વિષય. પણ આલ્બર કામુની ‘ફૉલ’ નામની નવલકથામાં એ રીતે તો બન્ને અર્થનો સંકેત છે – પતન અને પાનખર.

પરંતુ પોષ કે માઘ મહિનામાં આવતી આપણી ભારતીય પાનખર અને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં અમેરિકા-યુરોપમાં શરૂ થતી ‘ફૉલ’ની ઋતુ જરા, જરા નહીં ઘણી ભિન્ન છે. પાન ખરવાની ક્રિયા તો ત્યાં હોય તેમ અહીં છે. પરંતુ ખર્યા પહેલાં આપણાં વૃક્ષો પ્રાયઃ એક જ રંગ – ઝાંખો પીળો – ધારણ કરે છે, તેમાં બહુ શોભા વરતાતી નથી, પરંતુ ‘ફૉલ’ શરૂ થતાં અમેરિકાની વનરાજીનું ભવ્ય રૂપ જોઈને તો અવાક થઈ જવાય. અમેરિકાની એ ‘ફૉલ’નું રૂપ ચરમ કક્ષાએ જોવા મળે તે પહેલાં તો મારે ભારત આવી જવું પડ્યું હતું. માત્ર કેટલાંક ઉતાવળાં વૃક્ષોએ પોતાની એ શોભા – પોતાનાં પાન ખરી જાય – ડાળીઓ નગ્ન થઈ કાળી પડી જાય – એ પહેલાંની શોભા – બતાવવાનું શરૂ જ કરેલું. આરતીએ તો કહ્યું પણ ખરું : ‘ભોળાભાઈ, અહીંના ‘ફૉલ’નો ખરેખરોનો વૈભવ જોવો હોય તો થોડા દિવસ રહી જાઓ. માત્ર થોડાં છૂટાંછવાયાં એ ઉતાવળિયાં વૃક્ષોનાં પાંદડાંએ જે વિવિધ રંગોમાં અને વિશેષે તો લાલ રંગમાં રૂપાંતર સાધેલું તે જોઈને તો એવું થયું કે, આ એમનો વાસંતી વૈભવ તો નથી ને!’ આરતી રહેતી તે ન્યૂ યૉર્ક રાજ્યનો ઉત્તરપૂર્વ ફિંગરલેક વિસ્તાર. ત્યાં પાનખર વખતે વૃક્ષોનાં પાન વિવિધ વર્ણછટા સાથે લાલ રંગ ધરે છે, બીજે તો આપણી જેમ મુખ્યત્વે પીળો રંગ. કેનેડામાં ફૉલની શરૂઆત થાય ત્યારે મારો મોટો પુત્ર વસંત, પત્રમાં એનું વિગતપ્રચુર વર્ણન લખે.

ત્યાં ‘ફૉલ’ પછી ડિસેમ્બર-જાન્યુઆરીના મહિના આવે અને બરફ પડે. આપણે ત્યાં પાનખર પછી, કહો કે પાનખરની સાથોસાથ, વસંત બેસી જાય. એટલે તો માઘ મહિનાની પહેલી પંચમીને વસંતપંચમી નામ મળી ગયું અને ખરેખર કંઈ નહીં તો, આમ્રવૃક્ષોને બેઠેલી મંજરીઓ જોઈને તો આ પાનખર પણ હર્ષિત થઈ જાય. વસંતપંચમીને દિવસે એક વિદ્યાર્થિની આમ્રમંજરી લઈને મળવા આવી હતી. મને થયું કે, એને ભણાવેલી કવિતા એ ખરા અર્થમાં ભણી છે. ડાળીએ ડાળીએ આમ્રમંજરીઓ જોતાં આ વયે પણ હું કશીક અનામ વ્યાકુળતા અનુભવું છું. આમ્રમંજરી-પંચબાણ કામદેવનું – સૌથી તીક્ષ્ણ બાણ ગણાય છે એટલે હશે?

