તિલોત્તમા અને એક પંખિણી

હું બંકિમચંદ્રની ઐતિહાસિક નવલકથા ‘દુર્ગેશનંદિની’ની વિપત્તિગ્રસ્ત નાયિકા સુંદરી તિલોત્તમાના ભવિષ્યની ચિંતામાં વ્યગ્ર બની ગયો હતો. રાજકુમાર જગતસિંહને હવે એ કેવી રીતે મળશે? દુર્ગ પરની લડાઈમાં જગતસિંહ ઘાયલ થઈને હવે પઠાણ સુલતાન કતલુખાંના કારાગાર કેદમાં છે અને તિલોત્તમાને પણ એની અભિભાવિકા વિમલા સાથે બંદી બનાવી લેવામાં આવી છે. નવલકથાની વાત આગળ ચલાવવી હોય, તો નવલકથાકારને પોતાની ગરજે એ બંનેનું ક્યાંક તો મિલન ગોઠવવું પડશે એ હું જાણું છું. બધા નવલકથાકારો સસ્પેન્સ ઊભો કરીને વાચકોની મુગ્ધ કુતૂહલવૃત્તિનું શોષણ કરતા હોય છે. એમાં ‘વંદેમાતરમ્’ વાળા નવલસમ્રાટ બંકિમ પણ અપવાદ ન હોય. પરંતુ તિલોત્તમાનાં કમભાગ્ય કહો તો કમભાગ્ય, ઘાયલ અને બંદી રાજકુમાર જગતસિંહની શુશ્રુષા સ્વયં સુલતાનની પુત્રી આયેશા કરી રહી છે.

ત્યાં સુધી તો ઠીક પણ બંકિમચંદ્રે આયેશાને તિલોત્તમાના જેવી જ પરમ સુંદરી બતાવી છે. બંને પોતાના રૂપે કરીને અજવાળું અજવાળું કરે એવી છે, તેમાં તિલોત્તમાનું રૂપ બીજના ચંદ્ર જેવું શીળું, સ્વચ્છ, મધુર અજવાળું પાથરે છે. જોકે બંકિમચંદ્ર પાછા કહે છે કે, એ અજવાળામાં ઘરનું કામકાજ ન થાય, જ્યારે આયેશાના રૂપનું અજવાળું તો સવારના ઉદયમાન સૂર્યના અજવાળા જેવું છે – દીપ્ત, પ્રભામય, હાસ્યની પ્રફુલ્લતા ફેલાવતું.

જગતસિંહ શું હવે આયેશાના આવા રૂપનો બંદી થઈ જશે કે શું એ વિચારે તિલોત્તમાની ભવિષ્યની ચિંતામાં ગૂંચવાયેલો હું ચોપડીના પાના પરથી જરા નજર ઊંચી કરું છું અને કાન સરવા કરું છું તો બારી બહાર બાજુના ખુલ્લા પ્લોટની બોરડીની બેતરતીબ ઝાડીમાંથી એક પંખિણી (પંખિણી જ હશે!)નો લગાતાર મધુર સ્વર ગુંજી રહ્યો છે.

એ નાનકડી પંખિણી આમ તો રોજેરોજ ગાય છે અને એવું મધુર ગાય છે કે ચેતનામાં પ્રસન્નતાની એક લહેર વહી જાય છે. બહુ તરસ લાગ્યા પછી ઠંડું પાણી પીતાં જેવી શીતળતાનો અહેસાસ થાય એવી જાણે એકદમ ફિઝિકલ – શારીરિક સંવેદના. એ જ નાનકડી પંખિણી અણથંભ ગાઈ રહી હતી. તિલોત્તમાને કારણે હું બેચેન હતો એની એ પંખિણીને ખબર પડી ગઈ હશે કે શું? એ ગાયે જતી હતી અને એના સૂરે સૂરે તિલોત્તમાના ભાગ્ય વિષેનું મારું ટેન્શન ઓછું થતાં થતાં જાણે નિઃશેષ થઈ ગયું.

