સુખ નામે પ્રદેશ

ખલિલ જિબ્રાનની એક કથા છે :

એક અત્યંત સાધારણ સ્થિતિનો માણસ રસ્તે જઈ રહ્યો છે. એના પગમાં જોડા નથી. ઉઘાડે પગે જ ચાલે છે. એ રસ્તે અનેક માણસો આવન-જાવન કરી રહ્યા છે. બધાંના પગ પર એની નજર જાય છે. બધાંના પગમાં જોડા છે. એ જોઈને તો એને પોતાની દયનીય અવસ્થા પર ભારે ખેદ ઊપજે છે. એને લાગે છે કે, ઈશ્વરે એના પ્રત્યે ભારે અન્યાય કર્યો છે : મારા પગમાં જોડા પણ નહિ?

આમ, ઈશ્વરને મનોમન દોષ દેતો એ જતો હોય છે ત્યાં સામેથી એક લંગડા માણસને મહાપ્રયત્ન કાખઘોડીને સહારે ચાલતો આવતો જુએ છે. એના પગ પર નજર જતાં જોડાની વાત તો બાજુએ, પણ એને તો એક પગ જ નહોતો. એ જોતાં તે એકાએક બોલી ઊઠ્યો : “ભલા ભગવાન, તું કેવો દયાળુ છે મારા પ્રત્યે! પેલાને તો એક પગ જ નથી, જ્યારે મને ચાલવા સાજાનરવા બે પગ તો છે.”

ઘણી વાર મને થાય છે કે, આપણે બધા જિબ્રાનની આ કથાના માણસ જેવા છીએ. તેમાં ફરક માત્ર એટલો જ છે કે આપણે સતત જોડા પહેરીને ચાલતા માણસોને જ જોઈએ છીએ, પણ કોઈ અપંગ પર આપણી નજર પડતી નથી. ડગલે ને પગલે આપણા ઉઘાડા પગ જોઈએ છીએ ને મનોમન ઈશ્વરના અન્યાયનો અનુભવ કરી દુઃખી થયા કરીએ છીએ.

અને પછી ‘જોડા’ મેળવવાનો ધખારો સેવતા થઈ જઈએ છીએ. પોતે સારી રીતે ચાલી શકે છે એ ભૂલી જઈ પેલાના જેવા જોડા કેમ કરીને પોતાને મળે એ જ ચિંતાનો વિષય બની જાય છે. સતત અસંતોષનાં ઈંધણ પ્રદીપ્ત રાખી એની આગમાં બળ્યા કરીએ છીએ.

અમુક માણસોની પાસે પોતાનું ઘર છે પણ મારે ઘર નથી. ચાલો, કોઈ પણ રીતે ઘર બનાવીએ. ઘર બનાવ્યું, પણ અમુક માણસોનાં ઘર કેવાં વૈભવી અને સુંદર છે! તેની સરખામણીમાં આ તો ઝૂંપડું જ કહેવાય. કદાચ એવું વૈભવશાળી ઘર બનાવીએ તો? મહેલ જેવી આલિશાન ઇમારતો જોઈને પાછા નિસાસા નાંખીએ. આપણી પોતાની પાસે જ છે એનું સુખ પણ આપણે લઈ શકતા નથી. અહીં રવિ ઠાકુરનું એક મુક્તક યાદ આવે છે?

નદીર એ પાર કહે છાડિયા નિશ્વાસ
ઓ પારેતે સર્વસુખ આમાર વિશ્વાસ
નદીર ઓ પાર બસિ દીર્ઘશ્વાસ છાડે–
કહે, યાહા કિછુ સુખ સકલઈ ઓપારે.

અર્થાત્, નદીનો આ કાંઠો નિસાસા નાખીને કહે છે કે, જેટલાં સુખો જગતમાં છે તે સામેના કિનારે છે. જ્યારે સામેનો કાંઠો બેઠો બેઠો એનાથીય લાંબા નિસાસા નાંખે છે અને કહે છે : જે કંઈ સુખો જગતમાં છે તે તમામ પેલે કાંઠે છે.