એક તો આ વખતે પવનો જ એવા વાતા હોય છે, જે આપણને ટાગોરની ભાષામાં ‘બાસાછાડા’ ઘર છોડેલા પ્રવાસીની માનસિકતામાં લઈ જાય, પછી ભલે આપણે ઘરમાં કેમ ન હોઈએ; અને જો બહાર નીકળ્યા હોઈએ અને રસ્તા પર, મેદાનમાં કે ઉદ્યાનમાં ઊડતાં પાંદડાં જોઈએ કે ઝાડ નીચે એના ઢગલા પર ચાલતાં થતો એક ખાસ અવાજ સાંભળીએ, તો દેશાવરે ગયા હોઈએ અને સ્વજન વિના એકલા થઈ ગયા હોઈએ એવો – સોરાયાનો બોધ કરાવે છે. પાછા પાંદડાં ખેરવતા, સૂ… સૂ… કરતા વાતા પવનો એ બોધને તીવ્ર કરતા લાગે. એટલે કદાચ કવિ ઉમાશંકરને તો એ પવનો ‘વિલાપ’ કરતા લાગ્યા છે. (‘વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ.’)

પાનખર અને વસંતના સંધિકાળના આ પવનોમાં જ્યારે હવામાન પણ સમશીતોષ્ણ હોય છે ત્યારે અનુભવાતી વ્યાકુળતા ઉત્તમ કવિતા વાંચતાં કે ઉત્તમ સંગીત સાંભળતાં, કાલિદાસ જેને ‘પર્યુત્સુકી’ ભાવ કહે છે, તેના જેવી હોય છે. તમે ગમે તેટલા ‘સુખી’ કેમ ન હો, પણ આવો જે વ્યગ્રતાબોધ જાગે છે તે તો જન્મ જન્માંતરની કોઈ મૈત્રીની અબોધ સ્મૃતિ હોય છે! કાલિદાસે શિશિર સમયને ‘ઋતુસંહાર’માં પ્રિયતમરહિતાઓ માટે એટલે કે વિરહિણીઓ માટે, ટાઢમાં એકલું સૂવું પડવાને લીધે કદાચ ‘ચિત્તસંતાપહેતુ’ – ચિત્તના સંતાપનું કારણ કહ્યો છે, પરંતુ એ પ્રિયતમારહિતોને માટે પણ સાચું જ ને!

પાનખર આવે એટલે કેટલાંક વૃક્ષો એકદમ પોતાનાં પાંદડાં ખેરવી નાંખે છે, એટલે સુધી કે માત્ર નગ્ન ડાળીઓ દેખાય. કેટલાંક વૃક્ષો ધીમેધીમે પાંદડાં ખેરવતાં એવી ગતિ રાખે કે હજી તો પુરાણાં પર્ણ ખરી રહ્યાં ન હોય ત્યાં તો તામ્ર પલ્લવો દેખા દેતાં થઈ જાય. હું જોતો હતો. અમારી બાલ્કની નીચેની સીતાફળી પાંદડાં ખેરવતી જ ગઈ, ખેરવતી જ ગઈ અને એકદમ નિરાવરણા તન્વી બની ગઈ. વચ્ચે બે ત્રણ દિવસ જ એના તરફ ધ્યાન નહોતું ગયું તે આજે જોઉં છું તો લંબાયેલી ડાળીઓ પર તરોતાજાં હરિત પર્ણો બેસી ગયાં છે. જ્યારે શ્રીમાન આસોપાલવ તો પોતાના ભર્યા ભંડારમાંથી હજુ પાંદડાં ખેરવે જાય છે અને બીજી બાજુએ નવ પલ્લવો પણ ધારણ કરતા જાય છે. જૂનાં ઘટ્ટ લીલાં પાંદડાં વચ્ચે નવી કંપળો કેટલી ‘નવી’ લાગે છે? આવા જ કોઈ દૃશ્યને જોઈને કાલિદાસને વલ્કલધારી તપસ્વીઓ વચ્ચે રહેલી શકુન્તલા માટે ઉપમા સૂઝી હશે – ‘મધ્યે તપોધનાનાં કિસલયમિવા પાણ્ડુ પાત્રાણામ્’ મને એ ઉપમાનું સૌંદર્ય આસોપાલવના જરઠ પાન વચ્ચે ફૂટેલ આ નવકૂંપળો જોઈ બરાબર પરખાય છે. અને જરા ધ્યાનથી જોઉં છું તો આસોપાલવની ડાળીએ એ કિસલયો સાથે હરિત મંજરી પણ પ્રકટી રહી છે. નજરને પણ, ઓહ! કેવી મુલાયમ લાગે છે!