હું ઊઠીને બહાર બાલ્કનીમાં આવીને બોરડીની ઝાડી તરફ જોઉં છું. આછા રાખોડી રંગની એ નાની પંખિણી પૂંછડી હલાવતી તન્મયતાથી ગાઈ રહી છે. એકસૂરીલા સમયપ્રવાહમાં એનું ગાન મારા તનમનમાં અજબની ફૂર્તિ લાવી દે છે. હું પ્રસન્નતાના વિપુલ જળમાં તરતાં તરતાં ડૂબકીઓ ખાઉં છું. મને યાદ આવી ગઈ અનેક સાંજો, જેમાં સ્વિમિંગ પુલના સ્વચ્છ ભૂરાં પાણીમાં તરતાં તરતાં ડૂબકીઓ ખાતાં ચોમેર પાણીના અપાર હેતના સ્પર્શના અનુભવો હોય.

આ કયું પંખી છે? એ જ પ્રશ્ન. આવા એક ‘અચેના પાખિ’ની વાત વિષે એકવાર લખેલું ત્યારે આપણા પ્રસિદ્ધ ફોટોગ્રાફર અશ્વિન મહેતા, જે એટલા જ સારા પક્ષીવિદ્ છે, તેમણે એ અજાણ્યું પંખી કયું હશે એની ચર્ચા કરેલી અને એક નામ પણ કહેલું. પણ આ પંખી એ નથી. ફરી અશ્વિનભાઈને પૂછવું પડશે. એમને એ મધુર સ્વરનું વર્ણન કેવી રીતે કરી બતાવીશ? માત્ર અનિર્વચનીય. પંખીના રંગરૂપનું વર્ણન કરીશ. પણ એવા કદ અને રંગનાં કેટલાંક બીજાં પંખીઓ પણ અહીં આ નગર છેડે આવી જાય છે.

એ પંખી, ભલે હું માનું, પણ મારે માટે થોડું જ ગાય છે? એ તો બસ ગાય છે, અને વૈશાખની ચઢતી જતી બપોરે અત્યારે ઠંડો લાગતો પવન ધીમેધીમે ઉષ્ણ થતો જશે ત્યારે પણ. અત્યારે તો આ નાનકડા પંખીના ગાનનો એ સૂર શીતળતા સાથે ઉષ્મા પણ, મારા ખંડમાં વહી લાવે છે. હું બારી બહાર દેખાતા વિશાળ ભૂરા આકાશને જોતો એ શ્રવણસુભગ સૂર ઝીલું છું. વૈષ્ણવ કવિ ચંડીદાસના શબ્દો વાપરીને કહું તો, ‘કાનેર ભિતર ગિયા મરમે પશિલો ગો’ – કાનની અંદર જઈ મર્મને હૃદયને સ્પર્શી જાય છે. એ અવશ્ય આકુલ પણ કરે છે. પણ મારી આકુલતા એ પેલી ચંડીદાસી ગોપીની નહિ, એ તો છે કાલિદાસ કથિત – ‘મધુરાંશ્ચ નિશમ્ય શબ્દાન્–’ મીઠા સ્વરો સાંભળીને થતી આકુલતા.

નગરના પેલા પ્રસિદ્ધ ડ્રાઈવ-ઈન રોડથી મારું ઘર ભલે થોડુંક અંદર છે, પણ ઘોંઘાટ કરતા વાહનોના ચાલવાના કર્કશ અવાજ કે હોર્નના અપ્રિય અવાજ અહીં સુધી થોડાઘણા પહોંચી જાય ખરા.

ત્યાં આ પંખીનો સૂર! કેટલું નાનકડું પંખી! ચકલીથીય નાનું. પણ કેવી ગજબની પ્રાણશક્તિ છે કે વણથંભ એના કદથી ઊંચે સૂરે ગાયે જ જાય છે. અવશ્ય, એક સ્થળે એ બેસી રહેતું નથી, આમથી તેમ ઊડાઊડ કરે છે, ક્યારેક નીચેની સીતાફળીની ઘટામાં કે કરેણ પર કે વચ્ચેની કંપાઉન્ડ વોલના તાર પર બેસીને ગાય છે, વળી ઊડી જઈ બોરડી પર બેસે છે અને હવે ગાતાં ગાતાં થંભે છે.

એ સૂરસમાધિમાંથી જાગીને જોઉં છું તો સામે ટેબલ પર બંકિમચંદ્રની દુર્ગેશ-નંદિનીનાં પાનાં ફડફડ ઊડતાં ગયાં છે અને ઘાયલ શય્યાગ્રસ્ત રાજકુમારના પલંગ પર બેસી એની શુશ્રુષા કરતી આયેશાવાળા પ્રકરણનાં પાનાંથી આગળની ઘટનાઓવાળાં પાનાં આવી ગયાં છે. અહીં સુધીમાં શું થયું હશે તિલોત્તમાનું?