ખલિલ જિબ્રાનના પેલા માણસ જેવી જ કંઈક વાત. આપણા લોકોને તમામ સુખ સામેના કાંઠે દેખાય છે અને આપણને જાણે સુખથી વંચિત રાખવામાં આવ્યા છે અથવા સુખ આપણી પાસેથી સરકી ગયું છે અને એ સુખ સામેના કિનારે જઈ વસ્યું છે એમ લાગે છે. પણ સામેના કિનારાની પણ એવી જ મનોદશા છે. એની ક્યાં આપણને ખબર છે!

ખુલ્લા પગ છે, પણ તે ચાલવાને સમર્થ છે, દોડવાને સમર્થ છે તે સ્થિતિનો વિધાયકભાવે સ્વીકાર સુખી થવાનું કદાચ એક લક્ષણ છે. અસૂયા અને સ્પર્ધા મનુષ્ય જીવનનાં પ્રચાલક બળોમાં અગ્રણી છે. આપણે સ્પર્ધાભાવથી જીવીએ છીએ અને તેથી કદાચ પોતાની રીતે નહિ, પણ અન્યની નજરે, અન્યની તુલના-અપેક્ષાના સંદર્ભે જીવીએ છીએ. સુખનો આપણો બોધ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓની તુલનામાં હોય તેમ સુખને આપણે સાપેક્ષ બનાવી દીધું છે. એટલે જ અગાઉ કહ્યું તેમ ઘર વિનાનો ઘરવાળાને સુખી માને છે, ઘરવાળો બંગલાવાળાને સુખી માને છે અને એમ જોઈએ તો એવું લાગે કે જાણે કોઈ સુખી નથી.

સુખ એક મનઃસ્થિતિ છે. ‘માનીએ તો સુખ, નહિતર દુઃખ’ એમ આપણે ઘણી વાર કહેતા આવ્યા છીએ. સુખ માનવું એટલે પ્રાપ્ત કે પ્રાપ્યનો સહજભાવે સ્વીકાર. આમ જોઈએ તો, સંસારમાં સુખ કરતાં દુઃખ વધારે દેખાય છે. એક કવિએ કહ્યું છે તેમ દુઃખોનો તો દરિયો છે અને સુખ તો એ દરિયામાં નાનકડું મોતી છે. એ મોતીની શોધ માણસ એવી અણઘડ રીતે કરે છે કે એના હાથમાં એ નંદવાયેલા રૂપે મળે છે અને ઘણુંખરું તો કદાચ એ મળતું જ નથી.

કેમકે, આપણી સુખની શોધ અકબર-બિરબલની પેલી વાર્તાના પ્રમાણિત મૂર્ખની શોધ જેવી છે. અકબરે બિરબલને દિલ્હી નગરમાંથી દસ મૂર્ખાઓને શોધી કાઢવાનો આદેશ આપ્યો. દિલ્હીમાં તથા કથિત ડાહ્યા તો ઘણા મળે, પણ જેને મૂર્ખતાનું પ્રમાણપત્ર આપી શકાય એવા મૂર્ખ શોધવા તો ઘણું મુશ્કેલ. તેમાં એક મૂર્ખ બિરબલને ભેટી ગયો રસ્તે જતાં.

રાત હતી અને સડકના દીવાના અજવાળા નીચે તે આમતેમ ફંફોસતો હતો. બિરબલે પૂછ્યું : “શું શોધે છે?” તેણે કહ્યું : “મારી પાવલી પડી ગઈ છે.” બિરબલ પણ શોધવા લાગ્યો પણ મળી નહિ. આખરે બિરબલે પૂછ્યું, “ક્યાં ખોવાઈ છે તારી પાવલી?” એણે અત્યંત આત્મવિશ્વાસથી કહ્યું, “ત્યાં પણે, અંધારામાં.”

“તો પછી અહીં કેમ શોધે છે?”

“અહીં અજવાળું છે ને એટલે.”

જ્યાં જે નથી, ત્યાં તેની આપણે શોધ ચલાવી રહ્યા છીએ. આપણે બહાર, જોડા પહેરેલા લોકોમાં, નદીના સામે કાંઠે સુખની તપાસ ચલાવીએ છીએ, પણ સુખનું અધિષ્ઠાન તો કદાચ આપણું મન છે, આપણે પોતે છીએ. એટલે કે સુખ આ કાંઠે પણ છે અને એકદમ ખુલ્લે પગેય તે મળી શકે એમ છે.

[૨-૪-૯૫]

License

ચિત્રકૂટના ઘાટ પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.