દિવસની બપોરોમાં અમારા એ આસોપાલવની પર્ણઘટા અનેક પક્ષીઓની ગુજબુજથી એવી તો ગુંજી ઊઠે છે કે બપોરે આંખો ભલે અલસાની થાય, કાન સતેજ થઈ ઊઠે છે. બાજુની રાજપૂત બોર્ડિંગના ત્રણ મોટા લીમડા કપાઈ જતાં એ દિશા તો વૃક્ષવિહોણી ઉઘાડી પડી ગઈ છે, પણ આ એક જરા ઝૂકેલા લીમડા પરથી એટલાં બધાં પાંદડાં ખરી ગયાં છે કે ઊંચી ડાળીઓના ચૉકમાં પોતાના માળામાં ઈંડાં સેવતી સમડીને મારી બારીએથી જોઈ શકું છું.

આ દિવસોમાં કેટકેટલાં પંખીઓ પણ બોલે છે! બહાર-ભીતર પ્રસન્નતા વ્યાપી વળે છે. જોકે હજી કોયલનો અવાજ સંભળાતો નથી. શું ઉમાશંકરે કહેવા આવવું પડશે કે, ‘કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની!’ મને લાગે છે કે, પેલા અંગ્રેજ કવિની બરફ – આચ્છાદિત શિયાળા પછીની – ‘વિન્ટર’ પછીની વસંત (ઈફ વિન્ટર કમ્સ, કેન સ્પ્રિન્ગ બી ફાર બિહાઇન્ડ?) અને આપણી પાનખર પછીની વસંતનો સંધિકાળ ભિન્ન છે.

વગડામાં મહુડા કે કેસૂડાએ પાંદડાં ખેરવી નાખ્યાં છે. પુષ્પો ધારણ કરવાની આ પૂર્વ અવસ્થા છે. આપણી આસપાસ બહુ મહુડા પણ હવે તો નથી. એનાં રસ ઝરતાં રેશમી ફૂલ જેમણે ચૂસ્યાં નથી એ એક મદીલ સ્વાદથી વંચિત રહી ગયા છે. એ જો જરા તડકે ચૂમ્યાં હોય તો મગજમાં ‘ચડી’ જાય. શીમળો પણ આ વૃક્ષોનો બંધુ છે. અમારે ખેતરને શેઢે એક શીમળા(ચેમેર)નું ઝાડ હતું. વૃક્ષોમાં એ અસ્પૃશ્ય ગણાતું. એને અડકાય નહીં, અભડાઈ જવાય એવું કહેવામાં આવતું. કદાચ થડિયે, ડાળિયે એ કંટકિત હોવાને કારણે પણ હોય, પણ એમ તો ઘણાં ઝાડને કાંટા હોય છે. શીમળાને જ અડતાં કેમ અભડાઈ જવાતું હશે? શીમળાનું સંસ્કૃત નામ ભારઝલ્લુ છે – ‘શાલ્મલી.’ સંસ્કૃત સાહિત્યમાં એનાં ઘણાં વર્ણન આવે છે. જેની બખોલમાં કાદંબરીનો નમાયો વૈશંપાયન પોપટ મોટો થયેલો, બાણભટ્ટે એનું વર્ણન કર્યું છે. બંગાળીમાં શિમુલ નામથી ઓળખાય છે. શિમુલ વિષે ટાગોરની કવિતા છે. વિરાટ શિમુલને આવા દિવસોમાં શાંતિનિકેતનમાં ટાગોરની માટીના ઘર શ્યામલીના પ્રાંગણમાં ભારઝલ્લાં ફૂલોથી લચી પડેલો જોયેલો. આ શાલ્મલી વૃક્ષની આખી હાર, દિલ્હી જેવા નગરમાં, ચાણક્યપુરી વિસ્તારમાં, ગુજરાત ભવન પાસેની અશોકા હોટલ આગળની વિશાળ સડકની બન્ને બાજુએ ખીલી ઊઠી છે. થોડા દિવસ પહેલાં એક સાંજે આ શાલ્મલી વીથિ પર પસાર થવાનું બન્યું ત્યારે એવું લાગ્યું કે આ વૈભવી વિરાટ હોટલ આગળ આ શાલ્મલી વૃક્ષ અરણ્ય ઝુરાપો અનુભવી રહ્યાં છે.