અને ફરી તિલોત્તમા વિષે વિચારવા લાગું છું. બંકિમચંદ્ર શા માટે પઠાણકન્યા આયેશાને બરાબર કથાને મધ્યભાગે લાવ્યા હશે તેના કલાગત ઔચિત્યનો વિચાર કરવા લાગું છું. ધારો કે, આયેશાના નવ સૂર્યોજ્વલ રૂપથી જગતસિંહ ખેંચાઈ જાય તોય શું એક રાજપૂત યુવક અને મુસ્લિમ શાહજદીનાં લગ્ન થવાની એ મધ્યયુગમાં કશી સંભાવના ખરી? આયેશાના પ્રસ્ફુટિત થતા પ્રેમમાં પહેલેથી જ એનો કરુણ અંત નથી શું? નવલકથાકાર બંકિમચંદ્રને સમગ્ર નવલસંઘટનની દૃષ્ટિએ એ અભિપ્રેત હશેય ખરું. કદાચ આ બધું એમની યોજનામાં હશે, પણ મારે આયેશા, તિલોત્તમા અને જગતસિંહના પ્રણયત્રિકોણની સંભાવ્યતા વિષે વિવેચનાત્મક દૃષ્ટિએ જોવું પડશે. તો જ વિવેચક કહેવાઉં!

પણ અહીં તિલોત્તમાની વાત એટલેથી રહી. વૈશાખનો તડકો આયેશાના રૂપ કરતાં વધારે વધારે દીપ્ત થઈ ગયો છે. ‘દીપ્ત’ શબ્દ તો, જરા બંકિમી શૈલીમાં, ‘આકરો’ થયો છે એમ કહીએ એ જ ઠીક થશે. પેલી પંખિણી તો ઊડી ગઈ છે. ક્યાં ગઈ હશે? મને આખા પંખી જગત વિષે વિચાર આવે છે. ઉમાશંકરનું શ્રેષ્ઠ સર્જન ‘પંખીલોક’ યાદ આવે છે. સમકાલીન હિંદી કવિતામાં તો ભાગ્યે જ કોઈ કવિ હશે, જેણે ‘ચીડિયા’ વિષે કવિતા ન કરી હોય. ચીડિયા, નદી, મા, પેડ, વતનનું ઘર આ બધા સમકાલીન હિંદી કવિતાના મુખ્ય વિષયો છે.

બહુ પહેલાં અશોક વાજપેયીની ‘ચીડિયા’ વિષેની એક કવિતા વાંચેલી. તેમાં કંઈક એવી વાત હતી કે કોઈ ચીડિયાને કદી માણસની જેમ ઘરડી થઈ ટાંટિયા ઘસતી કોઈએ જોઈ નથી. – એ પહેલાં જ એ તો મરી ખપી જાય છે.

એ કવિતા શોધવા અશોક વાજપેયીનો એક કાવ્યસંગ્રહ કાઢ્યો. એ પંખીવાળી કવિતા તો ન મળી, પણ બીજી એક પંખીઓ (ચીડિયાઁ) વિષેની કવિતા મળી. જરા વધારે પડતો ફિલસૂફીનો પૂટ એના પર ચઢાવી દીધો છે, તેમ છતાં થોડી પંક્તિઓ ગમશે :

ચિડિયાં આયેગી
હમારા બચપન
ધૂપ કી તરહ અપને પંખોં પર
લિયે હુએ.
કિસી પ્રાચીન શતાબ્દી
અંધેરે સઘન વન સે
ઉડકર ચિડિયાં આયેગી,
ઔર સાયે કી તરહ
હમ પર પડે સજલ વક્ત કે તિનકે
બીનકર બનાયેંગી ઘોસલેં.
ચિડિયાં લાયેંગી
પીછે છૂટ ગયે સપને,
પુરખોં કે હિસ્સે
ભૂલે-બિસરે છંદ
ઔર સબકુછ
હમારે બરામદેં મેં છોડકર
ઉડ જાયેંગી.
ચિડિયાં ન જાને કહાં સે આયેંગી?
ચિડિયાં ન જાને કહાં જાયેગી?

[૨૨-૬-’૯૭]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.