મને લાગે છે કે, આપણે ત્યાં પાનખર અને વસંતનો વિરોધ નથી. વસંત પાનખરને હટાવીને આવતી નથી, કેમ કે એ જાણે છે કે પોતાના આગમન માટે પાનખરનું હોવું આવશ્યક છે. એટલે તો આ બંને ઋતુઓ કેટલાક દિવસો સખ્યસુખમાં વ્યતીત કરે છે.

હજુ તો ઘણા દિવસ હવામાં સૂકાં પાન ઊડ્યા કરશે અને દક્ષિણમાંથી પવન શરૂ થઈ ગયો હશે. એના સ્પર્શે બધે નવજીવનની કૂંપળો ફૂટવા માંડશે. જડત્વ ઉપર ચૈતન્યનો આ વિજય છે – ઘેરી ઉદાસીનતા પછી ઉલ્લાસનું આગમન જાણે. ટાગોરના એક ગીતમાં આ બધા ભાવ કેવા ગૂંથાઈ ગયા છે, તે સાંભળો. પાનખર વચ્ચે નવઆગન્તુક વસંત કહે છે :

“પથ ભૂલેલો હું એક પથિક આવ્યો છું. હે સંધ્યા વેળાની ચમેલી, સવારની હે મલ્લિકા, તમે મને ઓળખો છો?”

જવાબ મળે છે:

“હે નવપથિક તને બરાબર ઓળખીએ છીએ. તારા રંગીન વસ્ત્રના છેડા વનેવને ઊડી રહ્યા છે. અરે હે, ફાગણની પ્રભાતના બાવરા, ચૈત્રની રાત્રિના ઉદાસી, તારે પંથે અમે વહ્યાં આવ્યાં છીએ.”

વસંત પૂછે છે :

“જ્યારે વીણા વગાડતો વનને પંથે ફરી રહ્યો હોઉં છું ત્યારે, ઘર ત્યજેલા આ પાગલને કરુણ ગુંજનથી કોણ બોલાવી રહ્યું હોય છે?”

જવાબ મળે છે :

“અરે, ઓ ઉદાસી, હું – આંબાની મંજરી તને બોલાવી રહી છું. તને નજરે જોયાં પહેલાં જ મારી આંખમાં તારાં સ્વપ્નો જાગે છે, હૃદયમાં વેદના જાગે છે. તને ઓળખ્યા વગર જ તારા પ્રેમમાં પડી છું.”

વસંતના આપણે દરવાજે પણ ટકોરા પડી રહ્યા છે. ‘મને ઓળખો છો કે?’ આપણે એનું સ્વાગત કરવા દ્વાર ખોલીશું ને? એને આમ્રમંજરી જેવો જવાબ આપશું કે, ‘અરે, તને ઓળખ્યા વિના જ તારા પ્રેમમાં છીએ.

‘આવ, આવ.’

[૩-૩-‘૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.